બહેનજીના સોશિયલ એન્જિનિયરીંગથી સપા-ભાજપને કેટલો પડકાર?
Lok Sabha Election 2024: માન્યવર કાંશીરામ સ્થાપિત બહુજન સમાજ પાર્ટી તેના અસ્તિત્વનો જંગ લડી રહી છે. આ વખતે એકલા હાથે ચૂંટણી મેદાનમાં ઉતરેલી BSPના ઉમેદવારોથી સપા, ભાજપને શું ફરક પડશે તેની અહીં વિગતે વાત કરીએ.
Lok Sabha Election 2024: ઉત્તર પ્રદેશમાં એક સમયે સત્તામાં રહેલી બહુજન સમાજ પાર્ટી(BSP) હાલ તેના સૌથી ખરાબ રાજકીય તબક્કામાંથી પસાર થઈ રહી છે એમ કહેવું અતિશયોક્તિ નહીં ગણાય. BSPએ સમાજવાદી પાર્ટી (SP) સાથે ગઠબંધન કરીને 2019ની લોકસભા ચૂંટણીમાં 10 બેઠકો જીતી હતી. જો કે હવે તેના વિજેતા સાંસદો પૈકીનાં ઘણાં ચહેરા અન્ય પક્ષોમાં જતા રહ્યા છે. સપાએ ગાઝીપુરથી બસપાના સાંસદ અફઝલ અંસારીને ટિકિટ આપી છે, આંબેડકરનગરથી બસપાના સાંસદ રિતેશ પાંડે હવે ભાજપ તરફથી ઉમેદવાર છે. બસપાએ પહેલા જ અમરોહાના સાંસદ દાનિશ અલીને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે. હવે તેઓ અમરોહાથી કોંગ્રેસના ઉમેદવાર છે. લાલગંજના બીએસપી સાંસદ સંગીતા આઝાદ હાલમાં જ ભાજપમાં જોડાયા છે.
જો 2024ની લોકસભા ચૂંટણીની તૈયારીઓની વાત કરીએ તો આ લખાઈ રહ્યું છે ત્યાં સુધીમાં BSPએ 25 ઉમેદવારોની જાહેરાત કરી છે. આમાં પશ્ચિમ યુપીની 7 એવી લોકસભા સીટો છે જ્યાં પાર્ટીએ મુસ્લિમ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. જેથી 2019ની લોકસભા ચૂંટણીમાં બસપા સાથે ગઠબંધન કરનાર સમાજવાદી પાર્ટીનો રસ્તો આ વખતે સરળ જણાતો નથી. એ જ રીતે બીએસપીએ કેટલીક મુસ્લિમ બહુમતી ધરાવતી લોકસભા બેઠકો પર પણ મજબૂત ઉમેદવારોની પસંદગી કરીને ભાજપનો માર્ગ પણ કાંટાળો કરી મૂક્યો છે. માયાવતી દ્વારા જાહેર કરાયેલા 25 ઉમેદવારોમાંથી 8 સવર્ણ, 7 મુસ્લિમ, 7 અનુસૂચિત જાતિ અને 3 OBC છે.
રાજકીય વર્તુળોમાં ઘણી વખત એવી ચર્ચા હતી કે માયાવતી ઈન્ડિયા ગઠબંધનનો ભાગ બની શકે છે. આ ચર્ચાઓમાં એવી પણ દલીલ કરવામાં આવી હતી કે માયાવતી નારાજ ન થાય તે માટે ચંદ્રશેખર રાવણની આઝાદ સમાજ પાર્ટીને ઈન્ડિયા ગઠબંધનમાં સામેલ કરવામાં આવી નહોતી. પરંતુ માયાવતીએ હવે સ્પષ્ટ કર્યું છે કે તે એનડીએ કે ઈન્ડિયા એકેય જોડાણનો ભાગ બનશે નહીં. પાર્ટીએ 25 લોકસભા સીટો માટે ઉમેદવારોના નામ પણ જાહેર કર્યા છે. આ ઉમેદવારોના મૂલ્યાંકન પરથી એક વાત સ્પષ્ટ થાય છે કે તેમાંના ઘણા પોતાની જીત કરતા અન્ય ઉમેદવારોની રમત બગાડતા વધુ જોવામાં આવે છે.
