સુરત કસ્ટોડિયલ ડેથ કેસમાં પોલીસની કામગીરી અનેક મોરચે શંકાસ્પદ છે
સુરતમાં દલિત યુવક મહેશ વાળાની કસ્ટોડિયલ ડેથને 3 દિવસ થઈ ગયા છે. આ કેસ મહત્વનો એટલે છે કેમ કે ઘટના ગૃહરાજ્ય મંત્રીના શહેરમાં બની છે અને ખુદ પોલીસ શંકાના ઘેરામાં છે.

સુરતની લાજપોર જેલમાં અનુસૂચિત જાતિ સમાજના 26 વર્ષના કાચા કામના કેદી મહેશ વાળાનું પોલીસ કસ્ટડીમાં મોત થઈ ગયું છે. જેને લઈને ફરી એકવાર સુરત પોલીસની કામગીરી શંકાના દાયરામાં આવી ગઈ છે. કસ્ટોડિયલ ડેથ મામલે ગુજરાત સમગ્ર દેશમાં પહેલા ક્રમે છે. છેલ્લાં 5 વર્ષમાં ગુજરાતની જેલોમાં 80થી વધુ લોકોના મોત થયા છે, જેના પરથી ગુજરાતમાં પોલીસ કેદીઓ સાથે કેવી રીતે વર્તતી હશે તે સમજાય છે. છેલ્લાં 10 વર્ષના સમયગાળામાં સુરતમાં કસ્ટોડિયલ ડેથની આ ચોથી ઘટના છે. આ કેસનું મહત્વ એટલા માટે વધી જાય છે, કેમ કે કાયદો વ્યવસ્થા જાળવવાની જેમની જવાબદારી છે, તેવા ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી આ શહેરના છે અને ત્યાંની પોલીસ પર મૃતકના પરિવારજનો અનેક આક્ષેપો કરી રહ્યાં છે. દલિત યુવકનું મોત થયાને ત્રણ દિવસ વીતીને આજે ચોથો દિવસ બેઠો છે, તેમ છતાં મૃતદેહ સ્વીકારવામાં આવ્યો નથી. તેના પરથી જ મૃતકના પરિવારજનોની મનોસ્થિતિનો અંદાજ લગાવી શકાય છે. તેમનું સ્પષ્ટ રીતે માનવું છે કે, મહેશનું મોત પોલીસ દ્વારા તેમને કસ્ટડીમાં ઢોર માર મારવામાં આવ્યો તેના કારણે થયું છે. પોલીસે માર માર્યા પછી તેમને સમયસર સારવાર ન અપાવી, તેના કારણે પરિસ્થિતિ કાબુ બહાર જતી રહી અને તેમનો જીવ જતો રહ્યો. આમાં પોલીસની કામગીરી દરેક મોરચે શંકાસ્પદ છે એટલે તમામ જવાબદાર પોલીસકર્મીઓ સામે એફઆઈઆર નોંધીને ધરપકડ થવી જોઈએ અને એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ દાખલ થવી જોઈએ.
ઘટના શું છે?
સુરતની લાજપોર જેલમાં સજા ભોગવી રહેલા 26 વર્ષીય મહેશ ઉર્ફે ભરત વાળાનું ગત તા. 7 ઓગસ્ટ 2024ના રોજ સવારે 10 વાગ્યે મોત થઈ ગયું હતું, પણ પોલીસે તેના પરિવારજનોને તેની જાણ છેક સાંજે 7 વાગ્યે કરી હતી. પોલીસે 31 જુલાઈના રોજ બાઈક ચોરીના ગુનામાં મહેશની ધરપકડ કરી હતી. એ પછી 5 ઓગસ્ટના રોજ તેને ભરૂચ પોલીસ સ્ટેશન લઈ જવાયો હતો અને ત્યાં એક દિવસ રાખ્યા બાદ 6 ઓગસ્ટના રોજ તેને સુરતની લાજપોર જેલ ખાતે મોકલી દેવામાં આવ્યો હતો. જો કે, 7 ઓગસ્ટના રોજ સવારે 10 વાગ્યે તેની તબિયત લથડતા લાજપોર જેલ ખાતેથી તેને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.
