હવે તો ન્યાય જ અમારી જિંદગીનું લક્ષ્ય છેઃ ઉના કાંડના પીડિત રમેશ સરવૈયા

ઉનાકાંડની ઘટનાને આજકાલ કરતા 8 વર્ષ વીતી ગયા છે, આ સમયગાળામાં આ કેસમાં ઘણું બધું થઈ ગયું છે, અને બહુજન સમાજની વ્યક્તિ તરીકે આપણે તે બધું જાણવું જરૂરી છે.

હવે તો ન્યાય જ અમારી જિંદગીનું લક્ષ્ય છેઃ ઉના કાંડના પીડિત રમેશ સરવૈયા
image credit - Google images

નરેશ મકવાણા

11 જુલાઈ 2016નો દિવસ ગુજરાત તો ઠીક દેશભરના દલિતો ક્યારેક ભૂલી શકે તેમ નથી. ગુજરાતના ગીરસોમનાથ જિલ્લાના ઉના તાલુકાના મોટા સમઢિયાળા ગામની સીમમાં ચાર દલિત યુવકો વશરામ સરવૈયા તેમના ભાઈ રમેશ સરવૈયા, તેમના કાકાના દીકરા બેચરભાઈ અને અશોક સરવૈયા પર કહેવાતા ગૌરક્ષકોએ જાહેરમાં અર્ધનગ્ન કરીને કાર સાથે બાંધીને લાકડીઓ-દંડાથી માર માર્યો હતો. તેમનો વાંક એટલો જ હતો કે તેઓ સિંહના હુમલામાં એક દિવસ પહેલા મરી ગયેલી ગાયનું ચામડું ઉતારી રહ્યા હતા. ગૌરક્ષાને નામે ગુંડાગીરી કરતા લુખ્ખા તત્વોએ તેમના પર ગાયને મારવાનો આરોપ લગાવ્યો અને તેમને માર મારતા મારતા પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. 

આ ઘટનાના પડઘા માત્ર ગુજરાત કે ભારતમાં જ નહીં પરંતુ દુનિયાભરમાં પડ્યા હતા. વિશ્વ આખાએ જોયું હતું કે, ગુજરાતમાં ગૌરક્ષાના નામે લુખ્ખા તત્વોનો કેવો આતંક છે. આ ઘટનાને લઈને ગુજરાત અને દેશના અલગ અલગ વિસ્તારોમાં દિવસો સુધી ધરણાં, પ્રદર્શનો થયા હતા. આ ઘટનાએ આજકાલ કરતા 8 વર્ષના વાણા વાઈ ગયા છે અને હવે આ કેસમાં ચૂકાદો આવવાની તૈયારીમાં છે ત્યારે જ સરકારે પીડિત પરિવારને આપવામાં આવેલી સુરક્ષા સાથે ચેડાં કરવાનો પ્રયત્ન કર્યો હોવાનું સામે આવ્યું છે. ઉનાકાંડના પીડિત રમેશભાઈ સરવૈયાના જણાવ્યા પ્રમાણે, "પોલીસ સુરક્ષા હટાવી લેવા માટે મારા પિતાને એક કાગળ પર સહી કરી દેવા માટે જણાવવામાં આવ્યું હતું. પણ અમે તેના પર સહી કરવાનો ઈનકાર કરી દીધો હતો. એટલે હાલ તો સુરક્ષા યથાવત રહી શકી છે, છતાં તે કેટલા દિવસ સુધી રહેશે તે કહી શકાય તેમ નથી. અગાઉ બે વખત આ કેસના જામીન પર છુટેલા આરોપીઓએ અમારા પરિવારના સભ્યોને કેસ પાછો ખેંચી લેવા માટે હુમલા કર્યા છે, અને જો કેસ પાછો નહીં ખેંચીએ તો જાનથી મારી નાખવાથી ધમકીઓ આપી છે. આ મામલે પણ કેસ થયા છે અને આરોપીઓ તેમાં પણ જેલમાંથી જામીન પર છુટ્યા છે. છતાં સરકાર આ રીતે અમારી સુરક્ષા પાછી ખેંચી લેવા પ્રયત્ન કરે તે ચોંકાવનારું છે."

