નાનો હતો ત્યારે પિતાજી મને ‘ગાંધી’ ફિલ્મ જોવા લઈ ગયા હતા, જે મારે નીચે બેસીને જોવી પડી હતી કેમ કે...
દક્ષિણ ભારતીય સિનેમામાં સૌથી વધુ અર્થપૂર્ણ ફિલ્મો મલયાલમ ભાષામાં બને છે. દેશના સૌથી શિક્ષીત આ રાજ્યમાંથી એક દલિત વ્યક્તિ કે જે વ્યવસાયે ડૉક્ટર છે, છતાં ફિલ્મલાઈનમાં આવ્યા અને ત્રણ નેશનલ ઍવોર્ડ મેળવ્યાં તેની કહાની સ્વાભાવિક રીતે જ સંઘર્ષભરી હોવાની. અહીં ડૉ. બીજુની ડૉક્ટરથી ફિલ્મમેકર બનવાની કહાની તેમના જ શબ્દોમાં રજૂ કરીએ છીએ.
બીજુ (બીજુકુમાર દામોદરણ) એ ભારતીય સિનેમામાં મલયાલમ ભાષાના રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મ દિગ્દર્શક છે. વર્ષ ૨૦૧૪માં તેમની ફિલ્મ Perariyathavar (Names Unknown)ને કુલ બે રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત થયા હતા, જેમાં Best Film on Environment Conservation/Preservation અને Best Actor ની શ્રેણીનો સમાવેશ થાય છે. વર્ષ ૨૦૧૫માં આવેલી તેમની ફિલ્મ Valiya Chirakula Pakshikal (Birds With Large Wings)ને પણ Best Film on Environment Conservation/Preservation ની શ્રેણીનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે. આ ફિલ્મનો વિષય એક કુદરતી હોનારત પર આધારિત હતો. જેમાં વર્ષ ૧૯૭૬ થી ૨૦૦૦ દરમિયાન કેરળમાં એન્ડોસલ્ફાઈન પેસ્ટીસાઈડના વપરાશના કારણે ૫૦,૦૦૦ કરતાં વધુ ગામડાંઓમાં તેની આડઅસર થઇ હતી, અને તેનાં કારણે પુરુષો, મહિલાઓ, બાળકો, માછલીઓ, દેડકાં અને પાલતુ પ્રાણીઓનાં મૃત્યુ થયાં હતાં. અહીં આપણે ડૉ. બીજુના જીવન અને તેમના સંઘર્ષ વિશે માંડીને વાત કરીશું. પ્રસ્તુત છે ડૉ. બીજુના જીવન અને તેમના સંઘર્ષ વિશેની વાત તેમના જ શબ્દોમાઃ
“હું કેરળના ગ્રામીણ વિસ્તારમાંથી આવું છું. મારા પિતા સરકારી કર્મચારી હતા અને ક્લાર્ક તરીકે કાર્ય કરતા હતા. મારા માતાપિતાને સિનેમા સાથે કોઈ સંબંધ નહોતો અને ફિલ્મમેકિંગના ક્ષેત્રમાં ભવિષ્ય કેવું છે તે અંગે પણ તેઓને કોઈ ખ્યાલ નહોતો, છતાં પણ તેમણે મને ક્યારેય નિરાશ કર્યો નથી અને ફિલ્મ બનાવતી વખતે મને ખૂબ મદદ કરી છે. મને યાદ છે કે બાળપણમાં મારા પિતા મને રિચાર્ડ એટેનબરોની ફિલ્મ ‘ગાંધી’ જોવા લઇ ગયા હતા. મારે આ ફિલ્મ નીચે બેસીને જોવી પડી હતી કારણ કે હું એક દલિત પરિવારમાંથી આવું છું અને માત્ર ઉચ્ચ વર્ગના લોકો જ ખુરશીમાં બેસીને ફિલ્મ જોઈ શકતા હતા.”
