આઝાદીના 76 વર્ષ બાદ પહેલી વાર દલિત વરરાજા ઘોડી પર ચઢ્યાં

આઝાદીના અમૃત મહોત્સવ વચ્ચે એક એવા ગામની વાત કરીએ, જ્યાં 76 વર્ષમાં પહેલીવાર કોઈ દલિત વરરાજા ઘોડીએ ચઢ્યાં છે.

આઝાદીના 76 વર્ષ બાદ પહેલી વાર દલિત વરરાજા ઘોડી પર ચઢ્યાં

એકબાજુ દેશ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે, ચોતરફ તેની ઉજવણીના કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે ત્યારે આઝાદ ભારતમાં એક એવું પણ ગામ છે, જ્યાં 76 વરસમાં પહેલીવાર કોઈ દલિત વરરાજા ઘોડી પર ચઢી શક્યાં છે.

મધ્યપ્રદેશના છત્તરપુર જિલ્લાના ટટમ ગામમાં એક દલિત વરરાજાએ ગામમાં પહેલીવાર ઘોડીએ ચઢતા પહેલા પોલીસ રક્ષણની માંગ કરી, તેના માટે તેણે પોલીસને અરજી કરી હતી અને તેમાં તેણે એ વાતનો ઉલ્લેખ કર્યો હતો કે, જે ગામમાં તે રહે છે ત્યાં અત્યાર સુધીમાં કોઈ દલિત વરરાજા ઘોડી પર ચઢીને ગામમાં ફર્યા નથી. એ પછી પોલીસે એ યુવકને સુરક્ષા આપી અને દલિત વરરાજા ઘોડી પર ચઢ્યા અને ગામમાં ફર્યા. સારી વાત એ રહી કે પોલીસ સુરક્ષાને કારણે એ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના બની નહોતી.

મને ઘોડીએ ચઢવા દો સાહેબ

આખો મામલો બુંદેલખંડના મહારાજપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના ટટમ ગામનો છે, જ્યાં રહેતા સૂરજ અહિરવારના લગ્ન ખજૂરાહોની નીલમ સાથે 9 ડિસેમ્બર 2023ના રોજ નક્કી થયા હતા. સૂરજની ઈચ્છા ઘોડી પર ચઢવાની હતી. તેના માટે તેણે 4 ડિસેમ્બરના રોજ મહારાજપુર પોલીસ સ્ટેશનમાં એક અરજી આપીને એ બાબતની શંકા વ્યક્ત કરી હતી કે “ગામમાં રહેતા અમુક કથિત ઉચ્ચ જાતિના લોકો મને ઘોડી પર ચઢવાથી રોકી શકે છે, કારણ કે આજ સુધી આઝાદી પછી પણ મારા ગામમાં એકપણ દલિત વરરાજા ઘોડી પર નથી ચઢ્યા.”

મામલાની ગંભીરતાને જોતા પોલીસે 9 ડિસેમ્બરની રાતે સૂરજને સુરક્ષા પુરી પાડી હતી અને પોલીસની દેખરેખમાં ગામમાં પહેલીવાર એક દલિત વરરાજા ઘોડીએ ચઢી શક્યા હતા.

સૂરજનું કહેવું છે કે, “આપણા દેશનું બંધારણ બધાંને મૌલિક અધિકાર આપે છે અને અમને પુરો હક છે કે અમે આઝાદ ભારતમાં હક અધિકારની વાત કરી શકીએ. પણ અમારા ગામમાં હજુ સુધી કોઈ દલિતને ઘોડી પર બેસીને વરઘોડો કાઢવાનો અધિકાર નહોતો. ગામના કથિત સવર્ણોની ધાકને કારણે 76 વરસમાં કોઈ દલિત વરરાજા ઘોડી પર ચઢીને ગામમાંથી નીકળી શક્યો નહોતો, પણ પોલીસના સહકારથી અમે વરઘોડો કાઢી શક્યા.”

આખરે પરંપરા તૂટી ગઈ

ગામમાં જ રહેતા રોહન ચૌધરીએ વધુ જાણકારી આપતા કહે છે કે “અમારા ગામમાં આઝાદીથી લઈને આજ દિન સુધી કોઈ પણ દલિત વરરાજા ઘોડી પર ચઢ્યાં નથી. સૂરજે હિંમત બતાવી અને તંત્ર પાસે મદદ માંગી, એ પછી તે ઘોડી પર ચઢીને ગામમાં વરઘોડો કાઢી શક્યો. પોલીસ તંત્રનો પણ સારો સહકાર મળ્યો. આઝાદીના 76 વરસથી ચાલી આવતી આ કલંકિત પરંપરા આખરે સૂરજની હિંમતના કારણે તૂટી તેનો આનંદ છે.”

શાંતિપૂર્ણ રીતે નીકળ્યો વરઘોડો 

પોલીસ તંત્રના સહકારને કારણે કથિત ઉચ્ચ જાતિના લોકોની સાન ઠેકાણી આવી શકી હતી અને સૂરજનો વરઘોડો શાંતિપૂર્ણ રીતે ગામમાંથી નીકળ્યો હતો. એક સ્થાનિક વ્યક્તિએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, “ગામમાં ઉચ્ચ જાતિના લોકોની ધાક જ એવી છે કે, આજ દિન સુધી કોઈ દલિત વરરાજાએ ઘોડી પર ચઢીને ગામમાં ફરવાની હિંમત નથી કરી. આ પહેલીવાર છે જ્યારે કોઈ દલિત યુવક ઘોડી પર ચઢીને ગામમાં ફર્યો હોય. અમને ચિંતા એ વાતની થાય છે કે ક્યાંક સૂરજ પર દાઝ રાખીને કોઈ આગળ જતા તેને નિશાન ન બનાવે. જો કે તે હોંશિયાર છે, તેણે આટલી હિંમત બતાવી છે ત્યારે તે તેના સંભવિત પરિણામોથી પણ વાકેફ હશે જ, અને તેનો સામનો કરવાની પણ તાકાત ધરાવતો હશે.”

અહીં દલિતો માટે કામ કરતા યુવા નેતા સતીષ સિંહ કહે છે કે, “અમને એ વાતની જાણકારી મળી હતી કે આઝાદીના 76 વર્ષ પછી પહેલીવાર અહીં એક દલિત યુવકે ઘોડીએ ચઢવા માટે પોલીસ પ્રોટેક્શન માંગ્યું છે. એ જ કારણે અમે લોકો આ લગ્નમાં હાજર રહ્યા હતા. મારી સાથે મારા બીજા મિત્રો પણ તેમાં જોડાયા હતા, પોલીસ તંત્રનો પણ સારો સહકાર મળ્યો અને કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટી.”

મહારાજપુર પોલીસ સ્ટેશનનના ઈન્ચાર્જ વિંદુ વિશ્વાસે જણાવ્યું હતું કે, આઝાદીના 76 વરસમાં પહેલીવાર આ ગામમાંથી કોઈ દલિત વરરાજાએ ઘોડી પર ચઢવા માટે થઈને પોલીસ રક્ષણ માંગ્યું હતું. અમે મામલાની ગંભીરતા સમજીને તેને સુરક્ષા પુરી પાડી હતી અને લગ્ન સ્થળે પહોંચીને વરઘોડાની વિધિ પૂર્ણ કરાવી હતી અને કોઈ વિરોધ થયો નહોતો.

આ પણ વાંચો : પરિવર્તનનો પવનઃ અમરેલીમાં વર-કન્યાએ બંધારણની સાક્ષીએ લગ્ન કર્યા!

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો.

અહીં ક્લિક કરો.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.