રાજકોટ કસ્ટોડિયલ ડેથમાં હમીરભાઈ રાઠોડ બાદ તેમના મિત્રનું પણ મોત

રાજકોટમાં અનુ. જાતિ સમાજના હમીરભાઈ રાઠોડની કસ્ટોડિયલ ડેથ બાદ હવે તેમના મિત્ર રાજુભાઈ સોલંકીનું પણ પોલીસના ઢોર મારને કારણે સારવાર બાદ મોત થયું છે.

રાજકોટ કસ્ટોડિયલ ડેથમાં હમીરભાઈ રાઠોડ બાદ તેમના મિત્રનું પણ મોત
image credit - Bhavesh Sondarava

રાજકોટના આંબેડકરનગરમાં રહેતા અનસૂચિત જાતિના યુવાન હમીરભાઈ રાઠોડની કસ્ટોડિયલ ડેથના મુખ્ય આરોપી એએસઆઈ અશ્વિન કાનગડનું વધુ એક પાપ છાપરે ચડીને પોકાર્યું છે. મળતી માહિતી પ્રમાણે મૃતક હમીરભાઈ રાઠોડ જેમને છોડાવવા માટે માલવીયાનગર પોલીસ સ્ટેશને ગયા હતા તે રાજુભાઈ સોલંકીનું પણ ગઈકાલે રાત્રે 9 વાગ્યા આસપાસ ઢોર મારના કારણે મોત થયું છે. રાજુભાઈ સોલંકી ઓબીસી ખાંટ સમાજમાંથી આવતા હતા અને તેમની અનુસૂચિત જાતિના આગેવાન હમીરભાઈ રાઠોડ સાથેની મિત્રતા જગજાહેર હતી. બંનેની મિત્રતાનો અંદાજ એના પરથી પણ લગાવી શકાય છે કે, માલવીયાનગર પોલીસે જ્યારે રાજુભાઈના ઘરે આવીને બબાલ કરી ત્યારે તેમના પુત્રના કહેવાથી હમીરભાઈ જ સમગ્ર મામલામાં સમાધાન કરાવવા ગયા હતા. જ્યાં પોલીસે તેમની  વાત સાંભળવાને બદલે લોકોની સામે જ તેમને માર માર્યો હતો. એ પછી તેમને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા અને ત્યાં કસ્ટડીમાં ઢોર માર માર્યો હતો અને અર્ધબેભાન થઈ ગયા બાદ તેમને છોડી મૂક્યા હતા અને બીજા દિવસે તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. હમીરભાઈના મોતને હજુ 10 દિવસ માંડ થયા છે ત્યાં તેમના મિત્ર રાજુભાઈનું પણ મોત થયું છે.

મૃતક રાજુભાઈ સોલંકી અને માલવીયાનગર પોલીસ સ્ટેશનના એએસઆઈ અશ્વિન કાનગડની ફાઈલ તસવીર

અશ્વિન કાનગડ સહિતના પોલીસવાળાઓએ કુલ ત્રણ લોકોને એ દિવસે પોલીસ સ્ટેશનમાં લઈ જઈને ઢોર માર માર્યો હતો. જેમાં હમીરભાઈ રાઠોડની સાથે રાજુભાઈ સોલંકી પણ સામેલ હતા. તેમને પીઠ, પિંડી અને સાથળ સહિતના ભાગો પર ભયંકર રીતે માર મારવામાં આવ્યો હોવાથી તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ગઈકાલે સાંજે તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. રાજુભાઈના પુત્ર જય સોલંકીએ સ્પષ્ટ કહ્યું છે કે, તેમના પિતાનું મોત પોલીસ દ્વારા ઢોર માર મારવાના કારણે થયું છે. રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન રાજુ સોલંકીનું મોત નિપજ્યું છે. 14 એપ્રિલે રાજુ સોલંકીને માલવીયાનગર પોલીસ સ્ટેશનના ASI અશ્વિન કાનગડ દ્વારા પગ તેમજ સાથળના ભાગે માર મારવામાં આવ્યો હતો. હવે મોત થતાં એએસઆઈ અશ્વિન કાનગડની મુશ્કેલીમાં વધારો થયો છે.