આ પણ વાંચોઃ રામલીલામાં હનુમાન બનેલા શખ્સને આવ્યો હાર્ટએટેક, લોકો અભિનય સમજી તાળીઓ પાડતા રહ્યા

આરોપીઓ જાનથી મારી નાખવાની ધમકીઓ આપે છે
અહીં એ યાદ રાખવું જોઈએ કે ઉનાકાંડના કેસમાં તમામ 43 આરોપીઓ હાલ જામીન પર બહાર છે અને તેમના તરફથી સમયાંતરે પીડિત પરિવારને મારી નાખવાની ધમકીઓ મળતી રહે છે. તેમ છતાં તેમની સુરક્ષા સાથે ચેડાં કરવામાં આવી રહ્યા છે. અગાઉ આ પ્રકારની એકથી વધુ ઘટનાઓ બની ચૂકી છે જેમાં આરોપીઓએ ઉનાકાંડના પીડિતોને મારી નાખવાની ધમકી આપી હોય કે તેમના પર હુમલો કર્યો હોય.

ઉનાકાંડના મુખ્ય આરોપી પૈકીના એક પ્રમોદગીરી ગોસ્વામીને કોર્ટે મુદ્દત સિવાય ગીરસોમનાથ જિલ્લામાં પ્રવેશવું નહીં તે શરતે જામીન આપ્યા છે, તેમ છતાં તે ઉના શહેરમાં ફરતો રહે છે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

હજુ એક વર્ષ પહેલા જ પ્રમોદગીરી ગોસ્વામી, રામેશ જાદવ અને રાકેશ જોશીએ વશરામ સરવૈયા અને અશોક સરવૈયાનો ઉના શહેરમાં પીછો કર્યો હતો અને ઉના પોલીસ સ્ટેશનની સામે જ તેમને જાનથી મારી નાખવાની ધમકી આપીને જાતિસૂચક ગાળો ભાંડી હતી. આ મામલે પીડિત વશરામભાઈ સરવૈયા અને તેમના પિતા બાલુભાઈએ ઉના પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી હતી.

આ પણ વાંચોઃ આકોલાળીના હિજરતી પરિવારે જાતિવાદથી કંટાળી ફરી પોતાને હિજરતી જાહેર કરવા અરજી કરી

આરોપીઓએ પોલીસ સ્ટેશનની બહાર જ બંને ભાઈઓને કહ્યું હતું કે, "તમને કેવી રીતે માર્યા હતા એ યાદ છે ને?" આ મામલે આરોપીઓ સામે આઈપીસીની વિવિધ કલમો અને એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ કરાઈ હતી. વશરામ સરવૈયાએ આરોપીઓનો વીડિયો ઉતારી લીધો હતો અને તેને કોર્ટમાં પુરાવા તરીકે રજૂ કર્યો હતો.

હાલ ઉનાકાંડનો કેસ વેરાવળ સેશન્સ કોર્ટમાં ચાલી રહ્યો છે. આવતા થોડા જ દિવસોમાં ચકચારી આ કેસમાં ચૂકાદો આવે તેવી શક્યતા છે ત્યારે સરકાર દ્વારા તેમની સુરક્ષા હટાવી લેવાના પત્ર પર સહી માંગવામાં આવે અને સુરક્ષા હટાવી લેવાનો પ્રયત્ન કરવામાં આવે તે શું સૂચવે છે? શું સરકાર આટલા મોટા કેસમાં પણ પીડિત પરિવારોને માથાભારે ગુનેગારોના હવાલે કરી દેવા માંગે છે?

એ પહેલા પણ રમેશભાઈ સરવૈયા પર વર્ષ 2018માં ઉનાકાંડના જ એક આરોપી કિરણસિંહે સમઢિયાળાથી દૂર ભાવનગર રોડ પર રામેશ્વરના પાટિયા પાસે તેમની છકડો રિક્ષા અટકાવીને કેસ પાછો ખેંચી લેવા અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલામાં કિરણસિંહ સામે ઉના પોલીસ સ્ટેશનમાં કેસ પણ નોંધાયો હતો અને તે પણ હાલ જામીન પર છે.
ઉનાકાંડના બાદ 43 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ઓગસ્ટ 2018માં કોર્ટે આ મામલામાં સુનાવણી શરૂ કરી હતી. બાદમાં મોટાભાગના આરોપીઓને જામીન મળતા ગયા છે. જુલાઈ 2022માં કોર્ટે ઉનાકાંડના ચાર મુખ્ય આરોપીઓ રમેશ જાદવ, પ્રમોદગિરી ગોસ્વામી, બળવંતગિરી ગોસ્વામી અને રાકેશ જોશીને જામીન આપ્યા હતા. 

આરોપીઓ જામીનની શરતોનો ભંગ કરે છે?