“મને બાળપણથી જ વાંચનની એક સારી આદત હતી અને મને યાદ છે ત્યાં સુધી હું ચોથા ધોરણમાં હતો ત્યારે હું મારા ઘર પાસેના એક પુસ્તકાલયનો સભ્ય બન્યો હતો અને દરરોજ એક પુસ્તક લાવીને વાંચતો હતો. મેં મારા શાળાકીય સમયમાં જ ઘણાં બધા મલયાલમ લેખકોને વાંચી લીધા હતા. એક સમયમાં મારી પાસે આસપાસના ગામડાંઓમાં થઈને કુલ છ પુસ્તકાલયોનું સભ્યપદ હતું. પુસ્તકો અને વાંચન થકી મેં મારી આસપાસના વિશ્વને જાણ્યું છે. હું કોલેજમાં આવ્યો ત્યાં સુધી મેં માત્ર વ્યવસાયિક મલયાલમ ફિલ્મો જ જોઈ હતી અને જ્યારે હું ઉચ્ચ શિક્ષણ માટે ત્રિવેન્દ્રમ આવ્યો ત્યારે તે સમયે ત્યાં The Kerala International Film Festivalનું આયોજન કરવામાં આવ્યું હતું. મેં ત્યાં ફિલ્મ ફેસ્ટિવલમાં ઘણી ઈરાનિયન અને ટર્કીશ ફિલ્મો જોઈ અને મને એ વાતનો અનુભવ થયો કે આ તમામ ફિલ્મો મલયાલમ ફિલ્મો કરતાં ખૂબ અલગ હતી અને તેમાં રાજકીય, સામાજિક અને કાવ્યાત્મક દ્રષ્ટિકોણ રહેલો હતો. ઈરાનિયન સિનેમાએ મારા મન પર ખૂબ ઊંડી અસર કરી.”
“હું વ્યવસાયે હોમિયોપેથી ડૉક્ટર છું. પહેલા હું ડૉક્ટર બન્યો અને ત્યાર બાદ ફિલ્મમેકિંગના વ્યવસાયમાં આવ્યો. હું માનું છું કે ફિલ્મમેકિંગ એ કમાણી કરવા માટેનો વ્યવસાય નથી પરંતુ એ એક પ્રકારનો જુસ્સો (Passion) છે. હું જે ક્ષણે એવું વિચારીશ કે મારે ફિલ્મમેકિંગ થકી કમાણી કરવી છે તે ક્ષણે હું મારી વિચારધારા અને મારા સામાજિક દ્રષ્ટિકોણને ગુમાવી બેસીશ. મને મારા ડૉકટરના વ્યવસાય થકી જે કમાણી થાય છે તેનાથી હું સંતુષ્ટ છું અને એટલે જ મને ફિલ્મ બનાવતી વેળાએ વિવિધ વિષયો પસંદ કરવાની અને તેને ન્યાય આપવાની આઝાદી મળે છે.”
“હાલ હું એક સરકારી નોકરી કરું છું અને તેની સાથે સમય કાઢીને ફિલ્મો બનાવું છું. મારું માનવું છે કે આપણા દેશમાં કેટલાય લોકો ફૂટપાથ પર રહે છે, છતાં આપણે ૧૦૦ કરોડની ફિલ્મો કેમ બનાવીએ છીએ? આ લોકોને સરકાર તરફથી પણ કોઈ મદદ મળતી નથી અને મુખ્ય પ્રવાહનું મીડિયા પણ આ પ્રકારના મુદ્દાઓને પ્રકાશમાં લાવતું નથી. મારા મત મુજબ એક કલાકાર હંમેશાં સમાજ તરફી હોવો જોઈએ અને તેણે તેના કાર્યમાં સામાજિક મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને મારી પણ આ જ વિચારધારા છે. છેલ્લાં પાંચ-છ વર્ષમાં મેં ઘણું બધું વૈશ્વિક સિનેમા જોયું છે અને દર વર્ષે હું આશરે ૧૦ જેટલાં ફિલ્મ ફેસ્ટિવલમાં મારી ફિલ્મ સાથે અથવા એક જ્યુરી તરીકે હાજરી આપું છું અને આ સાથે મેં વિશ્વભરના ફિલ્મ દિગ્દર્શક સાથે ઘણો સારો સંબંધ વિકસાવ્યો છે. મારા પ્રિય ફિલ્મમેકરમાં સાઉથ કોરિયન દિગ્દર્શક કિમ કી ડુક અને ઈરાનિયન ફિલ્મ દિગ્દર્શક માજીદ મજીદી અને સાથે રોમન પોલાન્સકી પણ સામેલ છે.”
