GREEN ARMY - મહિલાઓની આ સેનાનું કામ જોઈને તમે પણ કહેશો, વાહ!

GREEN ARMY - મહિલાઓની આ સેનાનું કામ જોઈને તમે પણ કહેશો, વાહ!
Photo By Google Images

આટલા વર્ષોમાં ઘૂમટો છાતીથી માથા સુધી ખસી ગયો છે. આ બહુ મોટી વાત છે…” ઉત્તર પ્રદેશના વારાણસી જિલ્લાના કુશિયારી ગામમાં લાકડીઓથી સજ્જ થઈને તાલીમ લઈ રહેલી મહિલાઓના એક જૂથ તરફ ઈશારો કરતાં આશા દેવીએ કહ્યું.

લીલી સાડી પહેરેલી આ તમામ મહિલાઓ લાજ કાઢવાથી ટેવાયેલી છે, તેથી તેઓ કામ કરતી વખતે પણ સાડીનો છેડો માથેથી સરકી ન જાય તે માટે તેને સરખો કરતી રહે છે. આસપાસ કોઈ પુરુષો ન હોવાથી  કેટલીક મહિલાઓએ માથા પરથી ઘૂમટો હટાવ્યો હતો અને ગરમીથી બચવા માટે તેમના પેટીકોટ તેમજ તેમની સાડીઓ ખેંચી લીધી હતી. જોકે, મુખ્ય માર્ગ પરથી આવતા હોર્નનો અવાજ સાંભળીને પાછો ઘૂમટો તાણીને સાડીઓ નીચે ઉતારી લીધી હતી.

દલિતો, આદિવાસીઓ અને અન્ય પછાત જાતિઓમાંથી આવતી આ તમામ મહિલાઓ કુશિયારીની ગ્રીન આર્મીનો ભાગ છે,  જે બનારસ હિંદુ યુનિવર્સિટી(BHU)ના ભૂતપૂર્વ વિદ્યાર્થી રવિ મિશ્રા દ્વારા 2014માં રચવામાં આવી હતી.

આ એક મિશન છે, જેનો ઉદ્દેશ્ય સમાજના પછાત વર્ગની મહિલાઓને તેમના ઘરની અપમાનજનક પરિસ્થિતિઓમાંથી બહાર આવવા અને જાતીય અને ઘરેલુ હિંસા સહિત તમામ પ્રકારના જુલમ સામે ઊભા રહેવા માટે સશક્ત કરવાનો છે. હવે લગભગ 1,800 મહિલાઓ આ ગ્રીન આર્મીનો ભાગ છે.

ગ્રીન આર્મીની મહિલાઓના જણાવ્યા અનુસાર, આ પહેલ હેઠળ મુખ્યત્વે પુરૂષોનું કાઉન્સેલિંગ કરવામાં આવે છે અને કેટલીકવાર શસ્ત્રો તરીકે "ડંડા"નો ઉપયોગ કરવામાં આવે છે. આ રીતે તેઓ છેલ્લા કેટલાક વર્ષોમાં તે યુપીના ઘણા ગામોમાં દારૂ અને માદક દ્રવ્યોની લતને ઘટાડવામાં સફળ રહ્યા છે.

હોપ વેલ્ફેર કે જેના નેજા હેઠળ આ ગ્રીન આર્મી કાર્યરત છે તેના સહ સ્થાપક રવિ મિશ્રા કહે છે કે, આ મહિલાઓ માત્ર ઘરેલું દુર્વ્યવહાર જ અટકાવતી નથી પરંતુ દહેજ, અંધશ્રદ્ધા અને કુરિવાજો સામે પણ લડે છે. તે છોકરીઓને શિક્ષિત કરવા માટે પણ કામ કરે છે. તેમનું કામ માત્ર પુરુષોને તેમના જીવનમાં વધુ સારું બનાવવાનું નથી પરંતુ તેમના ગામોની સ્થિતિ સુધારવાનું પણ છે. પરંતુ અહિંસા હંમેશા અમારી પ્રાથમિકતા છે.’’

જૂથના સભ્યો એ વાત પર પણ ભાર મૂકે છે કે તેમની વિચારધારા અને કાર્યપદ્ધતિ 2006માં યુપીના બાંદા જિલ્લામાં રચાયેલી ખૂબ જ લોકપ્રિય ગુલાબી ગેંગથી અલગ છે. ગુલાબી ગેંગથી વિપરીત ગ્રીન આર્મી "પુરૂષ વિરોધી" નથી અને સ્થાનિક સત્તાવાળાઓ સાથે મળીને કામ કરે છે. લાકડીઓ મારવા માટે નથી પરંતુ વિશ્વાસ અને સમર્થન માટે છે અને જ્યારે વસ્તુઓ નિયંત્રણની બહાર જાય છે ત્યારે આ લાકડીઓ હથિયાર તરીકે બહાર આવે છે.

