બાબુ હરદાસના મનમાં ‘જય ભીમ’ શબ્દો એક મુસ્લિમ વ્યક્તિને જોઈને આવેલા
જય ભીમ ઉર્જા નો સ્ત્રોત છે, ક્રાંતિ ની જ્વાળા છે, વિચારોની પ્રજ્વલિત જ્યોત છે, કરોડો વંચિત, શોષિત પીડિત સમાજનો અવાજ છે. દુનિયાભરમાં બહુજન સમાજની ઓળખ બની ચૂકેલા આ નારાનો ઈતિહાસ પણ રસપ્રદ છે.
13 ડિસેમ્બર 1945ના રોજ નાગપુરની પરિષદમાં પહેલીવાર ‘જય ભીમ’ નો નારો લાગ્યો હતો. આજે તે એક નારો નહિ પણ સામાજિક અન્યાય સામે વિદ્રોહનું પ્રતીક બની ગયો છે. જય ભીમ ઉર્જા નો સ્ત્રોત છે, ક્રાંતિ ની જ્વાળા છે, વિચારોની પ્રજ્વલિત જ્યોત છે, કરોડો વંચિત, શોષિત પીડિત સમાજનો અવાજ છે. દુનિયાભરમાં બહુજન સમાજની ઓળખ બની ચૂકેલા આ નારાનો ઈતિહાસ પણ રસપ્રદ છે. જય ભીમનો નારો બાબુ હરદાસે આપેલો એ તો હવે જાણીતી વાત છે, પણ તેની પાછળની કહાની અને તેના આપનાર વિશે પણ વિસ્તારથી જાણીએ.
કોણ હતા બાબુ હરદાસ?
બાબુ હરદાસનું પૂરું નામ હરદાસ લક્ષ્મણરાવ નાગરલે હતું. તેમનો જન્મ 6 જાન્યુઆરી 1904ના રોજ મહારાષ્ટ્રના નાગપુર જિલ્લાના કામઠી ગામમાં મહાર જાતિમાં થયો હતો. જેને કથિત રીતે નીચલી જાતિ માનવામાં આવતી હતી. તેમના પિતા રેલવેમાં ક્લાર્ક હતા. તેમણે મેટ્રિકનો અભ્યાસ નાગપુરથી કર્યો હતો અને સંસ્કૃતિનું પણ સારું જ્ઞાન હતું. એક દલિત નેતા, રાજકારણી અને સમાજ સુધારક એવા બાબુ હરદાસ ડૉ.આંબેડકરને પોતાના આદર્શ માનતા હતા. તેમણે તમામ આંદોલનોમાં ડૉ.આંબેડકરનો સાથ આપ્યો હતો. બાબુ હરદાસ કામદારોના નેતા હતા અને બાદમાં સ્વતંત્ર મજૂર પક્ષના મહાસચિવ બન્યા હતા. 1937માં તેઓ નાગપુર કામઠી વિધાનસભામાં પ્રથમ ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.
‘જય ભીમ’નો નારા કેવી રીતે આવ્યો?
તમને જાણીને નવાઈ લાગશે કે બાબુ હરદાસના મનમાં ‘જય ભીમ’ શબ્દો પહેલીવાર એક મુસ્લિમ વ્યક્તિને જોઈને આવ્યા હતા. તેમણે જોયું કે મુસ્લિમ સમાજના લોકો જ્યારે એકબીજાને શુભેચ્છા પાઠવવા માટે 'અસ્સલામ અલેકુમ' કહે છે, ત્યારે તેના જવાબમાં સામેની વ્યક્તિ પણ 'વાલેકુમ-સલામ' કહે છે. આ જોઈને બાબુ હરદાસે વિચાર્યું કે આપણે પણ મુસ્લિમ ભાઈઓની જેમ એકબીજાને શુભેચ્છા પાઠવી જોઈએ.
