પડોશી સવર્ણ પરિવારના ત્રાસથી વાલ્મિકી યુવકે ગળેફાંસો ખાઈ લીધો

વાલ્મિકી યુવકે આખી જિંદગીની મૂડી ભેગી કરીને નવું ઘર ખરીદ્યું હતું, પણ સવર્ણ પડોશીઓ તેનું સતત અપમાન કરી ઘર વેચી દેવા દબાણ કરતા હતા.

પડોશી સવર્ણ પરિવારના ત્રાસથી વાલ્મિકી યુવકે ગળેફાંસો ખાઈ લીધો
image credit - Google images

valmiki youth hanged himself due to the torture of the neighboring savarna family : ગુજરાતમાં જાતિવાદી માનસિકતાની કલેક્ટર નેહાકુમારી દુબેએ સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ પર એટ્રોસિટીના ખોટા કેસ કરવાનો તદ્દન પાયાવિહોણો આરોપ લગાવીને હોબાળો મચાવ્યો છે. બીજી તરફ તેમના નિવેદનને ખોટી પાડતી એક ઘટના સામે આવી છે, જેમાં એક દલિત યુવકે જાતિગત અપમાનોથી કંટાળીને આત્મહત્યા કરી લીધી છે. મૃતકે એક વીડિયો પણ જારી કર્યો છે, જેમાં તે કહી રહ્યો છે કે, "ચોક્કસ જાતિમાં હું જનમ્યો એમાં મારો શું વાંક?" પોલીસે આ મામલે ત્રણ લોકો વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. મૃતક યુવકના પરિવારમાં પત્ની અને બે દીકરીઓ છે.

યુવકનું નામ નીરજ વાલ્મિકી (Neeraj Valmiki) હતું. તેણે આત્મહત્યા કરતા પહેલા જે વીડિયો બનાવ્યો હતો તેના શબ્દો પર ધ્યાન આપો..."મારો જન્મ એક વંચિત જાતિના પરિવારમાં થયો છે, આમાં મારો શું વાંક? પડોશીઓ જાતિ આધારિત શબ્દો બોલીને સતત મારું અપમાન કર્યા કરે છે. શું વંચિત જાતિમાં જન્મ લેવો એ ગુનો છે? એવું લાગે છે કે, વંચિત જાતિમાં જનમ્યો હોવાથી હું મારી જાતને નફરત કરવા લાગ્યો છું..." રવિવારે આ વીડિયો પોલીસને સોંપવામાં આવ્યો હતો અને આરોપીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી.

યુપીના બરેલીની ઘટના
ઘટના ઉત્તરપ્રદેશ (UP) ના બરેલી (Bareilly) ની છે. અહીં જિલ્લા હોસ્પિટલમાં સફાઈ કામદાર (cleaner) તરીકે કામ કરતા નીરજ વાલ્મિકી (Neeraj Valmiki) એ જાતિવાદી પડોશીઓના ત્રાસથી કંટાળીને આત્મહત્યા (hanged himself) કરી લીધી છે. નીરજની પત્ની નીતુએ કહ્યું કે જાતિવાદી તત્વો તેના પતિ પર ઘર વેચવાનું દબાણ કરતા હતા. તેનાથી કંટાળીને તેણે આત્મહત્યા કરી લીધી છે. આ મામલે ઈજ્જતનગર પોલીસ સ્ટેશનમાં SC/ST એક્ટ હેઠળ આત્મહત્યા માટે ઉશ્કેરવાનો કેસ નોંધવામાં આવ્યો છે. રામભરોસે, હરીશ અને શ્યામ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે રામભરોસે અને શ્યામને કસ્ટડીમાં લીધા છે, જ્યારે રામભરોસેનો બીજો પુત્ર હરીશ હાલ રાંચીમાં છે. (સવર્ણ મીડિયાએ ફરી ચાલાકી કરી છે. એક પણ મીડિયા રિપોર્ટમાં આરોપીઓની અટક કે જાતિનો ઉલ્લેખ નથી. જેના કારણે આરોપીઓ કઈ જાતિના છે તે ખ્યાલ ન આવે.)

આરોપીઓ જાતિસૂચક ગાળો ભાંડી મકાન વેચવા દબાણ કરતા હતા
પ્રેમનગરની વાલ્મિકી વસ્તીમાં રહેતા મૃતક નીરજના પત્ની નીતુએ જણાવ્યું કે તેમના પતિ નીરજ ઉર્ફે બલ્લે જિલ્લા હોસ્પિટલમાં સફાઈ કામદાર હતા અને તેમણે ત્રણ વર્ષ પહેલા રાજવીર વર્મા અને કિરણ વર્મા પાસેથી 22 લાખ રૂપિયામાં કૈલાશપુરમ, ડેલાપીરમાં ઘર ખરીદ્યું હતું. આરોપ છે કે પડોશમાં રહેતો એક માથાભારે શખ્સ અને તેના બે પુત્રો ઘર પર કબજો કરવા માંગતા હતા. જેના કારણે તેઓ નીરજ પર ઘર વેચવા માટે સતત દબાણ કરી રહ્યા હતા. કંટાળીને નીરજે નવું લીધેલું ઘર ભાડે આપીને પોતે અન્ય જગ્યાએ રહેવા જવાનું નક્કી કર્યું હતું. આ માટે તે શુક્રવારે એક આશા વર્કરને લઈને કૈલાશપુરમ ખાતેનું પોતાનું ઘર બતાવવા જઈ રહ્યો હતો. જ્યાં આરોપીઓ રસ્તામાં મળી ગયા હતા અને તેને જાતિસૂચક ગાળો ભાંડી જાહેરમાં અપમાનિત કર્યો હતો. આ હેરાનગતિથી કંટાળીને નીરજ વાલ્મિકીએ હતાશ થઈને આત્મહત્યા કરી લીધી હતી.

