કોણે કહ્યું કે મધુકાંત કલ્પિત એક અફવા છે?

ગઈકાલે કેસરિયા ટશરનું આકાશના કવિ મધુકાંત કલ્પિતનું અવસાન થયું છે ત્યારે જાણીતા કવિ, લેખક અને વક્તા અશોક ચાવડા 'બેદિલ' તેમની સર્જનયાત્રાના વાગોળે છે.

કોણે કહ્યું કે મધુકાંત કલ્પિત એક અફવા છે?

અશોક ચાવડા 'બેદિલ'

સ્વ. કવિશ્રી નીરવ પટેલ સાથે અનેક દલિત કવિઓના પરિચયમાં આવવાનું થયું એ દાયકો 1996-97નો, પણ 1996-2024 સુધીની વિગતે વાત કરવાનો હાલ અવકાશ નથી, પણ ગઈ કાલે પ્રિય મધુકાન્ત કલ્પિતના નિધનના સમાચાર મળ્યા ને મન અતીતમાં સર્યું. સાઇકલયાત્રા થકી 1997-98માં ચાંદખેડામાં શ્રી મધુકાન્ત કલ્પિતને ત્યાં અવારનવાર આ પ્રકારની કાવ્યચર્ચા માટે મિત્ર દિલીપ દવે સાથે જવાનું થતું અને સર્વશ્રી મધુકાન્ત કલ્પિત, મોહન પરમાર, હરીશ મંગલમ્, અરવિંદ વેગડા, તુષાર સોલંકી, મીના કામલે, પ્રિયંકા કલ્પિત સહિત કેટલાય કવિમિત્રો સાથે હળવા-મળવાનું થતું. ત્યારથી એ રાતો, વાતો, મુલાકાતો વિશે લખવા એટલી જ રાતો, વાતો, મુલાકાતો જોઈએ. ખૈર, છેલ્લે 23 ઑગસ્ટ 2022ના રોજ કવિશ્રી મધુકાન્ત કલ્પિતનો ઇન્ટર્વ્યૂ અમદાવાદ દૂરદર્શન માટે લીધો હતો. એ તસવીર સાથે નવેમ્બર, 2011માં 'કવિલોક'માં પ્રકાશિત લેખ 'કોણે કહ્યું કે મધુકાન્ત કલ્પિત એક અફવા છે?' સાથે કવિશ્રી મધુકાન્ત કલ્પિતની ચેતનાને વંદન.

૧૯૭૯માં ‘કેસરિયા ટશરનું આકાશ’ કાવ્યસંગ્રહ આપી સાહિત્ય-વિશ્વમાંથી કોઈ નવીન કલ્પન-વિશ્વમાં સ્થાયી થયેલ કવિ સાચોસાચ મધુકાન્ત કલ્પિત એક અફવા છે તેવું પ્રવર્તમાન ગુજરાતી સાહિત્યમાં પ્રસ્થાપિત થઈ જાય તે પહેલાં ‘તરજૂમો’ અને ‘મધુકાન્ત કલ્પિત એક અફવા છે’ તેવાં બે કાવ્યસંગ્રહો સાથે પોતાની સાહિત્યિક હયાતીનો હોંકારો દે છે.

૧૮ નવેમ્બર ૧૯૪૫ના રોજ મહેસાણા જિલ્લાના લાંઘણજ ગામે જન્મેલા આ કવિએ માનસશાસ્ત્રનો સ્નાતક કક્ષાનો અભ્યાસ કર્યો હતો; પણ કાવ્યશાસ્ત્રનો અભ્યાસ તો ‘બુધસભા’માંથી. મુરબ્બી બચુભાઈ રાવતની ‘બુધસભા’ની કસોટીમાંથી પાર ઉતરેલા કવિઓની કતાર લાં...બી... છે. આપણે તો આ કતારમાંના એક કાવ્યદીપકના અજવાસને જ સહેજ વધુ કાવ્ય-પ્રકાશિત થવાય તેમ નિકટથી જોવો છે.