પાર્ટીએ સહારનપુરથી માજિદ અલી, મુરાદાબાદથી મોહમ્મદ ઈરફાન સૈફી, રામપુરથી જીશાન ખાન, અમરોહાથી મુજાહિદ હુસૈન, પીલીભીતથી અનીસ અહેમદ ખાન અને સંભલથી શૌકત અલીને મેદાનમાં ઉતાર્યા છે. આ પશ્ચિમી ઉત્તર પ્રદેશની એવી લોકસભા બેઠકો છે જ્યાં મુસ્લિમ મતદારોની સંખ્યા 30% થી વધુ છે. આવી સ્થિતિમાં ઈન્ડિયા ગઠબંધન તરફથી પણ અહીં મુસ્લિમ ઉમેદવારો જાહેર કરવામાં આવે તેવી અપેક્ષા રાખવામાં આવી હતી. જો એવું થશે તો આ બેઠકો પર મુસ્લિમ વોટબેંક વહેંચાઈ જશે જેનો સીધો ફાયદો ભાજપને થશે.
2014 અને 2019માં યોજાયેલી લોકસભા ચૂંટણીના પરિણામો પરથી પણ આનું મૂલ્યાંકન કરી શકાય છે. 2014ની લોકસભા ચૂંટણી દરમિયાન ભાજપે મુરાદાબાદ બેઠક પરથી કુંવર સર્વેશકુમારને મેદાનમાં ઉતાર્યા હતા. સપા, બસપા અને કોંગ્રેસે અલગ-અલગ ચૂંટણી લડીને પોતાના મુસ્લિમ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા. આ ચૂંટણીમાં કુંવર સર્વેશ કુમાર 45,225 મતોથી જીત્યા હતા. તેમનો વોટ શેર 27.38% હતો. બીજા ઉમેદવાર એસટી હસનનો વોટ શેર 22.4% હતો. BSP ઉમેદવાર હાજી મોહમ્મદ યાકુબનો વોટ શેર 9.08% હતો.
2019માં ચિત્ર બદલાઈ ગયું હતું. સપા અને બસપા ગઠબંધન કરીને લોકસભા ચૂંટણી લડ્યા હતા. ચૂંટણી પરિણામોમાં, એસપીના ડૉ. એસ.ટી. હસનને 6,49,416 વોટ મળ્યા અને તેમનો વોટ શેર 50.65% હતો. 2014માં ચૂંટણી જીતનાર કુંવર સર્વેશ કુમાર 43.01% વોટ શેર સાથે બીજા ક્રમે રહ્યા હતા.
આવી જ સ્થિતિ પશ્ચિમ ઉત્તર પ્રદેશની અન્ય મુસ્લિમ પ્રભુત્વવાળી બેઠકો જેવી કે અમરોહા, બિજનૌર, સંભલ, સહારનપુર અને રામપુરમાં પ્રવર્તતી હતી, જ્યાં ગઠબંધને મુસ્લિમ મતો એકત્રિત કરીને ભાજપને હરાવ્યો હતો.
બસપાના ઉમેદવારો ભાજપને ઘણી જગ્યાએ નુકસાન પહોંચાડી શકે છે
બસપાના ઘણા ઉમેદવારોના નામે વિશ્લેષકોને ચોંકાવી દીધા છે. 25 ઉમેદવારોની યાદીમાં પાર્ટીએ વિવિધ લોકસભા બેઠકો પરથી 8 સવર્ણ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. ટીકાકારો દ્વારા ભાજપની "ટીમ બી" તરીકે ઓળખાતી બસપાએ અનુક્રમે કૈરાના, બાગપત અને મેરઠની મુસ્લિમ-દલિત-જાટ બહુમતિ ધરાવતી બેઠકો માટે ઉમેદવાર તરીકે શ્રીપાલ સિંહ, પ્રવીણ બંસલ અને દેવવ્રત ત્યાગીના નામની જાહેરાત કરી છે.
