ઈતિહાસની આડમાં ટીપુ સુલતાનને બદનામ કરવાના પેંતરાનો પર્દાફાશ
મૈસુરના વાઘ તરીકે જાણીતા ટીપુ સુલતાનને ઈતિહાસકારોએ કેવી રીતે એક કટ્ટર મુસ્લિમ રાજા તરીકે બદનામ કર્યા, તેની તથ્યો સાથેની વાત પાલનપુરી પત્રકાર હિદાયત પરમાર અહીં રજૂ કરે છે.

- હિદાયત પરમાર
ટીપુ સુલતાન ધાર્મિક સંવાદિતા માટે ગમે તેટલા ઉચ્ચ વિચારો ધરાવતા હતા, પણ કેટલાંક સ્થાપિત હિતોએ ઇતિહાસને વિકૃત કરી નાખ્યો અને પોતાનાં લખાણોમાં ટીપુને બિન-મુસ્લિમો વિરુદ્ધ ક્રૂર રીતે વર્તતા એક કટ્ટર ધર્માંધ તરીકે દર્શાવ્યા. જે અંગ્રેજોએ આ ધરતી પર કબજો જમાવ્યો અને કેટલાક સ્થાનિક ઇતિહાસકારો કે જેમનું દિમાગ મુસ્લિમ વિરોધી લાગણીઓથી ભરેલું હતું તેમણે આ કામ કર્યું. લાંબા સમય સુધી ચાલેલી આ ખોટી ઝુંબેશને પરિણામે લોકો સામાન્ય અને વિશિષ્ટ એમ બન્ને રીતે, જૂઠાણાંઓ અને વિકૃતિઓને સાચાં માનવા લાગ્યા.
જો કે આ જૂઠાણા લાંબો સમય ટકી શક્યા નહીં. કેટલાક સંશોધકોએ કરેલા પ્રયત્નોના પરિણામે સત્ય હકીકતો બહાર આવી છે, જે સ્થાપિત હિતો દ્વારા ફેલાવવામાં આવેલા જુઠ્ઠાણાઓ અને વિકૃતિઓની ઝુંબેશ પાછળના દુષ્ટ હેતુને છતી કરે છે. ટીપુ સામે મુખ્ય આરોપ હતો કે "ત્રણ હજાર બ્રાહ્મણો આત્મહત્યા કરવા માગે છે, કારણ કે ટીપુ તેમને બળજબરીથી ઇસ્લામમાં પરિવર્તિત કરવા માંગતા હતા." ('ઔરંગઝેબ એન્ડ ટીપુ સુલતાન', ડૉ. બી. એન. પાંડે, પાના નં. ૧૪)
આ આરોપને કલકત્તા યુનિવર્સિટીના સંસ્કૃત વિભાગના વડા ડૉ. હરપ્રસાદ શાસ્ત્રીએ પોતાના પુસ્તકમાં સમાવ્યો હતો અને આ પુસ્તકનો મેટ્રિકની કક્ષામાં સમાવેશ કરાયો હતો. આ પુસ્તક લાંબા સમયથી બંગાળ, આસામ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનની હાઈસ્કૂલોના વિદ્યાર્થીઓ માટે ઇતિહાસનું પાઠ્યપુસ્તક રહ્યું.
લાંબા સમય પછી આ બાબત ડો. બી. એન. પાંડેના ધ્યાનમાં આવી, જેઓ તે સમયે જાણીતા ઇતિહાસકાર હતા અને પછીથી સંસદસભ્ય બન્યા હતા અને રાજસ્થાનના રાજ્યપાલ તરીકે પણ કામ કર્યું હતું. તે સમયે તેઓ 'ટીપુ સુલતાનની ધાર્મિક નીતિ' વિષય પર સંશોધન કરી રહ્યા હતા. એક વ્યક્તિ કે જેણે અનેક પુરાવાઓનો અભ્યાસ કર્યો છે, જેમ કે, ફરમાન(હુકમો), ટીપુએ મઠ અને પીઠના વડા, જગદગુરુઓને લખેલા સેંકડો પત્રો વગેરેનો. જે ટીપુ એક બિનસાંપ્રદાયિક શાસક હોવાનું સાબિત કરે છે, ટીપુ પરનો આ આરોપ આશ્ચર્યજનક લાગે છે અને માની શકાય એમ નથી.
