‘ગુજરાતના ગુરૂબ્રાહ્મણ સમાજના જ્ઞાતિ બંધારણો’ ગ્રંથનો લોકાર્પણ સમારોહ યોજાયો
ગુજરાતના ગુરૂબ્રાહ્મણ સમાજના જ્ઞાતિ બંધારણો ગ્રંથનું 24 માર્ચ 2024ને શનિવારના રોજ ગાંધીનગર સ્થિત ડૉ. બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
ગાંધીનગર ખાતે પૂર્વ સમાજ કલ્યાણ અધિકારી પ્રવીણ શ્રીમાળી દ્વારા સંપાદિત દળદાર ગ્રંથ 'ગુજરાતના ગુરૂબ્રાહ્મણ સમાજના જ્ઞાતિ બંધારણો' નું ગત. 24 માર્ચ 2024ને શનિવારના રોજ ગાંધીનગર સ્થિત ડૉ. બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં બહુજન સમાજના આગેવાનો, અધિકારીઓ અને બૌદ્ધિક વર્ગ ઉપસ્થિત રહ્યો હતો.
પ્રવીણ શ્રીમાળી પાસેથી અગાઉ ‘દલિત લોકવિદ્યા’, ‘ગુરૂ બ્રાહ્મણ/તુરી બારોટ સમાજની શબ્દસંપદા’ તથા ‘ગુરૂબ્રાહ્મણ લોકસંતો’ જેવા જીવનરીતિ અને દલિત સમાજનો લોકસાંસ્કૃતિક સંદર્ભ રજૂ કરતા પુસ્તકો પ્રાપ્ત થયા છે. આ તમામ પુસ્તકો ગુરૂબ્રાહ્મણ સમાજની સંતધારા વિશે સંશોધનાત્મક દ્રષ્ટિકોણથી અભ્યાસ રજૂ કરે છે ત્યારે આ જ શ્રેણીમાં તેઓ વધુ એક પુસ્તક લઈને આવ્યા છે.
પ્રવીણ શ્રીમાળી સંપાદિત ‘ગુજરાતના ગુરુબ્રાહ્મણ સમાજના જ્ઞાતિ બંધારણો’ પુસ્તકનો લોકાર્પણ સમારોહ ગાંધીનગર ડૉ. આંબેડકર ભવન ખાતે યોજાયો હતો. આ સમારોહનું દિપ પ્રાગટથી ઉદઘાટન કર્યા બાદ શાબ્દિક સ્વાગત કવિ રમણ વાઘેલાએ કર્યુ હતું. સવાયા દલિત કવિ-લેખક તરીકે જાણીતા પૂર્વ આઈએએસ પ્રવીણ ગઢવી અને મંચસ્થ મહાનુભાવોએ ગ્રંથનું વિમોચન કર્યુ હતું. જ્યારે પૂર્વ સંયુક્ત માહિતી નિયામક-પત્રકાર-લેખક નટુભાઈ પરમાર, એસોસિયેટ પ્રોફેસર બળદેવભાઈ વાઘેલા, નાડિયા ઉત્કર્ષ સંઘના પ્રમુખ ગુજરાત સરકારના મહાત્મા ગાંધી એવૉર્ડ સન્માનિત પ્રહલાદભાઈ નાડિયા, સાહિત્યકાર ડૉ. રમણ માધવ, ડૉ. જલ્પાબેન શ્રીમાળી, ગુજરાત કેન્દ્રીય વિશ્વ વિદ્યાલયના પ્રોફેસર ડૉ. રાજેશ મકવાણા વગેરેએ આ પુસ્તકમાં સમાજના સુચારુ સંચાલન માટે જ્ઞાતિ બંધારણોની વિસ્તૃત માહિતી આપી છે.
આ પણ વાંચો: શું બહુમતીના જોરે ભારતના બંધારણને બદલી શકાય ખરું?
આ ગ્રંથમાં ગુરુબ્રાહ્મણ સમાજ ઉપરાંત અનુસૂચિત જાતિની પેટા જાતિઓ જેમાં વણકર, રોહિત, સેનવા-રાવત, તૂરી બારોટ, નાડિયા, વણકર-સાધુ, હાડી, વાલ્મિકી સમાજના જ્ઞાતિ બંધારણો વિષે પણ માહિતી એકત્રિત કરી છે જે ઉપયોગી બનશે. લેખક અને સંપાદક પ્રવીણ શ્રીમાળીનું સમાજ કલ્યાણ ખાતાના નિવૃત્ત અધિકારીઓના અભૂતપૂર્વ મંડળ, દલિત અધિકાર સંઘ ગાંધીનગર અને હવેલી ગોળ ગુરુબ્રાહ્મણ કેળવણી મંડળ દ્વારા શાલ અને અભિનંદનપત્રથી સન્માન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં પૂર્વ સાંસદ અને અનુસૂચિત જાતિ હિતરક્ષક સંઘના મેનેજિંગ ટ્રસ્ટી રતિલાલ વર્માએ ખાસ હાજર રહી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. આ સમારોહનું સફળ સંચાલન નિવૃત્ત નાયબ નિયામક વસંત જાદવે કર્યુ હતું. સમગ્ર કાર્યક્રમના આયોજનમાં દલિત અધિકાર સંઘના જીલ્લા પ્રમુખ કાન્તીભાઈ પરમાર, ચંદ્રેશ એડવોકેટ, અરવિંદ આચાર્ય, જી. આઇ. પરમાર, વસંત જાદવજી અને મનુભાઈ રેવરે ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ પુસ્તકો વાચકોને ભેટમાં આપવા માટે પ્રહલાદભાઈ નાડિયા, નિવૃત્ત સમાજ કલ્યાણ અધિકારી કે. ટી. વાઘેલા, બલદેવ વાઘેલા અને રતિલાલ વર્મા તરફથી સહયોગ રાશી જાહેર કરવામાં આવી હતી.
