AIIMS ના ડિરેક્ટર 'રાજપૂત', પણ એમનો દીકરો-દીકરી 'OBC'

AIIMS ના ડિરેક્ટર પોતે 'રાજપૂત' છે પણ પુત્ર-પુત્રીએ 'OBC' સર્ટિફિકેટ પર MBBS માં એડમિશન લઈ લીધું છે.

AIIMS ના ડિરેક્ટર 'રાજપૂત', પણ એમનો દીકરો-દીકરી 'OBC'
image credit - Google images

મોકો મળ્યો નથી કે તરત અનામતને ગાળો ભાંડવા લાગતા તત્વોની દોગલી નીતિને ઉજાગર કરતો એક સનસનાટીભર્યો કિસ્સો આજકાલ ચર્ચાના ચકડોળે ચડ્યો છે. દેશભરમાં તમે એવા ઘણાં કિસ્સાઓ સાંભળ્યા હશે જેમાં કોઈ જનરલ કેટેગરીની વ્યક્તિ નકલી એસસી, એસટી કે ઓબીસી સર્ટિફિકેટ કઢાવી તેના આધારે અનામત વર્ગના ગરીબ લોકોના હક પર તરાપ મારીને તેમની નોકરી કે શિક્ષણમાં અનામત સીટ પર પોતે બેસી ગયા હોય. લાજશરમ જેવું તો આ લોકોમાં હોતું નથી, એટલે શરમ રાખ્યા વિના આપણે આવા તત્વોને જાહેરમાં ઉઘાડા પાડીએ. જેથી તમને પણ ખબર પડે કે સવર્ણ ગણાતી જાતિઓ કેવી રીતે એસસી, એસટી, ઓબીસીના હક મારી જાય છે. દેશમાં દલિતો, આદિવાસીઓ જેટલા પોતાની અનામતને લઈને સજાગ છે એટલો ઓબીસી સમાજ જાગૃત નથી. એટલે જ કોઈપણ સરકારમાં સૌથી વધુ હક મારી ઓબીસી અનામતની થાય છે અને આ કિસ્સો પણ ઓબીસી સમાજની અનામત પર તરાપનો છે.

મોટાભાગની ઘટનાઓની જેમ કમનસીબે આ ઘટના પણ જાતિવાદ માટે કુખ્યાત ઉત્તર પ્રદેશની છે અને એ પણ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના મતવિસ્તાર એવા ગોરખપુરની. પટના અને ગોરખપુર AIIMSના ડાયરેક્ટર કૃષ્ણ ગોપાલ પાલ પર સર્જરી વિભાગના પ્રોફેસરે ગંભીર આરોપ લગાવ્યા છે. પ્રોફેસરે AIIMS પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. એવું કહેવાય છે કે કૃષ્ણ ગોપાલ પાલે છેતરપિંડી કરીને તેમના પુત્ર અને પુત્રીને અનુક્રમે ગોરખપુર અને પટનાએઈમ્સમાં એડમિશન અપાવી દીધું છે. આરોપ એવો છે કે, તેઓ જે કેટેગરીના નથી આવતા એ કેટેગરીનો લાભ અપાવીને તેમણે પોતાના દીકરા-દીકરીને એડમિશન અપાવી દીધું છે.

પાલ 'રાજપૂત' છે અને પુત્ર-પુત્રી 'ઓબીસી'

પટના અને ગોરખપુર બંને AIIMSનો હવાલો સંભાળી રહેલા ડાયરેક્ટર કૃષ્ણ ગોપાલ પાલ હાલમાં આરોપોથી ઘેરાઈ ગયા છે. ગોરખપુર AIIMSના એડિશનલ પ્રોફેસર અને સર્જરી વિભાગના વડા ડૉ. ગૌરવ ગુપ્તાએ તેમના પર ગંભીર આરોપ લગાવતા એઈમ્સ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. કહેવાય છે કે પોતાના પદનો લાભ લઈને ડાયરેક્ટર સાહેબે તેમના પુત્ર ઓરો પ્રકાશ પાલને ગોરખપુર AIIMSમાં માઇક્રોબાયોલોજી વિભાગમાં MD PG કોર્સમાં પ્રવેશ અપાવ્યો છે. એટલું જ નહીં, તેમની પુત્રી પટના AIIMSમાં મેડિસિન વિભાગમાં સિનિયર રેસિડેન્સ પદ પર જોડાઈ છે. પરંતુ બંનેના એડમિશન અને નિમણૂંક નિયમો અને ધોરણોના આધારે ખોટા છે.

આ પણ વાંચો:  તોડબાજો, નકલી એક્ટિવિસ્ટોને ઓળખીને બોધપાઠ આપવાનો સમય પાકી ગયો છે

આરોપ છે કે જે OBC કેટેગરીના પ્રમાણપત્રના આધારે તેમને જોઈનિંગ અને એડમિશન આપવામાં આવ્યું છે તે નકલી છે. પાલ સાહેબ GENERAL વર્ગની 'રાજપૂત' જાતિમાંથી આવે છે. તેના આધારે પુત્રીના જોઈનિંગમાં જે સર્ટિફિકેટ જોડવામાં આવ્યું છે તે નકલી છે.

