કેવી રીતે ભણશે ગુજરાત? મહેસાણા જિલ્લામાં 10 શિક્ષકો સતત ગેરહાજર

ગુજરાતનું સરકારી શિક્ષણ સાવ રામભરોસે ચાલી રહ્યું હોય તેવી સ્થિતિ છે. દાંતા, નડિયાદની ઘટના બાદ એકલા મહેસાણા જિલ્લામાં 10 શિક્ષકો ગેરહાજર હોવાનું સામે આવ્યું છે.

કેવી રીતે ભણશે ગુજરાત? મહેસાણા જિલ્લામાં 10 શિક્ષકો સતત ગેરહાજર
image credit - Google images

ગુજરાત મોડેલ આમ તો દરેક મામલે દેશમાં અગ્રેસર દેખાય છે. પણ સહેજ ઉંડા ઉતરતા જ તેની અસલિયત સામે આવી જાય છે. હાલમાં ગુજરાતનાં શિક્ષણ વિભાગની આવી જ ગોલમાલ સામે આવી છે. જેમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓની સરકારી પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકો લાંબા સમયથી ગેરહાજર રહેતા હોવાની વિગતો સામે આવી છે. એટલું જ નહીં, આવા શિક્ષકો દિવસો કે સપ્તાહો નહીં, પરંતુ મહિનાઓ અને વર્ષોથી શાળામાં આવતા ન હોવાની ફરિયાદો સામે આવી છે. જેમાં ત્રણ શાળાના શિક્ષકો સરકારી ચોપડે નોકરી બજાવે છે. જ્યારે હકીકતમાં તેઓ કેનેડા અને અમેરિકામાં વસવાટ કરી રહ્યા હોવાનું કૌભાંડ સામે આવ્યું છે. તો મહેસાણા જિલ્લામાં કડીની એક શાળાની બે શિક્ષિકા સહિત જિલ્લાના 10 શિક્ષકો મહિનાઓ અને વર્ષોથી શાળાએ આવતા ન હોવાનું સામે આવ્યું છે. જ્યારે ખેડાના કપડવંજમાં એક શિક્ષકે તો હદ કરી નાખી છે, તે પોતાના બદલે ડમી શિક્ષકને ભણાવવા મોકલતો હતો. ત્યારે આવા શિક્ષકો સામે સરકાર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી ઉઠવા પામી છે.  

ગુજરાતમાં નબળા શિક્ષણ તંત્રના કારણે શિક્ષણ વ્યવસ્થા સાવ ખાડે ગઈ હોવાનો મોટો પુરાવો સામે આવ્યો છે. ગુજરાતની સરકારી શાળાઓમાં નોકરી કરતાં શિક્ષકો પરદેશમાં વસવાટ કરતાં હોવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. કેનેડા અને અમેરિકામાં વસવાટ કરતાં શિક્ષકોની રાજ્યની હાથજ, વાવ અને દાંતાની સકારી શાળામાં નોકરી ચાલુ બોલી રહી છે. જ્યારે ખેડાના કપડવંજમાં તો એક શિક્ષક પોતાના બદલે ડમીને ભણાવવા મોકલતો હોવાની વિગતો સામે આવી છે. તો મહેસાણા જિલ્લામાં કડીની એક શાળાની બે શિક્ષિકાઓ સહિત જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં 10 શિક્ષકો લાંબા સમયથી ગેરહાજર હોવાનું સામે આવતા ભારે ચકચાર ઉઠવા પામી છે. ત્યારે આવા શિક્ષકો સામે કડક કાર્યવાહી કરવા માટેની માંગણી ઉઠવા પામી છે.

આ અંગે જાણવા મળતી વિગતો મુજબ બનાસકાંઠાના દાંતા પ્રાથમિક શાળાની શિક્ષિકા અમેરિકામાં સ્થાયી થયા હોવા છતાં તેણીને સરકારી પગાર મળી રહ્યો હોવાની વિગતો સામે આવી છે. ત્યાર બાદ બનાસકાંઠામાં વધુ એક વિદેશમાં સ્થાયી થયેલા શિક્ષકનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં વાવના ઊંચપાના શિક્ષક કેનેડા સ્થાયી થઈ ગયા છે. એક વર્ષથી આ માસ્તર સાહેબે શાળામાં પગ પણ નથી મૂક્યો.