ડો. બી.એન. પાંડે આ બાબતે જિજ્ઞાસુ બન્યા અને સત્ય શોધવા માંગતા હતા. તેમણે ડો. હરપ્રસાદ શાસ્ત્રીને અનેક પત્રો લખીને આરોપોના પુરાવા જાહેર કરવા વિનંતી કરી હતી પરંતુ ડો.શાસ્ત્રી તરફથી તેમને કોઈ જવાબ મળ્યો ન હતો. ડો. પાંડે પત્રો લખતા રહ્યાં. છેલ્લા પત્રમાં ડો.પાંડેએ ડો.શાસ્ત્રીને ચેતવણી આપી હતી કે જો તેઓ તે પત્રનો જવાબ નહીં આપે તો તેમણે ટીપુ સામેના તેમના આક્ષેપોને બૌદ્ધિક અપ્રમાણિકતા તરીકે ગણવા પડશે. ત્યારે ડો.શાસ્ત્રીએ એક પત્ર લખીને માત્ર એટલું જ કહ્યું હતું કે આ ઘટનાની વિગતો મૈસુર ગેઝેટમાં પ્રકાશિત કરવામાં આવી છે.
આ પણ વાંચો: 'જય ભીમ' નો નારો ખરેખર કોણે આપ્યો હતો, બાબુ હરદાસે, મહાર સૈનિકોએ કે પછી બીજા કોઈએ?
ડૉ. બી. એન. પાંડેએ મૈસૂર ગેઝેટમાં આ માહિતીની તપાસ કરી. તેમણે પ્રા. કંથૈય્યા અને શ્રી બ્રિજેન્દ્રનાથ સીલની સલાહ લીધી, જેઓ મૈસૂર રાજ્યના ઇતિહાસના નિષ્ણાત હતા. પ્રો. કંથૈયાએ જવાબ આપ્યો, "મૈસુરમાં ૩૦૦૦ બ્રાહ્મણોની આત્મહત્યાનો એપિસોડ ક્યાંય નથી. ગેઝેટ અને મૈસૂરના ઇતિહાસના એક વિદ્યાર્થી તરીકે મને ખાતરી છે કે આવો કોઈ બનાવ બન્યો જ નથી.' ('ઔરંગઝેબ એન્ડ ટીપુ સુલતાન', બી. એન. પાંડે, પૃષ્ઠ ૧૪)
પ્રો. કંથૈય્યા આટલેથી અટક્યા નહિ. આ બાબતમાં ડૉ. પાંડેએ જે ઊંડો રસ દાખવ્યો હતો તેની નોંધ લીધા પછી પ્રો. કંથૈય્યાએ તેમને કેટલાક મહત્ત્વના દસ્તાવેજોની નકલો મોકલી, જે પુરવાર કરતી હતી કે ટીપુ સુલતાન બિનસાંપ્રદાયિક શાસક હતા. દસ્તાવેજોનો અભ્યાસ કર્યા બાદ ડો.પાંડે એવા તારણ પર આવ્યા હતા કે ડો.શાસ્ત્રીએ ચોક્કસ હેતુ સાથે ટીપુ પર આરોપ મૂક્યો હતો. ડૉ. પાંડેએ તેમને એક પત્ર લખીને પ્રા. કંથૈય્યા પાસેથી મળેલા દસ્તાવેજોની નકલો વિષે ધ્યાન દોર્યું. પત્રમાં તેમણે ડો.શાસ્ત્રીને વિનંતી કરી હતી કે તેઓ બ્રાહ્મણોની સામૂહિક આત્મહત્યાના કથિત એપિસોડ અંગેના તથ્યો સાથે સામે આવે. તેમણે અનેક પત્રો લખ્યા પણ ડો.શાસ્ત્રી તરફથી કોઈ જવાબ ન મળ્યો. ત્યારે ડો.પાંડે એ અંતિમ તારણ પર આવ્યા કે ૩૦૦૦ બ્રાહ્મણોએ આત્મહત્યા કરી હોવાનો કથિત એપિસોડ બનાવટી હતો.