નીરજે ગળેફાંસો ખાઈ લીધો, મોબાઈલમાંથી વીડિયો મળ્યો
શુક્રવારે નીરજની લાશ લટકતી હાલતમાં મળી આવ્યા બાદ તેના સંબંધીઓ પણ સમજી શક્યા નહોતા કે તેણે આવું પગલું કેમ ભર્યું. બાદમાં તેનો મોબાઈલ ફોન તપાસતા તેમાંથી આત્મહત્યા કરતા પહેલા તેણે બનાવેલો વીડિયો મળી આવ્યો હતો. જેમાં તે કહી રહ્યો છે કે તેણે, "કૈલાશપુરમમાં 20.50 લાખ રૂપિયામાં મકાન ખરીદ્યું છે, ત્યારથી પડોશી તેનું અપમાન કરી રહ્યો હતો. તે કહતો હતો કે એક અસ્પૃશ્ય જાતિના યુવકને મકાન કેમ આપ્યું છે. તે શબ્દોથી ટોર્ચર કરતો હતો. શું વંચિત જાતિના પરિવારમાં જન્મ લેવો ગુનો છે? હું સરકારને કહેવા માંગુ છું કે નવો આદેશ લાવીને આવા શબ્દો દૂર કરે. લોકો આવા જાતિસૂચક શબ્દો કહીને અમારું અપમાન કરે છે."

સવર્ણ પડોશીઓના ત્રાસથી આત્મહત્યા કરી લીધી
નીરજ વાલ્મિકીના સંબંધીએ પોલીસને જણાવ્યું હતું કે પ્રેમનગરમાં નીરજનું જૂનું મકાન હતું. થોડા સમય પહેલા જ્યારે તેણે કૈલાશપુરમમાં નવું ઘર ખરીદ્યું ત્યારે તેના પાડોશીએ વાંધો ઉઠાવ્યો હતો અને તેને ત્યાં રહેવા નહોતો દીધો. આથી નીરજ એ મકાન બીજા કોઈને વેચી દેવા માંગતો હતો, પણ પડોશી તેમાં પણ દાદાગીરી કરતો હતો અને તેનું અપમાન કરતો હતો. શુક્રવારે નીરજ એક આશા વર્કરને પોતાનું ઘર બતાવવા લઈને ગયો હતો. તે સમયે પાડોશી અને તેના બે પુત્રોએ તેને ઘેરી લીધો અને જાતિસૂચક ગાળો ભાંડી ધમકી આપી કે જો મકાન બીજા કોઈને વેચવાનું વિચાર્યું તો જોવા જેવી થશે. આરોપીઓ ઈચ્છતા હતા કે નીરજ એ મકાન તેમને આપી દે. જેની સામે તેઓ તેને જે રકમ આપે તે સ્વીકારી લે. પડોશી અને તેના છોકરાઓ નીરજ વાલ્મિકીને ન તો એ ઘરમાં રહેવા દેતા હતા, ન વેચવા દેતા હતા. આ પરિસ્થિતિમાં તેણે કંટાળીને અંતિમ પગલું ભરી લીધું હતું.

બે દીકરીઓને ઉછેરવા મહેનત કરજો...
વાયરલ થયેલા વીડિયોમાં નીરજ વાલ્મિકી કહે છે કે, મેં લોન લઈને નવું ઘર ખરીદ્યું હતું. જ્યારે આરોપીઓએ દાદાગીરી કરવાનું શરૂ કર્યું તો મેં તેમને કહ્યું કે, "જો તમે અમને અહીં રહેવા દેવા નથી માંગતા તો તમે જ મકાન ખરીદી લો. મેં જેટલી લોન ભરી છે તેટલી રકમ મને રોકડમાં આપી દો. બાકીની રકમ બેંકમાં જમા કરાવી દો અને મકાન લઈ લો. પણ આરોપીઓ તેના માટે પણ તૈયાર નહોતા. મારી બે દીકરીઓ છે જેમને ઉછેરવા અને ઘર-પરિવાર ચલાવવા માટે હું સખત મહેનત કરું છું. હવે પડોશીઓ સાથે લડવા અને કેસ કરવા માટે મારી પાસે પૈસા નથી. આરોપીઓ માથાભારે છે અને તેથી પોલીસમાં પણ તેમની ધાક છે."

તેની પત્ની નીતુએ જણાવ્યું કે નીરજે પડોશીઓના ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરી લીધી હતી. બરેલીના એસપી માનુષ પારેકે જણાવ્યું હતું કે ત્રણ લોકો વિરુદ્ધ ફરિયાદ મળી છે. વીડિયો પણ જોવા મળ્યો છે, તે ક્યારે બનાવ્યો હતો તેની તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ એક વાલ્મિકી યુવકની સામાજિક બહિષ્કાર સામેની લડતની પ્રેરણાદાયી કહાની


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.