એવું ગામ, જ્યાં વર્ષના પહેલા દિવસની શરૂઆત આંસુઓ સાથે થાય છે

દુનિયાભરમાં એકબાજુ 1લી જાન્યુઆરીએ સૌ ન્યૂ યરની ઉજવણીમાં મસ્ત હોય છે ત્યારે બીજી તરફ એક એવું ગામ છે જ્યાંના રહીશોની શરૂઆત આંસુઓ સાથે થાય છે.

એવું ગામ, જ્યાં વર્ષના પહેલા દિવસની શરૂઆત આંસુઓ સાથે થાય છે
image credit - Google images

થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની રાત્રે 12ના ટકોરે એકબાજુ દુનિયા આખીમાં લોકો નવા વર્ષના સ્વાગતમાં સેલિબ્રેશનના મૂડમાં હોય છે ત્યારે ભારતમાં એક ગામ એવું પણ છે જ્યાં લોકો એકઠા તો થાય છે પરંતુ જશ્ન મનાવવા માટે નહીં પરંતુ શોક મનાવવા માટે.

અહીં મેળો ભરાય છે પણ તેનું આયોજન કોઈ પર્વ કે તહેવાર કે ખુશીના પ્રસંગે નહીં પરંતુ અહીં હજારોની સંખ્યામાં આદિવાસી સમાજ તેમના પૂર્વજોને યાદ કરવા માટે એકઠો થાય છે. આ એ જગ્યાએ છે જ્યાં આદિવાસી સમાજ વર્ષના પહેલા દિવસની શરૂઆત આંસુઓ સાથે કરે છે.

વાત છે આઝાદ ભારતના સૌથી પહેલા ગોળીબાર કાંડની. જેમાં જલિયાવાલા બાગ હત્યાકાંડ કરતા પણ વધુ લોકો માર્યા ગયા હતા. આવતીકાલે 1 લી જાન્યુઆરી છે ત્યારે ભીમા કોરેગાંવના મહાન મહાર યોદ્ધાઓની સાથે આદિવાસી સમાજના વીર શહીદોને પણ યાદ કરીએ. ચાલો જાણીએ આઝાદ ભારતની સૌથી દર્દનાક ઘટનાની વણકહી વાત.

ઝારખંડના આદિવાસી યોદ્ધાઓની કહાની

1લી જાન્યુઆરીનો દિવસ દુનિયાભરમાં નવા વર્ષ તરીકે ઉત્સવના રૂપમાં મનાવવામાં આવે છે. લોકો નવું વર્ષ ધામધૂમથી નવા ઉમંગો સાથે સાથે ઉજવે છે. પણ ઝારખંડના આદિવસી લોકો માટે આ દિવસ દુઃખ ભરી યાદો લઈને આવે છે. ઝારખંડના આદિવસી આ દિવસને કાળા દિવસ તરીકે મનાવે છે.

૧ જાન્યુઆરી ૧૯૪૮ના દિવસે આદિવસીઓનો ના નેતા જયપાલસી મુંડાની આગેવાનીમાં સ્વતંત્ર  રાજ્યની માગને લઈને ખરસાવાંમાં ૫૦૦૦૦ લોકોની ભીડ ભેગી થઇ હતી. તેમની માત્ર એક જ માંગ હતી કે આ અમારી માટી છે, અમારી જમીન છે, અમારું રાજ છે, અહીં આદિવસી રાજ જોઈયે અને અહીં બીજુ કોઈ રાજ મંઝૂર નથી. આઝાદી સમયે રાજ્યોનું વિલીનીકરણ ચાલતું હતું, ત્યારે તે સમયનું બિહાર ઓડીસામાં વિલય થવા જઈ રહ્યું હતું. ત્યારે આદિવસીઓની માંગ હતી કે અમારે બિહાર પણ નહીં અને ઓડિસા પણ નહિ અમને સ્વતંત્ર રાજ્ય આપો. અને આ માંગ ઉપર તેમનું ઉગ્ર આંદોલન ચાલતું હતું. 

આ પણ વાંચો: કોણ હતા બિરસા મુંડા, કેવી રીતે બન્યા આદિવાસી સમાજના ભગવાન?

