ધ્રોલમાં ધર્મપરિવર્તનઃ મામલો ધર્મનો નહીં, તંત્રની બેદરકારીનો છે
જામનગરના ધ્રોલના 748 જેટલા હિન્દુઓએ મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા માટે રાજ્યના મુખ્યમંત્રીને પરવાનગી માંગી છે. પણ મામલો આખો જુદો છે.

જામનગર જિલ્લાના ધ્રોલના વાડી સહિતના વિસ્તારમાં રહેતા ૭૪૮ જેટલા હિન્દુ ધર્મના લોકોએ ધર્મ પરિવર્તન કરી મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા માટે રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. પોતાની સમસ્યાઓનું નિરાકરણન આવતા તેમણે ધર્મ પરિવર્તનનો નિર્ણય લેવાયાનું આવેદનપત્રમાં જાહેર કરાતાં ભારે સનસનાટી મચી ગઈ છે.
આપણે ત્યાં સવર્ણ મીડિયાના જાતિવાદી, મુસ્લિમ વિરોધી પત્રકારો કોમવાદી એંગલ શોધવા કાયમ નજર દોડાવતા રહેતા હોય છે. આથી તેમને તો આ મામલામાં ઘરે બેઠાં ગોળનું ગાડું મળી ગયા જેવી લાગણી થઈ હતી, પણ આખી ઘટનામાં એંગલ તંત્રની રેઢિયાળ કામગીરીનો છે. તેની વાત છેલ્લે કરીશું, સૌથી પહેલા મામલો શું છે તેના વિશે ટૂંકમાં સમજીએ.
જામનગર જિલ્લાના ધ્રોલમાં વોર્ડ નંબર ૭, પડધરી નાકા પાછળ, ૭ ડેરી મહાદેવ મંદિરવાળા માર્ગે વાડી સહિતના વિસ્તારમાં રહેતા અનેક હિંદુ પરિવારના કુલ ૭૪૮ લોકોએ મુખ્યમંત્રી ઉપરાંત ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાટીના પ્રદેશ પ્રમુખો, ધ્રોલના પ્રાંત અધિકારી અને ચીફ ઓફિસરને પત્ર પાઠવીને જણાવ્યું હતું કે, તેઓ હિંદુ મટીને મુસ્લિમ ધર્મ અંગિકાર કરવા માંગે છે.
તેમના મતે, ભાજપ કરતાં કોંગ્રેસની સરકાર સારી હતી. કેમ કે, આ સરકારમાં હિન્દુઓની સમસ્યાનું કોઈ નિરાકરણ આવતું નથી. આ લોકોનું કહેવું છે કે, તેમના અનેક પ્રશ્નો અંગે અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ લાવવામાં આવતું નથી, જેથી તેમણે કંટાળી જઈને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા ઈચ્છીએ છીએ.
આ પણ વાંચો: ધર્મ પરિવર્તન ચાલુ રહ્યું તો બહુમતી લઘુમતી થઈ જશેઃ અલ્હાબાદ હાઈકોર્ટ
સ્થાનિકોનું કહેવું છે કે, અમારા રહેણાક વિસ્તારના માર્ગે ખાટકીવાડ વિસ્તારમાં માંસ મટનનો જાહેરમાં નિકાલ કરવામાં આવે છે. આથી હિન્દુઓની લાગણી દુભાય છે. આ બાબતે અનેક વખત રજૂઆતો કરવા છતાં પ્રશ્નનો ઉકેલ લાવવામાં આવ્યો નથી. અહીંના મરછીયા હોલમાં જ્યારે પણ કાર્યક્રમ હોય ત્યારે માંસ અને ગંદકીનો બહાર નિકાલ કરવામાં આવે છે. અહીં નજીકમાં જ મરઘા ઉછેર કેન્દ્ર કાર્યરત છે. આ બાબતે પણ ધ્રોલના પ્રાંત અધિકારી અને ચીફ ઓફિસર સમક્ષ રજૂઆત કરવા છતા કોઈ પગલા લેવાયા નથી.
આ મામલે ધ્રોલના એક સ્થાનિકે નામ ન છાપવાની શરતે ખબરઅંતર.કોમ સાથે વાત કરતા જણાવ્યું કે, "આખો મામલો ગંદકી અને નોનવેજ કચરાના યોગ્ય નિકાલને લગતો છે. ધર્મ પરિવર્તન સાથે તેને કોઈ લેવાદેવા નથી. અહીં ખાટકીવાડની નજીકમાં સતવારા સમાજની વસ્તી બહુમતીમાં છે અને તેમણે આ મામલે તંત્રમાં ગંદકી દૂર કરવા રજૂઆત કરી હતી. જો કે તંત્ર દ્વારા તેનો યોગ્ય નિકાલ લાવવામાં આવતો નથી. જેના કારણે તેઓ નારાજ છે. એટલે આખો મામલો તંત્ર અને સ્થાનિકો વચ્ચેનો છે, નહીં કે હિંદુ-મુસ્લિમનો. ખુદ તંત્ર પણ વર્ષોથી પોતાના મરેલા ઢોર અને અન્ય ગંદકી અહીં ઠાલવે છે અને તેનો પણ અનેકવાર વિરોધ થઈ ચૂક્યો છે.
એટલે હવે આ વિસ્તારની નજીકમાં રહેતા લોકો કોઈપણ ભોગે આ ગંદકીને હટાવવા માંગે છે. તેને લાઈમલાઈટમાં લાવવા માટે સૌએ મળીને ધર્મ પરિવર્તનનો આશરો લીધો છે. બાકી, ધર્મ પરિવર્તન કરીને મુસ્લિમ બનવું એ કોઈ નાનીસૂની વાત થોડી છે? તેમના મનમાં એમ છે કે, આટલી મોટી સંખ્યામાં હિંદુઓ જ્યારે ધર્મ પરિવર્તન કરી મુસ્લિમ બનવાની વાત કરશે તો આખા દેશમાં આ મામલાની ચર્ચા થશે, મીડિયાના લોકો આવીને કવરેજ કરશે અને એ બહાને આપણી સમસ્યાને વાચા આપી તંત્ર પર દબાણ ઉભું કરાવીને કચરાના નિકાલનો મુદ્દો ઉકેલી નાખીશું. આખા મામલામાં વાસ્તવિકતા આ છે અને લોકોએ સમજવું જોઈએ કે તેને ધર્મ પરિવર્તન સાથે કશી લેવાદેવા નથી."
આ વાત સાચી પડી છે. કેમ કે, ધર્મ પરિવર્તન કરી મુસ્લિમ બનવાની વાત આવતા જ તંત્ર દોડતું થયું હતું. મીડિયામાં આ અંગે અહેવાલો પ્રસિદ્ધ થયા, ટીવી ચેનલો ઉતરી પડી એટલે મામલતદાર અને ટીડીઓ સહિતના અધિકારીઓએ ધ્રોલમાં પહોંચી ગયા હતા અને લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવાનું શરૂ કરી દીધું હતું. ધર્મ પરિવર્તન કરી મુસ્લિમ બની જવાની વાતનો આ રીતે પણ સ્વાર્થે ઉપયોગ કરી શકાય છે તે કોઈએ વિચાર્યું હતું ખરાં?
આ પણ વાંચો: શું આર્યન પૉલીટિક્સ સામે બહુજનવાદી વિચારધારા આધારિત રાજકીય સત્તા જ વિકલ્પ છે?