આ અંગે મૃતકના પરિવારજનોએ ભારે હોબાળો મચાવ્યો હતો અને પોલીસના મારથી મહેશનું મોત થયું હોવાના આક્ષેપો લગાવ્યા હતા. મહેશના સાળા સુરેશ વણઝારાએ જણાવ્યું હતું કે, "7 ઓગસ્ટના રોજ સવારે 10 વાગ્યે મહેશને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ પરિવારને જાણ કરવામાં આવી ન હતી. તેમનું મોત સવારમાં જ થઈ ગયું હતું તેમ છતાં અમને સાંજે સાત વાગ્યે જાણ કરાઈ હતી. સાત વાગ્યે અમે જ્યારે સિવિલ હોસ્પિટલ પહોંચ્યાં તો ત્યાં પોલીસમાંથી કોઈ હાજર ન હતું. રાત્રે બે વાગ્યા સુધી અમને બેસાડી રાખવામાં આવ્યા, પણ પોલીસ આવી ન હતી. આ સાથે જ અમને મહેશનો મૃતદેહ પણ જોવા દેવામાં આવ્યો ન હતો."
આ પણ વાંચો: રાજકોટ કસ્ટોડિયલ ડેથમાં હમીરભાઈ રાઠોડ બાદ તેમના મિત્રનું પણ મોત
.
મૃતકના પરિવારજનોએ ભરૂચ પોલીસ પર પણ આક્ષેપો કર્યા છે. સાથે જ ફોરેન્સિક પોસ્ટમોર્ટમની માગ કરીને જવાબદાર પોલીસકર્મીઓ સામે એફઆઈઆર નોંધી, ધરપકડ કરીને એટ્રોસિટી એક્ટ અંતર્ગત ગુનો નોંધવા માંગ કરી છે.
ઉલ્લેખનીય છે કે, મૃતક યુવક મહેશ વાળા સુરતના ઉત્રાણ વિસ્તારમાં રહેતો હતો અને તેના પરિવારમાં પત્ની, એક દીકરો અને દીકરી છે. મહેશ હીરા ઘસવાનું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો.
ત્રણ દિવસ પછી પણ મૃતદેહ સ્વીકારાયો નથી
મહેશ વાળાના મોતને ત્રણ ત્રણ દિવસ વીત્યા હોવા છતાં તેના પરિવારજનોએ તેનો મૃતદેહ સ્વીકાર્યો નથી. તેમનું કહેવું છે કે, જ્યાં સુધી અમને ન્યાય મામલે સંતોષ નહીં થાય, યોગ્ય ન્યાયની ખાતરી નહીં મળે ત્યાં સુધી અમે મૃતદેહ સ્વીકારવાના નથી. જવાબદાર પોલીસ અધિકારીઓ સામે એફઆઈઆર થાય, આરોપીઓની ધરપકડ થાય અને એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવે તેવી અમારી માંગ છે.
મૃતકના સાળા સુરેશ વણઝારાનું કહેવું છે કે, "પોલીસ કહે છે કે, મૃતકને દારૂ પીવાની ટેવ હતી, કમળાની અસર હોવાથી તેના કારણે તેનું પિત્તાશય ફાટી ગયું હતું. પણ આ વાત સાવ ખઓટી છે, મને આશંકા છે કે, પોલીસે તેમના પેટમાં પાટાં માર્યા હોઈ શકે છે. દારૂ પીધાની થિયરી તદ્દન બકવાસ છે. કેમ કે, તેઓ છેલ્લાં એક અઠવાડિયાથી તો પોલીસ કસ્ટડીમાં હતા.મેં એવા ઘણાં લોકો જોયા છે, જેઓ દરરોજ બે લીટર દારૂ પી જતા હોય તો પણ 60 વર્ષથી તેમને કશું થયું નથી. મારા બનેવી 31 જુલાઈથી તો જેલમાં હતા, એટલે તેમણે દારૂ પીધો અને તેના કારણે તેમનું પિત્તાશય ફાટી ગયું હોવાની પોલીસની વાત સાવ પાયાવિહોણી છે."
