વટવામાં ડબગર યુવકને ટોળાએ ઢોર માર મારી પતાવી દીધો
ટોળું યુવક પર તૂટી પડ્યું અને ઢોર મારથી યુવક બેભાન થઈ ગયો તો દુર્ગાનગર નજીક બુલેટ ટ્રેન પિલ્લર પાસે છોડીને સૌ ભાગી ગયા.
ટોળા દ્વારા લોકો પર થઈ રહેલા હિંસક હુમલાઓનો સિલસિલો યથાવત છે અને આ વખતે ઘટના અમદાવાદમાં ઘટી છે. અહીં વટવાના દુર્ગાનગર નજીક આવેલા બુલેટ ટ્રેનના પીલ્લર પાસે મંગળવારે સવારે એક યુવકની લાશ મળી આવી હતી. તપાસ કરવા ગયેલી વટવા પોલીસને જાણવા મળ્યું કે મૃતક યુવક રાજ ડબગર (ઉં.૨૨)ને ટોળાએ હિંસક હુમલો કરીને મોતને ઘાટ ઉતારી દીધો હતો અને બાદમાં ટોળું ફરાર થઈ ગયું હતું. વધુ તપાસમાં સામે આવ્યું કે મૃતક યુવક મોબાઈલ ચોરીને નાસી રહ્યો હતો તેથી લોકોએ તેને પકડીને ઢોર માર મારીને મોંઢાના ભાગે, પગના ભાગે તથા પીઠના ભાગે ગંભીર ઇજા પહોંચાડી હતી. આ મામલે ૭ શંકાસ્પદ શખ્સોને વટવા પોલીસ પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લાવીને વધુ તપાસ આરંભી છે.
આ ઘટનાની મળતી વિગતો મુજબ વટવા વિસ્તારમાં આવેલા બુલેટ ટ્રેનના પીલ્લર પાસે મંગળવારે સવારે કેટલાક શખ્સોનું ટોળું એક યુવકને ઢોર માર મારી રહ્યું હતું. આ જોઇને સ્થાનિક દુકાનદારને લાગ્યું કે લોકો ઝઘડો કરી રહ્યા છે. માટે દુકાનદારે ટોળાને આગળ જઈને ઝઘડો કેમ કરો છો તેમ કહ્યું હતું. ત્યારબાદ ટોળામાં રહેલા શખ્સો યુવકને ટીંગાટોળી કરીને થોડે દૂર વટવા બ્રિજની નીચે લઇ જઈને ઢોર માર મારી રહ્યા હતા.
મોબાઈલ ચોરી કરી હોવાના આરોપસર ટોળાના લોકોએ રાજ ડબગરને એટલી હદે માર માર્યો હતો કે તે અર્ધબેભાન હાલતમાં જમીન પર પટકાઈ પડ્યો હતો. રાજને બેભાન થઈ જતો જોઇને ટોળાના લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. આ સમયે અન્ય સ્થાનિકે પોલીસને જાણ કરતા વટવા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને તપાસ કરતા યુવકનું મૃત્યુ થઈ ચૂક્યું હોવાનું સામે આવતા ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તપાસ શરૂ કરી હતી.
બીજી તરફ મૃતક યુવકની ડેડ બોડીને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવી હતી. સમગ્ર મામલે તપાસ કરી રહેલી વટવા સર્વેલન્સ સ્કવોડના પીએસઆઈ એ.બી.ગંધાણીની ટીમે ઘટનાના પગલે ૭ થી વધુ શખ્સોને રાઉન્ડઅપ કરીને ગુનામાં સંડોવાયેલા વધુ આરોપીઓની તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો: વડોદરામાં ગરબા દરમિયાન ખેલૈયાઓ વચ્ચે છુટ્ટા હાથની મારામારી