જાતિવાદી જજ રસિક માંડાણી પાસેથી એટ્રોસિટીના તમામ કેસ પરત ખેંચાયા

ખબરઅંતર.કોમ દ્વારા ગઈકાલે જામનગરના જાતિવાદી એડિશનલ જજ રસિક માંડાણી એટ્રોસિટીના કેસોમાં પૂર્વગ્રહ રાખતા હોવાની સ્ટોરી કરી હતી. હવે તેની અસર દેખાઈ છે.

જાતિવાદી જજ રસિક માંડાણી પાસેથી એટ્રોસિટીના તમામ કેસ પરત ખેંચાયા
image credit - Google images

પોતાની જાતિવાદી વિચારસરણી અને એટ્રોસિટી એક્ટના કેસોમાં ભયંકર પૂર્વગ્રહો માટે કુખ્યાત જામનગરના એડિશનલ જજ રસિક માંડાણી વિશે ખબરઅંતર.કોમ દ્વારા ગઈકાલે પૂર્વ આઈપીએસ રમેશ સવાણીનો એક લેખ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. જેને બહુજન સમાજના લોકોનું વ્યાપક સમર્થન પ્રાપ્ત થયું હતું. આ લેખની ધારી અસર થતી જોવા મળી છે.

મળતી માહિતી પ્રમાણે જાતિવાદી જજ રસિક માંડાણી પાસેથી એટ્રોસિટી એક્ટના તમામ કેસો પરત ખેંચી લેવાયા છે. અને આ તમામ કેસો એસ.સી. વેમુલા નામના જજને સોંપી દેવાયા છે. આ સાથે જ જામનગરમાં એટ્રોસિટી કોર્ટના જજ તરીકે રસિક માંડાણીને બદલે સ્પેશ્યિલ એટ્રોસિટી જજ તરીકે એસ.વી. વેમુલાની નિમણૂંક કરવામાં આવી છે.

રસિક માંડાણી - તરંગી નિર્ણયો લેવા માટે કુખ્યાત
ઉલ્લેખનીય છે કે જામનગરના એડિશનલ જજ રસિક માંડાણી તેમના તરંગી નિર્ણયો માટે કુખ્યાત છે. હમણાં તેમણે એટ્રોસિટીના એક કેસમાં જાહેર સુનાવણી યોજવાની જાહેરાત કરી હતી. આ સિવાય તેઓ કોઈ જોગવાઈ ન હોવા છતાં એટ્રોસિટીના પીડિતોને મળેલી સરકારી સહાય પરત લેવાનું કહ્યું હતું. એટલું જ નહીં, તેમણે સમાજ કલ્યાણ વિભાગના અધિકારીઓને પણ કારણ વિના આ કેસમાં કોર્ટને મદદ કરવાનો આદેશ આપ્યો હતો.

રસિક માંડાણીના ભયંકર પૂર્વગ્રહો ધરાવતા નિર્ણયો
રસિક માંડાણીના આવા તરંગી અને ભયંકર પૂર્વગ્રહોથી ભરેલા નિર્ણયોની સામે જામનગર બાર એસોસિએશને પણ મોરચો માંડ્યો હતો અને તેમની બદલી કરવા હાઈકોર્ટને વિનંતી કરી હતી. જામનગર બાર એસોસિએશને હાઈકોર્ટને લખ્યું હતું કે “13 સપ્ટેમ્બર 2024 ના રોજ જામનગર વકીલ મંડળના સભ્યોને SC/ST એક્ટ બાબતે કોર્ટમાં જાહેર ચર્ચા કરવા માટે હાજર રહેવું તેવો કાયદા વિરુદ્ધનો અને પોતાની સત્તા બહારનો હુકમ કર્યો હતો. સુપ્રીમકોર્ટ કે હાઇકોર્ટના કોઈપણ જજમેન્ટ, straitjacket formula તરીકે દરેક કેસમાં એપ્લિકેબલ થાય નહીં, છતાં સુપ્રીમકોર્ટના Shajan Skaria v/s  State of Karnatakaના કેસમાં એટ્રોસિટી એક્ટની કલમ-3(1) (r)ના સંદર્ભમાં આપેલ ચુકાદાનો આધાર લઈ, તેનું ખોટું અર્થઘટન કરી જજ માંડાણીએ ઓપન કોર્ટમાં SC/ST એક્ટના કેસો બાબતે જાહેર ચર્ચા રાખેલ હોય તે વ્યાજબી નથી અને કાયદા વિરુદ્ધ છે. વળી તેમણે SC/ST એક્ટના કેસોમાં ફરિયાદી/પીડિતને મળતી સહાય પરત લેવાની ચર્ચાને સામેલ કરેલ છે."