આરોપીઓને જામીન એ શરતે આપવામાં આવ્યા હતા કે તેઓ કોર્ટની કામગીરી સિવાય ગીરસોમનાથ જિલ્લાની હદમાં પ્રવેશી શકશે નહીં. પણ આ કેસ સાથે સંકળાયેલા આધારભૂત સૂત્રોના જણાવ્યા પ્રમાણે આરોપીઓ ગીરસોમનાથ જિલ્લાની બહાર જવાનું તો દૂર ઉના શહેરથી પણ દૂર જતા નથી અને અનેકવાર ઉનામાં જોવા મળે છે. મુખ્ય 4 આરોપીઓ પૈકીનો એક પ્રમોદગિરી ગોસ્વામી તો ઉના શહેરમાં જ છુપાઈને રહે છે અને અનેક લોકોએ તેને ખૂલ્લેઆમ ફરતા જોયો હોવાનું સૂત્રો જણાવે છે. પોલીસ આ બધું જાણતી હોવા છતાં તેમને છાવરી રહી છે તેવો આરોપ પણ સ્થાનિક પોલીસ પર લાગતો રહે છે.

આ પણ વાંચોઃ વાલ્મિકી સમાજની 4 દીકરીઓ ઝાડુ અને વાળુ માંગવાનું છોડી સ્વરોજગાર તાલીમમાં જોડાઈ

ઉનાકાંડનો ભોગ બનેલા પીડિતો પૈકીના એક રમેશભાઈ સરવૈયા ખબરઅંતર.કોમ સાથે વાત કરતા જણાવે છે કે, "આ કેસમાં અમે અમારું સર્વસ્વ હોમી દીધું છે, હવે તો ન્યાય મળે તે જ અમારું એકમાત્ર લક્ષ્યાંક છે. આ કેસમાં અમે રીતસરના નિચોવાઈ ગયા છીએ. ખાવાપીવાનું ભાન રાખ્યા વિના અમે ન્યાય ખાતર નીચલી કોર્ટથી લઈને છેક સુપ્રીમ કોર્ટ સુધી જઈને પણ આરોપીઓ સામે લડત આપી રહ્યાં છીએ. અમને કારણ વિના જ જાહેરમાં માર મારી શહેર વચ્ચે અપમાનિત કરવામાં આવ્યા એ ઘટના અમે ક્યારેય ભૂલી શકીએ તેમ નથી. આરોપીઓ અમને જાનથી મારી નાખવાની ધમકી આપે છે. અમારું પોલીસ પ્રોટેક્શન પાછું ખેંચી લેવા માટે મારા પિતાને એક કાગળમાં સહી કરી દેવા માટે કહેવામાં આવ્યું હતું. પણ અમે તેમને કહ્યું કે, તમારે જવું હોય તો જઈ શકો છો પણ અમારી સહીથી નહીં, તમારી મરજીથી જાવ. પછી જો અમને કંઈ થશે તો તે સંપૂર્ણપણે તમારી જવાબદારી રહેશે. એટલે સુરક્ષા ટકી ગઈ. બાકી સરકારે નક્કી કરી લીધું હતું કે અમારી સુરક્ષા હટાવી દેવી. આવું શા માટે થઈ રહ્યું છે તે અમને સમજાતું નથી. અમારા ગામની આસપાસના ગામોમાં આ કેસના 43 આરોપીઓ રહે છે. જેઓ ગમે ત્યારે અમારી પર હુમલો કરી શકે તેમ છે. પણ અમને ન્યાયતંત્રમાં વિશ્વાસ છે. આજ નહીં તો કાલ અમને ન્યાય મળશે, બસ એ આશાએ અમે આટલી કપરી પરિસ્થિતિ વચ્ચે પણ સંઘર્ષ કરી રહ્યા છીએ."

આ પણ વાંચોઃ પાંચ વર્ષ પહેલાનો એક સીમાચિહ્નરૂપ ચૂકાદો, જે ન્યાય ઝંખતા બહુજનોને સાચી દિશા ચીંધે છે

.

ઉનાકાંડની આખી ઘટના બાદ પોલીસે ફાઈલ કરેલી ચાર્જશીટ પરથી અમદાવાદના એડવોકેટ કૌશિક મંજુલાબેન પરમારે વિસ્તારથી માહિતી પુરી પાડી છે. તેમણે આ માહિતી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પણ શેર કરી હતી જેથી લોકોને આખા કેસમાં ખરેખર શું બન્યું હતું તેની જાણ થાય.