એ પછી તેમણે શુભેચ્છામાં શું કહેવું જોઈએ તે વિચારવાનું શરૂ કર્યું. અચાનક તેમના મનમાં વિચાર આવ્યો કે આપણે એકબીજાને “જય ભીમ” કહીને અભિવાદન કરીએ તો કેવું! આ વાત તેમણે કાર્યકરોને કરી અને સૌને ગમ્યું. એ પછી તેમણે કાર્યકર્તાઓને કહ્યું કે, “હું તમને બધાને અભિવાદન કરતી વખતે 'જય ભીમ' કહીશ અને તમારે જવાબમાં 'બલ ભીમ' કહેવું.” ત્યારથી આ પ્રથા શરૂ થઈ. અહીં એક સવાલ એ થાય કે ‘જય ભીમ’ ના જવાબમાં ‘બલ ભીમ’ બોલવાનું કેમ નક્કી થયું હશે?
.હકીકતમાં થયું એવું કે બહુજન સમાજમાં શરૂઆતમાં ‘જય ભીમ’ની સામે ‘બલ ભીમ’ કહીને સ્વાગત કરવામાં આવતું હતું. પણ પછી સમયની સાથે સમાજના લોકોએ તેમાં ફેરફાર કર્યો અને ‘જય ભીમ’ની સામે ‘બલ ભીમ’ને બદલે ‘જય ભીમ’ જ કહેવાનું શરૂ કરી દીધું. જેના કારણે ‘બલ ભીમ’ ધીમે ધીમે ઉપયોગમાંથી ગાયબ થઈ ગયું અને તેનું સ્થાન ‘જય ભીમે’ જ લઈ લીધું. ત્યારથી લઈને આજ સુધી 'જય ભીમ'થી જ સ્વાગત ચાલુ છે. આજે પણ, ‘જય ભીમ’નો આ નારો દેશના 85 ટકા મૂળનિવાસી બહુજન સમાજને એક તાંતણે બાંધતા એક દોરા તરીકે કામ કરે છે. મોટાભાગના બહુજનો પોતાના મૂળનિવાસી હોવાનો અહેસાસ ‘જય ભીમ’ની સામે ‘જય ભીમ’થી અભિવાદન થાય ત્યારે અનુભવે છે. ‘જય ભીમ’નો નારો તેમનો પોતિકો લાગે છે. દુનિયાના કોઈપણ ભાગમાં ‘જય ભીમ’ બોલાય એ પછી બહુજનોને બીજી કોઈ ચિંતા સતાવતી નથી.
બાબુ હરદાસનું યોગદાન
17 વર્ષની ઉંમરે બાબુ હરદાસે દલિતોમાં સામાજિક જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે નાગપુરમાં 'મહારાષ્ટ્ર' નામના સાપ્તાહિકની સ્થાપના કરી હતી. તેમણે વર્ષ 1922માં મહાર સમાજ સંગઠનની સ્થાપના કરીને મહાર સમુદાયને સંગઠિત કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે અસંગઠિત મહાર યુવાનોને દલિતો પર થતા અત્યાચારોથી બચાવવા માટે એક સ્વૈચ્છિક કોર ગ્રુપ અને મહાર સમાજ પાઠકની પણ રચના કરી હતી. તેમણે દલિત મહિલાઓને સશક્ત, આત્મનિર્ભર અને મજબૂત બનાવવા માટે તાલીમ કેન્દ્ર તરીકે મહિલા આશ્રમ ખોલ્યો. તેમજ બીડી કામદારોને શોષણથી બચાવવા માટે સહકારી ધોરણે બીડીનું કામ શરૂ કર્યું હતું, જે ગામમાં ખૂબ જ સફળ રહ્યું હતું.