આ પણ વાંચોઃ લોહીની કલમે લખાયેલું મારું સઘળું સાહિત્ય બોલતું રહેશેઃ જૉસેફ મૅકવાન

સાવ સરળ સ્વભાવ હોવા છતાં ધારદાર વિચારો ધરાવતો આ સર્જક કોઈ અગમ્ય કારણસર પડદા પાછળ રહ્યો છે. શારીરિક, માનસિક, સામાજિક વ્યાધિઓના ચક્રવ્યૂહમાં અટવાતા અટવાતા પણ કવિએ કલમના વહેણને અટકાવ્યું નથી તે તેમની કલમપ્રીતિ છે. મુખ્યત્વે પદ્યમાં અને એમાંય ગીતસર્જનનો ઝોક ધરાવતા આ કવિએ અન્ય કાવ્યસ્વરૂપો ઉપરાંત ગદ્યમાં પણ વાર્તા, નવલ અને વિવેચન જેવાં સાહિત્ય સ્વરૂપો ખેડ્યા છે, એટલું જ નહીં આ ખેડાણની નોંધ લેવી પડે તેમ આ સ્વરૂપોને હસ્તગત કર્યા છે. કવિના સર્જનનો આ વ્યાપ-વિસ્તાર તો સહજ યાદ કર્યો છે, અન્યથા અહીં તો કવિના ત્રણે કાવ્યસંગ્રહોમાંથી ગીતકવિને જાણવાનો, માણવાનો અને પ્રમાણવાનો જ ઉપક્રમ રાખ્યો છે. વયની સાથે લય ભળ્યો ને અવિરત સર્જનની ફલશ્રુતિ રૂપે કવિ મધુકાન્ત કલ્પિતે તાજેતરમાં જ ઉપર્યુક્ત બે કાવ્યસંગ્રહો આપીને પદ્યમાં તેમનાં પ્રદાનની સંખ્યા ત્રણ કરી છે.

‘કેસરિયા ટશરનું આકાશ’માં ૧૮ ગીત, ૨ ગઝલ અને ૩૦ ગદ્ય કવિતા એમ કુલ ૫૦ કવિતાઓમાંથી તમામે તમામ ૧૮ ગીત નવા ગીતસંગ્રહ ‘મધુકાન્ત કલ્પિત એક અફવા છે’માં પુનઃ પ્રકાશિત થયા છે, તો ‘તરજૂમો’ કાવ્યસંગ્રહમાં પણ એક ગદ્ય કવિતા પુનઃ પ્રકાશિત થઈ છે. આમ, ‘કેસરિયા ટશરનું આકાશ’ની હાજરી કવિના તાજેતરના સંગ્રહોમાં પણ દેખાય છે. ‘કેસરિયા ટશરનું આકાશ’ કવિતાસંગ્રહમાં ગદ્ય કવિતાઓનું ખેડાણ સવિશેષ હોવા છતાં આ કાવ્યસંગ્રહ દ્વારા કવિની ઓળખ ગીતકવિ તરીકે વિશેષ પ્રતિષ્ઠાપિત થઈ. આ સંગ્રહ વિશે પ્રસ્તાવનાકાર હસિત હ. બૂચ નોંધે છે, “કવિત્વ-કવિકર્મ, કવિમૂડ અને કવિની લયવાહી પીંછી ‘કેસરિયા ટશરનું આકાશ’માં જે લિજ્જત સર્જે છે એ કવિની શક્તિનું ઊંડાણ અનુભવાવે છે, એમાં પ્રગટતાં પાસાં જાતભાતનાં છે, એવાં જ સત્ત્વથી પુલકિત છે. ગમગીનીનાં પાતળાં ભરત હજી જોતા હોઈએ ત્યાં અહીં આઠે અંગે કસ્તૂરિયા મારગની પાળો તૂટતીયે અનુભવીએ આપણે અને ‘પોએટિક પેઇન્સ’ની યે જે લિજ્જત હોય છે એમાં આપણે ય તદ્‌રૂપ થઈ જઈએ છીએ.” આ ગદ્યાંશ આ સંગ્રહ વિશે પૂરતો છે, જે કવિની સંપૂર્ણ છબીને ભાવકમનમાં ઉપસાવે છે. 

