અમદાવાદ ખાતે ‘દલિત સાહિત્ય અને ઉપેક્ષિત સમાજ’ વિષય પર રાજ્ય કક્ષાનો પરિસંવાદ યોજાયો

અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજ ખાતે ગત રવિવારે રાજ્ય કક્ષાનો પરિસંવાદ યોજાઈ ગયો. અહીં તેમાં મહાનુભાવોએ રજૂ કરેલા વિચારો સાથેનો વિસ્તૃત અહેવાલ રજૂ કરીએ છીએ.

અમદાવાદ ખાતે ‘દલિત સાહિત્ય અને ઉપેક્ષિત સમાજ’ વિષય પર રાજ્ય કક્ષાનો પરિસંવાદ યોજાયો
તમામ ફોટા - લંકેશ ચક્રવર્તી

અમદાવાદ ખાતે ગત 10મી ડિસેમ્બરના રોજ વિશ્વ માનવ અધિકાર દિવસે ‘દલિત સાહિત્ય અને ઉપેક્ષિત સમાજ’ વિષય પર રાજ્ય કક્ષાનો પરિસંવાદ યોજાઈ ગયો. સંકલ્પ- સોશિયલ વર્ક એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (SSWARI) વડોદરા, માનવ વિકાસ અને સંશોધન કેન્દ્ર (HDRC) અમદાવાદ અને સેંટ ઝેવિયર્સ કોલેજ (સ્વાયત્ત), અમદાવાદના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લેખકો, કવિઓ, કર્મશીલો, સંશોધકો, અધ્યાપકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

પ્રસ્તુત પરિસંવાદ “દલિત સાહિત્ય અને ઉપેક્ષિત સમાજ” દ્વારા સાહિત્યકારોની નવી પેઢી, દલિત સંશોધકો તથા દલિત સમાજ અને તેના સામાજિક પરિવેશમાં સાહિત્ય દસ્તાવેજીકરણને જોવાનો પ્રયાસ કરાયો હતો. સમગ્ર પરિસંવાદમાં દલિત સાહિત્ય લેખન કેવી રીતે સામાજિક અન્યાય અને લોકશાહી મૂલ્યોનું હનન વિશેના પ્રશ્નો ઉજાગર કરે છે તે અંગે વિમર્શ કરવામાં આવ્યો હતો. આ પરિસંવાદમાં દલિત સાહિત્યના ઐતિહાસિક સંદર્ભમાં દર્શાવવાની સાથે સાહિત્યની પ્રવર્તમાન સમાજ પરની અસરો અંગે વિષય-નિષ્ણાંતો દ્વારા પ્રકાશ પાડવામાં આવ્યો હતો.


સાહિત્ય વ્યક્તિની બૌદ્ધિક અને ભાવનાત્મક વૃત્તિઓને અસર કરે છે - ફાધર આઈઝેક

સૌપ્રથમ પરિસંવાદમાં ડૉ. બાબા સાહેબ આંબેડકર અને મહાત્મા જ્યોતિરાવ ફુલેના તૈલીચિત્રને ફૂલ અર્પણ કરીને ઉદ્દઘાટન બેઠકની શરૂઆત કરવામાં આવી. પરિસંવાદમાં આવકાર આપતાં ફા. આઇઝેકે જણાવ્યું કે “આજે વિશ્વ માનવ અધિકાર દિવસે ‘દલિત સાહિત્ય અને ઉપેક્ષિત સમુદાય’ પરિસંવાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું એ ખૂબ આવકારદાયક છે. દલિત સમાજને વર્ષોથી ઉપેક્ષિત રાખવામાં આવ્યો છે. બાબા સાહેબ આંબેડકર દ્વારા શિક્ષણનો બંધારણીય અધિકારો અપાવ્યાં બાદ દલિતોનાં વિકાસની શરૂઆત થઈ. સાહિત્ય વ્યકિતની બૌધ્ધિક અને ભાવનાત્મક વૃતિઓને અસર કરે છે. દલિત સાહિત્ય ઉપેક્ષિત સમાજનાં અધિકારોને વાચા આપે છે. દરેક વ્યકિત અને સમાજની વિકાસયાત્રામાં સાહિત્યનું મહત્વની ભૂમિકા રહેલી છે.”

