દાનપેટીમાં ભક્તનો iPhone પડી ગયો, પૂજારીએ કહ્યું, 'હવે એ ભગવાનનો થઈ ગયો'
આમીર ખાનની 'પીકે' ફિલ્મ જેવો કિસ્સો. પૂજારીઓએ ભગવાનનું બહાનું કાઢી ભક્તનો આઈફોન બે મહિના થઈ ગયા છતાં પરત નથી કર્યો.

આમીર ખાનની ફિલ્મ પીકે જેમણે જોઈ હશે તેને એ દ્રશ્ય યાદ હશે, જેમાં હિરોઈન અનુષ્કા શર્માનું રૂપિયા ભરેલું પાકીટ મંદિરની દાનપેટીમાં ભૂલથી પડી જાય છે. એ પછી જ્યારે પૂજારી આવીને દાનપેટી ખોલાવે છે અને અનુષ્કા પોતાનું પાકિટ પરત માંગે છે ત્યારે પૂજારી તે પાકીટમાંથી અડધાથી વધુ ભાગના રૂપિયા કાઢી લે છે અને ડાયલોટ ફટકારે છે કે, 'અબ યે ભગવાન કા હો ગયા..' જો કે વાસ્તવિકતા છે કે, દાનપેટીમાં પડેલા રૂપિયા સહિતની બધી વસ્તુઓ ભગવાનના નામે પૂજારીઓ જ ઘરભેગી કરી જાય છે. તિરૂપતી બાલાજી મંદિરના પૂજારીઓની દીકરીઓના લગ્નમાં તેમણે પહેરેલા ઘરેણાંના અનેક વીડિયો સોશિયલ મીડિયામાં ફરતા રહે છે, જેમાં તેમણે પહેલા લાખોની કિંમતના સોનાના ઘરેણાં જોઈ સૌ કોઈના મોં આશ્ચર્યથી પહોળા થઈ જાય છે. મંદિરમાં ભગવાનની આડમાં દાન એ એક પ્રકારનો ધંધો છે તે શ્રદ્ધાળુ હજુ સમજી શકતા નથી.
મામલો શું છે?
પીકે ફિલ્મના આ દ્રશ્ય જેવો જ અસલી કિસ્સો હાલ સામે આવ્યો છે. તમિલનાડુના તિરુપોરુરમાં અરુલમિગુ કંદસ્વામી મંદિરના દાન પેટીમાં એક ભક્તનો આઇફોન ભૂલથી પડી ગયો હતો. એ પછી મંદિર તંત્રે આઈફોન પરત કરવાનો ઈન્કાર કરી દીધો છે. તમિલનાડુ સરકારના હિંદુ ધાર્મિક અને ચેરિટેબલ એન્ડોમેન્ટ્સ વિભાગે પણ આ અંગે પ્રતિક્રિયા આપી છે અને કહ્યું છે કે આઇફોન પરત કરી શકાય નહીં. તંત્રે આ મામલે નિયમો બતાવ્યા છે.
18 ઓક્ટોબરે ફોન પડ્યો હજુ મળ્યો નથી
આ ઘટના શ્રી કંદસ્વામી મંદિરમાં બની હતી. ભક્તનું નામ દિનેશ છે અને તે તિરુવલ્લુર જિલ્લાના વિનાયગપુરમનો રહેવાસી છે. 18 ઓક્ટોબરે દિનેશ પરિવાર સાથે મંદિરે દર્શન કરવા ગયો હતો. દર્શન દરમિયાન દાન કરતી વખતે તેના હાથમાંથી આઇફોન સરકીને દાન પેટીમાં પડી ગયો હતો. એ પછી તેણે મંદિર પ્રશાસનને ફોન પરત કરવા વિનંતી કરી હતી.
આ પણ વાંચોઃ મંદિરની દાનપેટીમાંથી 18.11 કરોડનું દાન નીકળ્યું, 4 દિવસ ગણતરી ચાલી
ઘટનાના બે મહિના પછી 20 ડિસેમ્બરે દાન પેટી ખોલવામાં આવી હતી અને ફોન મળી આવ્યો હતો. રિપોર્ટ અનુસાર, મંદિર પ્રશાસને દિનેશને જાણ કરી કે તેનો ફોન મળી ગયો છે પરંતુ તે પરત કરવામાં નહીં આવે તેમ જણાવ્યું હતું, મંદિરના તંત્રે કહ્યું કે ફોન હવે મંદિરની મિલકત બની ગઈ છે. જોકે વહીવટીતંત્રનું કહેવું છે કે ભક્ત દિનેશ તેના ફોનમાંથી ડેટા લઈ શકે છે. દિનેશે આ નિર્ણયને ફગાવી દીધો છે અને તે મંદિર તંત્ર પાસેથી આઈફોન પરત મેળવવા અડગ છે.
મંદિર વિભાગના મંત્રીએ શું કહ્યું?
આ મામલે તમિલનાડુ સરકારના હિંદુ ધાર્મિક અને ચેરિટેબલ એન્ડોમેન્ટ્સ (HR&CE) વિભાગના મંત્રી પીકે શેખર બાબુએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, "દાનપેટીમાં જે પણ પ્રસાદ આવે છે. પછી તે જાણી જોઈને આપવામાં આવે કે ભૂલથી, તે ભગવાનનો બની જાય છે. મંદિરોમાં પ્રચલિત પરંપરા અને નિયમો મુજબ દાન પેટીમાં મૂકેલી કોઈપણ વસ્તુ પરત કરી શકાતી નથી."
તેમણે એમ પણ કહ્યું કે વિભાગના અધિકારીઓ સાથે વાતચીત કરવામાં આવશે. જો જરૂરી હોય તો ભક્તને વળતર આપવાની વિચારણા કરવામાં આવશે.
અગાઉ પણ આવા કિસ્સા બન્યાં છે
આ કંઈ પહેલી ઘટના નથી. મે 2023માં પણ આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. કેરળના અલપ્પુઝાની એક મહિલાનો સોનાનો હાર દાનપેટીમાં પડી ગયો હતો. બાદમાં મંદિર ટ્રસ્ટ બોર્ડે તેના વજન પ્રમાણે બીજી માળા બનાવી આપી હતી. અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે 1975ના નિયમો મુજબ દાન પેટીમાં મૂકેલી કોઈપણ વસ્તુ પરત કરી શકાતી નથી. તેને મંદિરની સંપત્તિ માનવામાં આવે છે.
આ પણ વાંચોઃ ધર્મનો ધંધોઃ ઉજ્જૈનના મહાકાલ મંદિરે 1 મહિનામાં 15 કરોડની આવક રળી