કોલ્હાપુરમાં બ્રાહ્મણો 4 ટકા હતા, પણ નોકરીઓમાં 80 ટકા બ્રાહ્મણો હતા

બહુજન સમાજ આજે જે કંઈપણ સુવિધાઓ મેળવી રહ્યો છે તેના મૂળમાં શાહુજી મહારાજની દીર્ધદ્રષ્ટિ રહેલી છે. એટલે કોઈ તમને પૂછે કે શાહુજી મહારાજે શું કર્યું હતું, તો આ લેખ તેના માથે મારી દેજો.

કોલ્હાપુરમાં બ્રાહ્મણો 4 ટકા હતા, પણ નોકરીઓમાં 80 ટકા બ્રાહ્મણો હતા
image credit - Google images

પ્લેટોએ તેમના પ્રસિદ્ધ પુસ્તક 'રિપબ્લિક'માં એક એવા રાજાની કલ્પના કરી છે જેનામાં ફિલોસોફર જેવી માનવીય ગરિમા, હિંમત, રાજકીય શ્રેષ્ઠતા અને બૌદ્ધિકતાનો સમન્વય હોય. તેમનું કહેવું એમ હતું કે આવા રાજા માનવજાતને તમામ સમસ્યાઓમાંથી મુક્ત કરી શકે છે અને તેમને અંધકારમાંથી બહાર કાઢીને પ્રકાશ તરફ લઈ જઈ શકે છે. ભારતમાં આવા રાજાઓના થોડા જ ઉદાહરણો છે, અને આવા એક રાજાનું નામ છે - છત્રપતિ શાહુજી મહારાજ.

વંચિતો, શોષિતો, પીડિતો માટે અનામતની જોગવાઈ કરનાર શાહુજી મહારાજ પ્રથમ રાજવી હતા. એટલે જ તેમને અનામતના જનક કહેવામાં આવે છે. તેમણે તેમના રાજ્ય કોલ્હાપુરની લગભગ 90 ટકા વસ્તીને જાતિ પ્રથામાંથી મુક્ત કરવા માટે એવા નક્કર અને નિર્ણાયક પગલાં લીધાં હતા જેનાથી તેઓ જાતિવાદી પ્રથાની ચૂંગાલમાંથી મુક્ત થઈ શકે.

શાહુજી મહારાજની બીજી ખ્યાતિ એ છે કે તેઓ છત્રપતિ શિવાજી મહારાજના વંશજ હતા અને તેમને શિવાજી મહારાજ પાસેથી પ્રજા વત્સલ રાજવી બનવાનો વારસો મળ્યો હતો. ડો. આંબેડકરના સામાજિક અભિયાનમાં પણ શાહુજી મહારાજે મહત્વની ભૂમિકા ભજવી હતી.

મોટાભાગના વાચકો અને વિદ્વાનો શાહુજી મહારાજને અનામતના જનક તરીકે જાણે છે. લગભગ 118 વર્ષ પહેલાં, 26 જુલાઈ, 1902ના રોજ તેમણે શાસનના તમામ ક્ષેત્રોમાં કથિત ઉચ્ચ જાતિના વર્ચસ્વને તોડવા માટે પછાત વર્ગો માટે 50 ટકા અનામત લાગુ કરી હતી. અહીં એ નોંધવું જરૂરી છે કે મરાઠા, કુણબી અને અન્ય સમાજોની સાથે તેમણે દલિતો અને આદિવાસીઓને પણ પછાત વર્ગમાં સામેલ કર્યા હતા. આ સંદર્ભમાં તેમણે જે આદેશ જારી કર્યો હતો તેમાં સ્પષ્ટપણે લખ્યું છે કે પછાત વર્ગમાં બ્રાહ્મણો, પ્રભુ, શેવઈ અને પારસીઓ સિવાય દરેકનો સમાવેશ થાય છે.