મુસ્લિમ અને દલિત પ્રભુત્વ ધરાવતી મેરઠ બેઠક પર બસપાના હાજી મોહમ્મદ યાકુબ ગઠબંધનના ઉમેદવાર હતા. આકરા મુકાબલામાં ભાજપના રાજેન્દ્ર અગ્રવાલે BSPના મોહમ્મદ યાકુબને 4729 મતોથી હરાવ્યા હતા. દેવવ્રત ત્યાગી 2024ની લોકસભા ચૂંટણીમાં BSP તરફથી ચૂંટણી લડી રહ્યા છે.
મેરઠ લોકસભા સીટ પર 40 થી 50 હજાર ત્યાગીઓ છે. પરંપરાગત રીતે, ત્યાગી સમુદાયે ભૂતકાળની ઘણી ચૂંટણીઓમાં ભાજપને સમર્થન આપ્યું છે. પરંતુ 2022માં, ત્યાગી સમુદાયના ઘણા જૂથો શ્રીકાંત ત્યાગીના સમર્થનમાં ભાજપની વિરુદ્ધ થઈ ગયા હતા, જેમણે નોઈડામાં એક મહિલા સાથે દુર્વ્યવહાર કર્યો હતો. જો BSP પોતાના ઉમેદવાર દ્વારા આ નારાજગીનો લાભ ઉઠાવે છે તો 2019માં મેરઠમાં કપરી હરીફાઈ જેવી સ્થિતિ સર્જાય તો ભાજપને નુકસાન વેઠવું પડી શકે છે.
મુસ્લિમ અને દલિત પ્રભુત્વ ધરાવતી મેરઠ બેઠક પર બસપાના હાજી મોહમ્મદ યાકુબ ગઠબંધનના ઉમેદવાર હતા. આકરા મુકાબલામાં ભાજપના રાજેન્દ્ર અગ્રવાલે BSPના મોહમ્મદ યાકુબને 4729 મતોથી હરાવ્યા હતા. દેવવ્રત ત્યાગી 2024ની લોકસભા ચૂંટણીમાં BSP તરફથી ચૂંટણી લડી રહ્યા છે.
કૈરાના લોકસભા સીટ પર પણ આવી જ સ્થિતિ છે. મુસ્લિમ દલિત અને જાટ બહુમતી ધરાવતી આ બેઠક પર 1 લાખથી વધુ ઠાકુર મતદારો છે. અહીં BSPએ શ્રીપાલ સિંહને મેદાનમાં ઉતાર્યા છે. દરેક વખતે સ્વર્ગસ્થ બાબુ હુકુમ સિંહ અને સ્વર્ગસ્થ મુનવ્વર હસનના પરિવારો વચ્ચે રાજકીય સર્વોપરિતાના નવા અધ્યાયની સાક્ષી આ બેઠક પર બસપાના ઉમેદવાર જીતતા જોવા મળતા નથી પરંતુ ભાજપના ઠાકુર મતોમાં ચોક્કસપણે ગાબડું પાડી શકે છે. એવામાં આટલી કટોકટની હરીફાઈમાં ભાજપને કૈરાનામાં નુકસાન વેઠવું પડી શકે છે.
બાગપતમાં પાર્ટીએ ગુર્જર જાતિના પ્રવીણ બંસલને મેદાનમાં ઉતાર્યા છે. આ બેઠક પર સાડા ચાર લાખ જાટ, 2.9 લાખ મુસ્લિમ, લગભગ 2.5 લાખ દલિત અને 70 થી 80 હજાર ગુર્જર મતદારો છે. છેલ્લી કેટલીક ચૂંટણીઓમાં ગુર્જર મતદારોનો ઝુકાવ ભાજપ તરફ રહ્યો છે. બસપાએ ગુર્જર ઉમેદવારને મેદાનમાં ઉતારવાને કારણે અંતિમ પરિણામમાં ભાજપને થોડું નુકસાન થશે તેવું લાગી રહ્યું છે, પરંતુ તે જીતનું કારણ બનશે કે હારનું તે 4 જૂને જ નક્કી થશે.
આગળ વાંચોઃ મારી-તમારી અસહમતી હોય તો પણ બહુજન રાજનીતિની માવજત કરીને જ તેને દૂર કરી શકાશે, છેદ ઉડાડીને નહીં
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.