તેમના નામમાં હતા ત્રણ ધર્મ અને દિલમાં હતો માણસાઈનો મર્મ
માણસની જાતિ જાણીને વર્તન કરવા ટેવાયેલી ભારતની બહુમતી મનુવાદી પ્રજાએ આ બહુજન યોદ્ધાના જીવન પર નજર કરવી જોઈએ, જેના નામમાં ત્રણ ત્રણ ધર્મો છુપાયેલા હતા.
એમના નામમાં ત્રણ ધર્મો સામેલ હતા અને દિલમાં માણસાઈ હતી. એમણે સેંકડો લોકોને નજર સામે મરતા જોયેલા અને કદાચ એટલે જ તદ્દન સામાન્ય લાગતા એ યુવાને બદલો લેવાનું નક્કી કરી લીધું હતું. વાત છે વીરોના વીર, ભારત માતાના લાલ, બહુજન રત્ન સરદાર ઉધમસિંહની. જેમની આજે જન્મતિથિ છે ત્યારે તેમને યાદ કરવા જરૂરી બની જાય છે.
પંજાબના બહાદુર ક્રાંતિકારી રામ મુહમ્મદ આઝાદ સિંહ એટલે કે શહીદ ઉધમ સિંહ, જેમણે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. અમર શહીદ ઉધમ સિંહે લંડનમાં 13 એપ્રિલ, 1919ના રોજ પંજાબના ભયાનક જલિયાંવાલા બાગ હત્યાકાંડ માટે જવાબદાર માઈકલ ઓ'ડાયરને ગોળી મારી નિર્દોષ ભારતીય લોકોના મૃત્યુનો બદલો લીધો હતો.ઉધમ સિંહનો જન્મ 26 ડિસેમ્બર 1899ના રોજ પંજાબના સંગરુર જિલ્લાના સુનામ ગામમાં થયો હતો. માતા-પિતાનો સહારો બાળપણમાં જ ઊઠી ગયો હતો. તેમના જન્મના બે વર્ષ પછી 1901માં તેમની માતાનું અવસાન થયું અને 1907માં તેમના પિતાનું પણ અવસાન થયું. ઉધમ સિંહ અને તેમના મોટા ભાઈ મુક્તા સિંહને અમૃતસરના ખાલસા અનાથાશ્રમમાં આશ્રય લેવો પડ્યો હતો.
તેમણે ચંદ્રશેખર આઝાદ, રાજગુરુ, સુખદેવ અને ભગત સિંહ જેવા ક્રાંતિકારીઓ સાથે મળીને બ્રિટિશ શાસન પર એવા ઘા કર્યા હતા કે જેને અંગ્રેજ શાસકો લાંબા સમય સુધી ભૂલી શક્યા ન હતા.ઉધમ સિંહ 'સર્વધર્મ સમભાવ' નું પ્રતીક હતા એટલેજ જ તેમણે પોતાનું નામ બદલીને રામ મુહમ્મદ આઝાદ સિંહ રાખ્યું હતું.
આ પણ વાંચો: જલિયાંવાલા કાંડની વરસીએ સ્મરણ નાનક સિંહ અને ઉધમ સિંહનું
સ્વાતંત્ર્ય ચળવળના ઈતિહાસમાં, 13 એપ્રિલ, 1919 નો દિવસ આંસુઓથી તરબોળ, જ્યારે અંગ્રેજોએ અમૃતસરના જલિયાંવાલા બાગ ખાતે નિઃશસ્ત્ર ભારતીયોની સભા પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો અને સેંકડો નિર્દોષ લોકોની હત્યા કરી હતી. મૃત્યુ પામેલાઓમાં માતાની છાતીમાં ચોંટેલા દૂધપીતા બાળકો, જીવનની સાંજે દેશની આઝાદીના સપના જોતા વૃદ્ધો અને દેશ માટે બધું ખર્ચવા તૈયાર યુવાનો હતા. આ ઘટનાએ ઉધમસિંહને હચમચાવી નાખ્યા અને તેઓએ અંગ્રેજો સામે બદલો લેવાનું નક્કી કર્યું. હિંદુ, મુસ્લિમ અને શીખ એકતાનો પાયો નાખનાર ઉધમ સિંહ ઉર્ફે રામ મુહમ્મદ આઝાદ સિંહે આ ઘટના માટે જનરલ માઈકલ ઓ'ડાયરને જવાબદાર માને છે, જે તે સમયે પંજાબ પ્રાંતના ગવર્નર હતા. ગવર્નરના આદેશ પર, બ્રિગેડિયર જનરલ રેજિનાલ્ડ એડવર્ડ હેરી ડાયરે 90 સૈનિકો સાથે જલિયાંવાલા બાગને ઘેરી લીધું અને બંદૂકોથી અંધાધુન ગોળીબાર કરાવ્યો.
