અયોધ્યા રામમંદિરની સફાઈકર્મી યુવતી પર ગેંગરેપ, 9 સામે ગુનો નોંધાયો
અયોધ્યાના શ્રીરામ જન્મભૂમિ સંકુલમાં કામ કરતી દલિત સફાઈકર્મી યુવતી પર ગેંગરેપની ઘટના સામે આવી છે. જેમાં 9 લોકો સામે ગુનો નોંધાયો છે.
અયોધ્યામાં રામ જન્મભૂમિ સંકુલમાં સફાઈ કામદાર તરીકે કામ કરતી એક દલિત યુવતી પર સામૂહિક બળાત્કાર થયો હોવાની ઘટના સામે આવી છે. પોલીસે આ મામલે નવ લોકો સામે ગુનો નોંધી 5 આરોપીઓની ધરપકડ કરી છે. બીજી તરફ પીડિતાએ કેન્ટ પોલીસ સ્ટેશન પર અનેક ગંભીર આરોપો પણ લગાવ્યા છે.
આ મામલાની માહિતી આપતા પોલીસે જણાવ્યું કે તપાસમાં સામે આવ્યું છે કે, યુવતી અલગ-અલગ દિવસે તેના ઓળખીતા એક યુવકને મળવા ગઈ હતી. જ્યાં યુવક અને તેના મિત્રોએ તેના પર બળાત્કાર કર્યો હતો.
અયોધ્યા સિટીના એસપી મધુવન સિંહે જણાવ્યું હતું કે, "આ ઘટના કેન્ટ પોલીસ સ્ટેશનની છે અને મામલો બે અઠવાડિયા જૂનો છે. પીડિતા દ્વારા 2 સપ્ટેમ્બરના રોજ કેન્ટ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો, જેમાં એ હકીકત સામે આવી હતી કે જ્યારે પીડિતા તેના ભૂતપૂર્વ પરિચિત મિત્રને અલગ અલગ તારીખે મળવા ગઈ ત્યારે મિત્ર અને તેના સાથીઓએ તેની સાથે ગેંગરેપ કર્યો હતો. તપાસમાં અત્યાર સુધીમાં પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને અન્યોની શોધખોળ હજુ ચાલુ છે."
યુવતીએ પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા
યુવતીના જણાવ્યા પ્રમાણે રિલેશનમાં રહેતા તેના દોસ્ત અને તેના મિત્રોએ તેની સાથે અનેકવાર સામૂહિક બળાત્કાર કર્યો. એટલું જ નહીં, વીડિયો બનાવીને તેને બ્લેકમેલ કરી અલગ-અલગ જગ્યાએ ઘણાં દિવસો સુધી તેના પર બળાત્કાર કર્યો હતો. પીડિતાએ પોલીસ પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, આ કેસમાં તેણે 2 સપ્ટેમ્બરે પોલીસમાં રિપોર્ટ દાખલ કરાવ્યો હતો પણ પોલીસે કોઈ કાર્યવાહી કરી નહોતું. ઉલટાનું તેને અને તેના પરિવારને મીડિયાથી દૂર રહેવાની ધમકી આપી હતી.
યુવતી રામ જન્મભૂમિ સંકૂલમાં સફાઈકામ કરે છે
યુવતીએ કહ્યું કે, "હું શ્રી રામ જન્મભૂમિમાં કામ કરું છું, આ ઘટના પછી મારું કામ પણ છીનવાઈ ગયું છે." પીડિતાએ જણાવ્યું કે, "તેની એક છોકરા સાથે મિત્રતા થઈ હતી, ત્યારબાદ બંને રિલેશનશીપમાં આવ્યા હતા. પરંતુ છોકરાએ અચાનક તેના મિત્રો સાથે વાતચીત કરીને મારી સાથે બળજબરી કરી અને જ્યારે મેં ભાગવાનો પ્રયાસ કર્યો તો મારા માથામાં ઈજા થઈ. જેના કારણે હું બેભાન થઈ ગઈ. એ લોકોએ મારી સાથે ખોટું કામ કર્યું. સાંજે જ્યારે હું ભાનમાં આવી ત્યારે ત્યાં માત્ર બે છોકરાઓ વંશ ચૌધરી અને વિનય જ હાજર હતા. એ પછી તેઓ મને ગેસ્ટ હાઉસમાંથી ગેરેજમાં લઈ ગયા અને ત્યાં પણ તેમણે મારી સાથે બળાત્કાર કર્યો અને મારો વીડિયો બનાવી લીધો. જેના કારણે તે મને બ્લેકમેલ કરતો હતો."