આ પણ વાંચોઃ એટ્રોસિટીના કેસમાં ભયંકર પૂર્વગ્રહો ધરાવતા જજ રસિક માંડાણીને ઓળખો

બાર એસોસિએશને વધુમાં લખ્યું હતું કે, "જજ માંડાણીએ 7 વરસની સજાપાત્ર એટ્રોસિટી એક્ટના કેસોના આરોપીઓને  કોર્ટમાં રજૂ કરવા નહીં તેવી મૌખિક સૂચનાઓ પોલીસ અધિકારીઓને આપેલ હતી. આ બાબતે જામનગર વકીલ મંડળે હાઈકોક્ટને ફરિયાદ કરી હતી, ત્યાર બાદ જજ માંડાણી; 7 વરસ સુધીના SC/ST એક્ટના કેસોના આરોપીઓને, ફરિયાદી કે સરકારી વકીલને સાંભળ્યા વિના જ, આરોપીની જામીન અરજી રજિસ્ટરે લીધા વિના, નંબર પાડ્યા વિના, આરોપીને તાત્કાલિક જામીન પર છોડી મૂકે છે. સુપ્રિમકોર્ટના Criminal Appeal No. 1278/2021 કેસમાં એટ્રોસિટી એક્ટ હેઠળના કેસમાં જામીન અરજી વખતે ફરિયાદીને સાંભળવા જ જોઈએ તેવો હુકમ થયેલ છે, તેનું ઉલ્લંઘન જાણીજોઈને કરી રહ્યા છે. જજ માંડાણીને SC/ST એક્ટ હેઠળના કેસોની સૂગ/નારાજગી હોય તે રીતે વિવાદાસ્પદ હુકમો કરે છે."

માંડાણીએ ડીસાના પીઆઈ સામે પણ વિવાદાસ્પદ ચૂકાદો આપ્યો હતો
રસિક માંડાણી અગાઉ બનાસકાંઠાના ડીસા ખાતે એડિશનલ સેશન્સ જજ હતા ત્યારે 26 માર્ચ 2024ના રોજ PI વિજયસિંહ મેઘસિંહ ચૌધરી સામે પગલાં ભરવા 101 પેજનો વિવાદાસ્પદ હુકમ કર્યો હતો. જે હુકમ ગુજરાત હાઈકોર્ટે 5 એપ્રિલ 2024ના રોજ, રદ કરી જજ માંડાણીની બરાબર રીમાન્ડ લીધી હતી હાઈકોર્ટે એ વખતે કહ્યું હતું કે, સેશન્સ જજે તેના અધિકારક્ષેત્રને ઓળંગી જઈને PI ચૌધરી સામે તપાસ કરવાનો આદેશ આપ્યો છે.

આવા જાતિવાદી જજો કેવી રીતે સમાન ન્યાય તોળી શકે?
જજ રસિક માંડાણીના મામલામાં સૌથી મોટો સવાલ એ છે કે, આવા ભયંકર પૂર્વગ્રહો ધરાવતા જાતિવાદી જજો કાયદા સમક્ષ સૌને એક સરખા માની ન્યાય તોળતા હશે ખરા? માંડાણી સામે હાલ બાર એસોસિએશને વિરોધ નોંધાવ્યો હતો એટલે તેમને સ્પેશ્યિલ એટ્રોસિટી જજ તરીકે દૂર કરાયા છે. પણ અત્યાર સુધીમાં તેમણે આવા વિવાદાસ્પદ ચૂકાદાઓ આપ્યા હશે તેનું શું? એવા કેસોમાં ન્યાય માંગનારે શું સમજવાનું? શું હાઈકોર્ટ આવા જજો સામે શિક્ષાત્મક પગલાં લઈને તેમને હોદ્દા પરથી દૂર ન કરી શકે? - આ તમામ સવાલો ચર્ચાનો વિષય છે. એવામાં સામાજિક ન્યાયમાં આસ્થા ધરાવતા કર્મશીલો, વકીલોએ માંડાણી જેવા જજો પાસેથી માત્ર કેસો પરત ખેંચી લેવાય તેટલાથી સંતોષ માનવો જોઈએ નહીં. તેમણે આવા જાતિવાદી માનસિકતા ધરાવતા જજો હોદ્દા પરથી દૂર થાય તે લક્ષ્યાંક રાખીને ચાલવું જોઈએ. તો જ, આ દેશના જન સામાન્યને યોગ્ય ન્યાય મળી શકે તેમ છે.

આ પણ વાંચોઃ સંજીવય્યાથી પહાડિયા સુધી, આ છે દેશના પ્રથમ 4 દલિત મુખ્યમંત્રીઓ


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


  • Krishan Bhai
    Krishan Bhai
    Good
    2 months ago
  • Jeshingbhai
    Jeshingbhai
    આવી માનસિકતાવાળા જજ પાસેથી માત્ર કેસો પરત લઈ અન્ય જજને સોંપવા માત્રથી ન્યાય મળ્યો છે એવુ ન માની લેવું જોઇએ. બલ્કે અગાઉના અન્યાયપૂર્ણ ચુકાદાઓને રદ્દ બાતલ કરી ફરીથી ન્યાય પ્રક્રિયા પૂર્ણ કરવી જોઈએ અને આવી હલકી માનસિકતાવાળા વ્યક્તિઓને ન્યાય સિંહાસન પરથી દૂર કરી તેના પર કેસ ચાલવો જોઈ અને તેને સજા થવી જોઈ, જેથી એ જગ્યા પર બિરાજમાન દરેક જજ ભવિષ્યમાં આવું પગલુ ભરતાં પહેલાં ૧૦૦૦ વાર વિચાર કરે. ગામડાંના જાતિવાદી કીચડમાં પેદા થઈ એ જ કીચડમાં મરતાં સામાન્ય માણસની માનસિકતા અને દેશના ન્યાયાલયના ન્યાયસિંહાસન પર બેઠેલ ન્યાયાધીશની માનસિકતા વચ્ચે કંઈક તો તફાવત હોવો જોઈએને?
    2 months ago