બુલડોઝરઃ અયોધ્યામાં ભાજપની હારનું એક મોટું ફેક્ટર

લોકસભાની ચૂંટણીમાં અયોધ્યા બેઠક પર ભાજપ ભૂંડી રીતે હારી ગયો છે. આ હાર પાછળ અનેક કારણો પૈકીનું એક મોટું કારણ બુલડોઝર પણ છે.

બુલડોઝરઃ અયોધ્યામાં ભાજપની હારનું એક મોટું ફેક્ટર
all image credit - Google images

મંગળવારે લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા અને અયોધ્યામાં ભાજપ ખરાબ રીતે હારી ગઈ. રાજકીય નિષ્ણાતો આ હાર પાછળ એકથી વધુ કારણો જવાબદાર હોવાનું માને છે. જેમાંનું એક મોટું કારણ 'બાબાનું બુલડોઝર' પણ છે. સરકારના ઈશારે ગુનેગારોના પરિવારોના ઘરો પર આ બુલડોઝર ચાલતું ત્યારે લોકો ઉજવણી કરતા હતા. એક સમયે લોકો આ બુલડોઝરને ન્યાયનું પ્રતિક માનવા લાગ્યા હતા. પરંતુ રામમંદિર સંકુલના નિર્માણ માટે આ જ બુલડોઝર સામાન્ય જનતાના ઘર અને દુકાનો તરફ ફર્યું ત્યારે લોકોને તેની વાસ્તવિકતાની ખબર પડી. હજારો લોકોના મકાનો ધરાશાયી થયા, જેના કારણે સેંકડો લોકો બેઘર બની ગયા હતા અને એ રોષનો જવાબ લોકોએ ઈવીએમમાં ભાજપ વિરોધી બટન દબાવીને આપી દીધો હતો.

લોકસભા ચૂંટણીના પરિણામો પર બુલડોઝરની કાર્યવાહીની અસર ખાસ કરીને અયોધ્યા લોકસભા બેઠક પર સ્પષ્ટ દેખાઈ રહી હતી જેના કારણે ભાજપ ચૂંટણી હારી ગયું. આ એ જ રામ મંદિર છે જે 2014 અને 2019ની ચૂંટણીમાં ભાજપને દેશમાં જીત અપાવવામાં માસ્ટરસ્ટ્રોક સાબિત થયું હતું. પરંતુ આરોપ એવો લાગી રહ્યો છે કે રામ લાલાની મૂર્તિ સ્થાપિત કરવા માટે અયોધ્યાના રહેવાસીઓના ઘરો તોડી નાખવામાં આવ્યા હતા. રામ મંદિર પરિસરના વિસ્તરણ માટે સરકારે મોટા પાયે બુલડોઝરથી કાર્યવાહી કરી નાખી, જેમાં હજારો મકાનો અને દુકાનો જમીનદોસ્ત થઈ ગઈ હતી.

આ પણ વાંચોઃ અયોધ્યા તો દૂર, આસપાસના 100 કિમી વિસ્તારમાં પણ ભાજપ ન જીતી શકી


બાબાના બુલડોઝરે અનેકના ઘરો તોડ્યાં તે નડ્યું

લોકસભા ચૂંટણીના પરિણામો બાદ જીત-હારની ચર્ચા ચાલી રહી છે. અયોધ્યા સીટ ભાજપ હારી ગયા પછી સૌ કોઈ એક જ સવાલ કરી રહ્યાં છે કે, અયોધ્યામાં તો વિકાસની ગંગા વહેતી હતી, રામ મંદિર બન્યું હતું, એરપોર્ટ બન્યું હતું, આંતરરાષ્ટ્રીય કક્ષાનું અયોધ્યાધામ રેલવે સ્ટેશન બન્યું હતું. રામપથ બંધાયો, રામ કી પૌડીની સુંદરતા વધારવામાં આવી હતી, છતાં એ જ સીટ પર ભાજપ કેમ હારી ગઈ? હકીકતે, અયોધ્યાની હારના અસંખ્ય કારણો છે, જેમાં સ્થાનિક તંત્ર અને સાંસદો દ્વારા જનતાના વિચારોની અવગણના પણ સામેલ છે. જ્યારે ભાજપના લલ્લુ સિંહે 2019ની ચૂંટણી જીતી હતી ત્યારે તેઓ લોકોને એમ કહેતા હતા કે તમે લોકોએ મને નહીં પણ મોદીને મત આપ્યો છે. રામપથનું નિર્માણ કરવામાં આવ્યું તેમાં હજારો દુકાનો અને મકાનો તોડી પાડવામાં આવી હતી પરંતુ તેમને યોગ્ય વળતર આપવામાં આવ્યું ન હતું. નઝુલની જમીન પર બનેલી દુકાન અને ઘર માટે તેમને વળતર આપવામાં આવ્યું ન હતું. આરોપ છે કે જ્યારે સ્થાનિક લોકો તેમના લોકપ્રતિનિધિ લલ્લુ સિંહ પાસે ગયા તો તેઓ એમ કહીને હાથ ખંખેરી લેતા હતા કે આતો સરકારનો મામલો છે અને તેમાં તેઓ કંઈ કરી શકે તેમ નથી.