‘તરજૂમો’ એ દલિત કવિતાસંગ્રહ છે, અને ‘તરજૂમો’માંની ૩૬ કવિતાઓમાંથી ૬ ગીતો ‘મધુકાન્ત કલ્પિત એક અફવા છે’ ગીતસંગ્રહમાં સમાવિષ્ટ છે. મુખ્યત્વે ‘તરજૂમો’ કવિની ગદ્યકવિતાઓનો આયનો છે, જેમાં દલિતતત્ત્વ ભારોભાર ધરબાયેલું છે. છેવાડાના માનવીની મનોવ્યથાને કવિ કવિતામાં ઢાળવામાં મહદ્‌અંશે સફળ રહ્યા છે. દલપત ચૌહાણ આ સંગ્રહને ‘વેદનાનો તરજૂમો’ કહી આવકારતા લખે છે, “આ કવિની અછાંદસમાં છંદ નથી, પણ લય છે. ગુંજન નથી, મમળાટ છે. ધડાકા નથી, સંવેદન સભરતાભરી લક્ષણા વિશેષ પથરાયેલી છે. ગીતોમાં લોકલય છે, તાજપ અને તૃષ્ટિ છે. ન સાંભળ્યાં પ્રતીક ને, ન થરક્યા અવાજ છે. ગામઠી મિજાજ અને શબ્દનું વજન છે. તોલ છે. એક એક થરકાટને પોતાની ગતિ છે એટલે જ ગ્રામ્ય જીવનનું ઝમતું વેદનાસભર ઝરણું છે.”

આમ, ઉપર્યુક્ત બંને સંગ્રહને પ્રસ્તાવનાકાર જ ખોલી આપે છે. આપણો ઉદ્દેશ તો ગીતકવિ મધુકાન્ત કલ્પિતને માણવાનો છે, જાણવાનો છે અને આ ઉદ્દેશ ‘મધુકાન્ત કલ્પિત એક અફવા છે’ ગીતસંગ્રહથી જ પરીપૂર્ણ થશે. વળી, આ ત્રણે સંગ્રહોને ધ્યાને રાખી સમગ્રયતા જોઈએ તો મધુકાન્ત કલ્પિતમાં કવિના બે સ્વરૂપ જોવા મળે છે, એક લલિત કવિ અને બીજો દલિત કવિ. એમનામાંના લલિત કવિને ગીત પ્રત્યે લગાવ છે અને દલિત કવિને ગદ્ય કવિતા પ્રત્યે. 

‘મધુકાન્ત કલ્પિત એક અફવા છે’ ગીતસંગ્રહમાં કાવ્યાત્મક કેફિયત ‘મારી પીડાપોથીનું રહેતઘર’ અંતર્ગત કવિએ લખેલી આત્મનોંધ કવિના કવિકર્મને ખોલી આપવામાં યથાયોગ્ય ખપ આવે છે. કવિ લખે છે, ‘જીવનની વિષમતાઓ, ભૌતિક સંકુલતાઓ અને વૈચારિક સંઘર્ષોના પ્રત્યાઘાત રસબસ થયેલા સંવેદનરૂપે, વહેલા-મોડા, સાવ સહજ કે વિસ્મયકારક, ક્યાંક સળંગ કે ક્રમિક, ક્યારેક અછડતી એકાદ પ્રારંભિક પંક્તિરૂપે કે ગુચ્છમાં, ગમે ત્યારે ધક્કો મારીને પણ તકાજો કરે છે ત્યારે મને કલમ થામવી ગમે છે.’ આ ગદ્યાંશ ઘણું બધું બલ્કે બધું જ કહી જાય છે.