એડવોકેટ કૌશિક પરમાર લખે છે કે, "11 જુલાઈ 2016 ના રોજ ગીરસોમનાથ જિલ્લાના ઉના તાલુકાના મોટા સમઢીયાળાના નિર્દોષ દલિત યુવાનોને ચામડી ઉતરી જાય તે હદ સુધી માર મારી માનવતાનું ભારોભાર અપમાન કરનારી ઘટના દલિતોના અસ્તિત્વ પર એક મોટો તમતમતો તમાચો હતો અને આ હકીકત પોલીસે આ કેસમા દાખલ કરેલી ચાર્જશીટમાં સાબિત થાય છે. ઉનાની ઘટનામાં ઉના પોલીસ સ્ટેશનમાં ગુન્હા રજીસ્ટર નંબર 127/2016 થી ફરિયાદ દાખલ થયેલ છે જેમાં કલમ 307, 397 , 395 , 365 , 355 , 354 , 342 , 147 , 148 , 149 , 324 , 323 , 504 , 506 ( 2 ) , 120 બી . , 201 , 166 એ , 167 , 466 , 177 , 204 , 294 ( ખ ) , 505 ( 1 ) ( ખ ) , 509 અને જી.પી.એ. કલમ 135 , અત્યાચાર નિવારણ ધારો 3.1.e , r , s , u , 3.2.(5a) , 3.1.d , 3.1.( Za) (5), 3.1.w ( I ) , (ii) , 3.2.( Vi) , 3.2.( Vii) , 4 અને ઇન્ફર્મેશન ટેકનોલોજી એકટની કલમ 66 એ, 66 બી મુજબ ફરિયાદ દાખલ થઈ હતી.

કૌશિકભાઈ આગળ જણાવે છે કે, "ઉના પોલીસ સ્ટેશનમાં જ્યારે ફરિયાદ થઈ ત્યારે આરોપી તરીકે માત્ર 5 લોકોના નામ હતા અને આ ફરિયાદ પણ પોલીસ ઉપર દબાણ ઉભું થયા બાદ થઈ હતી. બાકી પોલીસનો ઈરાદો ગૌરક્ષકો સાથે મળીને દલિતોને ગૌ હત્યાના કેસમાં સંડોવી દેવાનો હતો. ત્યારબાદ પાછળથી પણ દલિત સમુદાયના પ્રચંડ આંદોલન, થયેલી રજૂઆતો, મળેલા પુરાવા અને સરકાર પર થયેલા દબાણના કારણે કુલ 43 આરોપીઓ સામે ચાર્જસીટ દાખલ કરવામાં આવી હતી. જેમાં કાયદાના સંઘર્ષમાં આવેલ લોકો સામે અલગથી ચાર્જશીટ ફાઇલ કરવામાં આવેલ છે, અને તેમાં પોલીસને પણ આરોપી બનાવવામાં આવેલ. સમગ્ર કેસનો અભ્યાસ તેમજ પોલીસ તપાસ જણાવે છે કે આખી ઘટના એક ભયંકર પૂર્વ નિયોજિત કાવતરાના ભાગરૂપે બની હતી અને આ કાવતરામાં ખુદ પોલીસ પણ સામેલ છે. પોલીસે પોતાને મળેલી સત્તાનો દૂરુઉપયોગ કરીને કાવતરૂ બનાવ્યું અને તે કાવતરા ને કાયદાનું સ્વરૂપ આપ્યું હતું."

તેઓ આગળ કહે છે કે, "ઘટના બની ત્યારે એક વ્યક્તિએ પોલીસ સ્ટેટ કંટ્રોલમાં ફોન કરીને માહિતી આપી હતી કે ગૌરક્ષક ગુંડાઓ આવીને માર મારી રહ્યા છે. સ્ટેટ કંટ્રોલે ઉના પોલીસને આ અંગે જાણ કરી છતાં સ્થાનિક પોલીસે પોતાની સ્ટેશન ડાયરીમાં એવો ઉલ્લેખ કર્યો કે ગૌ માંસ પકડાયું છે. આમ રાજ્ય સેવકે પોતાની સત્તાનો દુરૂપયોગ કરી રાજ્ય સેવક પાસે રાખવામાં આવતા રેકર્ડમાં ખોટી વિગતો લખી એવું ખોટું રેકર્ડ ઉભું કર્યું કે જેના કારણે દલિતો ખોટા કેસમાં ફિટ થાય. આ વાતથી જ સાબિતી મળે છે કે પોલીસને ઘટનાની જાણ અગાઉ થી જ હતી."

