અમદાવાદના મૂકનાયક ગ્રુપ દ્વારા તથાગત બુદ્ધ પર વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ
અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં મૂકનાયક ગ્રુપ દ્વારા આગામી બુદ્ધ પૂર્ણિમાની ઉજવણી પૂર્વે વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આગામી 23મી મેના રોજ વૈશાખી પૂર્ણિમા એટલે કે બુદ્ધ પૂર્ણિમા છે. મહાનાયક તથાગત ગૌતમ બુદ્ધની જન્મજયંતિ એટલે કે બુદ્ધપૂર્ણિમા દિવસે ભારત સહિત દુનિયાભરમાં તેમના વિચારોના પ્રચારપ્રસાર માટે કાર્યક્રમો યોજાતા હોય છે. ત્યારે અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં બુદ્ધ પૂર્ણિમાની ઉજવણી પૂર્વે બાળકો માટે વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
અહીંના આદિત્ય એન્કલેવ ફ્લેટમાં મૂકનાયક ગ્રુપ દ્વારા સામાજિક કાર્યકર પ્રકાશ બેન્કર અને તેમના મિત્રવર્તુળે મળીને સુંદર આયોજન કર્યું હતું. સાંજના સાત વાગ્યે શરૂ થયેલા આ કાર્યક્રમમાં બુદ્ધ વંદના બાદ બાળકોનો વક્તૃત્વ સ્પર્ધાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં એક ભાગમાં 15 વર્ષથી નીચેના બાળકો અને બીજા ભાગમાં તેનાથી ઉપરની ઉંમરના બાળકો ભાગ લે તેવું આયોજન કરાયું હતું. વક્તૃત્વ સ્પર્ધાનો વિષય હતો, 'તથાગત બુદ્ધ, તેમનો ઉપદેશ અને જીવન સંદેશ'. આ વિષય પર પોતાના વિચારો રજૂ કરવા માટે 28 બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને દરેકને ઈનામરૂપે રોકડ રકમ આપવામાં આવ્યું હતું. પહેલા ભાગમાં 15 વર્ષ સુધીની ઉંમરના બાળકોની સ્પર્ધામાં એકથી ત્રણ ક્રમે આવેલા બાળકોને ઈનામરૂપે અનુક્રમે રૂ. 500, 300 અને 200 રોકડા આપવામાં આવ્યા હતા. એ જ રીતે 15 વર્ષથી ઉપરની ઉંમરના બાળકોને પણ રોકડ ઈનામ અપાયું હતું. આ સિવાય વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ બાળકોને આશ્વાસન ઈનામ તરીકે રૂ. 100 આપવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃ પરિવર્તનનો પવનઃ અમરેલીમાં વર-કન્યાએ બંધારણની સાક્ષીએ લગ્ન કર્યા!
વક્તૃત્વ સ્પર્ધામાં ર દીકરીઓ બાજી મારી
આ વક્તૃત્વ સ્પર્ધામાં ધ્યાન ખેંચે તેવી બાબત એ રહી કે તેમાં દીકરીઓએ સૌથી વધુ સંખ્યામાં ભાગ લીધો હતો. એટલું જ નહીં ઈનામ જીતવામાં પણ તે અગ્રેસર રહી હતી. 15 વર્ષથી નીચેની કેટેગરીની સ્પર્ધામાં પ્રથમ ક્રમે સિદ્ધિ જાદવ, બીજા ક્રમે હેલી ડાભી અને ત્રીજા ક્રમે રિયાંશ મહાનામા રહ્યા હતા. જ્યારે 15 વર્ષથી ઉપરની કેટેગરીમાં પહેલા ક્રમે ચાંદની ચાવડા, બીજા ક્રમે બિમલ પરમાર અને ત્રીજા ક્રમે પ્રિયાંશી પરમારે બાજી મારી હતી. બાકીના 21 બાળકોને 100 રૂપિયા લેખે 2,100 રૂપિયા આશ્વાસન ઈનામ આપવામાં આવ્યું હતું. ત્યારબાદ ચાંદખેડા બુદ્ધ વિહારની ટીમ દ્વારા ભીમકથા કરવા બદલ પ્રકાશ બેન્કર, કિર્તીભાઈ ચૌહાણ અને તેમની ટીમનું ખેસ પહેરાવી અને ટ્રોફી આપી સન્માન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચોઃ અશોક વિજયાદશમી: યુદ્ધને ત્યાગીને બુદ્ધ તરફ પ્રયાણની પ્રેરણા આપતો દિવસ
મોટી સંખ્યામાં બુદ્ધિષ્ઠો ઉપસ્થિત રહ્યાં
આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બૌદ્ધ ધર્મના અનુયાયીઓ, બૌદ્ધિકો અને વડીલો, યુવાનો-યુવતીઓએ ઉપસ્થિત રહીને આયોજનને સફળ બનાવ્યું હતું. એ પછી સૌ સાથે ભોજન લઈને છુટા પડ્યા હતા. આ કાર્યક્રમ પાછળ રૂ. 15 હજાર જેટલો ખર્ચ કરવામાં આવ્યો હતો, જે સામાજિક કાર્યક્રમ પ્રકાશ બેન્કરના પત્નીએ ઉપાડી લીધો હતો.
મૂકનાયક ગ્રુપ શું છે?
ઉલ્લેખનીય છે કે, અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં આવેલું આ મૂકનાયક ગ્રુપ છેલ્લાં ઘણાં વર્ષોથી બહુજન મહાનાયકો ડો. બાબાસાહેબ આંબેડકર, મહાત્મા જ્યોતિબા ફૂલે, માન્યવર કાંશીરામ અને તથાગત ગૌતમ બુદ્ધના વિચારોના પ્રચાર-પ્રસાર માટે કાર્યરત છે. અગાઉ પણ તેઓ 14મી એપ્રિલ સહિતના મહત્વના દિવસોએ વિવિધ કાર્યક્રમો યોજીને સમાજ જાગૃતિનું કામ કરી ચૂક્યા છે. દર વર્ષે આ ગ્રુપ દ્વારા બુદ્ધ પૂર્ણિમાની અલગ અલગ રીતે ઉજવણી કરવામાં આવે છે. આ વખતે ખાસ કરીને બાળકોમાં બુદ્ધના વિચારોનું સિંચન થાય તે માટે વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના પ્રચાર માટે સ્થાનિક સ્તરે અલગ અલગ જગ્યાએ બેનરો પણ લગાવવામાં આવ્યા હતા. આ સ્પર્ધાને બાળકો, વાલીઓનો જબ્બર પ્રતિસાદ મળ્યો હતો અને બહુ ટૂંકા ગાળામાં જ 28 બાળકોએ પોતાનું નોંધાવીને સ્પર્ધામાં ભાગ લીધો હતો.
આગળ વાંચોઃ બોધિ વૃક્ષની તે શાખાઓ, જેના દ્વારા સમ્રાટ અશોકે વિશ્વમાં 'ધમ્મ'નો પ્રચાર કર્યો હતો