કડાણાના વિસ્થાપિત આદિવાસીની આ દીકરીનો કોઈ 'દ્રોણ' અંગૂઠો ન કાપી લે!
સોશિયલ મીડિયામાં ઝહીર ખાનની અદાથી બોલિંગ કરતી એક 13 વર્ષની છોકરીનો વીડિયો વાયરલ થયો છે. આ દીકરીનું ગુજરાત સાથે કનેક્શન છે અને અસલી ચિંતા હવે શરૂ થઈ છે.
છેલ્લાં કેટલાક દિવસથી સોશિયલ મીડિયામાં ગામડાની એક નાનકડી છોકરીની ધાંસુ બોલિંગની નાનકડી ક્લિપ વાયરલ થઈ છે. ક્લિપમાં જોઈ શકાય છે કે, ગામઠી પોશાક પહેરેલી એ છોકરી ટીમ ઈન્ડિયાના એક સમયના સ્ટાર બોલર ઝહીર ખાનની એક્શનથી ફાસ્ટ બોલિંગ કરી રહી છે. તેની અને ઝહીર ખાનની બોલિંગ એક્શનમાં અનેક સમાનતા જોવા મળી રહી હોવાથી અનેક લોકો તેને 'લેડી ઝહીર ખાન' કહેવા લાગ્યા છે. વીડિયો વાયરલ થતા સચિન તેંદુલકરે તેને પોતાના એક્સ હેન્ડલ પર શેર કર્યો હતો. એ પછી ઝહીર ખાને પણ દીકરીના વખાણ કર્યા હતા. કોણ છે આ દીકરી, શું કરે છે, તેનું વતન ક્યું છે એ બધી બાબતો સાથે એક ચિંતાજનક બાબતની પણ અહીં ચર્ચા કરવી છે. પહેલા જાણીએ કોણ છે આ દીકરી.
કોણ છે 'લેડી ઝહીર ખાન'?
સોશિયલ મીડિયામાં લેડી ઝહીર ખાન તરીકેની ઉપમા મેળવનાર રાજસ્થાનના પ્રતાપગઢ જિલ્લાના ધરિયાવદ તાલુકાના નાનકડા ગામ રામેર તળાવની રહેવાસી 13 વર્ષની સુશીલા મીણા છે. આદિવાસી સમાજમાંથી આવતી સુશીલા હાલ સોશિયલ મીડિયામાં છવાયેલી છે. પાંચમા ધોરણમાં ભણતી સુશીલાની ફાસ્ટ બોલિંગનો વીડિયો હાલ જબરજસ્ત રીતે વાયરલ થઈ રહ્યો છે. તે ડાબા હાથે ફાસ્ટ બોલિંગ કરે છે અને તેની બોલિંગ એક્શન ટીમ ઈન્ડિયાના પૂર્વ ફાસ્ટ બોલર ઝહીર ખાન સાથે મળતી આવે છે. સુશીલા મીણા ગરીબ પરિવારમાંથી આવે છે. તેના પિતાનું નામ રતનલાલ મીણા અને માતાનું નામ શાંતિબાઈ મીના છે અને તેઓ ખેતી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. વર્ષ 1980માં ગુજરાતના કડાણા ડેમમાં તેનો પરિવાર વિસ્થાપિત થયો હતો અને પછી રાજસ્થાન આવી ગયો હતો. સુશીલાના ગામમાં લગભગ 250 ઘરો છે.
સુશીલા દેશને ગૌરવ અપાવશેઃ માતાપિતા
પરિવારને આશા છે કે 12 વર્ષની સુશીલા મીના ભવિષ્યમાં દેશને ગૌરવ અપાવશે. આ માટે તેઓ પ્રશાસન પાસેથી મદદની અપેક્ષા રાખી રહ્યા છે, જેથી સુશીલા નવી ઊંચાઈએ પહોંચી શકે. અભ્યાસની સાથે સાથે સુશીલા મીણાને ક્રિકેટમાં પણ ઘણો રસ છે.