અયોધ્યાવાસીઓએ ભાજપને હરાવ્યો
અયોધ્યાના એક સ્થાનિક કહે છે, ફૈઝાબાદમાં પાંચ વિધાનસભા મતવિસ્તારો છે. જો એમ કહેવામાં આવે કે રામ મંદિર આસપાસ રહેતા સ્થાનિકોએ ભાજપને જ મત આપ્યો છે તો તેનો કોઈ અર્થ નથી. અયોધ્યા ખૂબ મોટું છે અને તેના અન્ય વિસ્તારોમાં લોકોની સ્થિતિ કેવી છે તેની સીધી અસર પણ ચૂંટણીમાં જોવા મળી છે. એ રાત અમે કદી નહીં ભૂલી શકીએ જ્યારે રામમંદિરના નિર્માણ માટે અમારા મકાનો અને દુકાનો તોડવામાં આવી રહી હતી. અમે ભાજપના સાંસદને મળવા જતા હતા તો તેઓ અમને મળવાનો ઈનકાર કરી દેતા હતા. તેમનામાં રામમંદિરના નિર્માણમાં પોતે કંઈક યોગદાન આપ્યાનો ઘમંડ છલકી રહ્યો હતો, પણ હવે જનતાએ તેમને બતાવી દીધું છે કે કોણ મોટું છે. 

ભાજપના આકરા નિર્ણયોથી સ્થાનિકો નારાજ હતા
અન્ય એક સ્થઆનિક રાજન યાદવે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ભાજપે બાબાનું બુલડોઝર, અગ્નિવીર યોજના, ખેડૂત આંદોલન, નોટબંધી, GST જેવા ઘણાં આકરા નિર્ણયો લીધાં હતા, જેનાથી સામાન્ય માણસનું જીવવું હરામ થઈ ગયું હતું અને તે જ ભાજપની હારનું કારણ બન્યાં. આ નિર્ણયોથી પ્રજામાં નારાજગી હતી. અયોધ્યામાં રામ મંદિર બન્યું, વિકાસ પણ થયો, એ બધું બરાબર છે પરંતુ રામપથના નિર્માણ દરમિયાન ગરીબ દુકાનદારોની દુકાનો તોડી પાડવામાં આવી હતી અને તેમને યોગ્ય વળતર પણ આપવામાં આવ્યું ન હતું. ફૂટપાથ પર વેચાણ કરતા લોકોને લાકડીઓ વડે મારીને ભાગી છૂટ્યા હતા. આ કારણથી આ વખતે ભાજપનો જોરદાર વિરોધ થયો હતો.

આ પણ વાંચોઃ રામ મંદિરના પૂજારી બનવા માટે 3000 અરજીઓ આવી, 200ના ઈન્ટરવ્યૂ થશે, 20ની પસંદગી થશે

મંદિર ટ્રસ્ટે પ્રસાદ પર પણ હક જમાવી દીધો હતો
કોરોનાને કારણે રામ મંદિરમાં પ્રસાદ ચઢાવવાનું બંધ થઈ ગયું હતું. એ પછી જ્યારે લોકડાઉન ખતમ થઈ ગયું ત્યારે મંદિર ટ્રસ્ટે બહારથી લાવેલા પ્રસાદ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. જેના કારણે 400 જેટલા લોકોની રોજગારી છીનવાઈ ગઈ હતી.

અમિતકુમારની એક વ્યક્તિ કહે છે, "હું 7 વર્ષની ઉંમરથી પ્રસાદ વેચતો હતો. જ્યારે હું શાળાએ જતો ત્યારે જ્યારે પણ મને સમય મળતો ત્યારે હું પ્રસાદ વેચતો હતો. લોકડાઉન ખતમ થઈ ગયું પછી પણ પ્રસાદ પર પ્રતિબંધ રહ્યો. ટ્રસ્ટ તરફથી મંદિરના ગેટ પર અમને તિલક લગાવવાની સખત મનાઈ હતી. પોલીસ અમને ખદેડી દેતી હતી. અમારી સાથે અન્યાય થઈ રહ્યો હતો અને કોઈપણ નેતા કે મંત્રી અમને સાંભળવા તૈયાર નહોતો. એટલે અમે અમારો નેતા પસંદ કરી લીધો.
ઉલ્લેખનીય છે કે, અયોધ્યા સીટ પર ચૂંટણી હારવાની સાથે ભાજપે અયોધ્યા વિભાગમાં સમાવિષ્ટ ફૈઝાબાદ, બારાબંકી, આંબેડકર નગર, સુલતાનપુર અને અમેઠી લોકસભા બેઠકો પણ ગુમાવી દીધી છે. એટલું જ નહીં અયોધ્યાને અડીને આવેલી બસ્તી, શ્રાવસ્તી અને જૌનપુર બેઠકો પણ ભાજપ બચાવી શકી નથી. યોગી સરકારે એરપોર્ટથી લઈને તમામ પ્રકારના વિકાસ કાર્યો કરાવ્યા, પરંતુ કોઈ રાજકીય અસર જોવા મળી નથી. રાજ્યની સૌથી હોટ લોકસભા સીટ અયોધ્યામાં રાજકીય જંગ જીતવાની સાથે સમાજવાદી પાર્ટી આસપાસની તમામ બેઠકો જીતવામાં સફળ રહી હતી.

આગળ વાંચોઃ રામમંદિરના ઉદ્ધાટન સાથે જ ધૂતારા એક્ટિવ, QR કોડથી પૈસા ઉઘરાવવાનું કૌભાંડ ઝડપાયું


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.