આદિવાસી મહિલાની છેડતી કરી યુવકે તેના મોંમાં માનવમળ ઠૂંસી દીધું
બિન આદિવાસી યુવક મહિલાના ખેતર વચ્ચેથી ટ્રેક્ટર ચલાવતો હતો, મહિલાએ વિરોધ કર્યો તો હલકાઈ પર ઉતરી આવ્યો. પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી દીધી છે.
ઓડિશાના બોલાંગીર જિલ્લામાં એખ આદિવાસી મહિલા સાથે માનવતાને શર્મશાર કરતી એક ઘટના સામે આવી છે. આ મહિલા સાથે ન માત્ર ગેરવર્તન કરાયું પરંતુ તેના મોંમાં બળજબરીથી (માનવ) મળમૂત્ર પણ નાખવામાં આવ્યું હતું. મામલો બંગામુંડા પોલીસ સ્ટેશન વિસ્તારના જુરાબંધા ગામનો છે. કહેવાય છે કે આરોપી યુવકે 20 વર્ષની મહિલા પર હુમલો કર્યો અને તેની છેડતી પણ કરી.
મહિલાએ પોતાની સાથે થયેલા આ શરમજનક કૃત્ય અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. મળતી માહિતી પ્રમાણે આરોપી જે બિન-આદિવાસી હતો, તે આદિવાસી મહિલાના ખેતરમાંથી ટ્રેક્ટર હાંકીને લઈ જઈ રહ્યો હતો, જેના કારણે ખેતરમાં પાકને નુકસાન થઈ રહ્યું હતું. મહિલાએ તેનો વિરોધ કર્યો અને તેને ટ્રેક્ટર ન હાંકવાનું કહ્યું હતું. જેનાથી આરોપીએ તેના પર હુમલો કર્યો અને તેના મોંમાં બળજબરીથી માનવ મળ ઠૂંસી દીધું હતું.
આરોપી ફરાર, પોલીસે તપાસ શરૂ કરી
આરોપી યુવકે મહિલા સાથે દુર્વ્યવહાર કરતા તેની જાતિ પર વાંધાજનક ટિપ્પણી પણ કરી હતી. ઘટના બાદ આરોપી ફરાર થઈ ગયો છે. મહિલાએ બંગોમુંડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે 288/24 હેઠળ ગુનો નોંધ્યો છે. કાંટાબાંજી એસડીપીઓ ગૌરાંગ ચરણ સાહુએ જણાવ્યું કે પીડિતા વતી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. હાલ આરોપી ફરાર છે પરંતુ તેને પકડવાના પ્રયાસો ચાલુ છે. તે જલ્દી પકડાઈ જશે.
ઘટનાને લઈને આદિવાસી સમાજમાં રોષ
દરમિયાન વિપક્ષ બીજુ જનતા દળ (બીજેડી)ના સાંસદ નિરંજન બીસીએ આરોપ લગાવ્યો કે પોલીસે આરોપી સામે કોઈ કાર્યવાહી કરી નથી, જેના કારણે આદિવાસી સમાજમાં ગુસ્સો છે. ઘટના બાદ સ્થાનિક આદિવાસી સંગઠનો ન્યાયની માંગ કરી રહ્યા છે. તેમણે ગુનેગારો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. જો વહીવટી તંત્ર તાકીદે પગલાં નહીં ભરે તો તેઓ સાથે મળીને આંદોલન કરશે તેવી ચેતવણી પણ આપી હતી.
બીજી તરફ સ્થાનિક સામાજિક કાર્યકર અજીત જોશીએ આ સમગ્ર ઘટનાની નિંદા કરી છે અને ગુનેગારને કડક સજાની માંગ કરી છે. તેમણે જિલ્લા વહીવટીતંત્રને તાત્કાલિક આરોપીઓની ધરપકડ કરવાની માંગ કરી છે. તેમણે કહ્યું કે આ ઘટના અસહ્ય છે અને માનવતાને શર્મશાર કરે છે. આવી ઘટનાના આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરીને કડક સજા મળવી જોઈએ.
આ પણ વાંચોઃ આદિવાસી યુવતી પર બળાત્કાર કર્યો, જાંઘમાં ખીલા ઠોક્યા અને પછી જીવતી સળગાવી દીધી