એઈમ્સ ડિરેક્ટરના પુત્રે ક્રીમીલેયરનો દુરૂપયોગ કર્યો

કૃષ્ણ ગોપાલ પાલના પુત્રએ જે ક્રીમી લેયર હેઠળ એડમિશન લીધું છે તે પણ ખોટું છે. કારણ કે ડિરેક્ટર પાલની પત્ની પ્રભારી પાલ પોંડિચેરીમાં પ્રોફેસર છે. બંનેની કુલ આવક 80 થી 90 લાખ રૂપિયા છે, જ્યારે આ કેટેગરીમાં નોન-ક્રિમી લેયર 8 લાખ રૂપિયાથી ઓછી આવક ધરાવતા લોકો માટે બનાવવામાં આવ્યું છે. તેના આધારે પણ તેમણે મોટી છેતરપિંડી કરી છે, તેમણે એફિડેવિટમાં OBC હોવાનો દાવો પણ કર્યો છે. ડૉ. ગૌરવે ડાયરેક્ટર પાલ, તેની પત્ની અને પુત્ર વિરુદ્ધ કેસ દાખલ કરીને કાર્યવાહીની માંગ કરી છે. આ કેસ 5 સપ્ટેમ્બરે દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારથી આ મામલે ઢાંકપિછોડા કરવાનું ચાલી રહ્યું હતું. મામલો દબાવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. અંતે જેમ તેમ કરીને ઉતાવળમાં ડિરેક્ટરના પુત્રનું એડમિશન રદ્દ કરાવવામાં આવ્યું.

આ અંગે જ્યારે ડાયરેક્ટર કૃષ્ણ ગોપાલ પાલ સાથે વાત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે તેમણે ફોન ઉપાડવાની તસ્દી લીધી નહોતી. દરમિયાન એઈમ્સ પોલીસ સ્ટેશન ઈન્ચાર્જનું કહેવું છે કે પ્રોફેસર ગૌરવ ગુપ્તા તરફથી ફરિયાદ મળી છે. આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.

પૂર્વ ડાયરેક્ટર સામે પણ આક્ષેપો કરવામાં આવ્યા હતા

અનામતની વાત નીકળે ત્યારે વારંવાર મેટિરની દુહાઈ દેતા આવા તત્વો મોકો મળ્યે તરત અનામત કેટેગરીના લોકોનો હક મારી ખાતા જરાય શરમાતા નથી તે આ ઘટના પરથી ફરીથી સાબિત થાય છે. જો કે ગોરખપુર એઈમ્સમાં આવી ઘટનાઓ આજકાલની નથી. અગાઉ જાન્યુઆરી મહિનામાં ભૂતપૂર્વ ડિરેક્ટર સુરેખા કિશોર દ્વારા તેમના પુત્રોને નોકરી આપવાનો મુદ્દો પણ ચર્ચાના ચકડોળે ચડ્યો હતો. તે કિસ્સામાં પણ પ્રમાણપત્રો નકલી હતા. જેના આધારે સરકારે કાર્યવાહી કરીને તેમને પણ સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતા.

ગૌરવ ગુપ્તા અને પાલના આક્ષેપ પ્રતિઆક્ષેપો

ડૉ. ગૌરવ ગુપ્તાએ આરોગ્ય મંત્રાલય અને મુખ્યમંત્રી પોર્ટલ પર પણ ફરિયાદ નોંધાવી છે, જેમાં તેમણે કહ્યું છે કે ઓબીસી નોન-ક્રિમી લેયર માટે અનામત બેઠક પર ખોટી રીતે પ્રવેશ આપવામાં આવ્યો છે. તેમનું કહેવું છે કે આ રીતે ગરીબ ઓબીસી વિદ્યાર્થીના અધિકારોનું હનન થયું છે.

આ પણ વાંચો: ગીર સોમનાથના DDO બોગસ વિકલાંગતા પ્રમાણપત્ર પર IAS બન્યાં?

જો કે, ડો. ગોપાલ કૃષ્ણ પાલે આ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા અને કહ્યું કે આ બધું તેમની વિરુદ્ધનું કાવતરું છે. તેમણે દાવો કર્યો હતો કે ડો. ગુપ્તા અને તેમની પત્ની પહેલાથી જ ઘણા ગંભીર આરોપોનો સામનો કરી રહ્યા છે અને તેઓ તેમના પર પ્રમોશન મેળવવા માટે દબાણ કરી રહ્યા છે. ડૉ.પાલે જણાવ્યું હતું કે આક્ષેપો કરવાનો હેતુ તેમને આ ફરિયાદો પર પગલાં લેતા રોકવાનો છે.

આ ઘટના પરથી એસસી, એસટી, ઓબીસીએ એટલું શીખવાનું છે કે, છાશવારે તમારી અનામતને ભાંડતા આવા તત્વો મોકો મળ્યે તમારી અનામત છીનવી લેતા અચકાતા નથી. મેરિટની પૂંછડીઓ થઈને ફરતા આ લોકો તમારા સંતાનોની રાતદિવસની મહેનત પર એક નકલી સર્ટિફિકેટના આધારે એડમિશન લઈ લે છે. ત્યારે સૌની ફરજ છે કે, મહામૂલી આ અનામત પર આવા તત્વોનો પંજો ન પડે.

આ પણ વાંચો: નકલી દલિત - નકલી આદિવાસી બની SC-ST ની નોકરીઓ કોણ ખાય છે?


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.