અસમાનતાને દૂર કરવા અને સામાજિક ન્યાયની સ્થાપના માટે શાહુજી દ્વારા લેવામાં આવેલા આ પગલાને અનુસરીને મૈસુર રાજ્યે 1918માં, મદ્રાસ જસ્ટિસ પાર્ટીએ 1921માં અને બોમ્બે પ્રેસિડેન્સી (હવે મુંબઈ) એ 1925માં અનામત લાગુ કરી હતી. આઝાદી પછી 26 જાન્યુઆરી 1950 ના રોજ બંધારણ અમલમાં આવ્યા પછી ફક્ત SC-ST સમાજને જ અનામત મળી હતી. આઝાદી પછી, ઘણાં રાજ્યોમાં પછાત વર્ગોને અનામત આપવામાં આવી હતી, પરંતુ પછાત વર્ગો (ઓબીસી) ને કેન્દ્ર સરકારની નોકરીઓ (1993) અને શૈક્ષણિક સંસ્થાઓ (2006) માં અનામતનો અધિકાર ઘણો મોડો મળ્યો હતો.

આ પણ વાંચો: માતા રમાબાઈને ડૉ. આંબેડકરનો હૃદયસ્પર્શી ઐતિહાસિક પત્ર

શાહુજી મહારાજે શા માટે અનામત લાગુ કરી તેનો સંપૂર્ણ જવાબ તેમણે બોમ્બે (હાલ મુંબઈ)ના ભૂતપૂર્વ ગવર્નર લોર્ડ સિડનહામને લખેલા પત્રમાં જોવા મળે છે. લગભગ 3 હજાર શબ્દોના આ પત્રમાં તેમણે કોલ્હાપુર રાજ્યમાં નીચેથી ઉપર સુધી બ્રાહ્મણોનું સંપૂર્ણ વર્ચસ્વ અને બિન-બ્રાહ્મણોની ઉપેક્ષાનું વર્ણન કર્યું છે. તેમણે ભારપૂર્વક દલીલ કરી છે કે કોલ્હાપુર રાજ્યમાં બિન-બ્રાહ્મણોને અલગ પ્રતિનિધિત્વ અને અનામત આપ્યા વિના ન્યાયનું શાસન સ્થાપિત કરી શકાય તેમ નથી, કારણ કે બિન-બ્રાહ્મણોના હિતમાં લેવાયેલા દરેક પગલાને અધિકારી અને કર્મચારીના રૂપમાં કબ્જો જમાવીને બેઠેલા બ્રાહ્મણો લાગુ નહીં થવા દે.

કોલ્હાપુર રાજ્યમાં બ્રાહ્મણોની વસ્તી 3 થી 4 ટકાની વચ્ચે હતી, પરંતુ વહીવટી પદો અને શિક્ષણમાં તેમનો હિસ્સો લગભગ 70-80 ટકા હતો. 1894માં શાહુજી રાજા બન્યા ત્યારે સામાન્ય વહીવટની કુલ 71 જગ્યાઓમાંથી 60 પર બ્રાહ્મણ અધિકારીઓ હાજર હતા. શાહુજી મહારાજની સૂચના પર 1902માં અન્ય જાતિઓ માટે 50 ટકા અનામત લાગુ કરવામાં આવી અને 20 વર્ષમાં પરિસ્થિતિ બદલાઈ ગઈ. 1922માં સામાન્ય વહીવટમાં કુલ 85 પદોમાંથી 59 જગ્યાઓ પર બિન-બ્રાહ્મણ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી હતી. શાહુજી મહારાજ દ્વારા અનામતનો અમલ કરવાનો હેતુ ન્યાય અને સમાનતા આધારિત સમાજ બનાવવાનો હતો અને તેના માટે સામાજિક વિવિધતા જરૂરી હતી.

શાહુજી મહારાજ જાણતા હતા કે શિક્ષણ વિના પછાત વર્ગનો ઉદ્ધાર થઈ શકે તેમ નથી. આથી તેમણે 1912માં પ્રાથમિક શિક્ષણને ફરજિયાત અને મફત બનાવવાનો નિર્ણય કર્યો. 1917-18 સુધીમાં મફત પ્રાથમિક શાળાઓની સંખ્યા બમણી થઈ. આનાથી શિક્ષણની દ્રષ્ટિએ બ્રાહ્મણો અને બિન-બ્રાહ્મણોના રેશિયોમાં નિર્ણાયક પરિવર્તન આવ્યું.