“કેરળમાં ઘણાં બધાં લોકોને મારી ફિલ્મો વિષે કોઈ ખ્યાલ નથી અને મારી ફિલ્મો તેઓએ જોઈ પણ નથી, કારણ કે કેરળના થિયેટરોમાં આ પ્રકારની ફિલ્મો પ્રદર્શિત કરવામાં આવતી નથી અને સાથે The Kerala International Film Festival માં પણ અત્યાર સુધી મારી કોઈ પણ ફિલ્મને યોગ્ય ન્યાય મળ્યો નથી. મારી તમામ ફિલ્મોને વૈશ્વિક સ્તરે ફિલ્મ ફેસ્ટિવલમાં ઘણી ખ્યાતિ મળી છે. આપણા દેશમાં કેરળ સિવાય અન્ય રાજ્યોમાં પણ મારી ફિલ્મોની જે-તે ફિલ્મ સમીક્ષકો દ્વારા પ્રશંસા કરવામાં આવી છે. મેં અત્યાર સુધી કુલ છ ફિલ્મો બનાવી છે અને આ તમામ ફિલ્મોને રાષ્ટ્રીય તેમ જ આંતરરાષ્ટ્રીય પુરસ્કાર મળ્યા છે. મેં ફિલ્મ બનાવવા માટેનું કોઈ પ્રકારનું શિક્ષણ મેળવ્યું નથી અને માત્ર ફિલ્મ્સ જોઈ અને તેનો અનુભવ કરીને હું ફિલ્મમેકર બન્યો છું.”
“મારી પ્રથમ ફિલ્મ બનાવતી વખતે મેં મારા જીવનમાં સૌપ્રથમ વખત ફિલ્મ શૂટિંગ કેમેરા જોયો હતો. મેં મારી પ્રથમ ફિલ્મ ‘Saira’ ૧૬ લાખના બજેટમાં બનાવી હતી અને આ ફિલ્મ માટે હું લગભગ ૬૦ નિર્માતાઓને મળ્યો હતો. પણ તે તમામ લોકોએ મારી ફિલ્મ અને તેના વિષયને નકારી કાઢ્યા હતા. મારા મત પ્રમાણે સિનેમાનું સમાજમાં ઘણું મોટું યોગદાન રહેલું છે પણ આજકાલ આપણે ફિલ્મોને માત્ર મનોરંજન માટે જ બનાવીએ છીએ. પરંતુ ફિલ્મોમાં એ પ્રકારનો સામાજિક દ્રષ્ટિકોણ અને મુદ્દાઓ હોવા જોઈએ કે જેને ભવિષ્યમાં પણ ચર્ચા માટેનું યોગ્ય સ્થાન મળી રહે. કોઈપણ ફિલ્મ પર ક્યારેય પ્રતિબંધ મૂકવો જોઈએ નહિ અને દરેક ફિલ્મમેકરને તેની અનુકૂળતા મુજબની ફિલ્મ બનાવવા માટેની આઝાદી હોવી જોઈએ, એ પછી દર્શક પર એ વાત છોડવી જોઈએ કે તેમને જે-તે વિષય આધારિત ફિલ્મો જોવી કે નહિ.”
“મારી પ્રથમ ત્રણ ફિલ્મોને “Terror Trilogy” તરીકે ઓળખવામાં આવે છે. જેમાં Saira (2005), Raman (2008) અને The Way Back Home (2010) નો સમાવેશ થાય છે. મારી ફિલ્મોમાં સામાજિક મુદ્દાઓ જોવા મળે છે કારણ કે હું એક પછાત સમાજમાંથી આવું છું અને આ પ્રકારના સામાજિક મુદ્દાઓને મેં નજર સામે જોયા અને અનુભવ્યા છે. આપણને જ્યારે પણ કોઈ પ્રકારની અન્ય સગવડો પ્રાપ્ત થાય ત્યારે આપણે એ વિચારવું જોઈએ કે આપણા દેશમાં અને દુનિયામાં એવા ઘણાં લોકો છે કે જેમને આ પ્રકારની કોઈ સુવિધાઓ મળતી નથી. માટે જ્યારે આપણે કશુંક પ્રાપ્ત કરીએ ત્યારે આપણે તે અન્ય લોકોને પણ કશું આપવું જોઈએ અને એ જ મારી વિચારધારા છે.”
ફિલ્મમેકર ડૉ. બીજુની અન્ય ફિલ્મો અદ્રશ્ય જલકંગલ, સ્થલમ, પેઈન્ટિંગ લાઈફ, સાઉન્ડ ઓફ સાયલન્સ વગેરે છે. તેઓને અત્યાર સુધીમાં કુલ 3 નેશનલ એવોર્ડ મળ્યા છે.
નિલય ભાવસાર (લેખક વ્યવસાયે પત્રકાર અને અર્થપૂર્ણ ફિલ્મો જોવાના શોખીન છે.)
આગળ વાંચોઃ Kaala - સિનેમાના પડદે રજૂ થયેલી દલિત અસ્મિતાની સિંહગર્જના
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.