વ્યાજખોરોએ દલિત યુવકને બાંધીને માર્યો, યુવકને લાગી આવતા જીવ ટૂંકાવ્યો
એક ગરીબ દલિત યુવકે રૂ. 4500 ઉછીના લીધા હતા, તેની સામે વ્યાજખોરોએ રૂ. 60 હજાર પરત માંગ્યા. એ પછી જે થયું તે આખો ઘટનાક્રમ ધ્રુજાવી દે તેવો છે.
દલિતો પર અત્યાચાર અટકવાનું નામ નથી લઈ રહ્યો. આઝાદ ભારતમાં પણ એવો કોઈ દિવસ હજુ સુધી ઉગ્યો નથી જેમાં દેશના કોઈ ખૂણે દલિતો પર અત્યાચાર ન થયો હતો. ક્યાંક ખૂન તો ક્યાંક મારામારી, ક્યાંક બળાત્કાર તો ક્યાંક કારણ વિના જ હેરાનગતિ કે આત્મહત્યા.
અહીં મામલો આત્મહત્યાનો છે. એક દલિત યુવકને વ્યાજખોરોએ બંધક બનાવીને તેને માર માર્યો. દલિત યુવકે તેમની પાસેથી રૂ. 4500 ઉછીના લીધા હતા. જેની સામે વ્યાજખોરો રૂ. 60 હજારની ઉઘરાણી કરી રહ્યા હતા. આટલી મોટી રકમ ગરીબ દલિત યુવક કોઈ કાળે ચૂકવી શકે તેમ નહોતો. આરોપીઓએ તેને બંધક બનાવીને માર માર્યો અને તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો. જેનાથી દલિત યુવકને ભારે લાગી આવ્યું, અને બદનામીના ડરે તેણે આત્મહત્યા કરી લીધી.
મામલો જાતિવાદના એપીસેન્ટર ગણાતા ઉત્તરપ્રદેશનો છે. અહીંના ફિરોઝાબાદમાં 4500 રૂપિયાનું દેવું ન ચૂકવી શકવાને કારણે દલિત યુવકે આત્મહત્યા કરવી પડી. દલિત યુવકને બે વ્યાજખોર ભાઈઓએ રૂ. 4500 ઉછીના આપ્યા હતા. જેની સામે તે નિયમિત રીતે વ્યાજ ચૂકવતો હતો. તેમ છતાં વ્યાજખોર ભાઈઓએ તેની પાસે રૂ. 60000 હજાર માંગ્યા હતા. આટલી મોટી રકમ દલિત યુવક ચૂકવી તેવી સ્થિતિમાં ન હોવાથી વ્યાજખોરોએ તેને બંધક બનાવી લીધો હતો અને આખી રાત તેને પોતાના ઘરમાં બાંધીને રાખી ટોર્ચર કર્યો હતો. આરોપીઓએ તેને માર માર્યો અને તેનો વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. જેનાથી આબરુ જવાની બીકે દલિત યુવકે આત્મહત્યા કરી લીધી હતી.
ઘટના 10 જુલાઈની છે. દલિત યુવકને માર મારવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા યુવકે આત્મહત્યા કરી લીધી હતી. હવે પોલીસે આ કેસમાં તપાસ શરૂ કરી દીધી છે. મૃતકની માતાએ વ્યાજખોરો પર ગંભીર આરોપો લગાવ્યા છે. પોલીસે વાયરલ વીડિયોના આધારે તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી પ્રમાણે ફિરોઝાબાદમાં કમલકાંત નામનો દલિત યુવક તેના પરિવાર સાથે રહેતો હતો. તેણે અચાનક આત્મહત્યા કરી લીધી હતી. ઘટનામાં ખુલાસો થયો હતો કે તેણે નજીકમાં રહેતા પ્રમોદ સિંહ પાસેથી રૂ. 4500 ઉછીના લીધા હતા. તેનું તે વ્યાજ ભરતો હતો તેમ છતાં બાકી રકમ ભરી શકતો નહોતો.
જેના કારણે ઉશ્કેરાયેલા પ્રમોદે તેને બંધક બનાવ્યો હતો અને બાકી પૈસાની કડક ઉઘરાણી કરતા તેને માર માર્યો હતો. પ્રમોદે કમલકાંતને માર માર્યાનો વીડિયો પોતાના ફોનમાં ઉતારી લીધો હતો અને તે વાયરલ કરી દીધો હતો. જેનાથી કમલકાંતને ભારે લાગી આવ્યું હતું અને તેણે આત્મહત્યા કરી લીધી હતી. ઘટના ફિરોઝાબાદના દક્ષિણ મહોલ્લાની છે. પોલીસે બે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. હજુ પ્રમોદ અને તેનો ભાઈ બંને ફરાર છે.
પોલીસે આ મામલે ત્રણ લોકો સામે ફરિયાદ નોંધી છે અને તેમની શોધખોળ શરૂ કરી દીધી છે. કમલકાંતના પિતાનું પાંચ વર્ષ પહેલા મોત થઈ ગયું હતું અને તેની માતા કૃષ્ણાદેવી સાથે રહેતો હતો અને આરોપીઓ પૈકીના એક પ્રમોદ સિંહ માટે લોડિંગ રીક્ષા ચલાવતો હતો.
કમલકાંતની માતા કૃષ્ણાદેવીનો આરોપ છે કે, "પ્રમોદે તેમના દીકરા પાસેથી રૂ. 60 હજાર માંગ્યા હતા. જ્યારે કમલકાંતે તેની પાસેથી માત્ર 4500 રૂપિયા લીધા હતા. જ્યારે તે પુરા પૈસા ન ચૂકવી શક્યો તો પ્રમોદ સિંહ અને તેના ભાઈ મનીષ સિંહે મારા દીકરાને હેરાન કરવાનું શરૂ કરી દીધું હતું. તેઓ ઘણીવાર મારા દીકરાને ધમકાવવા માટે છેક મારા ઘરમાં આવી જતા હતા."
કમલકાંતની માતા વધુમાં જણાવે છે કે, "6 જુલાઈએ પ્રમોદે કમલકાંતને તેના ઘરે બોલાવ્યો હતો. જ્યાં તેને બંધક બનાવીને રાખ્યો અને આખી રાત તેને માર મારતા રહ્યા. બીજા દિવસે તેમણે તેને દેવું ચૂકવી જવા મજબૂર કર્યો અને પછી છોડી દીધો હતો. વાયરલ વીડિયોમાં કમલકાંત એમ કહેતો જોવા મળે છે કે, હું તમારા રૂપિયા પરત આપવા માટે અન્ય કોઈ પાસેથી ઉધાર લઈશ, પણ તમને ચૂકવી દઈશ. તેમ છતાં આરોપીઓ તેના માથામાં લાત મારતા જોવા મળે છે અને તેને ટોર્ચર કરતા રહે છે. આરોપીઓએ આ વીડિયો વાયરલ કરી દેતા કમલકાંતને લાગી આવ્યું હતું અને તેણે રાત્રે ગળેફાંસો ખાઈ લીધો હતો."
આ પણ વાંચો: મુખ્યમંત્રી અમારી જાતિનો છે, અમારી ઈચ્છા થશે ત્યારે પાણી આપીશું...