હરદાસ કુરિવાજો અને અંધશ્રદ્ધાના ભારે વિરોધી હતા. તેમણે દલિતોમાં પ્રસરેલા પેટાજાતિવાદની અડચણનો સખત વિરોધ કર્યો હતો. તેમણે મહાર સમુદાયના 14મી સદીના સંત ચોખામેલાની પુણ્યતિથિ પર વાર્ષિક સામાજિક રાત્રિભોજનનું આયોજન કર્યું હતું. તેઓ મૂર્તિપૂજાના વિરોધી હતા. 1927માં તેમણે રામટેક ખાતે ખેડૂત ફાગુજી બંસોડની અધ્યક્ષતામાં તેમના ભાઈઓ સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું. આ બેઠકમાં હરદાસે તેમના લોકોને રામટેકના મંદિરમાં મૂર્તિપૂજા શરૂ કરવા અને ત્યાંના ગંદા તળાવમાં નહાવાનું બંધ કરવા હાકલ કરી હતી. જો કે, તેમણે 2 માર્ચ 1930ના રોજ શંકર મુકુંદ બેલે નામની વ્યક્તિની આગેવાની હેઠળ તેમના અનુયાયીઓનાં એક જૂથને ડો. આંબેડકરના સમર્થનથી કાલારામ મંદિર પ્રવેશ સત્યાગ્રહમાં ભાગ લેવા મોકલ્યા હતા. એ વખતે તેમણે કહ્યું કે આ અસમાનતાની વિરુદ્ધની લડાઈ છે અને વ્યક્તિએ મૂર્તિઓની પૂજા ન કરવી જોઈએ.
શિક્ષણમાં યોગદાન
હરદાસ દલિતોના શિક્ષણના પ્રબળ હિમાયતી હતા. તેમણે પોતે મેટ્રિક સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. જે તે સમયે દલિતો માટે એક દુર્લભ બાબત ગણાતી હતી. તેમણે મહાર સમાજના કહેવાથી 1927માં કામઠીમાં રાત્રિ શાળાઓ શરૂ કરી હતી. તેમની આ શાળામાં એક સમયે 86 છોકરાઓ અને 22 છોકરીઓ અભ્યાસ કરી શકતા હતા. તે જ સમયે તેમણે કામઠીમાં સંત ચોખમેલા પુસ્તકાલય પણ ખોલ્યું.
હરદાસ એક પ્રભાવશાળી લેખક હતા અને મોટે ભાગે હતાશ વર્ગોમાં સામાજિક જાગૃતિ લાવવા માટે તેમના લેખન કૌશલ્યનો ઉપયોગ કરતા હતા. તેમણે 1924માં સમાજમાં રહેલી ખરાબીઓ સામે લોકોમાં જાગૃતિ લાવવા માટે 'મંડલ મહાત્મે' પુસ્તક લખ્યું હતું. તેમણે લોકોમાં આ પુસ્તકની મફત નકલો વહેંચી. આ પુસ્તકે લોકો પર નોંધપાત્ર અસર કરી અને ગામના દલિતોએ હિન્દુ દેવી-દેવતાઓ પર આધારિત નાટકો જોવાનું અને માણવાનું બંધ કરી દીધું હતું. તેમણે વીર બાલક(બહાદુર બાળક) નાટક પણ લખ્યું અને લોકોમાં જાગૃતિની નવી લહેર ઊભી કરવા માટે તેનું મંચન કરાવ્યું. ડો. આંબેડકર દ્વારા સંપાદિત સાપ્તાહિક 'જનતા'માં પણ તેમના લેખો પ્રકાશિત થયા હતા.
હરદાસનું રાજકીય જીવન
હરદાસ વર્ષ 1928માં પહેલીવાર બાબા સાહેબને મળ્યા હતા. જો કે તેમણે તેમની સામાજિક પ્રવૃત્તિઓ ખૂબ અગાઉથી શરૂ કરી દીધી હતી. એ જ વર્ષે ડૉ. આંબેડકરે તેમને સાયમન કમિશન સમક્ષ તેમની જુબાની આપવા વિનંતી કરી. બાદમાં વર્ષ 1930-31માં બીજી ગોળમેજી પરિષદના સંદર્ભમાં જ્યારે અસ્પૃશ્યોના વાસ્તવિક નેતૃત્વ અંગે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા, ત્યારે હરદાસે UKના તત્કાલીન વડાપ્રધાન રામસે મેકડોનાલ્ડને એક તાર મોકલ્યો કે ડૉ. આંબેડકર જ અસ્પૃશ્યોના સાચા નેતા છે, મહાત્મા ગાંધી નહીં. તેમણે દેશના જુદા જુદા ભાગોમાં આ વિશે અભિપ્રાય પણ બનાવ્યો અને વિવિધ અસ્પૃશ્ય નેતાઓ દ્વારા મેકડોનાલ્ડને કુલ 32 તાર મોકલ્યા.
