‘રામ’ હતા એવો કોઈ ઐતિહાસિક પુરાવો નથી: તમિલનાડુ સરકારના મંત્રી

તમિલનાડુની ડીએમકે સરકારના એક મંત્રીએ હિંદુઓના ભગવાન શ્રીરામને લઈને એક નિવેદન આપતા હોબાળો મચી ગયો છે.

‘રામ’ હતા એવો કોઈ ઐતિહાસિક પુરાવો નથી: તમિલનાડુ સરકારના મંત્રી
image credit - Google images

તમિલનાડુ સરકારના મંત્રી અને ડીએમકે નેતા એસ.એસ. શિવશંકરે હિંદુઓના ભગવાન શ્રીરામને લઈને એક વિવાદિત નિવેદન આપતા હોબાળો મચી ગયો છે. શિવ શંકરે એવો દાવો કર્યો છે કે, ભગવાન રામના અસ્તિત્વને સાબિત કરવા માટે કોઈ ઐતિહાસિક પુરાવા નથી. ચોલ વંશના રાજાઓ સાથે સરખામણી કરતા તેમણે કહ્યું કે, એ સામ્રાજ્યની ઇમારતોને હજુ પણ તેમના અસ્તિત્વને સાબિત કરવા માટે પુરાવા તરીકે જોવામાં આવે છે. પણ ભગવાન રામના ઈતિહાસને લઈને એવો કોઈ ઐતિહાસિક પુરાવો નથી.

અરિયાલુર જિલ્લાના ગંગાઈકોંડાચોલાપુરમ ખાતે રાજેન્દ્ર ચોલાની જન્મજયંતિની ઉજવણી માટે આયોજિત એક કાર્યક્રમમાં બોલતા ડીએમકે મંત્રી શિવશંકરે કહ્યું કે, “અમે ચોલ વંશના સમ્રાટ રાજેન્દ્ર ચોલાના જન્મદિવસની ઉજવણી કરીએ છીએ. આપણી પાસે તેને લગતા પુરાતત્વીય પુરાવા છે. જેમ કે શિલાલેખ, તેમના દ્વારા બાંધવામાં આવેલા મંદિરો તળાવો વગેરે. પરંતુ, ભગવાન રામના અસ્તિત્વ કે ઈતિહાસનો આવો કોઈ પુરાવો નથી.” 

તેમણે કહ્યું કે, “તેઓ દાવો કરે છે કે, ભગવાન રામ ૩,૦૦૦ વર્ષ પહેલાં થયા હતા અને તેમને અવતાર કહે છે. અવતારનો જન્મ થઈ શકતો નથી. જો રામ અવતાર હોત તો તેમનો જન્મ ન થયો હોત. જો તે જન્મ્યા હોત તો તે ભગવાન ન બની શક્યા હોત.”

ડીએમકે મંત્રી શિવશંકરે વધુમાં કહ્યું કે, “રામાયણ અને મહાભારતમાં લોકો માટે શીખવા જેવો કોઈ ‘જીવન પાઠ’ નથી. જ્યારે તમિલ સંત-કવિ તિરુવલ્લુવર દ્વારા ૨,૦૦૦ વર્ષ પહેલાં લખાયેલા યુગલોના સંગ્રહ તિરુક્કુરલમાં આ કિસ્સો છે.”

આ પણ વાંંચો: 'જય શ્રીરામ' સામે 'જય ભીમ'નો નારો કેવી રીતે ભારે પડ્યો?

શિવશંકરે કહ્યું કે “એવો દાવો કરવામાં આવ્યો હતો કે ભગવાન રામ 3,000 વર્ષ પહેલા થઈ ગયા હતા. આ દાવાઓનો ઉદ્દેશ્ય સમાજને ગેરમાર્ગે દોરવાનો છે. આમનો હેતુ તમિલોના ઈતિહાસને દબાવવાનો છે. તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી કરુણાનિધિ આ લોકોના ખોટા ઈરાદાને પહેલાથી જ સમજી ગયા હતા. એટલે જ તેમણે તમિલોની સંસ્કૃતિને બચાવવા અને આગળ વધારવા માટે ઘણાં પગલાં લીધાં હતા. તેમણે સ્પષ્ટપણે તમિલોની ઓળખ સમાજ સમક્ષ મૂકી. કરુણાનિધિ રામાયણ અને મહાભારતના વિરોધી હતા. રામાયણ અને મહાભારત ઘણી સદીઓથી આપણા ઉપર લાદવામાં આવ્યા છે.”

આ મામલે તમિલનાડુ ભાજપ અધ્યક્ષ અન્નામલાઈએ કહ્યું કે, “DMKમાં રામ માટે અચાનક આવેલો આ જુસ્સો જોવા જેવો છે. ડીએમકેના લોકો બહુ ઝડપથી ભૂલી જાય છે કે તેમણે સંસદમાં ચોલ વંશના સેંગોલની સ્થાપના બદલ આપણા વડાપ્રધાન મોદીનો વિરોધ કર્યો હતો. શિવશંકરે ભગવાન રામ વિશે થોડી માહિતી મેળવવી જોઈએ.”

ઉલ્લેખનીય છે કે, ડીએમકેના નેતાઓ તેમના આકરા નિવેદનો માટે જાણીતા છે. અગાઉ ડીએમકે નેતા ઉદયનિધિ સ્ટાલિને સનાતન ધર્મને ડેંગ્યૂ મલેરિયા સાથે સરખાવીને તેનો નાશ કરવાની વાત કરી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને સંસદના ઉદ્ઘાટન કાર્યક્રમમાં બોલાવવામાં ન આવ્યા તે બદલે તેમણે કહ્યું હતું કે રાષ્ટ્રપતિ આદિવાસી-વિધવા છે તેથી તેમને સંસદના ઉદ્ઘાટન માટે આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. ડીએમકેના સાંસદ સેંથિલ કુમારે લોકસભામાં ભાજપને નિશાન બનાવીને કહ્યું હતું કે, ભાજપ માત્ર ગૌમૂત્ર રાજ્યોમાં જીતે છે. દક્ષિણના રાજ્યોમાં તેમને મતદારો ઘૂસવા નથી દેતા.

આ પણ વાંંચો: IIT બોમ્બેમાં રામસીતાના અપમાન બદલ વિદ્યાર્થીઓને લાખોનો દંડ ફટકારાયો


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.