આ પણ વાંચોઃ "હવે મારાથી સહન નથી થતું", ઉનાકાંડના આંદોલનકારી કાંતિભાઈ વાળાનો જેલમાંથી હૃદયદ્રાવક પત્ર"

વધુમાં તેઓ કહે છે, "સંપૂર્ણ જાણકારી હોવા છતા પોલીસે બનાવને અટકાવવાની જગ્યાએ ઉત્તેજન મળે તે પ્રમાણે કામ કર્યું હતું. આરોપીયો એ સતત 4 થી 5 કલાક સુધી ગુનો આચરી ભોગ બનનારનું સરઘસ કાઢી પોલીસ સ્ટેશન સુધી લાવ્યા હતા. આ ટોળામાં ઘણાં બધાં લોકોએ ભાગ ભજવ્યો હોવાનું જાણતી હોવા છતાં પોલીસે માત્ર 5 વ્યક્તિ સામે ગુનો દાખલ કર્યો હતો અને તે પણ દલિત સમાજનું દબાણ ઉભું થયા બાદ. આમ જાણીબુજીને પોલીસે ફરિયાદી અને ભોગ બનાનરને નુકસાન થાય અને આરોપીને ફાયદો થાય તે મુજબ રાજ્યના સેવક તરીકેની ફરજો વિરુદ્ધ જઈને કામગીરી કરી હતી."

કૌશિકભાઈના જણાવ્યા પ્રમાણે, "ઉનાકાંડના કેસમાં મૃત ગાયને સાવજે મારી હોવા છતાં ગાય ચોરાઈ છે તેવો ખોટો ગુનો પોલીસે ફરિયાદીની મરજી વિરુદ્ધ જઈને દાખલ કરેલો. મતલબ કે આરોપીને બચાવવા અને ફરિયાદીને ખોટા કેસમાં ફસાવા જાણે કે પોલીસે સોપારી લીધી હોય તે પ્રમાણે કામ કર્યું, ગાય ચોરાઈ હોય તો પણ તે ગુન્હાવાળી જગ્યા ઉના પોલીસ સ્ટેશનની હદમાં ન આવતી હોવા છતાં અને આની જાણકારી હોવા છતાં પોતાના ન્યાય ક્ષેત્રની બહાર જઈને પોલીસે ખોટો ગુનો દાખલ કરી આરોપીઓની તરફેણમાં ગુન્હાઈત કાવતરું ઘડી તે કાવતરાને કાયદાનું સ્વરૂપ આપ્યું હતું."

જેમની ગાય મરી ગઈ હતી તેમણે શું કહ્યું હતું?
ઉના અત્યાચારમાં નાજાભાઈ આહીરની ગાયને સાવજે મારી નાખી હતી. તારીખ 21.8.2016ના રોજ નાજાભાઈ આહિરે C.I.D. ક્રાઇમ સમક્ષ નિવેદન આપેલું, જેમાં તેમણે જણાવ્યું હતું કે, "મારી ગાય ગુમ થયા અંગે મેં ઉના પોલીસ સ્ટેશનમાં કોઈ ફરિયાદ લેવા માટે જણાવેલ નથી. મારી ગાય ખોવાઈ છે તેવી ફરિયાદ પોલીસે જાતે લખી લઈને તેના ઉપર મારી સહી લીધી હતી. મેં પોલીસના કહેવાથી સહી કરી હતી. એટલું જ નહીં મારું ગામ બેડીયા ઉના પોલીસ સ્ટેશનની હદ માં નહીં પરંતુ ગીરગઢડા પોલીસ સ્ટેશનની હદમાં આવે છે અને આ વાત મને ખબર છે. અમારે કંઈ પણ કામ હોય તો અમે ગીર ગઢડા પોલીસ સ્ટેશન પાસે જઈએ છીએ મતલબ કે પોલીસે પોતાની હદની બાર જઈને ઉપજાવી કાઢેલી ફરિયાદ બનાવી હતી." આમ પોલીસ પણ ગૌ રક્ષકોની સાથે અગાઉથી જ મળી ગઈ હતી.