તેમણે આ મામલે વધુ સંશોધન કર્યું અને પુષ્ટિ કરી કે ડો.હરપ્રસાદ શાસ્ત્રીએ જાણીજોઈને ટીપુ સુલતાન પર ખોટો આરોપ લગાવ્યો હતો. એ પછી તેમણે આ બાબતને લગતા બધા જ દસ્તાવેજો કલકત્તા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરને મોકલી આપ્યા અને ડૉ. શાસ્ત્રીએ ટીપુ પર ખોટો આરોપ કેવી રીતે મૂક્યો તે તેમના ધ્યાન પર આવ્યું. યુનિવર્સિટીના અધિકારીઓની સુધારણા સમિતિ અનુસાર તપાસ કરવામાં આવી હતી
આ દસ્તાવેજોના આધારે, વાઇસ ચાન્સેલરે ડૉ. શાસ્ત્રીના પુસ્તકને કલકત્તા યુનિવર્સિટીએ સૂચવેલાં પુસ્તકોની યાદીમાંથી દૂર કરવાનો નિર્ણય કર્યો. વી.સી.ના નિર્ણયની સાથે સાથે, પુસ્તકને આખરે દૂર કરવામાં આવ્યું, જે ઘણાં વર્ષો પહેલાંથી જ આ પાઠ્યપુસ્તક અમલમાં રહ્યું, આટલા બધાં વર્ષો સુધી ખોટા આરોપને ટેક્સ્ટ બુકમાં સ્થાન મળવાને કારણે તેણે ઘણી પ્રસિદ્ધિ મેળવી લીધી હતી.
ટીપુ સામે બીજો આરોપ જેણે વ્યાપક પ્રસિદ્ધિ મેળવી તે એ હતો કે તેમણે માલાબારમાં હિન્દુ સમાજ વિરુદ્ધ ખૂબ જ ક્રૂર વર્તન કર્યું હતું. ડૉ. બી. એન. પાંડે જેવા કેટલાક સંશોધકોએ આ બાબતમાં ઊંડા ઊતર્યા અને હકીકતો બહાર આવી. તે બધાએ એક અવાજમાં કહ્યું કે ટીપુએ મલબારના લોકો પર કડક કાર્યવાહી કરી હતી, પરંતુ તે રાજકીય કારણોસર હતી, લોકોની ધાર્મિક આસ્થાને કારણે નહીં.
વ્યાપક બિનસાંપ્રદાયિક દ્રષ્ટિકોણ ધરાવતા ટીપુએ તેમના દરજ્જા અથવા ધર્મને ધ્યાનમાં લીધા વિના તેમના આદેશોનો ભંગ કરનારાઓ પર કડક કાર્યવાહી કરી. મલબારના લોકોએ અંગ્રેજો સાથે હાથ મિલાવ્યા હતા, આ ઉપરાંત મહિલાઓએ બ્લાઉઝ પહેરવા જોઈએ ના ટીપુના આદેશનો પણ અનાદર કર્યો હતો.
આ પણ વાંચો: આંબેડકર તમે આવા ય હતા?
ઇસ્ટ ઇન્ડિયા કંપનીના હાથની કઠપૂતળીઓ બનીને મૈસૂરના રાજ્યની વિરુદ્ધ થઈ જતાં લોકો વિરુદ્ધ ટીપુનો ક્રોધ જોઈ મેંગ્લોરના ખ્રિસ્તીઓ આકર્ષાયા. કુર્ગના લોકોએ બહુપત્નીત્વ પર પ્રતિબંધ મૂકવાના ટીપુના આદેશોનું પાલન નકાર્યું હતું અને મૈસૂર રાજ્યના લોકો સાથે સાંઠગાંઠ કરી હતી.
કુર્ગના લોકો દ્વારા કરવામાં આવેલા આ રાજદ્રોહના કૃત્યોથી ગુસ્સે ભરાયેલા, ટીપુએ નિર્દયતાથી તેમને સજા કરી. ટીપુનાં આ બધાં કાર્યો પાછળ રાજકીય કારણો હતા, પરંતુ તેમાં ધાર્મિક લાગણીઓની કોઈ ભૂમિકા નહોતી એ બાબતને ડી. એલ. નિગમ ('ટીપુ કી જીવની'), ડૉ. વિશ્વેશ્વરૈયા ('બોન્ડેજ એન્ડ ફ્રીડમ- બંધન અને સ્વતંત્રતા') અને શ્રી રંભા સયમ સુંદર જેવા પ્રખ્યાત ઇતિહાસકારોએ પૂરાવા સાથે સમજાવી હતી.