જલિયાવાલા બાગ હત્યાકાંડની તો બધાંને ખબર છે, પણ ખરસાવાં ગોલીકાંડ વિષે તો બહુ જ ઓછા લોકોને જાણકારી છે. કારણ કે આ વિષય ઉપર ક્યાંય ભણાવવામાં નથી આવતું, કે ક્યાંય ખરસાવાં ગોલીકાંડનો ઉલ્લેખ પણ જોવા મળતો નથી, આવા કોઈ મોટા હત્યાકાંડની જ્યારે વાત ચાલે તો સૌથી પહેલા જલિયાંવાલા બાગ હત્યાકાંડ બધાની નજર આગળ ઉપસી આવે છે, કારણકે તે શાળાઓમાં ભણાવવામાં આવે છે, અને આ ખરસાવાં ગોલીકાંડ જલિયાવાલા બાગ કરતા પણ મોટો હતો છતાં પણ જાણી જોઈને છુપાવવા કે ભૂસી નાંખવામાં આવી રહ્યો છે. 

જલિયાવાલા બાગ હત્યાકાંડ કરતા પાંચ ગણા લોકો શહીદ થયા હતા

જલિયાવાલા બાગમાં ૨૦૦૦ જેટલા ભારતીયો શહીદ થયા હતા. જ્યારે ખરસાવાં ગોલીકાંડમાં તેના કરતા પાંચ ગણા લોકો શાહિદ થઇ ગયા હતા. પણ જલિયાંવાલા હત્યાકાંડ અંગ્રેજો દ્વારા થયો હતો એટલે લોકો સમક્ષ વિદ્યાર્થીકાળથી જ મુકવામાં આવે છે. જ્યારે આ ખરસાવાં ગોલીકાંડ એ ઓડિસાની પોલીસ દ્વારા કરવામાં આવ્યો હતો અને આદિવાસી લોકો જ તેનો ભોગ બન્યા હતા, તો જાણી જોઈને તેને દબાવવામાં આવી રહ્યો છે.  

સ્વતંત્રતા પછી રાજ્યોનું સરકાર સાથે વિનિમય થઇ રહ્યું હતું, ત્યારે તો ઓડિસામાં સરાઈકેલા ખરસવાં ક્ષેત્રના વિલયને લઈને લોકો એ વિરોધ કર્યો હતો. આદિવસીઓ તેમને સ્વતંત્ર રાજ્ય કે પ્રદેશમાં રહેવાની ઈચ્છા વ્યક્ત કરી રહયા હતા. એ બાબતે સર્વસંમતિથી આંદોલન માટે ખરસાવાહટ મેદાનમાં ૧ જાન્યુઆરી ૧૯૪૮ના રોજ એક વિશાળ આમસભા યોજાઈ હતી.

 તે સમયના આદિવાસી નેતા જયપાલસિંહ મુંડાની આગેવાની હેઠળ હજારોની સંખ્યામાં લોકો તે દિવસે ભેગા થઇ ગયા હતા. કોઈ કારણસર જયપાલસિંહ આંદોલન સ્થળ ઉપર તે મેદાનમાં સમયસર પહોંચી શક્યા નહોતા. અને ત્યાં તૈનાત કરેલી ઓડિસા પોલીસ અને લોકોની ભીડ વચ્ચે ઘર્ષણ ઉભું થયું, પોલીસ અને લોકો વચ્ચે વિવાદ વધતો ગયો અને ઓડિસા પોલીસે તે નિહત્થી ભીડ ઉપર મશીન ગનથી ગોળીઓ ચલાવવાનું ચાલુ કરી દીધું.

ટોળાં પર 15 મિનિટ સુધી ગોળીબાર ચાલ્યો

ભીડ ઉપર પોલીસે ૧૫ મિનિટ સુધી અનેક રોઉન્ડ ગોળીઓ ચલાવી, અને  મેદાનમાં રહેલ ભીડને  તહેસનહેસ કરી નાખી. મેદાન માંથી ભાગવા માટે રસ્તો નહીં હોવાના કારણે જલિયાંવાલા બાગની જેમ જ અહીં પણ મેદાનમાં એક કૂવો હતો, પોલીસની ગોળીઓથી બચવા લોકો કુવામાં કૂદવા લાગ્યા. અને જોતજોતામાં કૂવો પણ લોકોથી ભરાઈ ગયો, આ ગોળીકાંડ પછી ત્યાં પડેલી લાશોને પણ એ જ કુવામાં નાખી દેવામાં આવી અને તે કૂવાને બંધ કરી દેવાયો. આ હત્યા કાંડના શાક્ષી ભુરકુલીના દશરત માંજી ૮૫ વર્ષની ઉંમરે ૧૩મી એપ્રિલ ૧૯૭૦ના રોજ અવસાન પામ્યા, તેમને કહ્યું કે એ દિવસ ગુરુવારનો દિવસ હતો. મશીન ગનથી ધણી ફૂટે તેમ ગોળીઓનો વરસાદ કરવામાં આવ્યો હતો. જે લોકો ઘાયલ હતા લોહી લુહાણ હાલતમાં હતા પણ જીવતા હતા, તેમને પણ લાશોની સાથે આ કુવામાં નાખીને કૂવો બંધ કરી દેવાયો હતો. આ જગ્યા ઉપર આજે શહીદ સ્મારક બનાવવામાં આવ્યું છે. પેહલી જાન્યુઆરીએ આ જગ્યા ઉપર ફૂલો અને તેલ નાખીને શહીદોને યાદ કરી ને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવે છે.

