વીરમગામના કુમરખાણમાં દલિત વૃદ્ધની અંતિમવિધિ ગંદકી વચ્ચે કરવી પડી
વીરમગામના નળકાંઠા વિસ્તારમાં આવેલ કુમરખાણ ગામે એક દલિત વૃદ્ધના અંતિમ સંસ્કાર રસ્તા વચ્ચે અસહ્ય ગંદકી વચ્ચે કરવા પડ્યાં.

ચોમાસું આવે અને એ સમયે જો કોઈ દલિત વ્યક્તિનું મૃત્યુ થઈ જાય ત્યારે સમાજ માટે સૌથી મોટી ચિંતા તેમની સન્માનજનક રીતે અંતિમવિધિ કરાવવાની હોય છે. કેમ કે, મોટાભાગના ગામોમાં આજે પણ દલિત સમાજનાં સ્મશાન સુધી પહોંચી શકાય તેવો પાકો રસ્તો નથી. જો રસ્તો છે તો ત્યાં સ્મશાન અંતિમવિધિ માટે લાયક નથી હોતું. આ કહાની ગુજરાત તો ઠીક ભારતના મોટાભાગના ગામડાઓમાં દલિત સમાજ વેઠી રહ્યો છે.
આવી જ સ્થિતિનો અમદાવાદ જિલ્લાના વીરમગામ તાલુકાના નળકાંઠા વિસ્તારના કુમરખાણ ગામના દલિત સમાજના લોકો સામનો કરી રહ્યાં છે. અહીં દલિત સમાજ બે દિવસ પહેલા સેનમા અનુસૂચિત જાતિના બાબુભાઈ તેજાભાઇ મકવાણાની અંતિમવિધિ(દફનવિધિ) રસ્તા ઉપર, ઉકરડા અને અસહ્ય ગંદકી વચ્ચે કરવા બન્યા મજબૂર બન્યો હતો. આ ગામે રોહિત અને સેનમા સમાજની વસ્તી છે. ગામમાં અનુસૂચિત જાતિનું અલગ સ્મશાન આવેલ છે. પણ તેની સ્થિતિ એવી છે કે અનુ.જાતિની વસ્તીમાં કોઈનું મોત થયા બાદ તેને સન્માનજનક રીતે અંતિમ વિદાય પણ આપી શકાતી નથી. પારાવાર ગંદકીને કારણે અહીં સ્મશાનમાં અંતિમ વિધિમાં મોતનો મલાજો જળવાતો નથી
આ પણ વાંચો: નર્કાગાર જેવી સ્થિતિ છતાં શા માટે ભારતીય મજૂરો કુવૈત જાય છે?
કુમરખાણ ગામના અનુ.જાતિ સમાજના મૃતકની સ્મશાન વિધિમાં પડતી હાલાકીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં સેનવા સમાજ માટે સ્મશાનની ખોબા જેટલી જમીન અને તેમાં ઉકરડાઓની વચ્ચે ગંદકીમાં મૃતકની અંતિમ વિધિ કરવા માટે દલિત સમાજ મજબૂર બન્યો હોવાની વાત રજૂ કરવામાં આવી હતી. સ્મશાનની પારાવાર મુશ્કેલીનો હલ લાવવામાં સ્થાનિક તંત્રને કોઈ રસ ન હોય તેવી સ્થિતિ છે. અનુ.જાતિના સ્મશાનમાં વિકાસના કામોની ગ્રાન્ટ ફાળવવામાં ભેદભાવ રાખવામાં આવતો હોવાની પણ રાવ ઉઠી છે.
વીરમગામના સામાજિક કાર્યકર કિરીટભાઈ રાઠોડ ખબરઅંતર.કોમ સાથે આ બાબતે વાત કરતા જણાવે છે કે, "વીરમગામ, માંડલ, દેત્રોજ, નળકાંઠાના મોટાભાગના ગામડાઓમાં અનુ.જાતિના સ્મશાનની હાલત કફોડી છે. મોટાભાગના ગામોમાં સ્મશાન ભૂમિની જગ્યા નિમ થયેલ નથી તેમ જ ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત દ્વારા અનુ.જાતિના સ્મશાનના વિકાસ માટે ગ્રાન્ટ ફાળવવામાં ભેદભાવ રાખવામાં આવે છે. આ પંથકના દલિત સમાજના લોકોના અનેક પ્રશ્નો છે. તેને લઈને અગાઉ અનુસૂચિત જાતિ સમાજના લોકોએ તંત્રને આવેદનપત્ર પણ આપ્યું હતું. આવા અનેક પ્રશ્નોને લઈને તેઓ ભેદભાવનો ગરબો લઈને ગાંધીનગર સ્થિત ગુજરાત વિધાનસભા સુધી જવાના છે. જો સરકાર હજુ પણ આ મામલે કોઈ પગલાં નહીં લે, તો અનુસૂચિત જાતિ સમાજના લોકો આંદોલનનો માર્ગ અપનાવશે."
આ પણ વાંચો: સ્મશાનનો રસ્તો બંધ, દલિત દીકરીનો મૃતદેહ 18 કલાકથી રસ્તામાં પડ્યો છે