આ પણ વાંચો: ઢેઢનું કૂતરું બાપુના કૂતરાને રંજાડી જાય ઈ કેમ પાલવે? એટલે ભડાકે દીધું

આવો જ અન્ય એક કિસ્સો ખેડા જિલ્લાની શિક્ષિકાનો સામે આવ્યો છે. જેમાં ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના હાથજ પ્રાથમિક શાળાના સોનલ  પરમાર નામની શિક્ષિકા એક વર્ષથી વિદેશ જતા રહ્યા છે. સોનલ પરમાર તા. 1/9/2023 થી શાળામાં સતત ગેરહાજર છે. શાળાના મુખ્ય શિક્ષક દ્વારા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને જાણ કરતા તેણીની ગેરહાજરી પુરાય છે. તેણીએ અમેરિકા જતાં અગાઉ શિક્ષણ વિભાગ પાસેથી એનઓસી પણ લીધું નથી. આ મામલો સામે આવતા શિક્ષણ વિભાગ દ્વારા સોનલ પરમારને એનઓસી ન લીધી હોવાથી કારણ દર્શક નોટિસ ફટકારાઈ છે. શિક્ષિકાની નોટિસમાં ફરજ ભંગનો ઉલ્લેખ કરાયો છે. જો કે, શિક્ષિકા સોનલ પરમાર દ્વારા હજુ સુધી નોટિસનો જબાવ અપાયો નથી. હાથજ પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8ની સ્કૂલમાં 564 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.

મહેસાણા જિલ્લામાં 10 શિક્ષકો સતત ગેરહાજર

રાજ્યમાં સરકારી શાળાઓમાં સતત ગેર હાજર રહેતા શિક્ષકોની તપાસ જરૂરી છે. મહેસાણા જિલ્લામાં જ 10 શિક્ષકો સતત ગેરહાજર રહેતા હોવાની માહિતી મળી છે. જેમાં જિલ્લાની વિવિધ પ્રાથમિક શાળાઓમાં 10 શિક્ષકો લાંબા સમયથી ગેરહાજર છે. જેમાં કડી, જોટાણા, વિજાપુર, મહેસાણા, વડનગર તાલુકામાં 10 શિક્ષકો સતત ગેરહાજર છે. કેટલાક શિક્ષકો શારીરિક રીતે અશક્ત છે, તો કેટલાક વિદેશ જતા રહ્યા હોવાની માહિતી મળી છે.

આ પણ વાંચો: આપણી શાળાઓમાં માતા સાવિત્રીબાઈ ફૂલેનો પાઠ કેમ ભણાવાતો નથી?

ગેરહાજર રહેતા શિક્ષકો પૈકીનાં કોઈક વર્ષ 2017થી ગેરહાજર છે તો કોઈક કેટલાક મહિનાઓથી ગેરહાજર છે. આ ગેરહાજર રહેતા કેટલાક શિક્ષકોને નોટિસ આપી હોવા છતાં તેઓ શાળાએ હાજર થતાં નથી. શિક્ષકોની ગેરહાજરીના લીધે બાળકોના અભ્યાસ ઉપર અસર પડે છે. આવા ગેરહાજર રહેતા શિક્ષકોને પાણીચું આપીને તેમના સ્થાને નવા શિક્ષકો મૂકવામાં આવે તેવી માંગણી કરાઈ છે.

