IIM ઈન્દોરમાં SC-ST ફેકલ્ટીની તમામ જગ્યાઓ ખાલી, GENERALની બધી ભરાઈ
એક RTI માં થયેલા ખુલાસા મુજબ અહીં SC-ST ફેકલ્ટીઓની તમામ જગ્યાઓ ખાલી છે, જ્યારે GENERAL કેટેગરીની તમામ જગ્યાઓ ભરી દેવાઈ છે.
સુપ્રીમ કોર્ટના સવર્ણ જજોએ મળીને સત્તાને માફક આવે તે રીતે એસસી-એસટી વર્ગની અનામતમાં પેટા વર્ગીકરણ અને ક્રીમીલેયર દાખલ કરવાનો ચૂકાદો તો આપી દીધો, પણ આ બંને સમાજને જે લાભો મળવા જોઈએ તેમાં વર્ષોથી અન્યાય થઈ રહ્યો છે તેના વિશે કોઈ મોં ખોલવા તૈયાર નથી. હવે એ વાત કોઈનાથી છુપી નથી કે, સરકારી નોકરીઓમાં દલિત-આદિવાસી અને ઓબીસી સમાજની સેંકડો જગ્યાઓ દેશભરમાં ભરવામાં જ નથી આવતી. ઉલટાનું યેનકેન પ્રકારે તેમની અનામત જગ્યાઓ જનરલમાં ફેરવવા માટે પેંતરાઓ રચાતા રહે છે. ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં એસસી, એસટી, ઓબીસી વર્ગનું પ્રતિનિધિત્વ અત્યંત ઓછું છે અને જાતિવાદી સરકારો તેને પણ સાવ ખતમ કરી દેવા મથી રહી છે. આવા અનેક ઉદાહરણો નજર સામે છે અને તેમાં વધુ એક ઉદાહરણ આઈઆઈએમ ઈન્દોર અને આઈઆઈએમ તિરુચિરાપલ્લીનું ઉમેરાયું છે.
એક આરટીઆઈમાં થયેલા ખુલાસા પ્રમાણે આ બંને આઈઆઈએમમાં એસસી-એસટી વર્ગની ફેકલ્ટીઓની જગ્યાઓ ભરવામાં આવી નથી. ઈન્દોરમાં તો આ બંને વર્ગની ફેકલ્ટીઓની તમામ જગ્યાઓ ખાલી છે. આરટીઆઈના જવાબ દ્વારા મળેલી માહિતી દર્શાવે છે કે આઈઆઈએમ ઈન્દોરમાં એસસી અને એસટી કેટેગરીમાંથી એકપણ શિક્ષક નથી. તેની સામે જનરલ કેટેગરીની તમામ જગ્યાઓ ભરી દેવામાં આવી છે.
ઓલ ઈન્ડિયા ઓબીસી સ્ટુડન્ટ્સ એસોસિએશન (AIOBCSA) ના પ્રમુખ કિરણ કુમાર ગૌંડ દ્વારા કરવામાં આવેલી આરટીઆઈના જવાબમાં આઈઆઈએમ ઈન્દોર તરફથી મળેલા જવાબ મુજબ, સંસ્થામાં 150 ફેકલ્ટીની જગ્યાઓમાંથી ઘણી અનામત કેટેગરીની જગ્યાઓ ખાલી છે.
આ પણ વાંચો: છેલ્લા 5 વર્ષમાં 13,626 SC, ST, OBC વિદ્યાર્થીઓએ IIT, IIM અને કેન્દ્રીય યુનિ.ઓ છોડી
આરટીઆઈમાં મળેલા જવાબ પ્રમાણે ઓબીસી જગ્યાઓ પર માત્ર 2 આસિસ્ટન્ટ પ્રોફેસરોની નિમણૂંક કરવામાં આવી છે, જ્યારે અનુસૂચિત જાતિ (SC) કે અનુસૂચિત જનજાતિ (ST)માંથી કોઈ ફેકલ્ટી સભ્યની નિમણૂક કરવામાં આવી નથી. 1 આસિસ્ટન્ટ પ્રોફેસરની નિમણૂક EWS માંથી કરવામાં આવી છે.