પરિસંવાદને આગળ વધારતાં ડૉ. પૂરણસિંહ મકવાણાએ કહ્યું હતું કે, દલિત સાહિત્ય એટલે શું? જવાબમાં કહે છે કે “દલિત સાહિત્ય એટલે દિલનાં દરવાજે દસ્તક, દલિત સાહિત્ય વેદના અને વિદ્રોહનું સાહિત્ય, દલિત સાહિત્ય એટલે અસ્મિતાનું ખોજ માટેનું સાહિત્ય, પ્રતિબદ્ધતાનું સાહિત્ય”.
 

પ્રસંગ પરિચય આપતાં ડૉ. રાજેશ લકુમે પરિસંવાદ યોજવા પાછળના કારણોની સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, “શા માટે પરિસંવાદ યોજી રહ્યા છીએ, વર્તમાન સમયમાં તેની પ્રસ્તુતતા શું છે તે જાણવું ખૂબ જ જરૂરી છે. વર્ષ 1970થી અત્યાર સુધી દલિત સાહિત્ય સમાજ તરીકે આપણે કેટલા આગળ આવ્યા છીએ અને કેટલું કરવાનું બાકી છે? આ વર્ષોમાં દલિત પ્રતિનિધિત્ત્વનો પ્રશ્ન? એટલે કે ફક્ત માંગણીઓ જ કરવાની છે કે મેળવવાનું છે? એ સૌથી મોટો સવાલ છે. દલિત સાહિત્ય પરિવર્તનના સાહિત્ય તરીકે કેટલી યોજનાબંધ દેખાય છે? એટલે કે આપણે એક ઉપેક્ષિત સમાજના સાહિત્ય તરીકે (જેમાં મહિલાઓ, આદિવાસીઓ, ધાર્મિક લઘુમતીઓના સાહિત્યની વાત કરીએ તો આપણે) કેટલા બહાર આવ્યા છીએ. દલિત સાહિત્યના સંસ્થાકીયકરણની સ્થિતિ શું છે. એ ફક્ત Status Quo કે માત્ર Recognition થી આગળ Solidarity તરફ કેટલા આગળ વધ્યા છીએ. દલિત સાહિત્ય મુક્તિના સાહિત્ય તરીકે વૈશ્વિક સ્તરે ક્યાં દેખાય છે? એટલે કે બ્લેક સાહિત્ય અને દલિત સાહિત્યના વૈચારિક આપ-લેમાં દલિત ચેતના અને મુક્તિની વિસ્તારમાં કેટલું સાર્થક થયું છે? દલિત લેખનમાં દલિત કલાત્મક અને દલિત રાજનીતિને કેવી રીતે આંકી શકાય? દલિત સાહિત્ય કલાના ધોરણે કેટલું એ ખરૂ ઉતર્યું છે? વગેરે મુદ્દા વિશે વિમર્શ કરવામાં આવ્યો હતો.

આપણે શિક્ષિતોને શિક્ષિત કરવાનું કાર્ય કરીએ છીએ - પ્રો. મનુભાઈ મકવાણા

પરિસંવાદની પૂર્વભૂમિકા બાંધતા પ્રો. મનુભાઈ મકવાણાએ કહ્યું હતું કે, “આપણે શિક્ષિતોને શિક્ષિત કરવાનું કાર્ય કરી રહ્યાં છીએ. જેઓ દલિત સાહિત્યના ઇતિહાસ વિશે જાણતાં નથી તેઓને જાગૃત કરવાનું કાર્ય કરી રહ્યાં છીએ. આ સિવાય તેમણે દલિત સાહિત્ય વિશે ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું કે ‘દલિતો પર સંશોધન કરનાર દલિતો દ્વારા લખાયેલ સંશોધન લેખ કે અહેવાલને પણ દલિત સાહિત્યનો જ ભાગ છે, આપણે તેને પણ દલિત સાહિત્ય તરીકે ગણવું જોઈએ’. દલિત સંશોધકના સ્વાનુભવ દ્વારા લખાયેલ હોય છે એટલે તેમાં તથ્યો અને ગહનતા વધી જાય છે.”
  