ઉલ્લેખનીય છે કે, અશ્વિન કાનગડ હમીરભાઈ રાઠોડની કસ્ટોડિયલ ડેથ બાદ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. એ પછી પોલીસ તેને શોધી રહી હતી અને હજુ બે દિવસ પહેલા જ તે પોલીસ સમક્ષ હાજર થયો હતો. ASI અશ્વિન કાનગડની ધરપકડ કરી કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. રાજુ સોલંકીના પુત્ર જય સોલંકીએ આક્ષેપ કરતાં કહ્યું કે, પોલીસ દ્વારા મારા પિતા રાજુભાઈ અને હમીર રાઠોડને બેફામ માર મારવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન મારા પિતાનું મોત નિપજ્યું છે. અમારી એક જ માગ છે કે ASI અશ્વિન કાનગડને સખત સજા કરવામાં આવે. બંને પરિવારોને ન્યાય આપવામાં આવે. પોલીસે એટલી હદ સુધી માર માર્યો છે કે ઈજાના નિશાન શરીર પર સ્પષ્ટપણે દેખાતાં હતા.

મૃતક રાજુભાઈ સોલંકીને એએસઆઈ કાનગડ સહિતના લોકોએ કેવો ભયાનક માર માર્યો હતો તેની તસવીરો

સિવિલ હોસ્પિટલ ફક્ત દવા આપીને જવા દેતી હતી
રાજુભાઈ સોલંકીના મોતને લઈને રાજકોટ સિવિલ હોસ્પિટલની કામગીરી સામે પણ શંકાની સોય તકાઈ રહી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે 14મી એપ્રિલની રાત્રે કાનગડ સહિતના પોલીસે રાજુભાઈ અને હમીરભાઈને ઢોર માર માર્યો હતો. એ પછી હમીરભાઈનું મોત નીપજ્યું હતું. જ્યારે રાજુભાઈ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે જતા હતા. તેમની ઈજા ગંભીર હતી છતાં સિવિલ હોસ્પિટલના ડોક્ટરો તેમને દાખલ કરીને સારવાર આપવાને બદલે માત્ર દવા આપીને રવાના કરી દેતા હતા. જેના કારણે તેમની તબિયત વધુ લથડી હતી અને આખરે તેમનું મોત નીપજ્યું હતું. સૂત્રોના જમાવ્યા પ્રમાણે સિવિલ હોસ્પિટલના ડોક્ટરો માર કેટલો ગંભીર છે તે જાણતા હોવા છતાં રાજુભાઈને દાખલ કરતા નહોતા અને તેના કારણે જ તેમનું મોત થયું છે.