150 ફેકલ્ટીની જગ્યાઓમાંથી 106 જનરલ કેટેગરીના ઉમેદવારોથી ભરાઈ
આ આરટીઆઈમાંથી મળતી માહિતી પ્રમાણે આઈઆઈએમ ઈન્દોરમાં કુલ 150 ફેકલ્ટીની જગ્યાઓમાંથી 106 જનરલ કેટેગરીના ઉમેદવારો દ્વારા ભરવામાં આવી છે. જ્યારે 41 જગ્યાઓ ખાલી છે. એસસી અને એસટીની સંપૂર્ણ બાદબાકી અને ઓબીસીની ઓછી સંખ્યા સ્પષ્ટ રીતે જાતિવાદી ષડયંત્ર રચાયું હોવાની ચાડી ખાય છે અને આખી સિસ્ટમ પર ગંભીર સવાલો ઉભા કરે છે.
IIM તિરુચિરાપલ્લીમાં SC-ST-OBC ની 86 થી 100 ટકા જગ્યાઓ ખાલી
આરટીઆઈના જવાબ મુજબ IIM તિરુચિરાપલ્લીની સ્થિતિ પણ ચિંતાજનક છે. ત્યાં 83.33% OBC, 86.66% SC, અને 100% ST ફેકલ્ટીની જગ્યાઓ ખાલી છે, જેની સામે જનરલ કેટેગરીની તમામ જગ્યાઓ ભરી દેવામાં આવી છે. જે સ્પષ્ટ રીતે બતાવે છે કે ભરતી પ્રક્રિયામાં મોટાપાયે ગેરરીતિઓ થઈ છે અને અનામતના નિયમોનો ઉલાળિયો કરી દેવાયો છે. એ રીતે વંચિત સમાજના લોકોને મુખ્યધારાની સરકારી નોકરીઓમાં આવતા રોકવામાં આવી રહ્યાં છે.
આરટીઆઈમાં સામે આવેલા આ ચોંકાવનારા ખુલાસાઓ સામે વિવિધ નાગરિક સંગઠનો અને વિદ્યાર્થી સંગઠનોએ વિરોધ નોંધાવ્યો છે. તેમનું કહેવું છે કે, આ એક ષડયંત્ર છે, જે ન માત્ર સામાજિક ન્યાયના સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરે છે પરંતુ ઐતિહાસિક રીતે વંચિત સમાજોની શૈક્ષણિક મહત્વકાંક્ષાઓને નબળી પાડે છે.
AIOBCSA પ્રમુખ કિરણ કુમાર ગૌંડે મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, "આ બંધારણની જોગવાઈઓનું ખૂલ્લેઆમ ઉલ્લંઘન છે. IIM જેવી સંસ્થાઓએ તો બંધારણના દાયરામાં રહીને જ કામ કરવું જોઈએ. પરંતુ આ આંકડા ભેદભાવ અને જાતિ અસમાનતાની કઠોર વાસ્તવિકતાને ઉજાગર કરે છે."
જાણકારોના મતે, સીટો ખાલી હોવા છતાં અને લાયકાત ધરાવતા OBC, SC, ST કેટેગરીના ઉમેદવારો ઉપલબ્ધ હોવા છતાં આ કેટેગરીના પ્રોફેસરોની ભરતી કરવામાં આવતી નથી. જે સ્પષ્ટ રીતે સાબિત કરે છે કે, સરકારમાં બેઠેલાં સવર્ણો દલિત, આદિવાસી કે ઓબીસી સમાજ સાથે જાતિ આધારિત ભેદભાવ રાખે છે. સરકારી નોકરીઓને તેઓ પોતાનો એકાધિકાર માને છે અને તેમાં આ સમાજના લોકો અનામત અને લાયકાતના આધારે પ્રવેશે તે તેમને જરાય મંજૂર નથી.
ફેકલ્ટીઓના પ્રતિનિધિત્વમાં વિવિધતાઓનો અભાવ લાંબાગાળાની નકારાત્મક અસરો જન્માવશે. તે માત્ર સામાજિક ન્યાય માટે જ નહીં, પરંતુ અગ્રણી મેનેજમેન્ટ સંસ્થાઓમાં શિક્ષણની ગુણવત્તા અને વિવિધ દ્રષ્ટિકોણના પ્રતિનિધિત્વ માટે યોગ્ય નથી.
સવાલ એ છે કે, આ બધું જ ખૂલ્લેઆમ થઈ રહ્યું હોવા છતાં દલિત, આદિવાસીઓના હામી હોવાની વાતો કરતી સરકારો કે તેમના મંત્રીઓ, નેતાઓ આ મામલે કોઈ જ પગલાં લેતા નથી.
આ પણ વાંચો: દેશની TOP 5 IITમાં 98% ફેકલ્ટીઓ કથિત ઉચ્ચ જાતિની: Nature magazineનો ચોંકાવનારો રિપોર્ટ