ચંદ્રકાન્ત શેઠ પણ ‘જાતવફાઈના સર્જક’ એમ સૂચવી લખે છે, ‘‘કવિશ્રી મધુકાન્તનું ‘કલ્પિત’ નામ સાર્થક લાગે એવી કલ્પકતા પ્રસ્તુત ગીતસંગ્રહમાં છે. તળપદ જીવનનું ભાવદર્શન, એને વિલક્ષણ રીતે લયાન્વિત બાનીમાં રજૂ કરવાની કવિની મથામણ અહીં જોવા મળે છે. રમેશ પારેખની ગીતપરંપરા આ કવિમાં કંઈક અનોખા વાંકવળાંક દેખાડે છે. એમાં પ્રશ્નાર્થો છે ને વિસ્મયાર્થો પણ છે.’’
‘મધુકાન્ત કલ્પિત એક અફવા છે’ સંગ્રહમાં ૧૯૭૪થી ૨૦૦૬ સુધીના સમયગાળામાં રચાયેલી ૫૭ ગીતરચનાઓ સમાવાઈ છે. આમાંથી ૧૯ રચનાઓમાં કવિએ શીર્ષકમાં ગીત શબ્દ પ્રયોજ્યો નથી અને ૧૮ રચનાઓ ‘કેસરિયા ટશરનું આકાશ’માંથી તેમજ ૬ રચનાઓ ‘તરજૂમો’માંથી છે. આમ, અહીં માત્ર ૩૩ ગીતરચનાઓ જ નવીન છે, તેમ કહેવાય.

આ પણ વાંચોઃ રઘલા, મેતરના છોકરાને વરઘોડો ન હોય, આ બેનાળી જોઈ છે...?

રાધેશ્યામ શર્માએ જે ગીતથી મધુકાન્તને ‘ગુજરાતી ગાળોના ગાલિબ’ કહી નવાજ્યા છે તે ‘એક ગાંમેતી ગીત’ તેનાં ભાષાપ્રયોજનથી તો આકર્ષે છે જ, પણ સાથે સાથે એક નવી તાજગીમય અનુભૂતિ જગાવે છે.

ઇન્ની માનો... દરિયો હૅનો?
હૅનું દરિયું ફરિયું?? (પૃ.૫)


‘દરિયા’ને ‘દરિયું ફરિયું’ કહી જોયો ન જોયો કરનાર આ સર્જકની ગીતગતિ શિખરે તો સ્થિર થાય જ છે પણ  નીચે ખીણમાં પણ દૃષ્ટિ કરવાનું ચૂકતી નથી. અને એટલે જ પ્રસ્તુત સંગ્રહમાં અનેક ગીતમાં, પછી તે નાયકની ઉક્તિ હોય કે નાયિકાની, તેમાથી માનવ-ચિત્કાર સવિશેષ પ્રકટે છે. આમ કવિની ગીતગતિ ગીતપ્રગતિની સાથે સાથે માનવોન્નતિ તરફ કૂચ કરે છે. કેટલાક દૃષ્ટાંતો જોઈએઃ


