MPમાં BSPના ઉમેદવાર ચૂંટણી સુધી નદી કાંઠે ઝૂંપડી બાંધીને રહેશે!

મધ્યપ્રદેશની બાલાઘાટ લોકસભા સીટ પર બસપાના ઉમેદવાર ચૂંટણી પુરી ન થાય ત્યાં સુધી ઘર છોડીને નદી કાંઠે ઝૂંપડી બાંધીને રહેવા જતા રહ્યાં છે. તેની પાછળનું કારણ રસપ્રદ છે.

MPમાં BSPના ઉમેદવાર ચૂંટણી સુધી નદી કાંઠે ઝૂંપડી બાંધીને રહેશે!
image credit - Google images

મધ્યપ્રદેશમાં એકબાજુ ઈલેક્ટોરલ બોન્ડ થકી દુનિયાના સૌથી મોટા કૌભાંડનો મુદ્દો કથિત મુખ્યધારાના મીડિયા ઉપરાંત મતદારોના માનસ પરથી પણ ગાયબ થઈ ગયો છે. બીજી તરફ કૉંગ્રેસમાંથી અનેક તકસાધુ નેતાઓ ભાજપમાં જઈ રહ્યાં છે. પક્ષીય વિચારધારાનો દિનપ્રતિદિન લોપ થઈ રહ્યો છે ત્યારે મધ્યપ્રદેશના બાલાઘાટમાંથી એક રસપ્રદ કિસ્સો સામે આવ્યો છે. જેમાં લોકસભા ચૂંટણી લડી રહેલા બસપાના ઉમેદવાર ચૂંટણી પુરી ન થાય ત્યાં સુધી ઘર છોડીને નદી કાંઠે ઝૂંપડી બાંધીને રહેવા જતા રહ્યા છે.

વાત છે મધ્યપ્રદેશની બાલાઘાટ લોકસભા સીટની. અહીં બસપા અને કોંગ્રેસે એક પતિ-પત્નીને ટિકિટ આપી છે. પત્ની કોંગ્રેસની ધારાસભ્ય છે તો પતિ બીએસપીની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યો છે. બન્ને પાર્ટીઓની વિચારધારા અલગ અલગ હોવાથી મતભેદો સર્જાઈ શકે છે તેથી પતિ ઘર છોડીને ચાલ્યો ગયો છે અને કહ્યું છે કે હવે તે ૧૯ એપ્રિલે મતદાન પૂર્ણ થયા બાદ જ ઘેર પાછો ફરશે.

મધ્ય પ્રદેશના બાલાઘાટથી બસપાના લોકસભા ઉમેદવાર કાંકર મુંજારેએ કહ્યું હતું કે તેઓ ઘર છોડીને ચાલ્યા ગયા છે. તેમણે કહ્યું કે ચૂંટણી દરમિયાન જુદી જુદી વિચારધારાઓ ધરાવતી બે વ્યક્તિઓએ એક છત નીચે ન રહેવું જોઈએ. પૂર્વ ધારાસભ્ય અને સાંસદ કાંકર મુંજારેએ કહ્યું કે તેઓ ૧૯ એપ્રિલે મતદાનના દિવસ બાદ જ ઘેર પાછા આવશે. તેમણે કહ્યું કે, મેં મારુ ઘર છોડી દીધું છે અને ડેમ નજીક એક ઝૂંપડીમાં રહું છું. જો જુદી જુદી વિચારધારાઓને અનુસરતી બે વ્યક્તિઓ એક જ છત હેઠળ રહે છે, તો લોકો વિચારશે કે તે મેચ ફિક્સિંગ છે. આથી હું ચૂંટણી સુધી ઘર છોડીને બહાર રહેવા જતો રહ્યો છું.

આ પણ વાંચો:દલિત ખેડૂતના 11 કરોડના ઈલેક્ટોરલ બોન્ડ ખરીદી ભાજપને આપી દેવાયા?

નવેમ્બર ૨૦૨૩ની વિધાનસભાની ચૂંટણીમાં તેમની પત્ની અનુભા મુંજારેએ ભાજપના હેવીવેઇટ ગૌરીશંકર બિસેનને હરાવ્યાં હતા. અનુભા મુંજારેએ કહ્યું કે તેમના પતિના વલણથી તેઓ દુઃખી છે. તેમણે દાવો કર્યો છે કે એક મહિલા મૃત્યુ સુધી પતિના ઘેર રહેવા જતી હોય છે. અમારા લગ્નને ૩૩ વર્ષ થયા છે અને અમે અમારા પુત્ર સાથે ખુશીથી રહીએ છીએ. 

અનુભા મુંજારેએ ભારપૂર્વક જણાવ્યું હતું કે તેઓ કોંગ્રેસના વફાદાર કાર્યકર છે અને બાલાઘાટથી પાર્ટીના ઉમેદવાર સમ્રાટ સારસ્વત લોકસભાની ચૂંટણી જીતે તે સુનિશ્ચિત કરવા માટે તમામ પ્રયત્નો કરશે. પરંતુ પ્રચાર દરમિયાન પતિ વિરુદ્ધ એક શબ્દ પણ નહીં બોલે  

બસપા ઉમેદવાર કંકર મુંજારે પત્ની અનુભાને ઘર છોડવાનું કહ્યું હતું પરંતુ અનુભાએ ઘર છોડવાનો ઈન્કાર કરતાં એવું કહ્યું કે પુત્રી પિયરેથી જાય છે અને સાસરિયામાંથી અર્થી ઉઠે છે. આ પછી કંકરને લાગ્યું કે તેમનું ઘર છોડવું વધારે સારું છે અને તેઓ ઘર છોડીને ચાલ્યાં ગયા અને ડેમ પર ઝૂંપડી બાંધીને રહેવા લાગ્યાં છે. આ કિસ્સાએ સમગ્ર મધ્યપ્રદેશમાં ભારે ચર્ચા જગાવી છે. કેટલાક લોકો આને ચૂંટણી જીતવા માટેનો અને ધ્યાન ખેંચવા માટેનો પોલિટિકલ સ્ટંટ પણ ગણાવી રહ્યાં છે. જે પણ હોય, હાલ આ પતિ-પત્નીએ સમગ્ર મધ્યપ્રદેશમાં ચર્ચા જગાવી છે.

આ પણ વાંચો:બહેનજીના સોશિયલ એન્જિનિયરીંગથી સપા-ભાજપને કેટલો પડકાર?

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.