અમદાવાદમાં મુસ્લિમ યુવકને દાઢીને કારણે પરીક્ષા આપતો અટકાવાયો

યુવક નર્સિંગની પરીક્ષા આપવા પહોંચ્યો હતો, જ્યાં પરીક્ષકે તેને રૂમમાં પ્રવેશતા રોકી તેની દાઢી વિશે સવાલો કરીને દાઢી કરાવીને આવવા આદેશ કર્યો.

અમદાવાદમાં મુસ્લિમ યુવકને દાઢીને કારણે પરીક્ષા આપતો અટકાવાયો
image credit - Google images

અમદાવાદમાં એક ચોંકાવનારી અને ખૂબ જ ચિંતાજનક ઘટના પ્રકાશમાં આવી છે. અહીં નર્સિંગના વિદ્યાર્થી હાફિઝ અબુ બકરને દાઢી રાખવા બદલ એલજી હોસ્પિટલમાં ગુજરાત યુનિવર્સિટીની GNM નર્સિંગની પરીક્ષામાં બેસતા રોકવામાં આવ્યો હતો. પરીક્ષક સરયુરાજ પુરોહિતે કથિત રીતે અબુ બકરને પરીક્ષા શરૂ થતા પહેલા દાઢી કઢાવી નાખવાની સૂચના આપી હતી.

ઓબ્ઝર્વર પોસ્ટના અહેવાલ મુજબ, અબુ બકરે દાવો કર્યો હતો કે તેને પરીક્ષા ખંડની બહાર રોકવામાં આવ્યો હતો અને પરીક્ષામાં બેસવું હોય તો દાઢી કઢાવી નાખવા માટે કહેવામાં આવ્યું હતું. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી આ ઘટનાના વીડિયોમાં પરીક્ષક કહેતા જોવા મળે છે કે, "જો કોઈ વિદ્યાર્થીની દાઢી રાખે છે, તો મારું માનવું છે કે અમારે તેની તપાસ કરવી જોઈએ અથવા તેને સવાલો કરવા જોઈએ."

અહીં એ યાદ રાખવું જોઈએ કે, એવો કોઈ નિયમ નથી કે પરીક્ષાર્થીએ પરીક્ષા આપતી વખતે દાઢી કરાવી લેવી જોઈએ. તેમ છતાં પરીક્ષકે મુસ્લિમ યુવકને દાઢી કઢાવી નાખવાનો આદેશ કર્યો હતો.

અહેવાલ મુજબ, આ ઘટનાનો વીડિયો બનાવનાર વ્યક્તિએ જણાવ્યું હતું કે, "કોઈને દાઢી કરાવીને ક્લાસમાં આવવાનું કહેવાનો કોઈ નિયમ નથી. તેમ છતાં પરીક્ષકે આ પ્રકારનું વર્તન કરીને પોતાની દ્વેષી માનસિકતાનો પરિચય આપ્યો હતો."

અબુ બકરે બીજી પણ એક અપમાનજનક વાતચીતનો ઉલ્લેખ કર્યો હતો. જેમાં પરીક્ષકે તેને પૂછ્યું હતું કે, શું તેણે હજ કરી છે. અબુ બકરે જવાબમાં કહ્યું કે તેણે ઉમરાહ કરી છે. એ પછી પરીક્ષકે તેના પર જૂઠું બોલવાનો આરોપ મૂક્યો અને આગ્રહ કર્યો કે તે તેની દાઢી સંપૂર્ણપણે મુંડાવી લે. એનો મતલબ એ કે તે તેની ધાર્મિક ઓળખની પૂછપરછનો વિષય હતો.

પોતાની કાર્યવાહીનો બચાવ કરતા પરીક્ષક સરયુરાજ પુરોહિતે દાવો કર્યો હતો કે ધર્મના આધારે કોઈ ભેદભાવ નથી અને પરીક્ષા તમામ વિદ્યાર્થીઓ માટે ન્યાયી રીતે લેવામાં આવી હતી. જો કે તેમણે શા માટે મુસ્લિમ વિદ્યાર્થીને દાઢી કઢાવીને આવવા કહ્યું હતું અને ધાર્મિક સવાલો પૂછ્યા હતા તેને લઈને તેનો યોગ્ય ખુલાસા કરી શક્યા નહોતા.

આ ઘટનાની ચારે બાજુથી નિંદા થઈ રહી છે. એએમસીમાં વિપક્ષના નેતા શેહઝાદખાન પઠાણે આ મામલે ગુજરાતમાં વધી રહેલી ધાર્મિક અસહિષ્ણુતા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું, "મને આ ઘટના વિશે મીડિયા દ્વારા જાણ થઈ. એક મુસ્લિમ વિદ્યાર્થીને દાઢી હોવાથી પરીક્ષામાં બેસતો રોકવામાં આવ્યો તે ચોંકાવનારું છે. આ દેશમાં કટ્ટરતા એટલી વધી ગઈ છે કે વિદ્યાર્થીઓએ તેની સાથે સંઘર્ષ કરવો પડે છે. આ અત્યંત શરમજનક સ્થિતિ છે."

શેહઝાદખાન પઠાણે ગુજરાતને ધાર્મિક ઉગ્રવાદનું કેન્દ્ર બનાવવાનો આરોપ મૂક્યો હતો જ્યાં આવી ભેદભાવપૂર્ણ પ્રથાઓ દિન પ્રતિદિન સામાન્ય બની રહી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ભારતીય બંધારણ ધાર્મિક સ્વતંત્રતાના અધિકારની બાંહેધરી આપે છે, જેમાં દાઢી અથવા હિજાબ જેવી ઓળખ દ્વારા કોઈની આસ્થાને વ્યક્ત કરવાનો અધિકાર પણ સામેલ છે. તેમ છતાં આવી ઘટનાઓ બની રહી છે તે શરમજનક છે.

આ ઘટના ભારતમાં વધતી જતી ધાર્મિક અસહિષ્ણુતાનું જીવંત ઉદાહરણ છે, જ્યાં વ્યક્તિગત માન્યતાઓ અને સાંસ્કૃતિક પૂર્વગ્રહોના મૂળમાં રહેલી ક્રિયાઓ વ્યક્તિઓના અધિકારોનું વધુને વધુ અતિક્રમણ કરી રહી છે. તેનાથી પણ વધુ ચિંતાજનક બાબત એ છે કે આવી ભેદભાવપૂર્ણ ક્રિયાઓને સત્તાધિકારીઓ દ્વારા નિયમિત કાર્યવાહીના ભાગરૂપે વાજબી ઠેરવવામાં આવે છે, જેનાથી ધાર્મિક લઘુમતીઓને વંચિત રાખવું સામાન્ય બની જાય છે.

આ પણ વાંચો: ટિફિનમાં નોનવેજ લાવતા શાળાએ ત્રણ મુસ્લિમ બાળકોને કાઢી મૂક્યા?


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.