આ પણ વાંચોઃ જેલમાં પણ થાય છે જાતિ આધારિત ભેદભાવ, સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારો પાસે જવાબ માંગ્યો

એડવોકેટ કૌશિક પરમાર જણાવે છે કે, "ઉના અત્યાચારના તમામ આરોપીયોએ પ્રાણઘાતક હથીયારોથી સતત ચારથી પાંચ કલાક સુધી સખત માર મારી જાતે વીડિયો ઉતારી તેને સમગ્ર રાજ્યમાં વાયરલ કર્યો હતો જેનાથી સ્પષ્ટ જણાય છે કે આરોપીઓને કાયદાનો ડર નથી. આરોપીઓએ વાઈરલ કરેલા વીડિઓને કારણે સમગ્ર રાજ્યમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડેલા અને દલિત સમાજના માણસોને સખત આઘાત પહોંચેલ અને આ આઘાત ને કારણે અમદાવાદ શહેરમાં 1, રાજકોટ ગ્રામ્યમાં 12, દેવભૂમિ દ્વારકામાં 1 જૂનાગઢમાં 3, ગીર સોમનાથમાં 1, પોરબંદરમાં 3, બોટાદમાં 2 એમ કરીને રાજ્યના 7 જિલ્લામાં દલિત સમાજના 23 જેટલા નાગરિકોએ ઝેર પીને આત્મહત્યાનો પ્રયાસ કરેલો. જેમાં એક વ્યક્તિ નામે યોગેશ સારેખડા ઉંમર 29, રહે મોટી પરબડી, તાલુકો ધોરાજી, મૃત્યુ પામ્યા હતા."

આરોપીઓએ બનાવેલો વીડિયો વાયરલ થવાથી રાજ્યમાં વાતાવરણ ડહોળાાયું હતું જેના કારણે હુલ્લડ અને પોલીસ પર હુમલાના 74 બનાવો બન્યા હતા તેમજ જાહેર મિલકતને કરોડો રૂપિયાનું નુકશાન થયેલ. આ બધાં જ બનાવો ઉનાની ઘટનાના બનાવના ભાગરૂપે જ હતા. એટલે કે 23 વ્યક્તિઓએ ઝેર પીવું પડે તેવી સ્થિતિનું નિર્માણ બની બેઠેલા ગૌરક્ષકોએ કરેલ તેમજ કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું. આ બધાં માટે કારણભૂત આ ઉનાકાંડના માથાભારે આરોપીઓ છે.

આ પણ વાંચોઃ અમદાવાદમાં રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગની કચેરી રામભરોસેઃ 90 ટકા સ્ટાફની ઘટ

ઉનાકાંડ પૂર્વનિયોજિત કાવતરું હતું?

ઉના કાંડની ઘટના એટલી હદની પૂર્વ નિયોજતી હતી તે નીચેની માહિતીથી સ્પષ્ટ થાય છે. ઉના કાંડના આરોપીઓ પૈકી શાંતિલાલ મોણપરે ઉનાકાંડ પહેલા તારીખ 28.12.2015ના રોજ સનાતન ચેરીટેબલ ટ્રસ્ટ નામના ટ્રસ્ટની નોંધણી કરાવેલી, જેનો રજિસ્ટ્રેશન નંબર 1089 તથા ટ્રસ્ટ નંબર એફ.1113 છે. ઉનાની ઘટના પહેલા આ ચેરીટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ એક ગુપ્ત મિટિંગનું આયોજન થયેલું. જેમાં આરોપીઓએ એવી યોજના ઘડેલી કે જો ઉના તાલુકાના વિસ્તારમાં જો કોઈ દલિત મૃત ગાયનું ચામડું ઉતારે તો તરત જ ત્યાં આપડે બધાએ અને મળતીયાઓએ ત્યાં પહોંચી જવું અને ટ્રસ્ટના તમામ લોકોને આના સમાચાર આપવા અને ત્યાં પહોંચી તેમને સખત મારવા અને જીવતી ગાય કાપે છે તેવી અફવા ઝડપભેર રાજ્યભરમાં ફેલાવવી અને ઉનાના વિસ્તારમાં તેમને મારીને સરઘસ કાઢવું અને પોલીસમાં સોંપી દેવા. આ ગૌરક્ષકો ઉનાની હદમાં અનઅધિકૃત રીતે નાઈટ પેટ્રોલિંગ કરતા હતા તેવું પોલીસ તપાસમાં ફલિત થયું છે અને ઉનાની હદમાં અસામાજિક પ્રવૃત્તિ સાથે જોડાયેલા હતા. આ લોકોએ હથિયારો સાથે અનઅધિકૃત રીતે નાઈટ પેટ્રોલિંગો કર્યા છે અને ચા, નાસ્તા અને પેટ્રોલના નામે ટ્રસ્ટમાં મોટા ખર્ચ પણ પાડ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ ટ્રસ્ટને ફોરેન ફન્ડિંગ નહોતું મળતું પણ સ્વદેશી ભંડોળથી દેશના નિર્દોષ દલિતોના લોહી તરસ્યા થયા હતા.

