નડિયાદની હાથજ શાળાની શિક્ષિકા વગર NOCએ એક વર્ષથી વિદેશમાં
ગુજરાતમાં સરકારી શાળાઓમાં કેવી લોલમલોલ ચાલે છે તેનો વધુ એક કિસ્સો વાંચો. એક શિક્ષિકા છેલ્લાં 1 વર્ષથી વિદેશમાં છે અને અહીં બાળકોનું શિક્ષણ દાવ પર છે.
ગુજરાતમાં સરકારી શિક્ષણ કેવું ખાડે ગયું છે તેની ચર્ચા હવે જૂની થઈ ગઈ. હવે તો સરકારી શિક્ષકો કેવી રીતે ચાલુ નોકરીએ મહિનાઓ, વર્ષો સુધી વિદેશોમાં ફરી આવે છે તેના કિસ્સાઓ એક પછી એક સામે આવતા જઈ રહ્યાં છે. ગઈકાલે બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાની પાંછા પ્રાથમિક શાળાની એક શિક્ષિકા 8 વર્ષથી વિદેશમાં સ્થાયી થઈ ચૂકી હોવા છતાં અહીં પગાર ખાતી હોવાની ઘટનાએ સમગ્ર ગુજરાતમાં હોબાળો મચાવી દીધો હતો. આ મામલે શિક્ષણ વિભાગ બધું જાણતો હોવા છતાં આંખ આડા કાન કરતો હોવાથી લોકોમાં વધુ રોષ ફેલાયો હતો. એક બાજુ રાજ્યની સરકારી શાળાઓમાં આમ પણ શિક્ષકોની ઘટ છે, ત્યાં જે શિક્ષકો ઉપલબ્ધ છે તેઓ લાંબી રજાઓ મૂકીને અથવા તો જાતભાતના બહાનાઓ કાઢીને કામચોરી કરતા હોવાની ઘટનાઓ સામે આવતા વાલીઓમાં વધુ રોષ ફેલાયો છે.
દાંતાની ઘટનાની ચર્ચા હજુ શમી નથી ત્યાં આવી જ એક ઘટના ખેડા જિલ્લામાંથી સામે આવી છે. જ્યાં એક શિક્ષિકા છેલ્લાં 11 મહિનાથી વગર એનઓસીએ વિદેશ રહેવા જતી રહી છે. જેના કારણે અનેક બાળકોનું ભવિષ્ય બગડી રહ્યું છે.
ઘટના નડિયાદ તાલુકાના હાથેજ ગામની પ્રાથમિક શાળાની છે. જ્યાં એક શિક્ષિકા વગર એનઓસીએ વિદેશમાં છેલ્લા એક વર્ષથી રહેતી હોવાથી વિદ્યાર્થીઓનાં શિક્ષણ પર અસર થતી હોવાની ફરિયાદો ઊઠવા પામી છે. આવો જ બીજો એક બનાવ કપડવંજમાંથી પણ સામે આવ્યો છે. આ બંને ઘટના મુદ્દે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ પોતે તપાસ કરી જવાબદાર સામે પગલાં ભરાશે તેમ જણાવ્યું છે.
આ પણ વાંચો: આજેય એ યુવાન જવાનભાઈની કીટલીએ મળી જાય ત્યારે સાઈકલ તૂટ્યાની વેદનાને સંભારે છે
નડિયાદ તાલુકાના હાથજ ગામમાં આવેલી પ્રાથમિક શાળાના શિક્ષિકા સોનલ પરમાર છેલ્લાં 11 માસથી સતત શાળામાં ગેરહાજર છે. તેઓ પરદેશ જતા રહ્યાં હોવાનું શાળાના મુખ્ય શિક્ષક જણાવી રહ્યાં છે. ડીપીઈઓ દ્વારા મળતી માહિતી મુજબ ડીપીઈઓ કક્ષાએથી તપાસ કરવામાં આવતા તેઓ 1 સપ્ટેમ્બર 2023થી સતત શાળામાં ગેરહાજર છે. આ મામલે ડીપીઈઓ દ્વારા કારણદર્શક નોટિસ પણ ઇશ્યૂ કરેલ છે. જેમાં જણાવાયું છે કે, 1/9/2023થી શિક્ષિકા સોનલબેન ગેરહાજર છે. તેઓ અમેરિકા જતાં પહેલાં શિક્ષણ વિભાગ પાસેથી એનઓસી પણ લીધું નથી. જોકે આ શિક્ષિકાને ગેરહાજર ગણીને તેનો પગાર થતો ન હોવાનું ડીપીઈઓએ જણાવ્યું છે.
આ શિક્ષકા વિદેશ હોવાની માહિતી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પાસે છે. તેમણે આ મુદ્દે શિક્ષિકાને નોટિસ પણ આપી છે. જો આવનાર સમયમાં શિક્ષિકા તરફથી કોઈ ખુલાસો નહીં આવે તો તેમને ટર્મિનેટ કરવામાં આવશે તેવું પ્રાથમિક શિક્ષણાધિકારી પી.આર. વાઘેલાએ જણાવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું કે, અગાઉ પણ આ રીતે ત્રણ શિક્ષકોને ટર્મીનેટ પણ કર્યા છે.
તો બીજી તરફ કપડવંજ તાલુકાના માલઈટાડી તાબે વાટા શિવપુરા પ્રાથમિક શાળામાં ડમી શિક્ષકની ચર્ચાઓ વહેતી થઇ છે. આ મામલે પુછતા શિક્ષણાધિકારીએ કહ્યું કે, બાબતે તપાસ ચાલુ છે જેમાં આજે અમારી ટીમ તપાસ અર્થે ત્યાં પહોંચી છે. જો એમાં પણ કોઈ જવાબદાર હશે તો તેની સામે પણ કડક પગલાં ભરવામાં આવશે.
ખેડા જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગની બેદરકારીને કારણે ૧૧ મહિનાથી એક શિક્ષિકા કોઈપણ જાતની મંજૂરી વિના વિદેશમાં છે, ત્યારે આ બાબતે હજી કડક કાર્યવાહી કરવાને બદલે ખુલાસાની વાત કરીને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બચાવની ભૂમિકામાં હોય એવી વાતો ઉઠી રહી છે. ત્યારે શિક્ષિકા સામે કાર્યવાહી કેમ કરવામાં આવી નથી એવા સવાલો ઉઠી રહ્યા છે.
આ પણ વાંચો: શિક્ષિકા 8 વર્ષથી અમેરિકામાં સ્થાયી, છતાં સરકારી શાળામાં નોકરી ચાલુ