મારી-તમારી અસહમતી હોય તો પણ બહુજન રાજનીતિની માવજત કરીને જ તેને દૂર કરી શકાશે, છેદ ઉડાડીને નહીં
ગઈકાલે બહેન કુમારી માયાવતીજીનો જન્મદિવસ ગયો. બસપાની રાજનીતિને લઈને હાલ અનેક સવાલો બહુજનોના મનમાં પણ ઉઠી રહ્યાં છે ત્યારે લેખક મયૂર વાઢેર બહુજન રાજનીતિના પ્રરિપ્રેક્ષ્યમાં બસપા અને તેની રણનીતિને લઈને ખૂબ જ મહત્વના મુદ્દે અહીં વાત કરે છે.
- મયૂર વાઢેર
બહુજન સમાજ પાર્ટી એક વ્યાપક રાજકીય પ્લેટફોર્મના રૂપમાં ચુંટણીના માધ્યમથી થતી સ્પર્ધામાં ટકી રહેવા માટે અન્ય પક્ષોની મત અંકે કરવાની રણનીતિ સામે સતત હરીફાઈમા રહી છે. તેણે અન્ય પક્ષો દ્વારા મતદારોનું ધ્રુવીકરણ કરવાની રણનીતિને મ્હાત આપવા માટે રાજકીય પ્રયોગો કર્યા છે.
આજે “તિલક, તરાજૂ ઔર તલવાર..”ના સૂત્રને બદલવા માટે બસપાની ટીકા થઈ રહી છે. માયવતીએ બ્રાહ્મણોને બહુજન સમાજ પાર્ટીમા પ્રવેશ આપ્યો તેનાથી નારાજ અંતિમવાદીઓ એ વાતથી તદ્દન અજાણ છે કે સ્વયં માન્યવર કાશીરામ સાહેબે 2001માં સૌપ્રથમ વાર 92 બ્રાહ્ણણ-ઠાકુરોને બસપાની ટીકીટ આપી હતી. તેમાથી 43 ઉમેદવારો જીત્યાં હતા.
કોઈ ચોક્કસ જાતિને તેના જન્મના આધારે રાજકીય સંસ્થાઓમાં નિષેધ ભારતની બંધારણીય ભાવનાના ચોકઠામાં પણ બેસતી નથી. તો તેની સમાંતરે બાબાસાહેબે બ્રાહ્મણ અને બ્રાહ્મણવાદ અંગે કરેલી સ્પષ્ટતાના ચોકઠામાં પણ બેસતી નથી.
મહાડ ચવદાર તળાવ સત્યાગ્રહ વખતે જેધે અને જવળેકરે બાબાસાહેબ સમક્ષ બ્રાહ્મણોને સત્યાગ્રહમાં સામેલ ન કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. ત્યારે બાબાસાહેબે તેમના પ્રસ્તાવનો ઈનકાર કરતાં કહ્યું હતું કે, “આપણી લડાઈ બ્રાહ્ણણ કે કોઈ ચોક્કસ જાતિ સામે નહિ પણ બ્રાહ્મણવાદ સામે છે. આપણો સંઘર્ષ અસ્પૃશ્યતામાં માનતા અને ન માનતા વચ્ચેનો છે.”
રાજકીય પક્ષોના સૂત્રો પણ રાજકીય પ્રયોગોનો જ મહત્વનો ભાગ છે. દરેક પક્ષો આ પ્રકારના રાજકીય પ્રયોગો દ્વારા મતો અંકે કરવાનો આશય પાર પાડતા હોય છે. ‘કસમ રામ કી ખાતે હૈ, મંદીર વહી બનાયેંગે’ જેવા નારા પોકારતું ભાજપ આજે ‘સબકા સાથ સબકા વિકાસ’ જેવા સૂત્રો પોકારે છે.
સંસદમા હિન્દુ કોડ બિલ રજૂ થયુ તે સમયે આંબેડકર વિરોધી નારાઓથી દિલ્હીની ગલીઓ ગુંજાવતી સનાતની સંસ્થાઓ આજે બાબાસાહેબની જન્મજયંતિ વાજતે-ગાજતે ઉજવી રહી છે. તો એનો અર્થ એ નથી કે તેનું વિચારધારાત્મક ચરિત્ર આજે આંબેડકરવાદી થઈ ગયું છે.
લોકતંત્રમા લોકોની વચ્ચે સતત જમીની સ્તર પર રહીને મત અંકે કરવાની રણનીતિના આટાપાટા રાજકારણનું મેદાન બનતું હોય છે. રાજકીય પક્ષ હોવાના નાતે બસપા પણ આ બાબતથી સતત સજાગ રહે છે. પોતાની પાર્ટીને લોકો સુધી લઈ જવા માટે સૂત્રો બદલવાની રણનીતિથી પક્ષની વિચારધારા બદલાતી નથી તે પણ એક નરી હકીકત છે.
