કે.બી. રાઠોડ સાહેબની દલીલોએ મૃતકને 13.70 લાખનું વળતર અપાવ્યું

રખડતા ઢોરના ત્રાસથી ગુજરાતમાં અત્યાર સુધીમાં અનેક લોકો મોતને ભેટ્યાં છે. પણ રાજકોટની કોર્ટે પહેલીવાર એક કેસમાં મૃતકના પરિવારને લાખોનું વળતર આપવા આદેશ કર્યો છે.

કે.બી. રાઠોડ સાહેબની દલીલોએ મૃતકને 13.70 લાખનું વળતર અપાવ્યું
image credit - Google images

બહુજન સમાજના પ્રશ્નોને લઈને રાતદિવસ જોયા વિના નિવૃત્ત થયા પછી પણ મહત્વના કેસોમાં કાયદાકીય માર્ગદર્શન આપનારા અને જરૂર પડ્યે જાતે મેદાનમાં ઉતનારા પૂર્વ ડિસ્ટ્રિક્ટ જજ અને વરિષ્ઠ એડવોકેટ શ્રી. કે.બી. રાઠોડ સાહેબની યશકલગીમાં વધુ એક ઐતિહાસિક પાનું ઉમેરાયું છે. કદાચ પહેલીવાર કોઈ કોર્ટે રખડતા ઢોરની અડફેટે મોતને ભેટેલા એક યુવાનના કેસમાં મહાનગરપાલિકાની ઘોર બેદરકારીને સ્વીકારીને મનપાને મૃતકના પરિવારને રૂ. 13.70 લાખનું વળતર ચૂકવવા આદેશ કર્યો છે. ગુજરાતમાં કદાચ આ પહેલી એવી ઘટના છે જેમાં રખડતા ઢોરના કારણે મોતને ભેટેલી વ્યક્તિના પરિવારને આટલું મોટું વળતર ચૂકવવા કોર્ટે જવાબદાર ઓથોરિટીને આદેશ કર્યો હોય. આ કેસમાં મૃતકના પરિવારના વતી પૂર્વ ડિસ્ટ્રિક્ટ જજ અને વરિષ્ઠ એડવોકેટ શ્રી. કે.બી. રાઠોડ સાહેબે દલીલ કરી હતી. જેને માન્ય રાખીને રાજકોટની સિવિલ કોર્ટે આ ઐતિહાસિક નિર્ણય સંભળાવ્યો હતો.

શું હતો મામલો?
મામલો વર્ષ 2018નો છે. તા. 17-08-2018ના રોજ રાજકોટના ગંજીવાડા વિસ્તારમાં રહેતા 40 વર્ષના મુકેશભાઈ મોહનભાઈ રાઠોડ તેમની બાઈક લઈને મહાકાળી ચોક વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા. એ દરમિયાન એક રખડતી ગાયે તેમને અડફેટે લીધા હતા. જેમાં તેમને ગંભીર ઈજાઓ થતા સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું.

આ બનાવ પછી મૃતક મુકેશભાઈના વિધવા મીનાબેન મુકેશભાઈ તથા તેમના બે સગીર સંતાનોએ રાજકોટ મહાનગરપાલિકા, પોલીસ કમિશનર, જિલ્લા મેજિસ્ટ્રેટ, ગૃહ સચિવ અને સરકારને કાયદેસરની નોટિસ પાઠવી આ તમામ સત્તાવાળાઓની કાયદેસરની ફરજો બજાવવામાં નિષ્ફળતા બદલ અને મહાનગરપાલિકાની ઘોર બેદરકારી બદલ તેમની સામે રૂ. 15 લાખનું નુકસાન વળતર મેળવવા રાજકોટની સિનિયર કોર્ટ સમક્ષ દીવાની દાવો દાખલ કર્યો હતો.

ઉપરોક્ત દાવાના કામમાં વાદી પક્ષ અને પ્રતિવાદી પક્ષ તરફથી રજૂ થયેલ મૌખિક તથા લેખિત પુરાવાને ધ્યાને લઈને તથા બંને પક્ષકારોની દલીલ સાંભળીને રાજકોટના એડિશનલ સિનિયર સિવિલ જજ આઈ. એમ. શેખની કોર્ટે મૃતક મુકેશભાઈના વારસદારોનો દાવો મંજૂર કરી રૂપિયા ૧૩,૭૦,૦૦૦/- નું નુકસાન વળતર વ્યાજ સહિત ચૂકવવાનો હુકમ કર્યો છે.

