દલિત સમાજની દીકરીના મોદી યુવક સાથે આંતરજ્ઞાતિય લગ્ન યોજાયા
અમદાવાદના એડવોકેટ ગોવિંદભાઈ પરમારે અનુસૂચિત જાતિ સમાજની એક દીકરીના લગ્ન મોદી સમાજના યુવક સાથે બંને પરિવારોની સહમતી સાથે રાજીખુશીથી જોડી આપ્યા હતા.
ડો. બાબાસાહેબ આંબેડકરે જાતિવાદનું દૂષણ દૂર કરવા માટેના જે કેટલાક રસ્તાઓ બતાવ્યા છે તેમાંનો એક રસ્તો આંતરજ્ઞાતિય લગ્ન છે. કમનસીબે આ રસ્તે ચાલીને સમાજમાં આભડછેટ અને જાતિવાદનું દૂષણ દૂર કરવું સૌથી કઠિન કામ છે. પણ અમદાવાદના સિનિયર એડવોકેટ અને સામાજિક કાર્યકર ગોવિંદભાઈ પરમારે આ કઠિન રસ્તે ચાલીને એક યુગલને લગ્નના તાંતણે બાંધ્યું છે. જેમાં યુવક કથિત સવર્ણ જાતિનો છે અને યુવતી અનુસૂચિત જાતિ સમાજમાંથી આવે છે. પહેલી નજરે આભડછેટના દૂષણને કારણે આ લગ્ન કોઈ કાળે શક્ય બનતા ન દેખાય તે સ્વાભાવિક છે, પણ એડવોકેટ ગોવિંદ પરમારે મધ્યસ્થી કરીને આ આખો મામલો પાર પાડ્યો છે.
સામાન્ય રીતે આજે પણ મોટાભાગના સમાજોમાં લોકો પોતાના સંતાનોના લગ્ન પોતાના સમાજની અંદર જ કરતા હોય છે. તેની પાછળનું કારણ સામાજિક, સાંસ્કૃતિક સલામતી ઉપરાંત ઓળખાણ અને જરૂર પડે ત્યારે એકબીજાની પડખે આસાનીથી ઉભા રહી શકાય તેવો હોય છે. અનુસૂચિત જાતિ સમાજ જ્યારે લગ્નની વાત આવે ત્યારે આજે પણ અન્ય સમાજમાં લગ્ન કરતા ખચકાતો હોય છે. કેમ કે, તેને સૌથી મોટો ડર આભડછેટનો હોય છે. આભડછેટ એ સાપ છે જેનો ડંખ અનુસૂચિત જાતિ સમાજ સદીઓથી ઝેલતો આવ્યો છે અને તે કેટલો ઝેરીલો હોય છે તે તો જેણે અનુભવ્યું હોય તે જ જાણે. આવી કપરી પરિસ્થિતિમાં આંતરજ્ઞાતિય લગ્ન દ્વારા આભડછેટ નિવારણનું બાબાસાહેબનું પગલું આગળ વધી શક્યું નથી. પણ એડવોકેટ ગોવિંદ પરમારે આ દિશામાં એક પહેલ ચોક્કસ કરી છે.
આ પણ વાંચોઃ ચાર પોલીસ સ્ટેશનના જાપ્તા વચ્ચે દલિત પરિવારનો વરઘોડો નીકળ્યો
અનુસૂચિત જાતિ સમાજની દીકરી, મોદી સમાજમાં લગ્ન
સામાન્ય રીતે કોઈ પણ સમાજના લોકો એકબીજાના સમાજ અને પરગણામાં જ લગ્ન કરતાં હોય છે. પણ ગોવિંદભાઈ પરમારની મધ્યસ્થીથી વડનગરના રોહિત મોદી અને સુરેન્દ્રનગર મોટા ટીંબલાના મીના બેન વણકર લગ્નગ્રંથિથી જોડાઈ શક્યા છે. રોહિત મોદી અને મીનાબેન બંનેના છુટાછેડા થયેલા હતા. બંનેની જ્ઞાતિ તેમજ રિવાજ અલગ-અલગ હોવા છતાં ગોવિંદભાઈની સમજાવટથી બંનેના પરિવારજનો સાથે વાત કરીને આંતરજ્ઞાતિય લગ્ન કરાવ્યા હતા. ગત 19મી મેના રોજ યોજાયેલા આ લગ્ન એ રીતે અનોખા બની રહ્યા હતા. બંનેના પરિવારજનોએ હરખથી તેમાં ભાગ લીધો હતો. સાથે જમ્યા, રમ્યાં અને મોજ કરી હતી. એ રીતે એક પરિવાર પુરતો આભડછેટનો નાગ ભોંમાં ભંડારાઈ ગયો હતો.