આટલા મોટો નરસંહાર પાઠ્યપુસ્તકોમાં ભણાવાતો નથી

જ્યારે  ભારત આઝાદ થયો બધા આઝાદીનો ઉત્સવ મનાવી રહયા હતા, ત્યારે તે જ દિવસથી આ આદિવસીઓ એ તેમની મા એટલે કે જમીન અને સ્વતંત્ર રાજ્ય માટે આંદોલન ચાલુ કરી દીધું હતું. આપણા સ્વતંત્ર ભારતના પુરા ઇતિહાસમાં આ પહેલો નરસંહાર કરતો આટલો મોટો ગોલીકાંડ  થયો, અને ક્યાંય ભણાવવામાં આવતો નથી, આદિવાસીઓ સિવાય કોઈ યાદ પણ કરતુ નથી, મોટાભાગે આ ઇતિહાસ થી લોકો અજાણ છે. કુવામાં જેમ આંદોલનકારીઓ ને દફનાવી દેવાયા તેમ આદિવસીઓના આ ઇતિહાસને દફનાવાઈ રહ્યો છે. આ દિવસ આદિવાસીઓ કાળા દિવસ તરીકે મનાવે છે. આઝાદ ભારત માટેના આ કાળા અધ્યાયે આપણે પણ આદિવાસી મહાયોદ્ધાઓને નમન કરી શ્રદ્ધાંજલિ પાઠવીએ.

મુખ્યમંત્રી હેમંત સોરેન પરિવાર સાથે ખરસાવા જશે

દર વર્ષની જેમ આ વર્ષે પણ ઝારખંડના આદિવાસી મુખ્યમંત્રી હેમંત સોરેને ખરસાવાના શહીદોને અંજલિ માટે આપવા રાખવામાં આવેલા કાર્યક્રમમાં પરિવાર સાથે ઉપસ્થિત રહેશે. ખરસાવાના ધારાસભ્ય દશરથ ગારગાઈએ જણાવ્યું છે કે, સીએમ હેમંત સોરેને આવતીકાલે અહીં શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કરશે. તેમની સાથે તેમના પત્ની અને ગાંડેય વિધાનસભાના ધારાસભ્ય કલ્પના સોરેન પણ હાજર રહેશે. આ સિવાય રાજ્ય સરકારના મંત્રી દીપક બિરુવા, શિક્ષણ મંત્રી રામદાસ સોરેન, સિંહભૂમની સાંસદ જોબા માઝી, ખુંટીના સાંસદ કાલીચરણ મુંડા સહિત અન્ય ધારાસભ્યો પણ હાજર રહેશે.

જિતેન્દ્ર વાઘેલા (લેખક વ્યવસાયે એન્જિનિયર અને બહુજન-રેશનલ વિચારોના પક્ષધર છે.)

આ પણ વાંચો: આદિવાસી અધિકારોનો સબળ અવાજ: જયપાલ સિંહ મુંડા


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


  • શોભા મલબારી
    શોભા મલબારી
    આઝાદી એટલે શોષિત વર્ગનું શોષણ કરનાર એક શોષક પાસેથી બીજા શોષક વર્ગ પાસે કરનાર જ ગઈ છે.
    4 months ago
  • THAKOR BHAI PARMAR
    THAKOR BHAI PARMAR
    ભૂતકાળમાં છુપાવી દેવાયેલા ઇતિહાસને સમાજ સમક્ષ રજુ કરવામાં આવ્યું એ બદલ આપનો ખુબ ખુબ આભાર માનવો પડે.... ખુબ ખુબ અભિનંદન ????????????
    4 months ago