નરેન્દ્ર મોદીએ 2012માં સદભાવના ઉપવાસ કરીને તેમના હિન્દુવાદી ચહેરાની છાપ ભૂંસવાનો પ્રયાસ કર્યો હતો. સંઘમાં પણ મુસલમાનોને પ્રવેશ આપ્યો છે. તેનો અર્થ એ નથી કે મોદી કે સંઘએ હવે તેની મૂળ વિચારધારા ભૂલી ગયા છે. સંઘ અને ભાજપના સમર્થકો એ વાત સારી રીતે જાણે છે કે બાબાસાહેબની જન્મજયંતિ ઉજવવાથી કે મુસલમાનોને સંઘમા પ્રવેશ આપવાથી સંઘ કે ભાજપની વિચારધારા બદલાઈ જતી નથી. તેથી તેના સમર્થકો તેનો દુષ્પ્રચાર કરતા નથી પણ તેની આ રણનીતિનો ખૂબ ફેલાવો કરે છે. કારણ કે તેઓ જાણે છે કે મતના રાજકારણમાં ટકી રહેવા માટે જુદા- જુદા જનસમૂહોને આકર્ષવા માટે રાજકીય પ્રયોગો કરવા પડે છે. તેથી જ વર્ષો પહેલાના સૂત્રોને સમયને અનુકૂળ બનાવી ચૂંટણીના રાજકારણમાં પોતાનું અસ્તિત્વ ઉભું રાખવુ પડે છે.
ભારતના બંધારણમાં દેશની બહુમત સામાજિક-પછાત પ્રજાનાં હકોનો મેગ્નાકાર્ટા હોવાને લીધે સવર્ણમતોને ગલગલિયાં કરાવવા માટે ભાજપે અને તેની જનની સંઘે અનામત અને બંધારણ પ્રત્યે દ્વેષ જન્મે તેવા નિવેદનો આપ્યાં છે. અર્થાંત નખશીષ બંધારણ વિરોધી-નખશીષ અનામત વિરોધી પક્ષે અનામતને જાહેર ટેકો આપીને ભરપૂર રાજનીતિક રણનીતિ અખત્યાર કરી હતી.
બહેન માયાવતીના શાસનમાં ઉત્તરપ્રદેશમાં 2007-08માં પ્રમોશનમાં અનામત આપી, તેને અલ્હાબાદ હાઈકોર્ટે નિરસ્ત કર્યો હતો. એટલે બહુજન સમાજ પાર્ટીના પ્રયત્નોને લીધે 2012માં SC-ST માટે પ્રમોશનમાં અનામત અપાવવા માટે લોકસભામાં 117મું સંવિધાન સંશોધન રજૂ થયું ત્યારે અનિચ્છાએ ભાજપે પણ તેને ખુલ્લો સપોર્ટ આપવો પડ્યો હતો.
તેને પ્રમોશનમાં અનામત તો શું એન્ટ્રી અનામત પણ મંજૂર નથી તો’ય તેણે છડે ચોક પ્રમોશનમાં અનામતના બિલને સમર્થન આપ્યું હતું. કેમકે ત્યારે ભાજપે વિરોધ કર્યો હતો તો પણ એ બિલ પાસ થવાનું હતું અને ન થાય તો સુપ્રિમ કોર્ટમાં પ્રમોશનમાં અનામત આપવાની જ હતી. એટલે તેણે તેનો ખુલ્લો વિરોધ કરવાને બદલે ખુલ્લું સમર્થન આપ્યું. આ તેની રાજકીય રણનીતિ હતી. બસપાના 10 ટકા કથિત આર્થિક અનામતના સમર્થનને રાજકીય રણનીતિના પરિપ્રેક્ષ્યમાં જોવી જોઈએ. છતા કોઈ બિંદુએ મારી-તમારી અસહમતી હોય તો પણ બહુજન રાજનીતિની માવજત કરીને, તેને પોષીને અને વિકસિત કરીને જ એ અસહમતિ દૂર કરી શકાશે, બહુજન રાજનીતિનો છેદ ઉડાડીને નહીં.
(લેખક વ્યવસાયે શિક્ષક અને બહુજન સમાજના પ્રશ્નો મુદ્દે પોતાનો મત નિર્ભીક રીતે વ્યક્ત કરવા માટે જાણીતા છે)
આ પણ વાંચો : BSPને મળ્યું યુવા નેતૃત્વ, માયાવતીએ ભત્રીજા આકાશ આનંદને પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ જાહેર કર્યા
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.