આ પણ વાંચોઃ 'ચાલ મોબાઈલ અપાવું' કહી દલિત સગીરાને કારમાં લઈ જઈ ગેંગરેપ કર્યો
આરોપીઓએ યુવતીને ફરી બે દિવસ ગોંધી રાખી
યુવતીએ આગળ જણાવ્યું કે, "તે લોકો મને બ્લેકમેલ કરતા હતા અને વારંવાર ફોન કરતા હતા. ડરના કારણે મેં આ અંગે ઘરે કે પોલીસને જાણ કરી ન હતી. 22મી તારીખે તેઓ ફરી રામ જન્મભૂમિ પરિસરમાં આવ્યા હતા અને મને તેમની સાથે લઈ ગયા હતા. એ પછી બે દિવસ સુધી તેમણે મને તેમની સાથે રાખી અને 24મીની રાત્રે મને છોડી દીધી. આ લોકો જ્યારે મને રામ મંદિરે પરત મૂકવા માટે આવી રહ્યા હતા એ દરમિયાન અકસ્માત થયો હતો, જેમાં મને ઈજા થઈ હતી."
પોલીસે યુવતીને એફઆઈઆરની નકલ પણ ન આપી
પીડિતાએ વધુમાં જણાવ્યું હતું કે, "ફરીવાર હું 28મીએ મહિલા પોલીસ સ્ટેશનમાં અરજી આપવા ગઈ હતી. ત્યાં પણ આ લોકોએ મને ફોન કરીને ધમકી આપી હતી કે તારી સાથે જે થયું છે તે તારી બહેનો સાથે પણ થશે અને તારા ઘરવાળાઓ માટે પણ આ સારું નહીં હોય. એટલે હું ડરીને પાછી આવી ગઈ. ત્યાર બાદ 31મીએ ફરી મહિલા પોલીસ સ્ટેશનમાં અરજી લઈને ગઈ હતી પણ પોલીસે મને કહ્યું કે, અરજીમાં જે લખ્યું છે તે સાચું નથી. તેમણે મને ખોટી ઠેરવી અને કહ્યું કે, છોકરાઓ આવું ન કરી શકે. મેં 2જી સપ્ટેમ્બરના રોજ 12:00 વાગ્યા સુધી રાહ જોઈ, પણ ત્યાં સુધી મને પોલીસ તરફથી કોઈ ફોન આવ્યો નહીં."
યુવતીને 36 કલાક સુધી પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખી
પીડિતા આગળ કહે છે, "ત્યારબાદ હું SSP ઓફિસ ગઈ. એ પછી ત્યાંથી ઓર્ડર આવ્યો અને હું એસપી સિટી સાહેબ પાસે ગઈ. ત્યાં મહિલા પોલીસ સ્ટેશન અને કેન્ટના એસએચઓને બોલાવવામાં આવ્યા અને મારો કેસ નોંધવા કહેવામાં આવ્યું. અમે બપોરના 2 વાગ્યાથી ત્યાં બેઠા હતા, પરંતુ પોલીસે રાત્રે 9 વાગ્યે અમારો કેસ નોંધ્યો અને મારું મેડિકલ રાત્રે 11 વાગ્યે કરવામાં આવ્યું. મને 36 કલાક સુધી પોલીસ સ્ટેશનમાં રાખ્યા બાદ પણ FIRની કોપી આપવામાં આવી નથી."
આ પણ વાંચોઃ પતિ હનીમૂન પર ગોવાને બદલે અયોધ્યા-કાશી લઈ ગયો, નારાજ પત્નીએ છુટાછેડાની અરજી કરી દીધી