4 જૂન 1940ના રોજ, ઉધમ સિંહને ડાયરની હત્યા માટે દોષિત ઠેરવવામાં આવ્યા હતા અને 31 જુલાઈ 1940ના રોજ તેમને 'પેન્ટનવિલે જેલમાં' ફાંસી આપવામાં આવી હતી. આમ આ ક્રાંતિકારી ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના ઈતિહાસમાં અમર બની ગયા. તેમના અવશેષો 31 જુલાઈ 1974ના રોજ બ્રિટન દ્વારા ભારતને સોંપવામાં આવ્યા હતા. ઉધમ સિંહની અસ્થિઓને સન્માન સાથે ભારત લાવવામાં આવી હતી. તેમની સમાધિ તેમના ગામમાં જ બનેલી છે.
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ ઉધમસિંહજીના લગ્ન એક અંગ્રેજ સાથે થયા હતા, જ્યારે તે લંડનના કેક્સટન હોલમાં માઈકલ ઓ'ડ્વાયરની હત્યા કરવા ગયા ત્યારે એન્ટ્રી પાસ તેમની પત્નીના નામે હતો. તમે જુઓ, એક ભારતીયને અંદર જવાની મંજૂરી ન હતી. તેમણે ક્યારેય તેમની પત્નીને તેમના સાચા મકસદ (ધ્યેય) વિશે કહ્યું નહીં. હત્યા બાદ તેમને જેલમાં મોકલવામાં આવ્યા અને તેણી તેને મળવા આવ્યા ત્યારે જ તેમણે તેણીને બધી વાત કહી. તેમના માટે,માતૃભુમી પ્રત્યેની તેમની ફરજ તમામ બંધનોથી ઉપર હતી.
આ મહાનાયકના જીવન પર ઓક્ટોબર 2021 માં ‘સરદાર ઉધમ’ ફિલ્મ રીલીઝ થઇ હતી, જે 94મા એકેડેમી એવોર્ડ માટે ઓફિસિઅલી શોર્ટલીસ્ટ થઇ હતી. ઓસ્કાર માટે 'સરદાર ઉધમ' ફિલ્મનું નોમિનેશન ભારતવતી જ્યુરી દ્વારા એ આધાર મૂકી નામંજૂર કરવામાં આવયું કે આ ફિલ્મ અંગ્રેજો પ્રત્યે નફરત ફેલાવે છે. પરંતુ વિન્સ્ટન ચર્ચિલ પરની બાયોપિક 'ડાર્કેસ્ટ આર' 2018માં ઓસ્કાર માટે સામેલ થઈ જ હતી.
હિદાયત પરમાર (લેખક વ્યવસાયે કમ્પ્યૂટર એન્જિનિયર, સ્વતંત્ર પત્રકાર અને જાગૃત નાગરિક છે.)
આ પણ વાંચો: શહીદ ઉધમસિંહઃ અનાથ આશ્રમમાં ઉછરેલો એ સિંહ, જેણે 21 વર્ષ પછી દુશ્મનને ઘરમાં ઘૂસીને માર્યો