કડીના રણછોડપૂરાની બે શિક્ષિકાઓ મહિનાઓથી ગેરહાજર

મહેસાણાના કડીના રણછોડપુરા પ્રા. શાળાની કવિતા દાસ નામની શિક્ષિકા તા. 31-8-2023થી વિદેશ પ્રવાસે ગયાની માહિતી છે. આ મામલે ઉચ્ચતર કચેરીને જાણ કરાઇ હોવાની માહિતી મળી છે. શિક્ષિકા વિદેશ પ્રવાસ ગયા હોવાથી વિદ્યાર્થીઓને તકલીફ પડી રહી છે. ત્યારે આ જ શાળાની અન્ય એક શિક્ષિકા આશા પટેલ પણ ગત તા. 12-09-2023થી શાળાએ આવતાં નથી. જેના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસમાં તકલીફ પડી રહી છે. જેના કારણે ગામના સરપંચ દ્વારા શિક્ષિકાને બદલવા માંગ કરી છે. શિક્ષણ તંત્ર આ શિક્ષિકાને બોલાવી ન શકે તો તેમના સ્થાને નવા શિક્ષકની નિમણૂક કરે તેવી માંગણી કરાઇ છે.

આટલી શાળાના શિક્ષકો મહિનાઓથી ગેરહાજર છે

1) આશા કે. પટેલ ખદલપુર પ્રા. શાળા, જોટાણા 8-2-2023 મગજની બીમારી

2) પાયલ ભિખા રાવલ જેતપુર પ્રા. શાળા, બેચરાજી 28.11.2022 થી 1.7.2024 સુધી વિદેશ

3) રમીલા હીરા પટેલ ટીંબા પે કેન્દ્ર શાળા, સતલાસણા 1.12.2023 થી 1.7.2024 આજ સુધી અંગત કારણસર

4) જીજ્ઞા કાલિદાસ પટેલ વિજાપુર કુમાર શાળા-1, વિજાપુર 16.4.2024 થી આજ દિન સુધી વિદેશ ગયા

5) નીલીબેન પિયુષ વિહોલા પંથોડા પ્રાથમિક શાળા, કડી 12.8.2022 થી આજ દિન.સુધી શારીરિક અશકત

6) આશા નટવર પટેલ રણછોડપુરા શાળા, કડી 12.9.2023 થી આજ દિન સુધી બહાર હોવાથી

7) કવિતા ધનજી દાસ રણછોડપુરા શાળા, કડી 31.8.2023 થી આજ દિન સુધી વિદેશ પ્રવાસ

8) નિલેશ અમરત મિસ્ત્રી રાજપુર વડ પ્રા. શાળા, વડનગર 17.2.2017થી આજ દિન સુધી અકસ્માત થવાથી

9) ધરતી બાબુલાલ ગજ્જર શોભાસણ પ્રા. શાળા, મહેસાણા 19.6.2020 થી આજ દિન સુધી સ્વૈચ્છિક નિવૃત્તિ

10) મીના શંભુભાઈ પટેલ મહેસાણા શાળા નં. 3, મહેસાણા 13.9.2023 થી આજ દિન સુધી વિદેશ ગયા

શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફૂલ પાનશેરિયાએ શું કહ્યું?

બનાસકાંઠાની દાંતા પ્રાથમિક શાળાની શિક્ષિકા અમેરિકા સ્થાયી થયા હોવા છતાં તેમને સરકારી પગાર મળી રહ્યો છે. તે મામલે નવસારી ખાતે વન મહોત્સવમાં ઉપસ્થિત રહેલા શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ મીડિયા સમક્ષ પોતાની પ્રતિક્રિયા આપી હતી. જેમાં શિક્ષણ રાજ્ય મંત્રી પાનશેરિયાએ જણાવ્યું હતું કે, દાંતાના શિક્ષિકા અમેરિકા ગયા તે અગાઉ તેમણે રિપોર્ટ કર્યો હતો. જ્યારથી તેઓ અમેરિકા ગયા છે ત્યારથી તેમને એક પણ સરકારી રૂપિયો અપાયો ન હોવાનું શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ્લ પાનશેરિયાએ જણાવ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ સાથે જ અગાઉ પણ કંઈ આ પ્રકારનું થયું હશે તો એની તપાસ કરવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું. એટલું જ નહીં, જ્યારે રાજ્યમાં ભૂતિયા શિક્ષકો મુદ્દે પણ સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં તપાસ કરાશે અને એવું કંઈક જણાશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ પણ તેમણે જણાવ્યું હતું.

આ પણ વાંચો: RTEમાં ગુજરાતના ૧.૩૨ લાખ વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહ્યાં


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.