આપણે 3.5 ટકાના સાહિત્યને 96.5 ટકાનું સાહિત્ય બનાવવાનું છે - ફા. ડો. વિનાયક જાદવ

અતિથિ વિશેષ તરીકે વકતવ્ય આપતાં ફાધર ડૉ. વિનાયક જાદવે જણાવ્યું હતું કે “આજે પણ સાહિત્ય દલિત અને લલિતનાં વક્રવામાં અટવાયા કરે છે અને ઉપેક્ષા પામ્યા કરે છે. દલિત સાહિત્યને કહેવાતી મુખ્યધારામાં આવવા મથવું પડે છે, એ આપણી નિર્બળતા દર્શાવતુ નથી પરતું મુખ્યધારાનું નિર્બળતા દર્શાવે છે. એ હજી વાસ્તવથી કેટલું દૂર છે. ત્યારે દલિત સાહિત્ય માથે મોટો પડકાર આવે છે. દલિત સાહિત્ય વધારે નિસબત, વધારે પ્રતિનિધિ, જનવાદી સાહિત્ય બનવાની અને હિમાયતી સાહિત્ય બનવાની જરૂર છે તે મોટો પડકાર છે. દુર્ગા ભાગવત લલિત સાહિત્યને સાડા ત્રણ ટકાનું સાહિત્ય કહે છે. તેને ભણવા અને ભણાવવામાં આવે છે એ સાડા ત્રણ ટકાનું સાહિત્ય છે. ઉજળિયાતો એ ઊભી કરેલી સામાજિક અસરોનું સાહિત્ય. તો પછી બાકી સાડા છન્નુ ટકા વસ્તીનું શું? એમના જીવતરનું સાહિત્ય કોણ રચશે. આપણે સાડા ત્રણ ટકાનાં સાહિત્યને સાડા છન્નુ ટકાનું સાહિત્ય બનાવવાનું છે. એ દલિત સાહિત્યને માથે મોટો પડકાર છે? આજે થોડી ઘણી શરૂઆત થઈ ચૂકી છે. સર્જકો અને સર્જન તરીકે આપણી મધ્યે હાજર છે. આપણે વેદના અને લોહીલુહાન વર્તમાનનું રૂબરૂ કરાવતાં સાહિત્યની રચના કરવાની છે. આજે દલિત સાહિત્યનાં વળતાં પાણી ને સામા પાણી કરવાની જરૂર છે. સાહિત્યને એટલે સમાજનું દર્પણ કરવાનું છે. કોલેજ તરીકે અમે સ્વાયત્ત થયા છીએ. અભ્યાસક્રમમાં અમારા વિદ્યાર્થીઓ વ્યથાના વીતક અને ગિરાસમાં ડુંગરી ભણે છે. નારીવાદને ફક્ત ઉજળિયાતના સંદર્ભમાં જ નહિ પણ દલિત અને આદિવાસીનાં સંદર્ભમાં ભણાવાની જરૂર છે. આજ વિદ્યાર્થીઓ માંથી જ સાહિત્યનું નવું સોંદર્યશાસ્ત્ર પેદા થશે. નવું ટીકાત્મક સાહિત્ય પેદા થશે. જેના દ્વારા સાહિત્યનું નવુ વિવેચન પણ સર્જવાની શરૂઆત થશે. સાહિત્ય અને સોંદર્યનાં માપદંડો બદલાશે. લલિત સાહિત્યનાં માપદંડ બેદી રૂપ લાગશે. ત્યારે દલિત સાહિત્યનાં માપદંડ વધારે સાચા લાગશે ત્યારે વધારે દલિત સાહિત્ય સર્જાશે ત્યારે સાહિત્ય વધારે સંવેદનશીલ લાગશે. ત્યારબાદ જ દલિત સર્જનોની સેના ઊભી થશે”.
  