બાબાસાહેબની જેમ હરદાસ પણ વિધાનસભાઓમાં દલિતોની વધુ ભાગીદારી ઇચ્છતા હતા. તેમણે કેન્દ્રીય પ્રાંતો અને બેરારના ગવર્નરને વિધાન પરિષદ, જિલ્લા સ્થાનિક બોર્ડ અને નગરપાલિકાઓમાં દલિતો વર્ગોના સભ્યોને નોમિનેટ કરવા અપીલ કરી. તેઓ 8 ઓગસ્ટ 1930 ના રોજ નાગપુર ખાતે દલિત વર્ગોની કોન્ફરન્સના મુખ્ય આયોજકોમાંના એક હતા જેની અધ્યક્ષતા ડૉ. આંબેડકરે કરી હતી. આ કોન્ફરન્સમાં દલિત વર્ગો માટે અલગ ઈલેક્ટોરલ કોલેજનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. આ સંમેલને અખિલ ભારતીય દલિત વર્ગ સંઘની રચના કરી અને હરદાસ તેના જોઈન્ટ સેક્રેટરી તરીકે ચૂંટાયા. આ સંઘનું બીજું સંમેલન 7 મે 1932ના રોજ કામઠીમાં યોજાયું હતું અને હરદાસ તેની સ્વાગત સમિતિના અધ્યક્ષ હતા. આ બેઠકમાં તેઓ ફેડરેશનની રાષ્ટ્રીય સંસ્થાના સચિવ તરીકે ચૂંટાયા હતા.
હરદાસ 1936માં સ્વતંત્ર મજૂર પક્ષ(ILP)ની કેન્દ્રીય પાર્ટી(CP) અને બેરાર શાખાના સેક્રેટરી બન્યા. તેઓ 1937માં નાગપુર-કામઠી મતવિસ્તારમાંથી વિધાનસભા ચૂંટણી લડ્યા અને જીત્યા. 1938માં તેમને ILPની CP અને બેરાર શાખાના પ્રમુખ તરીકે પણ નિયુક્ત કરવામાં આવ્યા હતા. 1939માં તેઓ ક્ષય રોગથી બીમાર પડ્યા અને 12 જાન્યુઆરી 1939ના રોજ તેમનું અવસાન થયું.
હરદાસે તેમના મૃત્યુ પછી પણ દલિત વર્ગ પર નોંધપાત્ર અસર છોડી હતી. તેમના માટે કહેવાય છે કે, જેમ ધૂમકેતુ દેખાય છે, સમગ્ર આકાશમાં પ્રકાશ રેલાવે છે અને પછી તરત જ અદૃશ્ય થઈ જાય છે, એવું જ કંઈક હરદાસ સાથે થયું હતું. તેમના દ્વારા રચવામાં આવેલો 'જય ભીમ'નો નારો આજે બહુજનોમાં વાતચીત અને સ્વાગતનો સર્વસ્વીકૃત સામાન્ય શબ્દ બની ગયો છે. 2016માં નિર્માતા ધનંજય ગલાણીએ "બોલે ઈન્ડિયા જય ભીમ" નામની ફિલ્મ બનાવી હતી, જેમાં હરદાસના જીવન અને કાર્યને દર્શાવવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : ગઢડાના ઢસા વીશી ગામના સફાઈકર્મીઓનું આંદોલન 40માં દિવસમાં પ્રવેશ્યું
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો.