મુખ્યપ્રવાહના માધ્યમોના જાતિવાદી વર્ચસ્વ વચ્ચે પોતાની ઓળખ ઊભી કરતું બહુજન મીડિયા

મુખ્યપ્રવાહના માધ્યમોના જાતિવાદી વર્ચસ્વ વચ્ચે પોતાની ઓળખ ઊભી કરતું બહુજન મીડિયા

મુખ્ય પ્રવાહના ભારતીય મીડિયા પર હંમેશા પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. પછી તે કોઈપણ મુદ્દા પર એકતરફી વલણ લેવાનું હોય અથવા ન્યૂઝરૂમમાં કામ કરતા લોકોમાં ફક્ત એક જ જાતિ જૂથનો સમાવેશ હોય. આમ જોવા જઈએ તો દેશના દલિતો, વંચિતો, ખેડૂતો અને મહિલાઓના અવાજને મીડિયામાં લાંબા સમયથી દબાવવામાં આવ્યો છે. સમાચાર પ્રકાશિત થવાને બદલે છુપાવી દેવામાં આવે છે. દરમિયાન બહુજન મીડિયાનો ઝડપી ફેલાવો મુખ્ય પ્રવાહના માધ્યમોની શાખા અને માળખા સામે પ્રશ્નો ઉભા કરે છે.

જો આપણે ઊંડાણપૂર્વક તપાસ કરીએ, તો આપણે જોઈશું કે બહુજન અથવા દલિત સમુદાયના વિશાળ કાર્યક્રમો અથવા ઐતિહાસિક ચળવળો ભારતીય મુખ્ય પ્રવાહના મીડિયાના કવરેજથી દૂર રહે છે. ઉદાહરણ તરીકે, પછી ભલે તે SC/ST એક્ટમાં સુધારાના વિરોધમાં 2 એપ્રિલ, 2018ના રોજ ભારત બંધ હોય કે પછી દીક્ષાભૂમિ, નાગપુર ખાતે દર વર્ષે આંબેડકર જયંતિ પર લાખો લોકોનો મેળાવડો હોય. આવા કાર્યક્રમોને મીડિયામાં પોતાનું સ્થાન મળતું નથી અથવા તો તેને બીજો એંગલ આપવામાં આવે છે.

બાબા સાહેબ ડૉ.ભીમરાવ આંબેડકરે કહ્યું હતું કે વંચિતોને પોતાનું મીડિયા હોવું જોઈએ. તેમના સમય દરમિયાન, તેમણે મૂકનાયક (1930), બહિષ્કૃત ભારત (1927-1929), જનતા (1930-1956) અને પ્રબુદ્ધ ભારત (1956) જેવા અખબારો અને સામયિકો પ્રકાશિત કર્યા. બાબા સાહેબ મૂકનાયકના પ્રથમ તંત્રીલેખમાં લખે છે, “જો આપણે મુંબઈથી પ્રકાશિત થતા અખબારોને નજીકથી જોઈએ તો આપણને જણાય છે કે તેમાંના મોટા ભાગના એક ચોક્કસ જાતિના હિતોનું રક્ષણ કરે છે. તેઓ અન્ય જ્ઞાતિઓની પરવા કરતા નથી. એટલું જ નહીં, કેટલીકવાર તેમને નુકસાન પહોંચાડનારી વસ્તુઓ પણ તે પત્રોમાં દેખાય છે."

બાબા સાહેબની પ્રેરણાથી જ બહુજન સમુદાયને પોતાનું મીડિયા હોવું જરૂરી લાગ્યું હતું. જોકે, મૂકનાયકના 103 વર્ષ પૂરા થયા પછી પણ મુખ્ય પ્રવાહમાં બહુજન સમાચાર ચેનલની સ્થાપનાના માર્ગમાં હજુ પણ ઘણા પડકારો છે. પરંતુ એવી ઘણી યુટ્યુબ ચેનલો અને વેબ પોર્ટલ છે જેના પરના વીડિયો કે સમાચાર લાખો વખત વાંચવામાં કે જોવામાં આવ્યા છે. નેશનલ લેવલે નાની યુટ્યુબ ચેનલો પોતાને સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહી છે. અત્યારે બહુજન મીડિયાનો આધાર માત્ર યુટ્યુબ અને વેબ પોર્ટલ પૂરતો જ સીમિત છે.


ભારતીય મીડિયાની નિષ્પક્ષતા અને સ્વતંત્રતાનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે કે વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઈન્ડેક્સ મુજબ, ભારત કુલ 180 દેશોમાંથી પ્રેસની સ્વતંત્રતામાં 161માં સ્થાને છે. Oxfam Indiaના 2019ના અહેવાલ મુજબ, ભારતીય મીડિયાનો મોટો હિસ્સો ચોક્કસ જાતિનું વર્ચસ્વ ધરાવે છે. આનો અર્થ એ નથી કે બહુજન સમુદાય પાસે પૂરતી સંખ્યામાં લાયકાત ધરાવતા પત્રકારો કે મીડિયા પર્સન નથી પરંતુ તમામ મુખ્ય પ્રવાહની મીડિયા સંસ્થાઓના દરવાજા તેમના માટે આડકતરી રીતે બંધ છે. આ દરમિયાન દેશના વંચિત વર્ગના લોકો બાબા સાહેબની સલાહ મુજબ પોતાનું મીડિયા સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે અને તેમાં ઘણી હદ સુધી સફળતા પણ મળી છે. આજના સમયમાં, બહુજન સમાજ પાસે પોતાનું મોટું પુસ્તક પ્રકાશન, લાખો સબ્સ્ક્રાઇબર્સ સાથેની યુટ્યુબ ચેનલો, વેબ પોર્ટલ, વેબ સાઇટ્સ, સામયિકો વગેરે છે. બહુજનો પર એવો આક્ષેપ સતત લાગતો રહે છે કે તેઓ ગમે તેટલા અગત્યના કાર્યમાં પણ આર્થિક મદદ કરતા નથી. જેના કારણે ભલભલાં મોટા આયોજનો પણ પડી ભાંગે છે. આવા વાતાવરણ વચ્ચે પણ Khabarantar.com ગુજરાતમાં નવો ચીલો ચાતરવા માટે તૈયાર છે. જરૂરી છે કે બહુજન સમાજ પોતાની નૈતિક જવાબદારી સમજીને આ પ્રકારના સાહસોને આર્થિક મદદ કરે.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.