ભાજપની તિરંગા યાત્રામાં બાળકો સાવરકરના ટિશર્ટમાં જોવા મળ્યાં
ચોટીલામાં ગઈકાલે નીકળેલી ભાજપની તિરંગા યાત્રામાં કેટલાક બાળકો સાવરકરના ટિશર્ટ પહેરેલા જોવા મળતા વિવાદ પેદા થયો છે.

દેશનો સરેરાશ માણસ મોંઘવારી, બેરોજગારી અને બેકારીથી ત્રસ્ત થઈ ગયો છે. યુવાનોને નોકરી મળતી નથી, શિક્ષણ ખાડે ગયું છે. સમસ્યાઓનો પાર નથી, ચોતરફ ટીકાઓ થઈ રહી છે ત્યારે લોકોનું ધ્યાન ભટકાવવા માટે સરકારે ફરી રાષ્ટ્રવાદ જેવા તાયફાઓનો સહારો લીધો છે. ભાજપ દ્વારા ફરી એકવાર હર ઘર તિરંગા અને તિરંગા યાત્રા યોજી હતી. પણ ચોટીલામાં નીકળેલી એક આવી યાત્રામાં સાવરકરનું ટિશર્ટ પહેરેલા બાળકો જોવા મળતા વિવાદ સર્જાયો છે.
સમગ્ર દેશ સહિત ગુજરાતમાં સ્વાતંત્ર્ય પર્વ પહેલાં ભાજપ દ્વારા તિરંગા યાત્રા યોજવામાં આવી રહી છે. ઠેર ઠેર લોકો તિરંગો લહેરાવી રહ્યાં છે. ત્યારે ચોટીલાની સાંગાણી પ્રાથમિક શાળામાં તિરંગાયાત્રા દરમિયાન બાળકોએ સાવરકર અને સુભાષચંદ્ર બોઝના ચિત્ર વાળી કેસરી ટી-શર્ટ પહેરી હતી. આ સમયે કોંગ્રેસની ન્યાયયાત્રા ત્યાંથી પસાર થઈ રહી હતી. બાળકોએ પહેરેલી ટી-શર્ટ જોઈને કોંગ્રેસી નેતાઓ ભડકી ગયા હતા. કોંગ્રેસે તમામ બાળકોની ટી-શર્ટ ઉતરાવીને ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, ગુજરાતમાં ગાંધી અને સરદાર ભૂલાયા છે. આજે સાવરકરની ટી-શર્ટ પહેરાવી કાલે ગોડસે કે દાઉદની ટી-શર્ટ પહેરાવશે.
આ પણ વાંચો: જગન્નાથજીની રથયાત્રા બૌદ્ધ ધર્મની ત્રિરત્ન યાત્રા છે?
કોંગ્રેસની ન્યાય યાત્રા મોરબી અને રાજકોટ થઈને સુરેન્દ્રનગરના ચોટીલા પહોંચી છે. આ યાત્રા ચોટીલાથી ડોળીયા જવા નીકળી ત્યારે સાંગાણી ગામની પ્રાથમિક શાળામાં તિરંગા યાત્રા દરમિયાન બાળકોએ સાવરકરની કેસરી ટી-શર્ટ પહેરતા કોંગ્રેસે સરકાર ગુજરાતમાં ગાંધી અને સરદારનું નામ ભૂંસવાની કામગીરી કરી રહી હોવાનો આક્ષેપ કર્યો હતો. યાત્રા દરમિયાન કોંગ્રેસના કાર્યકરોની નજર તિરંગા યાત્રામાં જોડાયેલા બાળકોની ટીશર્ટ પર પડી હતી. કોંગ્રેસ સેવા દળના પ્રમુખ લાલજી દેસાઈ અને ચોટીલાના પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ સરકાર પર પ્રહારો કર્યા હતા.
કોંગ્રેસ રાષ્ટ્રીય દળના પ્રમુખ લાલજીભાઈ દેસાઈએ જણાવ્યું કે, શાળાના બાળકોનો સ્કૂલ ડ્રેસ દબાવી દીધો છે અને એની ઉપર સાવરકરના ફોટાની કેસરી ટીશર્ટ પહેરાવીને યાત્રા કાઢી છે. એમણે બાળકોને જ પૂછ્યું હતું કે, આપણે ગાંધીજીની ટીશર્ટ પહેરવી જોઈએ કે પછી સાવરકરની? સાવરકરની કેસરી ટીશર્ટ સાંગાણી સ્કૂલના આચાર્ય અને શિક્ષકોએ બાળકોને પહેરાવી છે. કાલે ઉઠીને તમને ગોડસે કે દાઉદનું ટીશર્ટ આપશે તો એ પહેરવા દેશો? જ્યારે સ્કૂલના આચાર્યએ આ ટીશર્ટ દાતાઓએ આપી હોવાનું જણાવ્યું હતું. બાદમાં પોલીસે વચ્ચે દરમિયાનગીરી કરી બાળકોના ટીશર્ટ તાકીદે બદલવાની સૂચના આપી હતી. બાદમાં કોંગ્રેસના આગેવાનોએ ગાંધી અને સરદારના નારાઓ લગાવ્યા હતા.
આ પણ વાંચો: સંકલ્પ ભૂમિ વડોદરાથી સચિવાલય ગાંધીનગર સુધી આભડછેટ મુક્ત ભારત યાત્રા યોજાશે