'શાંતિથી દર્શન કરવાના 1200 થશે..' બેટ દ્વારકામાં VIP દર્શનનો ધંધો
ધર્મ એક ધંધો છે એવું બહુજન મહાપુરૂષો અનેકવાર કહી ચૂક્યા છે ત્યારે બેટ દ્વારકામાં તેનું તાજું ઉદાહરણ સામે આવ્યું છે. અહીં વીઆઈપી દર્શનના નામે મોટું કૌભાંડ ચાલી રહ્યું છે.

તમે સીધા જ કોઈ વ્યક્તિને સમજાવવા જાવ કે ભારત સહિત દુનિયાભરમાં ધર્મ એક ધંધો છે તો શક્ય છે સામેની વ્યક્તિ નારાજ થઈ જાય છે અને કોઈ કટ્ટર હિંદુત્વવાદી હશે તો હુમલો પણ કરી બેસે. સત્તામાં હિંદુત્વવાદીઓ મજબૂત થતા જ આવા તત્વો કાયદો વ્યવસ્થાની પરવા કર્યા વિના બેફામ બની ગયા છે, જેના કારણે સામાન્ય માણસ માટે લૂંટાવા સિવાય કોઈ વિકલ્પ નથી બચ્યો. આમ તો દરેક મોટા મંદિરો રૂપિયા રળવાનું રીતસરનું મશીન બની ગયા છે, પણ અહીં વાત છે ગુજરાતના બેટ દ્વારકા મંદિરની.
હાલ દેશ-દુનિયામાં ક્રિસમસ અને નવા વર્ષની ધૂમ મચેલી છે ત્યારે બેટ દ્વારકામાં શ્રદ્ધાળુઓ ભગવાનના દર્શન કરવા માટે ઉમટી પડ્યાં છે અને તેના કારણે અહીં ભગવાનના નામે દલાલી કરતા તત્વો પણ ફૂટી નીકળ્યાં છે. જેઓ વીઆઈપી દર્શનના નામે ભોળાં લોકો પાસેથી પૈસા પડાવવાનું કામ કરે છે.
મળતી માહિતી મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ બેટ દ્વારકામાં ભગવાનના વીઆઈપી દર્શન કરાવવા માટે દલાલો ફૂટી નીકળ્યા છે, જેઓ દર્શને આવતા લોકો પાસેથી વીઆઈપી દર્શનના બહાને 200 થી લઈને 2000 રૂપિયા સુધીની રકમ પડાવી રહ્યાં છે. આ આખી ઘટનાનો એક વીડિયો પણ વાયરલ થયો છે, જેમાં એક શખ્સ દર્શને આવનાર એક ગ્રુપ પાસેથી 6 લોકોના રૂ. 1200 રેટ ચાલતો હોવાનું કહીને તેમને વીઆઈપી દર્શન કરાવી આપવાનું કહે છે.
ભગવાનના VIP દર્શન કરાવવા માટે જુદા-જુદા ભાવ દલાલો લગાવે છે ત્યારે કેટલાક ભક્તો શાંતિથી દર્શન કરવા માટે આ દલાલોનું સંપર્ક પણ કરતા હોય છે. ત્યારે શાંતિથી દર્શન કરવા માટે 200થી 2 હજાર રૂપિયા દલાલ ઉઘરાવ છે.
વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, મોંમાં માવો ઠૂંસી સફેદ શર્ટ પહેલી, માથે ટીલું લગાડેલો એક શખ્સ 6 વ્યકિતના 1200 રૂપિયા લઇ ભગવાનના દર્શન કરાવવાની વાત કરે છે. ચોંકાવનારી વાત એ છે કે આ બધું ખૂલ્લેઆમ થઈ રહ્યું છે, દલાલોને કરાણે સામાન્ય લોકોને અગવડતા ભોગવવી પડે છે, તેમ છતાં લોકો અહીં દર્શન માટે જાય છે. ભગવાનના વીઆઈપી દર્શનના નામે ખૂલ્લેઆમ રૂપિયા પડાવવાનો ધંધો ચાલતો હોવા છતાં લોકોની આંખો ખૂલતી નથી.
આ પણ વાંચો: જૂનાગઢના ભગવાધારી બાબાએ ટ્રાન્સજેન્ડર યુવતીનું જાતીય શોષણ કર્યું