વિદ્યાઃ આઝાદ ભારતમાં જાતિને પડકાર આપનારી પહેલી ફિલ્મ

આઝાદીના તરતના સમયગાળામાં આવેલી આ ફિલ્મ અલગ એટલા માટે હતી, કેમ કે તેમાં પહેલીવાર ફિલ્મનો નાયક એક કથિત અસ્પૃશ્ય ગણાતી ચમાર જાતિનો હતો. આવું એ પહેલા ક્યારેક નહોતું બન્યું.

વિદ્યાઃ આઝાદ ભારતમાં જાતિને પડકાર આપનારી પહેલી ફિલ્મ

એ તારીખ હતી 6 ફેબ્રુઆરી 1948. ભારત આઝાદી બાદ ભાગલાનો ડંખ ઝીલી રહ્યું હતું. ગાંધીજી બિહાર અને બંગાળમાં કોમી રમખાણો વિરુદ્ધ આંદોલન કરી રહ્યાં હતા અને દેશમાં ડો. આંબેડકરની આગેવાનીમાં બંધારણના નિર્માણની પ્રક્રિયા લગભગ શરૂ થઈ રહી હતી. આવી પરિસ્થિતિમાં એક ફિલ્મ સિનેમાના પડદા પર ઉતરી, જેણે લોકોને આશ્ચર્યચકિત કરી દીધા. આ ફિલ્મ હતી - વિદ્યા. જેના ડિરેક્ટર હતા ગિરીશ ત્રિવેદી.

ફિલ્મની વાર્તા આ પ્રમાણે હતી. ફિલ્મનો હીરો ચંદ્રશેખર ઉર્ફે ચંદુ (દેવ આનંદ) કથિત નીચી મનાતી ચમાર જ્ઞાતિનો છે. ચંદુના પિતા ભોલેરામ ચંપલ સીવી, બૂટપોલિશ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. ચંદુ પિતાને મદદ કરે છે. પિતાજી ચંદુને ઘણું ભણાવવા માંગે છે. 

ભારતીય સમાજ વ્યવસ્થામાં કથિત ઉચ્ચ જાતિઓના વર્ચસ્વની સાપેક્ષે જોઈએ તો આ અલગ પ્રકારની ફિલ્મ હતી, જેમાં હીરોનો સંબંધ કથિત અસ્પૃશ્ય સમાજ સાથે હતો. એ પહેલા 1936માં અશોક કુમાર અને દેવિકા રાણીની ફિલ્મ ‘અછૂત કન્યા’ આવી હતી. એ ફિલ્મમાં હિરોઈન કથિત અસ્પૃશ્ય સમાજની હતી.

ફિલ્મમાં સુરૈયાએ વિદ્યા નામની છોકરીની ભૂમિકા ભજવી છે, જે જમીનદાર હરિ સિંહની એકમાત્ર પુત્રી છે. હરિ સિંહ, દારૂડિયો અને સ્વભાવે બદમાશ છે, તે સ્ત્રી શિક્ષણની વિરુદ્ધ છે અને ઘરમાં તેની પત્ની સાથે હિંસક વર્તન કરે છે.

ફિલ્મમાં ગાંધીવાદનો પ્રભાવ બતાવવામાં આવ્યો છે. જમીનદાર હરિ સિંહનો ભાઈ રામ સિંહ સ્વાતંત્ર્યસેનાની અને ગાંધીવાદી છે. તે ગાંધીજીના અસ્પૃશ્યતા નિવારણ કાર્યક્રમમાં સામેલ રહ્યો છે. પોતાના ભાઈના જુલમ અને અત્યાચારોને જોઈને તે એક દિવસ ઘર છોડીને જતો રહે છે. હીરો ચંદુના પિતા ભોલા રામ તેને પોતાને ત્યાં આશરો આપે છે.

સમય સાથે ચંદુ અને વિદ્યા મોટા થાય છે. બંને સ્નાતક થયા પછી, વિદ્યા ભવન સ્કૂલ (જે રામ સિંહ દ્વારા બનાવવામાં આવી છે)માં ભણાવવાનું શરૂ કરે છે. ચંદ્રશેખર અને વિદ્યા વચ્ચે પ્રેમ થાય છે અને જાતિ અવરોધરૂપ બને છે.

ફિલ્મનો ક્લાઈમેક્સ નૈતિકતાને પ્રોત્સાહન આપે છે. બને છે એવું કે હરિ સિંહ પોતાની વાસના સંતોષવા માટે વિદ્યા ભવન સ્કૂલમાંથી એક છોકરીને ઉઠાવે છે. ગુંડાઓ તેના ઈશારે લીલા નામની એક છોકરીને ઉપાડી લે છે. પણ હીરો ચંદ્રશેખર ઉર્ફે ચંદુ તે ષડયંત્રને નિષ્ફળ બનાવે છે. વિદ્યા લીલાની જગ્યા લઈ લે છે, જેને જોઈને તેના પિતાને પસ્તાવો થાય છે અને તે સમગ્ર સમાજ સામે ચંદ્રશેખર અને વિદ્યાના લગ્નને મંજૂરી આપે છે. આ ફિલ્મ એ સમય પ્રમાણે મહત્વની ફિલ્મ હતી. તેમાં ગાંધીવાદનો પ્રભાવ દેખાય છે પણ તેમ છતાં આઝાદ ભારતની એ પહેલી ફિલ્મ સાબિત થઈ હતી જેમાં જાતિવાદને પડકારવામાં આવ્યો હોય.

આ પણ વાંચો : અમદાવાદ ખાતે ‘દલિત સાહિત્ય અને ઉપેક્ષિત સમાજ’ વિષય પર રાજ્ય કક્ષાનો પરિસંવાદ યોજાયો

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરોઅહીં ક્લિક કરો.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.