શું છે આ પુસ્તકમાં?
પ્રવીણ શ્રીમાળી દ્વારા સંપાદિત ‘ગુજરાતના ગુરૂબ્રાહ્મણ સમાજના જ્ઞાતિ બંધારણો’ પુસ્તકમાં ગુરૂબ્રાહ્મણ સમાજનો ઈતિહાસ, સમાજના ગોળપરગણાં, સમાજનું સામાજિક બંધારણ, તેમાં પ્રયોજાયેલા શબ્દો, સામાજિક બંધારણોની તુલના તેમજ અનુસૂચિત જાતિની અન્ય પેટાજાતિઓના ગોળપરગણાનાં બંધારણ પણ અહીં સંકલિત કર્યા છે. સાત પ્રકરણોમાં વિભાજિત આ ગ્રંથમાં પ્રવીણ શ્રીમાળીએ ગુજરાતના ગુરૂબ્રાહ્મણ સમાજની ઉત્પત્તિ વિશે સંદર્ભો ટાંકીને આ સમાજની સામાજિક સ્થિતિ-ગતિનો આલેખ રજૂ કર્યો છે.
કોણ છે પ્રવીણ શ્રીમાળી?
નિવૃત્ત સમાજ કલ્યાણ અધિકારી પ્રવીણ શ્રીમાળી ગુજરાતના ગુરૂબ્રાહ્મણ સમાજની લોકસંસ્કૃતિમાંથી આવે છે. તેમની પાસે અનુભવનું ભાથું છે. ખાસ કરીને દલિત લોકસાહિત્યમાં તેમની જબરી ફાવટ છે. ગુજરાત સરકારના સમાજ કલ્યાણ વિભાગમાંથી નિવૃત્ત થયા પછી ત્રણ મહત્વના પુસ્તકો આપ્યા છે. દલિત વંચિત સમાજની વિવિધ પરંપરિત લોકવિદ્યાઓમાં તેમને પહેલેથી રસરૂચિ હોવાથી તેઓ સમાજના વિધિવિધાન કે લોકવિદ્યા સાથે ખૂબ નિકટતાથી જોડાયેલા રહ્યાં છે. અનુસૂચિત જાતિમાં અતિપછાત વર્ગમાં આવતી બે લોકજાતિ ગરો-બ્રાહ્મણ અને તુરી બારોટ સમાજની કંઠપરંપરાને પણ તેમણે ગ્રંથસ્થ કરી છે. લોકકવિ દ્વારા રચાયેલી કવિતા, આરઝા, ઓઠા, સવાખરા, મંત્રો, છપ્પા જેવી એક પેઢીથી બીજી પેઢીમાં વારસાગત ઉતરી આવતી શબ્દસંપદા જે કાળના પ્રવાહમાં લુપ્ત થાય એ પહેલા અંકે કરવાનું કામ તેમણે આ ગ્રંથમાં કર્યું છે.
આ પણ વાંચો: દલિત સાહિત્ય ‘વાહ’નું નહીં પણ ‘આહ’નું સાહિત્ય છેઃ ડો. ધીરજ વણકર
ઝવેરચંદ મેઘાણીએ 75 વર્ષ પહેલા કહેલું કે, શોષિત, વંચિત, દુબળાના જીવન તપાસો, એ ધરતીને ખૂંદો, માણસાઈને ધીરતાથી ઉકેલો એમાં સાહિત્યધનનો અખૂટ સંચય પડ્યો છે. આ વંચિતોની વાટે ચાલનારા, એની લોકવાણી, જીવનરીતિને શબ્દસ્થ કરનારા સંશોધકો ગુજરાતને ખૂબ ઓછાં મળ્યાં છે. ડૉ. દલપત શ્રીમાળી, ડૉ. નાથાલાલ ગોહિલ, ડૉ. મનુભાઈ મકવાણા, ડૉ. પી.એ. પરમાર, ડૉ. શિવરામ શ્રીમાળી, ડૉ. રાકેશ રાવત, ડૉ. વિનોદ શ્રીમાળી સાથે હવે વધુ એક અભ્યાસુ સંશોધક તરીકે પ્રવીણ શ્રીમાળીનું નામ પણ જોડાઈ રહ્યું છે.
આ પુસ્તક મેળવવા માટે આપ Pbshrimali111@gmail.com પર ઈમેઈલ કરીને પ્રવીણ શ્રીમાળીનો સંપર્ક કરી શકો છો.
આ પણ વાંચો: સવાયા દલિત સાહિત્યકાર પ્રવીણ ગઢવીનું નવું પુસ્તક ‘ભારતીય સંસ્કૃતિનું સત્ય’ પ્રકાશિત થયું
આ પણ વાંચો: મનુસ્મૃતિના એ કાયદા, જેણે ભારતીય સમાજમાં અસમાનતાના બીજ વાવ્યાં
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.
-
KIRTIKUMAR. V. PANDYAGujrat guru brahaman samaj na bandharn nu pushatak joiae che...