 તળિયે ચાંમાહુ જાય ઝેંક્યું દિયોર
 નથી મેળ ખાતો ઊંડાંણે ચૂવો,
 મંન્નયે ઊંબાડું મેલ ફાડ્યા
 નેંકળ્યોસ છાતીહમાંણો તેલકૂવો 
  (પૃ.૧૪)
-----------------
પરપોટા પ્હેરીને પાણીમાં ફેલ્યાનું
 સ્હેજે ના સુખ રહ્‌યું યાદ,
 આંગળિયો વાઢ્યેથી લોહી નથી નીગરતું
 એનો શું કરીએ વિવાદ?
 (પૃ.૧૬)
-----------------
શવાશ? ભૂડાં ઘૂંવાપૂંવા ફડચેલ વાયરો
બેય ફેફસાં ઠોલે,
છાતીના કંતાન વચાળે મૅર ધબકવું
 આઠે અંગે ઝોલે.
(પૃ.૨૩)
------------------
પગલાં વ્યાકુળ જુએ,
અને ચરણ તો ચાલી નીકળ્યાં એક માણસની રૂએ.
(પૃ.૨૪)
------------------
આંખ ઠામુકી દદડીને હેઠી પડી રે!
 બધાં દૃશ્યો વેરાઈ પડ્યાં ચોકમાં,
ચાલ, મેલું ના થાય એમ આખ્ખાયે ફળિયાને
 સાચવીને પહેરી લઉં ડોકમાં.
(પૃ.૨૮)
-------------------
શેઢેથી લીલાછમ્મ આવે સંદેશઃ
 મને માણસ કહેને? સારું લાગે!
 અહીંયાં તો માણસનું સપનું પણ પથ્થર થૈ
 આંખોમાં અળિયાળું વાગે.  (પૃ.૫૫)
----------------------
માંહ્યથી ચોખ્ખાંચમ છતાં 
 હડધૂત થવાનું જાત મૂઈને વેતરી નાખે,
માણસ થઈને માણસ વચ્ચે 
 શીદને આવો ભેદ હળાહળ સાચવી રાખે?  (પૃ.૫૬)
-------------------------
અહીં પ્રસ્તુત ગીતરચનાઓમાં પ્રતિબિંબાતી પીડા માનવથી માનવને મળતી પીડા છે. મુખ્યત્વે મનુષ્યકેન્દ્રી આ ગીતો પીડાની પોથી સમા છે. સામાન્ય રીતે પીડાના ગીતોમાં પારાવાર રોદણાં જ હોય છે. કવિએ અહીંયાં એમ નથી કર્યું તે એમની વિશેષતા છે. અલબત્ત ક્યાંક મુખરતા છતી થાય છે તેમ છતાં તેમણે ‘આત્મગૌરવ’નો સધિયારો આપી પીડાને પ્રસરાવી છે. ‘રે કેમ!’ (પૃ.૧૧), ‘હોજી’ (પૃ.૨૩), ‘બોલ લાગ્ગી?’ (પૃ.૩૦) અને ‘અર્‌ર્‌ર્‌ ઑંય મા’ (પૃ.૩૧) જેેવી બોલચાલની અભિવ્યક્તિ સહજાભિવ્યક્તિ થઈને ગીતને ઉપકારક નીવડે છે. સામાન્ય રીતે આવી બોલચાલની છટા ઘણીવાર કવિને લયનું લટકણિયું બની લયના ઘોડાપૂરમાં તાણી ભાવોર્મિને ડૂબાડી દેતી હોય છે, પણ અહીં આવું થયું નથી. મધુકાન્ત કલ્પિતને  આવી વાક્‌છટા હાથવગી જ નહીં, હૃદયવગી છે અને તેઓ તેમના કલમ-કસબને યથાયોગ્ય જગાએ વધુ પાકટ રીતે પ્રકટાવે છે.

‘ઉજ્જડ ગામની ભાગોળે બેસી ગાવાનું ગીત’ એક લાંબું શીર્ષક ધરાવતું પ્રલંબ લયમાં લાં...બી... ભાવોક્તિ અને ગહન ભાવોર્મિ ધરાવતું ગીત છે. મધુકાન્ત કલ્પિતને ગીતસ્વરૂપ કેટલું અને કેવું ફળ્યું છે તેની અનુભૂતિ કરાવવા આ  ગીત જ પૂરતું છે. આવું જ એક અન્ય ગીત ‘હિજરતી’ પણ છે. ‘હિજરતી’ ગીત પણ કવિને મળેલા ‘ગુજરાતી ગાળોના ગાલિબ’ ખિતાબની યાદ તાજી કરાવે છે. અહીં પણ ‘સાલી જાત હરામી’ અને ‘કોઈ પત્તર ફાડે’ જેવા નિર્દોષ ગાળોને કવિએ ભાવ-અભાવ વચ્ચેનો ગાળો દર્શાવવા પ્રયોજી છે. તદુપરાંત અન્ય ગીતોમાં પણ ‘દિયોર’ (પૃ.૧૪), ‘રાંડ્યા’ (પૃ.૧૪)‘પત્તર ના ખાંડ’ (પૃ.૪૨) અને ‘નપાતર’(પૃ.૨૦) જેવા ભાષાપ્રયોગથી કવિએ ગાળકૂચ કરે રાખી છે. 