પોલીસ તપાસમાં ફલિત થયું છે કે આ ગૌરક્ષકોનો મુખ્ય હેતુ ઉના તાલુકાની હદમાં પરંપરાગત રીતે મૃત ગાયનો નિકાલ કરતા દલિત સમાજના લોકોનો વ્યવસાય બંધ કરાવવો, તેમના ઉપર જોર જુલમ કરવા, પોતાની શક્તિનો પરિચય આપવો અને દલિત સમાજના લોકો ગૌહત્યા કરી રહ્યાં છે તેવા ખોટા મેસેજ રાજ્યભરમાં પ્રસિદ્ધ થાય અને દલિત સમાજને લોકો ધૃણાની નજરથી જુવે તેવા આશયથી ઉનાકાંડ પહેલા એક ગુપ્ત મિટિંગ યોજાયેલી જેના ભાગ રૂપે ઉનાકાંડ થયો હતો.

એટલું જ નહીં, સમઢીયાળાના નિર્દોષ દલિતોને અસહ્ય માર માર્યા બાદ ઉનામાં સાંજે જ્યારે લોકોને જાણ થઈ કે આ નિર્દોષ યુવકો દલિત છે અને તે પણ ખોટા ગાય કાપવાના બહાને તેમને મારવામાં આવ્યા છે ત્યારે ઉગ્ર વિરોધ થયો અને દલિત સમાજનું મોટું ટોળુ ભેગું થતા અને પોલીસ પર દબાણ ઉભું થતા 5 વ્યક્તિઓ સામે નામજોગ ગુનો દાખલ થયો હતો.

આ પણ વાંચોઃ જાહેર પાણીના નળ પર 71.4 ટકા દલિતો સાથે આભડછેટ રાખવામાં આવે છે

ગુનો દાખલ થયા બાદ સનાતન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખે ઘટનાની વિગતો એકઠી કરવાનું શરૂ કર્યું અને વાઇરલ થયેલા વિડિઓનો અભ્યાસ કર્યા બાદ ગુન્હા વાળી જગ્યાની મુલાકાત કરેલ અને સમઢીયાળાના લોકોએ જીવતી ગાય કાપી છે તેવું દર્શાવવાના પ્રયત્નો કરેલ. સનાતન ચેરીટેબલ ટ્રષ્ટના પ્રમુખ મોણપરાએ કેટલાક આરોપીઓને બોલાવીને સમજાવેલ કે જો તમને પોલીસ બોલાવીને આ કેસ અંગે કશું પૂછે તો કહેજો કે, "ગાયના પગ હલતા હતા" (આ હળાહળ જુઠ્ઠાણું છે, કેમ કે ગાયને સિંહે મારી નાખી હતી.) તેના ભાગરૂપે ગાય ચોરાઈ છે તેવો ઉપજાવી કાઢેલો ખોટો કેસ પણ કર્યો, પોલીસે સ્ટેશન ડાયરીમાં ગૌમાંસ પકડાયું હોવાની ખોટી નોંધ પણ પાડી. એટલું જ નહીં આરોપીઓએ લોહી વાળું ટીશર્ટ, મોબાઈલનું સિમકાર્ડ બાળીને પુરાવાનો નાશ કરવાનો ગુનો પણ આચર્યો હતો.

ઉનાના બનાવના વિરોધમાં સૌરાષ્ટ્ર દલિત સંગઠનના નેજા હેઠળ તારીખ 13.8.16 ના રોજ સભા તેમજ સભા પૂર્ણ થયા બાદ પરત ફરતા લોકો પર હુમલાના બનાવ બનવા પામેલ છે. તેમજ અમદાવાદથી 5 ઓગસ્ટે નિકળેલી દલિત અસ્મિતા યાત્રા જે 15મી ઓગસ્ટના રોજ ઉનામાં મોટી સભા થવાની હતી તેમાં તારીખ 14 ઓગસ્ટ અને 15 ઓગસ્ટના રોજ આવતા જતા લોકો પર સામતેર ગામે હુમલાનો બનાવ બન્યો હતો. જેના અનુસંધાને ઉના પોલીસ સ્ટેશનમાં આ સંદર્ભે કુલ 8 ગુના બનવા પામેલ છે.