જીવનના અન્ય તમામ ક્ષેત્રો સાથે અનામત અને શિક્ષણમાં આમૂલ પરિવર્તન લાવવા માટે શાહુજી મહારાજે ઘણાં કાયદાઓ બનાવ્યા, વહીવટી આદેશો બહાર પાડ્યા અને તેનો સંપૂર્ણ અમલ કરાવ્યો. જેણે કોલ્હાપુર રાજ્યના સામાજિક, ધાર્મિક, શૈક્ષણિક અને આર્થિક સંબંધોમાં ક્રાંતિકારી પરિવર્તન લાવી દીધું. આ જ કારણે, તેમનું જીવનચરિત્ર લખનાર પદ્મભૂષણ ડૉ. ધનંજય કીર તેમને ક્રાંતિકારી રાજા તરીકે સંબોધન કરતા હતા. મોટાભાગના વિદ્વાનો પણ તેમને લોકશાહીનો સ્તંભ કહેતા હતા.

સત્ય તો એ છે કે શાહુજી મહારાજે પોતાના રાજ્યમાં ન્યાય અને સમાનતા સ્થાપવા માટે જે પગલાં લીધાં તેમાંના ઘણાં પગલાં એવા છે કે જે લેવામાં સ્વતંત્ર ભારતની સરકારને દાયકાઓ લાગ્યાં. એમાંય કેટલાંક પગલાં તો એવાં છે જે ઉઠાવવાની આજ સુધી ભારતમાં કોઈ સરકારે હિંમત નથી કરી. આનું ઉદાહરણ 20 સપ્ટેમ્બર 1917ના રોજ તમામ ધાર્મિક સ્થળોને રાજ્યના નિયંત્રણ હેઠળ લેવા માટે આપવામાં આવેલો આદેશ છે. માત્ર સાર્વજનિક ધાર્મિક સ્થળો જ નહીં પરંતુ એ ધાર્મિક સ્થળોને પણ રાજ્યના નિયંત્રણ હેઠળ લઈ લેવાયા હતા, જેમને રાજ્ય સરકાર તરફથી આર્થિક સહાય મળતી હતી. તેમાં પણ આગળ વધીને તેમણે પછાત વર્ગના લોકોને ટોચના ધાર્મિક પદો પર નિયુક્ત કર્યા હતા.

બંધુઆ મજૂરીની પ્રણાલી કે જેને ભારત સરકાર છેક વર્ષ 1975માં દેશમાં ખતમ કરી શકી, તેને કોલ્હાપુર રાજ્યમાં શાહુજી મહારાજ દ્વારા 3 મે 1920ના આદેશ દ્વારા નાબૂદ કરવામાં આવી હતી. એ પહેલા 1919માં, તેમણે મહારોને દાસ મજૂર તરીકે કામ કરાવવાની પ્રથાનો અંત આણ્યો હતો. એટલું જ નહીં, તેમણે મનુસ્મૃતિની મૂળ ભાવનાને પલટીને આંતર-જ્ઞાતિય લગ્નને મંજૂરી આપવા માટે કાયદો પણ પસાર કરાવ્યો હતો.

આ પણ વાંચો: E. V. Ramasamy Periyar હિંદુ દેવી-દેવતાઓ અને ધર્મગ્રંથો વિશે શું માનતા હતા?

મહિલાઓને સમાનતાનો અધિકાર અપાવવા માટે જે હિંદૂ કોડ બિલ ડૉ. આંબેડકરે રજૂ કર્યું હતું, તેનો આધાર ક્ષત્રપતિ શાહુજી મહારાજે 15 એપ્રિલ 1911ના રોજ રજૂ કર્યો હતો. જેમાં તેમણે મહિલાઓને લગ્ન, મિલકત અને દત્તક પુત્ર-પુત્રીઓની બાબતમાં સમાન અધિકાર આપવા માટે નક્કર પગલાં લીધાં હતાં.