‘દંતકથાનું ગીત’ (પૃ.૩૩), ‘સંવાદ ગીત’(પૃ.૬૭) અને ‘ભફ્ફાંગ ગીત’ (પૃ. ૧૯) રજૂઆતની અને કાવ્યાત્મકતાની દૃષ્ટિએ વિશિષ્ટ ભાત ઉપસાવે છે, તો કવિને ‘પડછાયા’, ‘મન’, ‘વન’ ઇત્યાદિ સાથે વિશેષ લગાવ છે. આ લગાવ મર્યાદા બની જવાનો ભય સ્પષ્ટ વર્તાય છે. 

આ પણ વાંચોઃ ઢેઢનું કૂતરું બાપુના કૂતરાને રંજાડી જાય ઈ કેમ પાલવે? એટલે ભડાકે દીધું

‘આપ કહાં થે’(પૃ.૩૩), ‘ગેટ આઉટ’ (પૃ.૩૫), ‘એપેડેમિક’ (પૃ.૪૦) અને ‘કટ્‌’ (પૃ.૫૧)  જેવા બિનગુજરાતી શબ્દો પણ કવિએ ગુજરાતી વરખ ચઢાવી વાપર્યા છે. આમ તો સમગ્રયતા આખો સંગ્રહ ઉત્તર ગુજરાતની વાણીનું પ્રતિનિધિત્વ કરે છે, ખાસ કરીને ‘કેસરિયા ટશરનું આકાશ’માંના ગીતો. આ રીતે અહીં ભાષાનું અલગ અલગ પોત જોવા મળે છે. આ ભાષાકર્મ આવકાર્ય છે, પણ આજે બોલીઓ લુપ્ત થતી જાય છે ત્યારે સાહિત્યરૂપે જ બોલી ટકી રહેશે તેની ના નહીં, પણ સાહિત્યને પણ જો ટકવું હશે તો બોલાતી ભાષા જ પ્રયોજવી પડશે. કવિ આ જાણે છે અને એટલે જ પછીના ગીતોમાં ‘બોલી’ નહીં પણ ‘ભાષા’ પ્રયોજે છે. 

ગીતરચનાની પ્રથમ શરત જ પ્રાસચુસ્તતા છે. પ્રાસનો એક પ્રકાર દૃશ્યાનુપ્રાસ પણ છે, પરંતુ આપણે ત્યાં તે ઓછો ચલણમાં છે. વળી, ગઝલની સરખામણીએ ગીતમાં પ્રાસની પકડ વધુ ચુસ્ત સ્વીકારાઈ છે, એના કારણમાં ગીતની ગેયતા જ તો છે, સાથે સાથે લયાનુભૂતિ અને દૃશ્યાનુભૂતિ પણ ખરી જ. લયની ઉડાન (તે પ્રાસાનુભૂતિ હોય તે દૃશ્યાનુભૂતિ)માં એક ખટકો આખા ગીતની ઇમારતને ભોંયભેગી કરી દે છે. અહીં આવું કેટલેક ઠેકાણે જોવા મળે છે. કદાચ એટલે જ ઉશ્‌નસે પ્રસ્તાવના અંતર્ગત ટકોર કરી છે. જોકે ‘બુધસભા’માંથી ઘડાયેલ કવિની નજરમાંથી આવી કેટલીક રચનાઓ કેમ હેમખેમ નીકળી તેવો પ્રશ્ન જરૂર થાય, પણ હાલ તો જે પ્રકાશિત છે તે જ ધ્યાને લઈએ તો આવાં કેટલાક ઉદાહરણો સામે ચાલીને મળી આવે છે.