સુરેશભાઈ વણઝારા વધુમાં જણાવે છે કે, "અમે લાજપોર જેલ ગયા અને CCTV કેમેરા ચેક કર્યા હતા. ત્યારે મૃતક મહેશ સ્વસ્થ દેખાય છે. બાદમાં તેમને જેલના ઝડતી રૂમમાં લઇ જવાય છે. પોલીસે જણાવ્યું હતું કે, તેમની પાસેથી એક સિમકાર્ડ મળ્યું છે. જોકે સીસીટીવીમાં દેખાય છે કે, આજુબાજુના કેદીઓ ઝડતી રૂમ પાસે દોડે છે એટલે મહેશભાઈને માર માર્યો હોવાની આશંકા છે. જ્યારે મહેશ ઝડતી રૂમમાંથી બહાર આવે છે ત્યારે તે અસ્વસ્થ દેખાતા હતા અને પેટ પકડીને બહાર આવ્યા બાદમાં ઊલટીઓ કરવા લાગ્યા હતા. તેઓ એક પછી એક 7 વાર ઉલટીઓ કરે છે છતાં જેલના પોલીસવાળા તેમને તબિયત વિશે કશું પૂછતા નથી અને જેમના તેમ છોડી દે છે.
આ પણ વાંચો: 'બેટા લે લો... બેટા લે લો...' એક પિતા પોતાના લાડકા દીકરાને વેચવા મજબૂર કેમ બન્યો?
તબિયત ખરાબ થતાં તેઓ ઢળી પડે છે. બીજા દિવસે પણ આ જ પરિસ્થિતિ દેખાઈ હતી અને સવારે તેમની તબિયત વધારે ખરાબ થતાં ઢળી પડ્યા હતા. જ્યાં એક કેદીને તેની જાણ થતાં તે પોલીસકર્મીઓને જાણ કરતો દેખાય છે. તેમને તાત્કાલિક સારવારની જરૂર હોવા છતાં હોસ્પિટલે તેમને અડધો કલાક સુધી જેમના તેમ બેસાડી રાખવામાં આવે છે. એ પછી સારવાર બાદ તેમનું મોત થઈ જાય છે. જો કે, પોલીસ અમને છેક સાંજે 7 વાગ્યે તેની જાણ કરે છે. આટલા કલાકો સુધી શા માટે અમને આખી ઘટનાથી અજાણ રાખવામાં આવ્યા? પોલીસનો શું ઈરાદો છે, શું છુપાવવા માંગે છે? આ તમામ સવાલોનો કોઈ જવાબ મળતો નથી. અમે હાલમાં પણ મૃતદેહ સ્વીકાર્યો નથી અને સ્વીકારીશું પણ નહીં, કારણ કે જે પણ અધિકારીઓ જવાબદાર છે તેમના વિરુદ્ધ ફરિયાદ દાખલ થવી જોઈએ. કડક કાર્યવાહી કરી તેમની ધરપકડ થવી જોઈએ અને એટ્રોસિટી એક્ટ હેઠળ તેમની સામે ફરિયાદ દાખલ થવી જોઈએ. આ માંગ સ્વીકારાય એ પછી જ અમે મૃતદેહ સ્વીકારીશું."
આ તરફ સુરત પોલીસ DCP રાજેશ પરમારે જણાવ્યું હતું કે, સચિન પોલીસ સ્ટેશનમાં આ મામલે કસ્ટોડિયલ ડેથ દાખલ કરવામાં આવી છે. આ મામલે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ પણ તપાસ કરી રહ્યા છે. મૃતકનું ઇન્કવેસ્ટ પંચનામું ડેપ્યુટી કલેક્ટર દ્વારા ભરવામાં આવ્યું છે અને સીટની રચના કરી ACP સહિતના તપાસ કરી રહ્યા છે. સંપૂર્ણ નિષ્પક્ષ અને જે સત્ય હશે એ પ્રમાણે જ કાર્યવાહી કરીશું.
ઉલ્લેખનીય છે કે, કસ્ટોડિયલ ડેથ મામલે ગુજરાત પોલીસ આખા દેશમાં પહેલા નંબરે છે. ગુજરાતના વિવિધ પોલીસ સ્ટેશનોમાં છેલ્લાં 5 વર્ષમાં 80 જેટલા મોત થયા છે. સુરતની વાત કરીએ તો છેલ્લાં 10 વર્ષમાં આ કદાચ ચોથો કસ્ટોડિયલ ડેથનો કેસ છે. જોવાનું એ રહેશે કે, દરેક ગંભીર બાબતમાં 'કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે' ની વાતો કરતા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમના જ શહેરમાં પોલીસની બેદરકારીને કારણે મોતને ભેટેલા એક નિર્દોષ યુવકને ન્યાય અપાવી શકે છે કે કેમ.
આ પણ વાંચો: કસ્ટોડિયલ ડેથમાં ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે, છેલ્લાં 5 વર્ષમાં પોલીસ કસ્ટડીમાં 80 આરોપીઓના મોત થયા