દલિત સાહિત્યના નવા સર્જકો કાચા માટલાં નહીં પણ પાકાં માટલાંરૂપે પેદા થાય - ડો. નીતિન ગુર્જર

આ પરિસંવાદના અતિથિ વિશેષ તરીકે વકતવ્ય આપતાં કર્મશીલ નીતિન ગૂર્જરે જણાવ્યું હતું કે, “દલિત સાહિત્યના સરકારીકરણના કારણે આજે અસલ દલિત સાહિત્ય ક્યાં છે તે શોધવું પડે. લલિત સાહિત્ય એટલે નાભી નાદથી ઉદ્દભવતું સાહિત્ય. જ્યારે દલિત સાહિત્ય દલિત શોષિત, પીડિત અને શ્રમિકના પગલાઓ અને પરસેવાની ગંધથી પેદા થયેલ સાહિત્ય છે. આજે એ દલિત સાહિત્ય ક્યાં છે એ આપણાં માટે સંશોધનનો વિષય છે. કોઈપણ દલિત સાહિત્યમાં પરિસંવાદમાં કવિઓ તો ઉમટી પડવા જોઈએ. તો જ સાચી સામાજિક પ્રતિબદ્ધતા કહેવાય. આજે તેની અછત વર્તાય છે. તેના માટે જવાબદાર કોણ? ડૉ. બી.આર. આંબેડકરના મૃત્યુ બાદ દલિત શ્રમજીવીના મનના વલોપાત પેદા થયો તેમાંથી સ્વયં-ભૂ સાહિત્યની રચના થઈ. ત્યારબાદ આ ડૉ. રમેશચંદ્ર પરમાર આ સાહિત્યનું ‘અંજલિ’ પુસ્તકરૂપે સંપાદન કરેલ હતું. તેમના આક્રોશ અને પેંથર મેગેઝીન દ્વારા પણ દલિત સાહિત્ય વેગ મળ્યો. દલપત ચૌહાણ, નીરવ પટેલ અને પ્રવીણ ગઢવી દ્વારા ‘કાળો સૂરજ’ શરૂ થયું. ત્યારબાદ બાલકૃષ્ણ આનંદ અને ચંદુ મહેરિયા વગેરે દલિત સાહિત્યમાં ઉમેરણ કર્યું. સાંબરડા હિજરતના બનાવમાં શંકર પેન્ટરની કવિતા “આ સાંબરડાનું સાંભેલું દિલ્લીમાં જઈને ડોલે” દ્વારા રાજકારણની પ્રક્રિયા બદલી નાંખી. આ સિવાય સાહિલ પરમાર દ્વારા લખવામાં આવ્યું કે “થયો શબ્દરૂપી અવતાર પગલાંનો” રચના કરી. નીરવ પટેલે જેતલપુર બનાવ વખતે લખ્યું કે “હું નહીં સૂવાનો કે તને નહીં સૂવા દેવાનો, હું એક ઘાસની ગંજીમાં પડયો પડયો ટીખરની જેમ પ્રજળું છું જોવું છું કોણ પાડે છે છીંડું, જોવું છું કોણ પાડે છે છીંડું” આ આંદોલનમાં કોણ છીંડું પાડી શક્યું ન હતુ. અનામત આંદોલન વખતે દલિત મહિલાએ આખા ગામના લોકોને પાછા કાઢ્યા. ત્યારે શંકર પેન્ટર ‘રંગ છે રતનબાઈ..’ દલિત મહિલાના શૌર્ય પર કાવ્ય લખ્યું હતું. આ સિવાય પરસોત્તમ જાદવે લખ્યું છે “આ તો દિયોર હેડવા માંડયા. એટલે તો મેં બારણે માર્યું હતું તાળું અને સાંકળ. આતો દિયોર હેડવા માંડયા”. પરતું આજે એ સવાલ થાય છે કે આ કોના માટે લખ્યું હતું. ડૉ. બાબા સાહેબનું નામ લઈને કોઈ ગાંધીનગર, તો કોઈ દિલ્લી એવાર્ડ લેવા હેડવા માંડયા છે. ઘરે તાળાં મારવાનું પણ ભૂલી ગયા છે. ભી. ન. વણકરે લખ્યું છે “આ ગાય અમારાં ઘરે ક્યારેય ચાલી નથી. ક્યારેય ભાંભરી નથી. અને દૂધ પણ દીધું નથી. પછી વિવાદ અને વિષાદ શું? દલિત સાહિત્યના નવા સર્જકો કાચા માટલાં નહીં પણ પાકાં માટલાંરૂપે પેદા થાય તેવી જ અભ્યર્થના’