આરોપીઓ સામે ગુનો દાખલ થયા બાદ તમામે પોતપોતાના મોબાઈલમાંથી ઉનાકાંડ સંબંધિત ઘટનાના વીડિયો ડિલીટ કરી પુરાવાનો નાશ કરવાનો ગુન્હો પણ આચર્યો હતો. જે બાદમાં ફોરેન્સિક લેબમાં મોબાઈલ મોકલતા હકીકતો ખુલવા પામેલ છે. આમ ઉનાકાંડ એ ભયંકર પૂર્વ નિયોજિત કાવતરું હતું તે ચાર્જશીટ પરથી સાબિત થાય છે. હવે આંદોલનની સાથેસાથે કોર્ટ મારફતે તેઓને સખતમાં સખત સજા થાય તો જ આવી ઘટનાઓને નિવારી શકાય.

આ પણ વાંચોઃ 2013 બાદ દલિત અને આદિવાસીઓ સામેના ગુનાઓમાં અનુક્રમે 46 ટકા અને 48 ટકાનો વધારો થયો

ઉના અત્યાચારમાં એક બીજી બાબત પણ નોંધવા જેવી છે કે, દલિતો પર થતા અત્યાચારમાં જ્યારે અત્યાચાર નિવારણ ધારા અંતર્ગતની ફરિયાદ દાખલ કરવાની થાય ત્યારે અનુ.જાતિનો દાખલો આપવો ફરજિયાત છે. ઉના દલિત અત્યાચારમાં ભોગ બનનાર પૈકી અશોકભાઈ બીજલભાઈ સરવૈયા અને રમેશભાઈ બાલુભાઈ સરવૈયા પાસે અનુ.જાતિનો દાખલો જ નહોતો. તેથી C.I.D. ક્રાઇમે તારીખ 25.7.2016ના રોજ ઉના તાલુકા વિકાસ અધિકારીને ઉદેશીને પત્ર લખ્યો હતો. જેમાં તેમણે કહ્યું હતું કે ભોગ બનનાર 2 વ્યક્તિઓ પાસે અનુ.જાતિના દાખલા નથી તેથી આ લોકોને સત્વરે સર્ટીફીકેટની પ્રમાણિત નકલ આપવી. સામાન્ય રીતે પોલીસ આ રીતે કોઈ અધિકારીને ઉદેશીને આવું લખતી નથી. પણ ઉનાકાંડમાં દલિત સમાજના પ્રચંડ જનઆંદોલનને કારણે સરકાર પર જે દબાણ ઉભું થયું હતું તેનો જ આ પ્રતાપ માની શકાય. 

ઉનાકાંડ દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ હતા. તેમણે ઉનાની મુલાકાતે ગયા હતા. ત્યાં ગયા બાદ તેમણે દલિતોની સ્થિતિ જોઈને વહીવટી તંત્રને કેટલીક સૂચના આપી હતી. જેમાં તેમણે પીડિત દલિત પરિવારોને બી.પી.એલ. કાર્ડ કાઢી આપવા માટે કહ્યું હતું. એ વખતે તેમણે રાજ્યમાં ટોલટેક્સ નાબૂદ કરવાની પણ વાત કરી હતી. આનંદીબેનના ગયા પછી ટોલટેક્સ તો નાબૂદ થયો પરંતુ મોટા સમઢીયાળાના દલિતો આજે પણ બી.પી.એલ.કાર્ડથી વંચિત છે.

આજકાલ કરતા આ ઘટનાને 8 વર્ષનો સમય વીતી ગયો છે. આ સમયગાળામાં આરોપી બનેલા પોલીસ ઈન્સપેક્ટર ઝાલાને કોર્ટ સજા આપે તે પહેલા જ બિમારીને કારણે મોતને ભેટ્યા હતા. અત્યાર સુધીમાં તમામ 43 આરોપીઓને જામીન મળી ચૂક્યા છે અને છતાં પીડિત પરિવારને ન્યાય મળ્યો નથી.

(લેખક ગુજરાતના વિખ્યાત મેગેઝિન 'અભિયાન' ના પૂર્વ તંત્રી અને પ્રથમ કાંતિ ભટ્ટ પત્રકારત્વ પારિતોષિક વિજેતા પત્રકાર છે)

આ પણ વાંચોઃ  The Chamar Studio: જે જ્ઞાતિનું નામ લઈને લોકો ખીજવતા હતા, તેને જ બ્રાન્ડ બનાવી દીધી


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


  • pramod solanki
    pramod solanki
    આવા ગુંડાઓને ફાંસી ની સજા થવી જોઈએ.
    4 months ago