ઘટના શું હતી?
14મી એપ્રિલની રાત્રે એક બાજુ ગુજરાત સહિત આખા દેશનો બહુજન સમાજ તેમના મહાનાયક ડૉ. આંબેડકરની જન્મજયંતિ ઉજવી રહ્યો હતો, બીજી તરફ રાજકોટના માલવીયા નગર પોલીસ સ્ટેશનમાં વિસ્તારમાં આવેલા ખોડીયારનગરમાં પડોશમાં થયેલા ઝઘડામાં અનુસૂચિત જાતિના આગેવાન હમીરભાઈ રાઠોડ સમાધાન કરાવવા માટે ગયા હતા. જ્યાં માલવીયાનગર પોલીસ કોઈ જ કારણ વિના તેમને પોલીસ સ્ટેશન ઉઠાવી ગઈ હતી અને ત્યાં ઢોર માર મારતા તેનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જેના કારણે સમગ્ર ગુજરાતના અનુસૂચિત જાતિ સમાજમાં હાહાકાર મચી ગયો હતો. મૃતકના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે માલવીયાનગર પોલીસ હમીરભાઈને ઉઠાવી ગઈ હતી અને તેમને કસ્ટડીમાં ઢોર માર માર્યો હતો, જેના કારણે તેમને બ્રેઈન હેમરેજ થતા સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. આ મામલે મૃતકના પરિવારજનોએ ન્યાયની ગુહાર લગાવી હતી અને તેમના મૃતદેહને રાજકોટની સિવિલ હોસ્પિટલ બહાર બરફની પાટ પર રાખીને ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે બેસીને ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે ધરણાં પ્રદર્શન કર્યું હતું. આ ઘટનાને લઈને સમગ્ર રાજકોટ પંથકમાં દલિત સમાજમાં ભારે રોષની લાગણી પ્રવર્તી રહી છે. મોટી સંખ્યામાં સમાજના આગેવાનો, એક્ટિવિસ્ટો અને યુવાનો રાજકોટ પહોંચીને મૃતક યુવાનના પરિવારને સાંત્વના આપી ન્યાયની લડતમાં જોડાયા હતા અને ઘટનામાં જવાબદાર આરોપી એએસઆઈ અશ્વિન કાનગડની ધરપકડ કરીને એટ્રોસિટી એક્ટ મુજબ કાર્યવાહી કરવા માંગ કરી હતી. દરમિયાન હમીરભાઈનું મોત નીપજતા એએસઆઈ અશ્વિન કાનગડ ભૂગર્ભમાં ઉતરી ગયો હતો અને બે દિવસ પહેલા જ મામલો સહેજ શાંત પડતા પોલીસ સમક્ષ હાજર થયો હતો. પણ હવે રાજુભાઈ સોલંકીનું મોત થયા કાનગડની મુશ્કેલી વધી છે.

મૃતક રાજુભાઈ સોલંકીના પુત્ર જયે પિતા અને હમીરભાઈને ન્યાય મળે તેવી અપેક્ષા વ્યક્ત કરી છે.

ઉલ્લેખનીય છે કે, હમીરભાઈ અને રાજુભાઈને પોલીસ કસ્ટડીમાં માર મારવાના આ મામલામાં એએસઆઈ કાનગડ સિવાય અને બે પોલીસ જવાનો પણ સામેલ છે અને બંને હાલ ફરાર છે. ગુજરાત સમગ્ર દેશમાં કસ્ટોડિયલ ડેથ મામલે પ્રથમ ક્રમે છે. કાનગડ જેવા પોલીસ અધિકારીઓને કારણે ગુજરાતમાં સામાન્ય માણસ પોલીસને દુશ્મનની જેમ જોવા લાગ્યો છે. પોલીસ સ્ટેશનનું નામ પડતા જ લોકો ગભરાઈ જાય છે, પોલીસ તેની મદદ માટે છે તે ખ્યાલ તો દૂર દૂર સુધી તેના મનમાં આવતો નથી અને તેના માટે અશ્વિન કાનગડ જેવા પોલીસ અધિકારીઓ જવાબદાર છે. એવામાં હવે પોલીસને જવાબદારી બને છે કે કાનગડ જેવા પોલીસ અધિકારીઓને યોગ્ય સજા થાય તે માટે મજબૂત કેસ ફાઈલ કરે અને લોકોમાં તેમની છાપને દૂર કરવા પ્રયત્ન કરે.

આ પણ વાંચોઃ આંબેડકરનગરમાં આંબેડકર જયંતિની રાત્રે દલિત યુવકને પોલીસે મારતા મોત

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


  • Ketan Dineshbhai Baraiya
    Ketan Dineshbhai Baraiya
    આ પોલીસ વાળા સસ્પેન્સ કરવો જોઈએ કાનુની કારય વાહી કરવી જોઈએ આ માટે આપરા દલીલ ભાયો ચુપ બેશવુ નહી આ ASI પર હત્યા નો ગુન્હો દાખલ કરાવો જોઈએ
    7 months ago
  • Gohel Mukesh
    Gohel Mukesh
    આ ASI ઉપર હત્યા કરવા નો ગુન્હો લાગવો જોઇએ.
    7 months ago
  • Som
    Som
    Dhoraji
    7 months ago
  • Chandresh Sagar
    Chandresh Sagar
    Criminals must be punished.
    7 months ago