દલિત સાહિત્ય નવા સર્જકો દ્વારા જ જીવતું રહેશે - પ્રવિણ ગઢવી

ઉદ્દઘાટન બેઠકના અધ્યક્ષ સાહિત્યકાર પ્રવીણ ગઢવીએ પોતાનું અધ્યક્ષીય પ્રવચન આપતાં જણાવ્યું હતું કે, “ઉપેક્ષિત સમાજનું સાહિત્ય દલિત સાહિત્ય સિવાય શક્ય નથી. ઉપેક્ષિત સાહિત્યની શરૂઆત પણ દલિત સાહિત્ય દ્વારા જ થઈ છે એવું મારૂ માનવું છે. દલિત સાહિત્ય એટલે પીડા અને વેદના વ્યક્ત કરતું સાહિત્ય. દલિતો દ્વારા જ આ પીડા અને વેદનાને લેખન સ્વરૂપે બહાર લાવવામાં આવી છે. શરૂઆતમાં ભજન અને લોકગીતમાં વ્યથા વ્યકત કરવામાં આવી છે. આપણે લોકગીતમાં વ્યક્ત કરતી દલિત પીડા વિશે એક સંગ્રહ પ્રગટ કરવાની જરૂર છે. મરાઠી સાહિત્યની જેમ ગુજરાતમાં નીરવ પટેલ અને દલપત ચૌહાણ દ્વારા દલિત સાહિત્ય વિશે લખવાની શરૂઆત કરી. પહેલાં પણ અત્યાચારો થતાં હતા અને આજે પણ અત્યાચારો થાય છે. મૂછ વધારે, દાઢી રાખે કે ઘોડા પર બેસે તોપણ અત્યાચારો થાય છે. આજના છાપાંઓ એકપણ દિવસ અત્યાચારના બનાવો વિના ખાલી જતાં નથી. અનેક દલિત અત્યાચારોના બનાવોની નોંધ પણ લેવામાં આવતી નથી. એક ગોલાણાના બનાવમાં સુપ્રીમ કોર્ટ સુધી જઈને દલિતોને ન્યાય અપાવ્યો હતો. શહેરી સ્થળાંતર વધારાના કારણે શહેરોમાં પણ નવા સ્વરૂપની આભડછેટ જોવા મળે છે. આ બધા મુદ્દા પર દલિત સાહિત્યનું સર્જન થયેલ જોવા મળે છે. આપણી સામે પડકાર એ છે કે દલિત સાહિત્યનું વિવેચન ખૂબ જ ઓછું થાય છે. મરાઠી સાહિત્યને વૈશ્વિક ઓળખ મળી તે પાછળ સંશોધકોનું વિવેચન જવાબદાર છે. પરંતુ ગુજરાતી દલિત સાહિત્યનું વિવેચન ખૂબ ઓછું થાય છે. દલિત સાહિત્ય એક દીવો છે જેનાથી જેટલો પ્રકાશ કરવો હોય તેટલો થઈ શકે તેમ છે. દલિત સાહિત્યને જીવતું રાખવું હશે તો તે નવા સર્જકો દ્વારા જ જીવતું રહેશે. દલિત સાહિત્યમાં નવા સર્જકો દ્વારા આજે દલિત સાહિત્યના ચડતા પાણી છે”