આ બનાવ બન્યો ત્યારે થોરાળા પોલીસ સ્ટેશનની પોલીસે ખરેખર રાજકોટ મહાનગરપાલિકાની ઢોર પકડ પાર્ટી અને સરકારી તંત્રની વિરુદ્ધ આવા રખડતા ઢોરોને પકડવામાં બેદરકારી અને નિષ્કાળજી રાખવા બદલ ગુનો દાખલ કરવાને બદલે મોટરસાયકલના ચાલક મુકેશભાઈ મોહનભાઈ રાઠોડ વિરુદ્ધ આઈપીસીની કલમ 279, 304 વગેરે મુજબ ગુનો દાખલ કરી એફઆઈઆર નોંધી બેદરકાર તંત્રને છાવરવાનો પ્રયત્ન કર્યો હતો. ખરેખર મૃત વ્યક્તિની વિરુદ્ધ કોઈ ગુનો દાખલ થાય જ નહીં તેમ છતાં મહાનગરપાલિકાની બેદરકારીને છાવરવા માટે પોલીસે આવું કૃત્ય કર્યું હતું.


મહાનગરપાલિકાની સંબંધિત ઢોરપકડ પાર્ટીની બેદરકારી અને નિષ્કાળજીના લીધે રસ્તે રખડતી ગાય આડી ઉતરતા મુકેશભાઈ રાઠોડનું મૃત્યુ થતાં તેમના પરિવારે ભરણપોષણનો એકમાત્ર આધાર એવા વ્યક્તિને ગુમાવી દીધા હતા. તેથી તેમના વારસદારોએ ઉપરોક્ત દીવાની દાવો દાખલ કરી નુકસાન વળતર મેળવવાની માંગણી કરેલી. આ દાવામાં વાદીઓ તરફથી સિનિયર એડવોકેટ કે. બી. રાઠોડ હતા. તેમણે રજૂ કરેલ તમામ મૌખિક અને લેખિત પુરાવાના સંદર્ભમાં નામદાર સુપ્રીમ કોર્ટ તથા દિલ્હી હાઈકોર્ટ તેમજ પંજાબ હરિયાણા હાઈકોર્ટ અને ગુજરાત હાઈકોર્ટના ચૂકાદાઓ ટાંક્યા હતા. સિનિયર કોર્ટે તેઓની દલીલ ગ્રાહ્ય રાખી વાદીની તરફેણમાં ચૂકાદો આપ્યો હતો.

ભારતીય બંધારણના આર્ટિકલ ૨૧ તથા સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ચૂકાદાઓમાં પ્રતિપાદિત કરેલ કાનૂની સિદ્ધાંતો મુજબ દેશના દરેક નાગરિકોના જાનમાલ અને મિલકતનું રક્ષણ કરવાની સરકાર અને તેના સંબંધિત તંત્રની કાનૂની ફરજ અને જવાબદારી છે. કાયદા દ્વારા નક્કી કરવામાં આવેલી કાનૂની ફરજો બજાવવામાં સરકારનું જે તે તંત્ર નિષ્ફળ જાય તો આવી નિષ્ફળતા અને બેદરકારી માટે નાગરિકોના જાનમાલ અને મિલકતને નુકસાન થવાના કિસ્સામાં જે તે પીડિત અને ભોગ બનનારને નુકસાન વળતર ચૂકવવાની જવાબદારી તેઓની બને છે. આ સંદર્ભમાં સિવિલ કોર્ટનો ચૂકાદો ખુબ જ મહત્વનો ગણી શકાય.

આગળ વાંચોઃ એટ્રોસિટીની ફરિયાદમાં કોર્ટ પીડિતને સાંભળ્યાં વિના આરોપીને જામીન પર છોડી શકે નહીં

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


  • H.K. Thakore
    H.K. Thakore
    Please, suit number and its year. If convenient Pdf file of declared judgement.
    3 months ago