‘ભીંજાયેલું ગીત’ (પૃ.૬)માં ‘લૂંછું’, ‘પૂછું’ પછી આવતો અંત્યાનુપ્રાસ ‘ચૂસું’ ખટકે છે. ‘વેદનાનો માનવી’ (પૃ.૨)માં ‘...પ્હેરીને આજ નીકળ્યો’, ‘...લ્હેરીને આજ નીકળ્યો’ પછી આગળ જતાં ‘...મ્હોરીને આજ નીકળ્યો’ આવે છે. અહીં ‘મ્હોરીને’ પ્રાસપ્રયોજન માત્રાની રીતે નથી નડતું, પણ ‘દૃશ્યાનુભૂતિ’ અને ‘લયાનુભૂતિ’ની દૃષ્ટિએ આંખ-કાન બેઉને ખટકે છે. તો ‘સ્મૃતિના કાંઠે ફરતું ગીત’, ‘વિદાય ગીત’ ‘સૉળવગું ગીત’ અને ‘જો’ જેવાં ગીતો પ્રસ્તુત સંગ્રહમાં ન હોત તો કદાચ આ ગીતસંગ્રહની પ્રસ્તુતિ વધારે સારી હોત. કવિની બરછટતાને બળકટતામાં રૂપાંતરિત કરતાં અન્ય ગીતોની સરખામણીએ આ ગીત ઘણાં ઊણાં ઊતરે છે.‘ચહેરો ઉગામેલ છોકરીનું ગીત’ તો રમેશાઈ શૈલીનું સૂચક છે. ગીત ગમે એમ છે, પણ અહીંયાં નહીં. કવિની આ સંગ્રહથી પ્રતિબિંબિત થતી કવિમુદ્રાને આ ગીત હળવી ઠેસ આપે છે. 

છોકરીના માથે બે શિંગડા દોરેલાં
મેં કાતરથી કરી દીધા કટ્‌
છોકરી સુંવાળી કોઈ અટકળ બનીને 
મારા તળિયે રેલાઈ રમઝટ (પૃ.૫૧)

કવિએ પરિશિષ્ટરૂપે હસિત બૂચ, રાધેશ્યામ શર્મા અને રતિલાલ સથવારાના કાવ્યાસ્વાદો મૂક્યા છે. આ પાંચ કાવ્યાસ્વાદોની સાથે ડૉ. પથિક પરમારે વિવિધ સાહિત્યકારોના અવતરણો ટાંકીને લખેલો પરિચય-આલેખ પણ કવિના કવિત્વને ખોલી આપવામાં સહાયરૂપ બને છે જ. આમ, એકંદરે ‘મધુકાન્ત કલ્પિત એક અફવા છે’ ગીતસંગ્રહ વાંચવો ગમે એમ જ નહીં, વંચાવવો પણ ગમે એમ છે. કવિની ગીતયાત્રાનો આ મુકામ કવિને કદી અફવા ન બનવા દે તેમ પોતિકી પીડા, પોતિકાં કલ્પનો અને પોતિકા અભાવથી સમૃદ્ધ છે. અંતે કવિને સ્વપ્નમાં પણ કોઈ ‘મધુકાન્ત કલ્પિત એક અફવા છે’ એવું ન કહી શકે તેવી બરછટ છતાં બળકટ ભાવોર્મિને ગીતસંગ્રહ રૂપે નહીં, પણ ‘માણસાઈની ગીતા’ રૂપે આપવા બદલ અભિનંદન સાથે આ સંગ્રહને આવકારીએ.

(લેખક વ્યવસાયે આયુર્વેદ યુનિવર્સિટીમાં રજિસ્ટ્રાર અને જાણીતા કવિ, વિચારક, સંશોધક અને વક્તા છે.)

આગળ વાંચોઃ મેં ભૂખા તો નહીં મરુંગા, ચમાર હું...


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.