ઉદ્દઘાટન બેઠકની પૂર્ણાહુતિ બાદ પરિસંવાદનું પ્રથમ બેઠક “કચડાયેલા સમાજની વાસ્તવિકતાનું દલિત સાહિત્યમાં નિરૂપણ” ની શરૂઆત થઈ. આ બેઠકના અધ્યક્ષસ્થાને ભીખુભાઈ વેગડા, લેખક અને સાહિત્યકાર (ધોળકા) એ સત્રને આગળ ધપાવ્યું. આ સત્રમાં કુલ ચાર લેખોની રજૂઆત કરવામાં આવી. પ્રથમ લેખ દશરથ પરમાર, સાહિત્યકાર(મહેસાણા) દ્વારા રજૂઆત કરી. તેમણે “ગુજરાતી દલિત વાર્તામાં વાસ્તવનું આલેખન” વિશે વિસ્તારની વકતવ્ય આપ્યું. ત્યારબાદ ડૉ. રાજેશ વણકર, આસિસ્ટન્ટ પ્રોફેસર, સરકારી વિનયન કૉલેજ ગરબાડા(દાહોદ) દ્વારા “ગુજરાતી નવલકથામાં દલિત સમાજનું નિરૂપણ” વિષય સંદર્ભે પોતાનો લેખ આગવી શૈલી રજૂ કર્યો. ડૉ. અંજલી લકુમ, આસિસ્ટન્ટ પ્રોફેસર, શ્રી નર્મદા એમ.એસ.ડબલ્યુ. કોલેજ (માંગરોળ) દ્વારા “દલિત સંશોધન સાહિત્યમાં સામાજિક વ્યવસ્થાનું સ્વરૂપ” વિશે ગ્રામીણ વિસ્તારમાં બનતાં અત્યાચાર બનાવો વિશે રજૂઆત કરી. આ સિવાય આ સત્ર છેલ્લા વક્તા તરીકે ડૉ. ધીરજ વણકર, હિન્દી વિભાગ, જી.એલ.એસ કોલેજ ફોર ગર્લ્સ(અમદાવાદ) દ્વારા ”ગુજરાતી દલિત કવિતા અને ઉપેક્ષિત સમાજ” વૈશ્ય પર આગવી છટામાં પોતાનો લેખ રજૂ કર્યો હતો.

ભોજન વિરામ બાદ રમણભાઈ વાઘેલા, સાહિત્યકાર (ગાંધીનગર) ના અધ્યક્ષસ્થાને બીજી બેઠક “દલિત સાહિત્યકારોનું પ્રદાન” શરૂ કરવામાં આવી. આ સત્રમાં કુલ ત્રણ વક્તાઓએ પોતાના લેખ રજૂ કર્યા હતા. સૌપ્રથમ ડૉ. પુરણ મકવાણા, એસોસિયેટ પ્રોફેસર, સેંટ ઝેવિયર્સ કોલેજ (સ્વાયત્ત), અમદાવાદ દ્વારા “ગુજરાતી દલિત નિબંધકારોનું પ્રતીતિજન્ય આત્મકથન” વિષય પર સુંદર લેખ રજૂ કર્યો. તેમણે કહ્યું કે દલિત સાહિત્યમાં દલિત નિબંધકારો વિશે વધુ ખેડાણની કરવાની આવશ્યકતા છે. સંજય ચૌહાણ, શિક્ષક અને સાહિત્યકાર(મહેસાણા) દ્વારા “મોહન પરમારની વાર્તાઓમાં દલિત સંવેદન” વિષય પર પોતાનો લેખ રજૂ કર્યો. આજ સત્રના છેલ્લા વક્તા તરીકે પ્રવિણ શ્રીમાળી, લેખક (ગાંધીનગર) દ્વારા “દલિત સાહિત્યકારોનું પ્રદાન” વિષય પર પોતાની વાત મૂકી.
  