શાહુજીએ કોલ્હાપુર રાજ્યમાંથી અસ્પૃશ્યતાનનું નામોનિશાન મટાડી દેવાનો તો જાણે તેમણે સંકલ્પ જ લઈ લીધો હતો. અસ્પૃશ્યતાને સમાપ્ત કરવાના તેમના પ્રયાસોના ભાગરૂપે, 15 જાન્યુઆરી, 1919 ના રોજ તેમણે એક આદેશ બહાર પાડ્યો હતો કે, જો કોઈ સરકારી સંસ્થામાં 'અસ્પૃશ્ય' કહેવાતા લોકો સાથે અસ્પૃશ્યતા અને અસમાનતા દાખવવામાં આવશે અને તેમની ગરિમાને ઠેસ પહોંચશે, તો એવા અધિકારીઓ કે કર્મચારીએ 6 અઠવાડિયામાં રાજીનામું આપવું પડશે.

તેમણે દલિત વર્ગના વિદ્યાર્થીઓ માટે મફત છાત્રાલયો ખોલી અને તેમના માટે શિષ્યવૃત્તિની વ્યવસ્થા કરી હતી. 30 સપ્ટેમ્બર 1919ના રોજ શાહુજી મહારાજે માત્ર દલિત બાળકો માટે ખોલવામાં આવેલી અલગ શાળાઓને બંધ કરવાનો આદેશ જારી કર્યો અને તમામ શાળાઓ તેમના પ્રવેશ માટે ખોલી આપી હતી.

તેમણે પોતાના આદેશમાં કહ્યું કે તમામ જાતિ અને ધર્મના બાળકો એક જ પ્રકારની શાળામાં સાથે અભ્યાસ કરશે. દલિતોને સશક્ત બનાવવાના પગલા તરીકે તેમણે તેમને ગ્રામ્ય અધિકારીઓ તરીકે નિયુક્ત કર્યા.

અન્યાયનો ભોગ બનેલા લોકો પ્રત્યેની તેમની કરુણા અને અન્યાય વિરુદ્ધની તેમની હિંમતનો એક મોટો પુરાવો 1918માં તેમણે લીધેલાં એક પગલામાં જોવા મળે છે. જે અંતર્ગત તેમણે પોલીસ સ્ટેશનમાં બ્રિટિશ શાસન દ્વારા ગુનેગાર જાહેર કરાયેલા આદિવાસીઓની હાજરીની નોંધણી રદ કરી દીધી હતી. એટલું જ નહીં તેમને સામાજિક સન્માન આપવા માટે તેમાંથી કેટલાકને પોતાના સહાયકો તરીકે રાખ્યા હતા.

સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ પી.બી. સાવંત શાહુજી મહારાજને વિશાળ હૃદય અને વ્યાપક વિઝન ધરાવતા મહાન વ્યક્તિત્વ તરીકે યાદ કરે છે. તેઓ કહે છે, તેઓ એક અસાધારણ રાજા હતા અને મૂળભૂત રીતે સામાન્ય લોકોની સાથે ઉભા રહેતા હતા. તેમના જીવન, વિચારો અને કાર્યોનું એક જ ધ્યેય હતું, અને તે છે દલિત અને પીડિત લોકોની જીવન સ્થિતિમાં સુધારો લાવવો. કોલંબિયા યુનિવર્સિટીએ શાહુજી મહારાજને ડોક્ટર ઓફ લૉ (LLD)ની માનદ પદવી એનાયત કરી.

આવા મહાન ક્રાંતિકારી રાજા છત્રપતિ શાહુજી મહારાજની આજે જન્મજ્યંતિ છે ત્યારે, તેમને કોટિ કોટિ વંદન. જય હો શાહુજી મહારાજ...

આ પણ વાંચો: મુસલમાનોના નહીં કટ્ટરપંથીઓના દુશ્મન હતા શિવાજી મહારાજ


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.