ટીપુ પોતાના સમયના અન્ય રાજાઓની જેમ જ, જેમને તે પોતાના શત્રુ માનતા હતા તેમના પ્રત્યે પણ ક્રૂર હતા, તેમ છતાં ધર્મની બાબતમાં, ખાસ કરીને હિન્દુઓ પ્રત્યે તે ક્રૂર નહોતા. તેમણે કેનેરામાં ખ્રિસ્તીઓ પર અથવા માલાબારના નાયરો પર કડક કાર્યવાહી ફક્ત રાજકીય કારણોસર કરી હતી, નહીં કે ધાર્મિક નફરતને કારણે. જો તે નાયરોથી ગુસ્સે હતા, તો તેનું કારણ એ હતું કે તેમણે તેમના આદેશોનું ઉલ્લંઘન કર્યું હતું, જેનો ઉદ્દેશ તેમના બહુપત્નીત્વના રિવાજો અને તેમની સ્ત્રીઓ બ્લાઉઝ વિના ફરતી તેમના સમાજમાં સુધારણા કરવાનો હતો. એકંદરે ટીપુ પર મુસ્લિમો પ્રત્યે પક્ષપાત રાખીને હિન્દુઓ સાથે ભેદભાવ રાખવાનો અને હિન્દુઓ પર અત્યાચાર કરવાનો અને તેમને બળજબરીથી ઇસ્લામમાં રૂપાંતરિત કરવાનો આરોપ મૂકવો અન્યાયી લાગે છે. ('ઈદી ચરિત્ર' (તેલુગુ), એમ.વી.આર.શાસ્ત્રી, દુર્ગા પ્રકાશનો હૈદરાબાદ, ૨૦૦૫, પાના નં. ૨૦૧)
ટીપુ મુસ્લિમ મોપિલાઓ સાથે પણ નિર્દય હતા, જેમણે તેમના આદેશોનું ઉલ્લંઘન કર્યું હતું. તેમણે લોખંડી પંજાથી તેમના બળવાને સંપૂર્ણપણે દબાવી દીધો. તેણે સોવનૂર, કુર્નૂલ અને કડપ્પાના નવાબો સામે નિર્દયતાથી કામ કર્યું, જેઓ તેમની વિરુદ્ધ કાવતરું ઘડી રહ્યા હતા. તે દિવસોમાં કોઈ પણ શાસકો, જેમને તેઓ તેમના દુશ્મન માનતા હતા તેમની સામે ક્રૂર વર્તન કરતા હતા અને ટીપુ પણ તેમાં અપવાદ ન હતા. આ બાબતે અંગ્રેજ લશ્કરના એક અધિકારી મેજર ડાયરોમે ટિપ્પણી કરી હતી કે, "તેમની ક્રૂરતાઓ સામાન્ય રીતે માત્ર એ લોકો પર જ આધારિત હતી જેમને તે પોતાનો શત્રુ માનતા હતા." (એડવાન્સ્ડ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા. આર.સી. મજુમદાર, પૃષ્ઠ ૭૦૮)
ટીપુને તેમની નિષ્પક્ષતા અને ધાર્મિક સંવાદિતાની નીતિ માટે પ્રજાનો ટેકો મળ્યો. ધાર્મિક સંવાદિતાની નીતિ માટે ટીપુની પ્રશંસા કરતાં ગાંધીજીએ પણ ટિપ્પણી કરી હતી કે "મૈસૂરના ફતેહ અલી ટીપુ સુલતાનનું પ્રતિનિધિત્વ વિદેશી ઇતિહાસકારો દ્વારા એક કટ્ટરપંથી તરીકે કરવામાં આવે છે, જેમણે તેમની હિન્દુ પ્રજાનો વિરોધ કર્યો હતો અને બળજબરીથી ઇસ્લામ ધર્મ અંગીકાર કરવ્યો હતો. પણ એવું કશું જ નહોતું. હિન્દુ પ્રજા સાથેના તેમના સંબંધો સંપૂર્ણપણે સૌહાર્દપૂર્ણ હતા. (યંગ ઇન્ડિયા', ૨૩ જાન્યુઆરી, ૧૯૩૦, પેજ. ૩૧)
સૌજન્ય/સાભાર : ટાઈગર ઓફ મૈસૂર ટીપુ સુલતાન
આ પણ વાંચો: શા માટે ‘સમ્રાટ અશોક’ ભારતની કથિત ઉચ્ચ જાતિઓ માટે અસ્પૃશ્ય છે?