આશા દેવીની કહાની

આશા દેવી એક દલિત મહિલા છે જેમના લગ્ન 14 વર્ષની ઉંમરે થયા હતા. તેમનો પતિ તેમને દરરોજ માર મારતો હતો. તે ગર્ભવતી હતી ત્યારે પણ માર મારવાનું બંધ થયું ન હતું અને તેમના બાળકો મોટા થઈ રહ્યાં હતાં ત્યારે હાલત વધુ ખરાબ થઈ હતી. આશા દેવી કહે છે, ખાતા લોકોની સંખ્યા વધી અને તેની સાથે લડાઈ પણ વધી. દરરોજ મારા પતિ દારૂના નશામાં આવતા હતા અને મને મારતા હતા. એવી અનેક રાતો મેં કાઢી છે જ્યારે હું પીડાને કારણે ઊંઘી ન શકી હોઉં. જો તે મને રડતી જોઈ જાય તો વધુ મારતા."

તેમણે વધુમાં જણાવ્યું હતું કે શિયાળાની રાત્રે તેમનો પતિ તેમને ઘરની બહાર કાઢી મૂકતો હતો અને તેમણે વારંવાર ઘરમાં રહેવા દેવાની વિનંતી કરવી પડતી હતી. તેના બળેલા હાથ વર્ષોથી તેણે સહન કરેલા ત્રાસની સાક્ષી આપે છે. તેમણે કહ્યું, ‘એક દિવસ મેં આ બધું ખતમ કરવાનું નક્કી કર્યું અને મારી જાતને આગ લગાવી દીધી. પણ હું બચી ગઈ.’ પરંતુ જ્યારે તેના બાળકો મોટા થયા ત્યારે આખરે માર મારવાનું બંધ થઈ ગયું કારણ કે તેમના પતિને લાગતું હતું કે હવે તે એકલી નથી.

2014માં એક દિવસ મિશ્રાને આશા દેવી સાથે મળવાનું થયું જ્યારે તેઓ હોપ વેલ્ફેર ટ્રસ્ટના સાથીદારો સાથે બાળકો શાળાએ કેમ નથી જતા તે જોવા માટે કુશિયારી આવ્યા હતા. એ વખતે આશા દેવીએ પૂછ્યું હતું કે, " જ્યારે તેઓ તેમના દારૂડિયા પિતાને દરરોજ રાત્રે તેમની માતાને મારતા અને દિવસ દરમિયાન જુગાર રમતા જુએ છે ત્યારે તમે અમારા બાળકો અભ્યાસ કરે એવી અપેક્ષા કેવી રીતે રાખી શકો?

એ પછી રવિ મિશ્રાએ તેમના જેવી અન્ય પીડિત મહિલાઓને ભેગી કરવા કહ્યું. અમે મહિલાઓ ભેગી થઈ અને એકબીજાની વ્યથા-કથા સાંભળી. એ મીટિંગ પછી ગ્રીન આર્મીની શરૂઆત કરી.

આશા દેવીના કહેવા પ્રમાણે, જ્યારે તેણે ગ્રીન આર્મીની મીટિંગમાં ભાગ લેવાનું શરૂ કર્યું ત્યારે તેના પતિ તેની મજાક ઉડાવતા હતા.

તેમણે કહ્યું, “તે મને કહેતો હતો કે ગ્રીન આર્મીના ભાઈઓએ મારી આપવીતી જાહેર કરવા માટે બનાવેલો વીડિયો પરિવારનું નામ ખરાબ કરે છે. તેણે મારા ચારિત્ર્ય પર પણ પ્રશ્નો ઉભા કર્યા હતા.’

પરંતુ આશા દેવી ગ્રીન આર્મીનો હિસ્સો હોવાથી તેના પતિ પર અસર પડી હતી. આશા દેવી કહે છે, "મારા પતિએ બે મહિના પહેલા દારૂ પીવાનું બંધ કરી દીધું હતું અને છેલ્લા આઠ વર્ષથી મને સ્પર્શ કર્યો નથી"

ગ્રીન આર્મીની એક સભ્ય સુમન કહે છે કે, અમે પુરુષોને મારવા માંગતા નથી. અમે તેમને પરિસ્થિતિ સમજાવવા માંગીએ છીએ. એવા કિસ્સાઓ પણ છે કે જ્યારે અમે એક જ ઘરની ઘણી વખત મુલાકાત લીધી હોય. એક કિસ્સામાં, સસરા તેની વહુને રોજ માર મારતા હતા. પતિ પણ તેને કાબૂમાં રાખી શક્યો નહીં. અમે તેનું પાંચ વખત કાઉન્સેલિંગ કર્યું. છઠ્ઠી વખત અમે પોલીસનો સંપર્ક કર્યો ત્યારે પતિ અમારી સાથે હતા.

જો કે ગ્રીન આર્મી જરૂર પડ્યે પોલીસની મદદ પણ લે છે. આ મહિલાઓએ કહ્યું કે તેઓ તેમના પતિ સામે ફરિયાદ નોંધાવવા માંગતી નથી. તેની પાછળના કારણો સામાજિક માળખું, પૈસા માટે પતિ પરની નિર્ભરતા અને કોર્ટ કચેરીના ચક્કર છે.

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તમે શા માટે તેમના પતિને છોડતી નથી? તો આશા દેવીએ કહ્યું: જો અમે તેમને છોડી દઈશું તો અમે ક્યાં જઈશું? અમારી પાસે શિક્ષિત લોકો નથી."


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.