વિકલાંગ દલિત કિશોર પાસે મનુવાદીએ શર્ટ ઉતરાવી પેશાબની સફાઈ કરાવી

ડી.પી. ઓઝા નામના મનુવાદીએ એક વિકલાંગ દલિત કિશોરને માર મારી તેના શર્ટથી નાળું સાફ કરાવ્યું હતું.

વિકલાંગ દલિત કિશોર પાસે મનુવાદીએ શર્ટ ઉતરાવી પેશાબની સફાઈ કરાવી
image credit - Google images

જાતિવાદ એટલું ભયાનક ઝેર છે કે, તે એકવાર મગજમાં ચડી જાય, પછી સામેની વ્યક્તિ કોણ છે, કેવી પરિસ્થિતિમાં છે તેની પણ જાતિવાદી તત્વો પરવા નથી કરતા. દલિતો સાથે નજીવી બાબતે મારામારી કરવી, તેમને ઘોડી પર ન બેસવા દેવા, સારાં કપડાં પહેરે તો તેમની સાથે માથાકૂટ કરવી, મૂછો રાખે, સાફો બાંધે કે બીજી કોઈપણ સહજ કહી શકાય એવી કોઈપણ પ્રવૃત્તિ કરે તો પણ જાતિવાદી તત્વોનું પેટ બળતું હોય છે. ઘણીવાર તો આવા તત્વો દલિત મહિલા કે બાળકોને પણ તેમના દ્વેષનો શિકાર બનાવતા હોય છે અને આ ઘટના પણ કંઈક આવી જ છે.

મળતી માહિતી પ્રમાણે એક દિવ્યાંગ દલિત સગીરને એક નિવૃત્ત અધિકારીએ તેની પાર્ક કરેલી કારની બાજુમાં આવેલા નાળામાં લઘુશંકા કરવાને લઈને માર માર્યો હતો. જાતિવાદી અધિકારીએ દિવ્યાંગ સગીરનો શર્ટ ઉતરાવીને નાળાની સફાઈ કરાવી હતી. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ કોઈએ સોશિયલ મીડિયામાં મૂકી દેતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે અને જાતિવાદી તત્વ એવા અધિકારીની ધરપકડ કરવામાં આવી છે.

મધ્યપ્રદેશના હરદાની ઘટના

ઘટના આદિવાસી સમાજ પર સૌથી વધુ અત્યાચાર થાય છે તે મધ્યપ્રદેશની છે. અહીં હરદામાં કથિત રીતે પેશાબ કરવા બદલ એક નિવૃત્ત ઈન્કમટેક્સ અધિકારીએ દલિત વિકલાંગ સગીરને માર માર્યો હતો.

આ પણ વાંચો: દલિત વિદ્યાર્થી આજીજી કરતો રહ્યો, સવર્ણ શિક્ષક પાઈપથી ફટકારતો રહ્યો

એટલું જ નહીં, આરોપીએ વિકલાંગ સગીરનો શર્ટ ઉતરાવીને તેની પાસે નાળું સાફ કરાવ્યું હતું. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવતા પોલીસે આરોપી નિવૃત્ત અધિકારી સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. પીડિત અપંગ છે અને તેની ઉંમર 17 વર્ષ છે. આ ઘટના ગુરુવારે સવારે 10 વાગ્યાની આસપાસ બની હતી.

કાર પર પેશાબ કર્યાનું સમજી સગીર દિવ્યાંગને માર્યો

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, રિટાયર્ડ ઓફિસર અપંદ કિશોરને માર મારીને તેની પાસે ગટર સાફ કરતો જોવા મળી રહ્યો છે. પીડિત સગીરનું કહેવું છે કે તેણે અધિકારીની પાર્ક કરેલી કારની પાછળ નાળામાં પેશાબ કર્યો હતો. પણ અધિકારીએ તેને તેની કાર પર પેશાબ કર્યો હોવાનું સમજીને તેને માર માર્યો હતો અને તેની પાસે નાળું સાફ કરાવ્યું હતું.

આરોપી અધિકારીનું નામ ડી.પી. ઓઝા છે

મામલો હરદા નગર સ્થિત વિવેકાનંદ કોમ્પ્લેક્સનો છે. એક 17 વર્ષનો દલિત કિશોર અહીંથી પસાર થઈ રહ્યો હતો. તે વિકલાંગ પણ હતો. તેણે ત્યાં રોકાઈને પેશાબ કર્યો હતો. જેને લઈને આ પરિસરમાં રહેતા આવકવેરા વિભાગના નિવૃત્ત અધિકારી ડી.પી. ઓઝાએ તેને જોઈ લીધો હતો. એ પછી તેણે વિકલાંગ કિશોર પર પોતાની કાર પર પેશાબ કરવાનો આરોપ લગાવ્યો અને માર મારવા લાગ્યો. એટલું જ નહીં, તેણે કિશોરનો શર્ટ ઉતરાવીને તેની પાસે નાળાની સફાઈ કરાવી હતી. ડી.પી. ઓઝાએ વિકલાંગ દલિત યુવકને જાતિસૂચક ગાળો ભાંડી હતી.

પોલીસે જાતિવાદી ડી.પી. ઓઝાની ધરપકડ કરી

આ ઘટનામાં મારના કારણે યુવક ઘાયલ થઈ ગયો હતો અને ત્યાંથી નીકળી ગયો. એ પછી તેણે હરદા પોલીસ સ્ટેશનમાં આરોપી ઓઝા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ ઘટના ત્યાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જેના ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. પોલીસે આરોપી ઓઝા સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. 

એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ ઘટના ગુરુવારે બની હતી. નિવૃત્ત અધિકારીએ સગીરને તેની કાર પર પેશાબ કરવાનો આરોપ લગાવીને ઠપકો આપ્યો હતો. જ્યારે વિકલાંગ કિશોરે તેના આરોપને ખોટો ગણાવીને નકારી કાઢ્યો તો આરોપી ઓઝાએ તેને માર માર્યો. પોલીસ અધિકારીએ જણાવ્યું કે આરોપીએ કિશોરને તેના શર્ટ વડે ગટર સાફ કરવા માટે મજબૂર કર્યો હતો.

આ પણ વાંચો: દલિત દંપતિને નિર્વસ્ત્ર કરી ફટકાર્યું, પત્નીની સામે જ પતિના મોંમાં પેશાબ કર્યો


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.