ગામના ગુલાબ સિંહ મીણા કહે છે કે અહીં મોટાભાગના લોકો ગુજરાત અને મહારાષ્ટ્રમાં મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. અહીં કોઈ સુવિધા નથી. ગામમાં રમતનું મેદાન હોવું ખૂબ જ જરૂરી છે. અહીં પ્રતિભાઓ ઉભરી રહી છે, તેથી તેને દત્તક લઈને સરકાર તરફથી મદદ મળવી જોઈએ.
સચિન તેંદુલકરે પણ વખાણ કર્યા
સુશીલા મીણાનો વાયરલ વીડિયો જોઈને સચિન તેંદુલકર પણ તેના ફેન બની ગયા છે. સચિને સુશીલાનો વીડિયો પોતાના એક્સ હેન્ડલ પર શેર કર્યો છે, જેમાં તે બોલિંગ કરતી દેખાય છે, સચિને લખ્યું, "સ્મૂધ, સહજ અને જોવો ગમે તેવો વીડિયો. સુશીલા મીણાની બોલિંગ એક્શનમાં તમારી ઝલક જોવા મળે છે ઝહીર ખાન.
શું તમે પણ આ વીડિયો જોયો છે?" એ પછી ઝહીર ખાને પણ તેમાં જવાબ આપ્યો હતો અને કહ્યું હતું કે, આ સર તમે એકદમ સાચા છો. હું તમારી સાથે સંપૂર્ણપણે સંમત છું. તેની બોલિંગ ખૂબ જ પ્રભાવશાળી છે.
આવી પ્રતિભાઓના દ્રોણાચાર્યો અંગૂઠા કાપી લે છે...
સુશીલા મીણાનો વીડિયો વાયરલ થયા બાદ રાજસ્થાનના બાંસવાડા-ડુંગરપુરના ભારત આદિવાસી પાર્ટીના સાંસદ રાજકુમાર રોતે સોશિયલ મીડિયા પર આ વિશે પોસ્ટ કરી છે.
તેમણે કહ્યું કે આવી પ્રતિભાઓને આગળ આવવા દેવામાં નથી આવતી. 'દ્રોણાચાર્યો' દ્વારા તેમના અંગૂઠા કાપી લેવામાં આવે છે. તેમણે ગ્રામીણ વિસ્તારોની પ્રતિભાઓને આગળ લાવવામાં સહકારની પણ વાત કરી હતી. કૃષિ પ્રધાન કિરોડીલાલ મીણા પણ રમતગમત મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડ પાસે સુશીલા મીણાને તાલીમ અપાવવાની માંગ કરી રહ્યા છે.
જો સોશિયલ મીડિયા ન હોત તો સુશીલા ઉભરી ન આવી હોત
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ શેર કરતી વખતે BAP સાંસદ રાજકુમાર રોતે લખ્યું કે, ઓલિમ્પિક્સ અને વર્લ્ડ કપ જેવી રમતોમાં ભારતનું પ્રદર્શન સરેરાશ અથવા નિરાશાજનક રહ્યું છે. કારણ કે સુશીલા જેવી પ્રતિભાઓને આગળ આવવા દેવામાં નથી આવતી અને દ્રોણાચાર્યો દ્વારા તેમના અંગૂઠા કાપી નાખવામાં આવે છે. જો સોશિયલ મીડિયા ન હોત તો આજે પ્રતાપગઢની આદિવાસી દીકરીની પ્રતિભા લોકોની સામે ન આવી હોત. અમે ગ્રામીણ વિસ્તારોમાં આવી છુપાયેલી પ્રતિભાઓને આગળ લાવવાના તમામ પ્રયાસો કરીશું."
આ પણ વાંચો: Palwankar Baloo: એ દલિત ક્રિકેટર, જેણે અસ્પૃશ્યતા વેઠીને પણ દેશનું નાક બચાવેલું
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.
-
Rupabhai Manglabhai DhamotVery nice baby go to higher quality bolling and Receive fome in cricket would in no one Jay Johar Jay Adivashi
-
Naresh Parmarसही बात है... यदि सोशल मीडिया का स्टेज न हो तो काबिल लोग बाहर उभरकर आने से रह जाते है और इनके साथ अन्याय होता है सिर्फ इसलिए कि कोई पिछड़ा दलित - आदिवासी इतना आगे कैसे आ सकता है ??.... इसलिए इनके चहेतों को आगे लाने के लिए इनका अंगूठा काट दिया जाता हैं।