ત્રીજી બેઠક “દલિત સાહિત્યમાં નારી સમસ્યાઓ” રાજેન્દ્ર રોહિત, પૂર્વ આચાર્ય, સેલવાસ કોલેજ, સેલવાસના અધ્યક્ષસ્થાને શરૂ થઈ. આ બેઠકમાં ત્રણ મહિલા વકતાઓ દ્વારા પોતાનો લેખ રજૂ કરવામાં આવ્યો. જેમાં સૌપ્રથમ વક્તા તરીકે  ડૉ. મિતાલી સમોવા, લેખક અને સંયોજક, મહિલા અધિકાર મંચ (અમદાવાદ) દ્વારા “દલિત સાહિત્યમાં નારીવાદ” વિષય પર પોતાનો લેખ રજૂ કર્યો. તેમણે વૈશ્વિક સ્તરેથી લઈને ગુજરાતના દલિત સાહિત્યમાં નારી વિમર્શ વિશે વાત કરી. ત્યારબાદ બીજા વક્તા ડૉ. ઉષા રાઠોડ, આસિસ્ટન્ટ પ્રોફેસર, એમ. એડ. ઈન્સ્ટીટયુટ (મોડાસા) દ્વારા “ભારતીય નારીની વ્યથા” પર પોતાનું વક્તવ્ય આપ્યું. આ બેઠકના છેલ્લો લેખ ભારતીબેન વાઘેલા, શિક્ષક અને પીએચ.ડી વિદ્યાર્થી, ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલય (ગાંધીનગર) દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. તેમણે “દલિત સાહિત્યમાં નિરૂપણ પામેલા નારીજીવનના પ્રશ્નો” વિશે વિસ્તારથી રજૂઆત કરી. 

ચોથી બેઠક “બહુજન સાહિત્યનો ઉદ્દભવ અને વિકાસ: પછાત વર્ગ અને આદિવાસી સાહિત્યના સંદર્ભમાં” વિનોદ ગાંધી, લેખક (ગોધરા) ના અધ્યક્ષીયસ્થાને શરૂ કરવામાં આવી. આ બેઠકમાં બે લેખો રજૂ થયા. જેમાં પ્રથમ વક્તા તરીકે ડૉ. આનંદ વસાવા, એસોસિયેટ પ્રોફેસર, ગુજરાતી વિભાગ, ગુજરાત યુનિવર્સિટી(અમદાવાદ) દ્વારા “ગુજરાતી આદિવાસી સાહિત્યમાં વંચિત સંવેદન” વિષય પર લેખિત અને અલેખિત આદિવાસી સાહિત્ય વિશે ઊંડાણપૂર્વક વાત રજૂ કરી. છેલ્લે ડૉ. હરપાલ બૌદ્ધ, એસોસિયેટ પ્રોફેસર, ઇતિહાસ વિભાગ, ગુજરાત યુનિવર્સિટી(અમદાવાદ) દ્વારા “બહુજન સાહિત્ય ઉદ્દભવ અને વિકાસ” વિષય પર પોતાનો લેખ રજૂ કર્યો હતો. બહુજન સાહિત્યને ઔતિહાસિક પરિપેક્ષ્યમાં સુંદર રીતે વર્ણન કર્યું. છેલ્લે સમાપન વકતવ્ય પ્રો. જગદીશ સોલંકી, ચેરમેન, SSWARI (વડોદરા) દ્વારા આપવામાં આવ્યું. અને પ્રોફેસર મનુભાઈ મકવાણા, ડાયરેક્ટર, SSWARI, (વડોદરા) દ્વારા આભારદર્શનની રજૂઆત કરવામાં આવી કર્યો.

કાર્યક્રમમાં દિગ્ગજ વાર્તાકાર દલપત ચૌહાણ, અગ્રણી કવિ સાહિલ પરમાર, પ્રો. અરૂણ વાઘેલા સહિત મોટી સંખ્યામાં લેખકો, કવિઓ, કર્મશીલો, વિદ્યાર્થીઓએ રાજ્યના વિવિધ શહેરો, ગામડાઓમાંથી હાજર રહ્યા હતા. સમગ્ર પરિસંવાદના સંયોજક તરીકે ડૉ. રાજેશ લકુમે ભૂમિકા ભજવી હતી. એક્ટિવિસ્ટ અને ફોટોગ્રાફર લંકેશ ચક્રવર્તીએ ફોટોગ્રાફીનું કાર્ય સંભાળ્યું હતું. મુક્તિ બરોટ, જગદીશભાઈ અને કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા રજિસ્ટ્રેશન અને પરિસંવાદને લગતી અન્ય કામગીરી કરી હતી.

અહેવાલ - ડૉ. રાજેશ લકુમ, અમદાવાદ

આગળ વાંચોઃ બાબુ હરદાસના મનમાં ‘જય ભીમ’ શબ્દો એક મુસ્લિમ વ્યક્તિને જોઈને આવેલા

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.