આ પણ વાંચોઃ તું 'જય ભીમ વાળો' છે, અમે 'જય ભીમ વાળા'ને નોકરી નથી આપતા
અનુસૂચિત જાતિ સમાજ સાથે આજે પણ કથિત સવર્ણ જ્ઞાતિના લોકો દ્વારા આભડછેટ પાળવામાં આવે, શું આ લગ્ન કરાવતી વખતે તમને એ વિચાર નહોતો આવ્યો કે યુવકના પરિવારજનો એક અનુસૂચિત જાતિની દીકરીને કેવી રીતે સ્વીકારશે? આ સવાલના જવાબમાં વાતગડિયાની ભૂમિકામાં રહેલા એડવોકેટ ગોવિંદભાઈ પરમાર કહે છે, "બિલકુલ આવેલો. પણ હું રોહિતને વર્ષોથી ઓળખું છું. તે અમદાવાદના પ્રગતિશીલ એડવોકેટ આનંદ યાજ્ઞિકની ઓફિસમાં પ્યૂન તરીકે કામ કરે છે. આનંદભાઈ સાથે કામ કરવાને કારણે તેનામાં અન્ય કથિત સવર્ણો જેમ આભડછેટ કે અન્ય જાતિગત બાબતોને લઈને સંકુચિતતા જોવા મળતી નથી. તેમ છતાં મેં આ બાબતે તેની સાથે સ્પષ્ટ રીતે વાત કરી કે, દીકરી અનુસૂચિત જાતિની છે, જો તારા પરિવારને તેની જાતિને લઈને કોઈ સમસ્યા ન નડતી હોય તો હું આ બાબતે તેના પરિવારજનોને વાત કરી શકું. એ પછી બંનેના પરિવારજનો એકબીજાને મળ્યાં, રોહિત અને મીનાએ પણ એકબીજા સાથે મોકળાં મને વાતચીત કરી અને અંતે બંનેના લગ્ન ગોઠવાયા."
આ પણ વાંચોઃ જામનગરની નેહા ચૌહાણની સિદ્ધી, વાલ્મિકી સમાજમાંથી પ્રથમ એર હોસ્ટેસ બની
ઉલ્લેખનીય છે કે, ગુજરાત સહિત ભારતભરમાં આજે પણ આભડછેટ અસ્તિત્વ ધરાવે છે તેમાં બહુ મોટો રોલ આંતરજ્ઞાતિય લગ્નોને મળતો મોળો પ્રતિસાદ છે. ઘણીવાર લોકો અનુસૂચિત જાતિ કે અન્ય આભડછેટનો ભોગ બનતી જાતિની દીકરી સાથે લગ્ન સંબંધ બાંધે છે તો પણ દીકરીના પરિવારજનોને સવર્ણ જાતિના યુવકના પરિવારજનો તેમની દીકરીને સ્વીકારશે કે નહીં તે ડર પજવતો હોય છે. છેલ્લે બધું યોગ્ય હોવા છતાં જાતિના સંકુચિતપણા સુધી આવીને મામલો અટકી જતો હોય છે. આથી આંતરજ્ઞાતિય લગ્ન થકી આભડછેટ દૂર કરવાનો જે મૂળ વિચાર છે તેનું બાળમરણ થઈ જાય છે.
આ પણ વાંચોઃ કલોલના ચરાડુ ગામના ઠાકોર સમાજે વાલ્મિકી સમાજની દીકરીનું મામેરું ભર્યું
કથિત સવર્ણો તેમની દીકરી અનુસૂચિત જાતિના યુવકને પરણાવશે?
આ સવાલ બહુમતી અનુસૂચિત જાતિના લોકોના મનમાં ઉઠતો હોય છે. સામાન્ય રીતે દલિત સમાજના લોકો તેમની દીકરી કથિત સવર્ણ પરિવારમાં પરણાવવા માટે રાજી થઈ જતા હોય છે, પણ મામલો જો તેનાથી ઉલટો હોય, અર્થાત યુવક અનુસૂચિત જાતિનો હોય અને યુવતી કથિત સવર્ણ સમાજમાંથી આવતી હોય તો શું તેઓ તેમની દીકરીના લગ્ન કરાવશે ખરા? આ સવાલનો જવાબ આજે પણ બહુ સકારાત્મક નથી. કેમ કે, અનુસૂચિત જાતિ સમાજ જેટલો પ્રગતિશીલ છે, તેટલા પ્રગતિશીલ સવર્ણો નથી. તેમને દલિત સમાજની દીકરી જોઈએ છે પણ તેમની દીકરી આપવી નથી. એટલે જ આંતરજ્ઞાતિય લગ્નોમાં દલિત દીકરી કથિત સવર્ણ સમાજમાં પરણીને જાય છે પણ કથિત સવર્ણ યુવતી તેના પરિવારજનોની સંમતિથી અનુસૂચિત જાતિના યુવક સાથે લગ્ન કરીને રાજીખુશીથી રહેવા જાય તેવું ભાગ્યે જ જોવા મળે છે. આશા રાખીએ કે, એડવોકેટ ગોવિંદ પરમારે કરેલી પહેલને કથિત સવર્ણો આ દ્રષ્ટિકોણથી પણ જુએ અને તેમની દીકરીઓને પણ અનુસૂચિત જાતિના પ્રગતિશીલ યુવાનો સાથે લગ્નગ્રંથિથી જોડીને જાતિવાદના દૂષણને ખતમ કરવામાં ભૂમિકા ભજવે.
આગળ વાંચોઃ જે હોટલમાં દલિતોને પ્રવેશવા નહોતા દીધા, એમાં જ બેસાડીને મીઠાઈ ખવડાવવી પડી