લોહીની કલમે લખાયેલું મારું સઘળું સાહિત્ય બોલતું રહેશેઃ જૉસેફ મૅકવાન

ગઈકાલે દલિત સાહિત્યના દાદા જૉસેફ મૅકવાનની 14મી પુણ્યતિથિ હતી ત્યારે કેનેડા રહેતા તેમના પુત્ર મધુરમ મૅકવાન અહીં જૉસેફ દાદાની છેલ્લી ઘડીની યાદોંને સંભારે છે.

લોહીની કલમે લખાયેલું મારું સઘળું સાહિત્ય બોલતું રહેશેઃ જૉસેફ મૅકવાન
image credit - Google images

વિવક્ષિતં હિ અનુકતં અનુતાપં જનયતિ!

૨૦૧૦ની વતનની માંડ બે અઠવાડિયાની ટૂંકી મુલાકાત બાદ ૧૫ જાન્યુઆરીની મોડી રાત્રે કેનેડાની રિટર્ન ફલાઇટ હતી. એ દિવસે બાપુને તેમના કાર્યકક્ષમાં પગે લાગવા ગયો ત્યારે ઉપરોક્ત પંક્તિ ઉચ્ચારી તેનો સંક્ષિપ્ત અર્થ તેમણે મને સમજાવેલો. સમયની પાબંધીને લઈ વધુ વાર્તાલાપ શક્ય નહોતો એટલે કઠોર થઈ ટકોર કરેલી, “પહોંચીને તરત ફોન કરજે, ભૂલ્યાં વગર..”

પછી જે થયું એ મારા દુર્ભાગ્યે કે પછી થવા કાળ થવાનું હતું. ફોન પર જે સંવાદ થયો એ બાપ-બેટા વચ્ચેનો છેલ્લો વાર્તાલાપ હતો. ૨૮ માર્ચ, ૨૦૧૦ ના રોજ તેમણે આ ફાની દુનિયાને અલવિદા કરી દીધી.

કાલિદાસની એ પંક્તિ મને ખૂબ યાદ આવે છે અને એટલું જ સતાવે છે. વિવક્ષિતં હિ અનુકતં અનુતાપં જનયતિ! અર્થાત્...જે કહેવાનું હોય એ ન કહીએ તો પસ્તાવો થાય છે.

બાપુજીના મૃત્યુ બાદ જીવન અને એના અંતને, વાંચન, ચિંતન અને મનન દ્વારા સમજવાનો મારો વિલાપ બાપુજીના એ અંતિમ વાર્તાલાપને, જિંદગી જીવવાના એમના હરખને અને પત્રો દ્વારા મારી પર પાઠવેલા જીવનમૂલ્યોના અમૃત મંથનને વધુ પ્રગાઢ કરે છે.

જિંદગીને મેં મન ભરીને માણી છે બેટા. અઢળક ભાવે આરાધી છે. મોતની સાથે પણ દિલ ફાડીને દોસ્તી કરી છે. જિંદગી જીવ્યાનો હરખ છે, તો મોતને ભેટવાનો આનંદ પણ છે. જીવનના અંતને મૂલવતા ઘણાં શબ્દો છે- મૃત્યુ, મોત, મરણ, અવસાન, નિર્વાણ, નિધન, દેહાંત...બધાં જ અર્થપૂર્ણ છે, અર્થસભર છે એને હું મોક્ષના અભિવાદનથી સ્વીકારું છું. જિંદગી અને મૃત્યુને, અસ્તિત્વ અને અંતને, હયાતી અને દેહાંતને વિશ્વના શ્રેષ્ઠ સાહિત્ય સર્જક દિમાગોએ સમજવા પ્રયાસ કર્યો છે.

સ્વીડિશ ફિલ્મ દિગ્દર્શક ઈંગમાર બર્ગમેને મૃત્યુની કલાત્મક વ્યાખ્યા આપી છેઃ મૃત્યુ એ પારદર્શક કાચની પાછળ ચડાવેલું કાળું પાણી છે જેના વિના આપણે કંઈ જ જોઈ શકતા નથી. માણસ જ્યારે જીવનને સમજવાની સ્થિતિમાં આવે છે ત્યારે મૃત્યુનો પડછાયો એની પર હાવી થઈ ચૂક્યો હોય છે. ૭૦ વટાવ્યા પછી માણસને મોતની ક્ષિતિજ પાસે દેખાય છે. એ વખતે બાળપણની ક્ષિતિજ બહુ દૂર ચાલી ગઈ હોય છે. ભૂતકાળનું વજન હોય છે. વર્તમાન એના તોલે જીવાતો હોય છે અને ભવિષ્ય મૃત્યુનું વજન લઈને માથે તોળાતું હોય છે. ભૂતકાળ અને ભવિષ્યના અર્થઘટન માટે આપણે માત્ર ભૂતકાળના પ્રકાશમાં જ જીવનના પ્રશ્નોને સમજવાનો એના ઉકેલને શોધવાનો પ્રયાસ કરીએ છીએ. વીસથી વધુ ભાષા બોલી, સમજી શકતા મૂળ આફ્રિકન અમેરિકન એક્ટિવિસ્ટ કમ સીંગર પોલ રોબસને એક ગીત ગાયેલું, "ઓલ્ડ મેન રિવર... જીવનથી હું થાકી ગયો છું પણ મોતના વિચારથી ધ્રુજી જાઉં છું" 

મેં જોયું છે, જીવવું કઠિન છે પણ મરવું સરળ નથી. દુઃખનું સુખ જોયુ છે. સુખનું દુઃખ જોયું છે. ગિલા, શિકવા, રંજીશ કે કોઈ ગમ નથી. જે જ્યારે આવ્યું છે એને સ્વીકારી લીધું છે. મેં અનુભવ્યું છે પ્રેમના આલિંગન કરતા ભયનું આલિંગન વધારે ગાઢ હોય છે.

રોજબરોજ જીવાતું જીવન એક શારીરિક ક્રિયા છે પણ એમાં માનસિક પ્રક્રિયા વધારે છે. શરીરની તુટન મનની ઘૂટનને પોષે છે. વર્ષો સુધી ધબકતું હૃદય, દિલની ધડકનોને તેજ કરે છે, લોહીનું દબાણ વધારે છે. એના શ્વાસ અને ઉચ્છવાસ, એના ફેફસાં, કલાંતી અને રિક્તતા, જિંદગી અને મોત, બધું સ્વીકારી લેવાનું છે. કારણ માત્ર એજ કે વેદના શરીરનો સૌથી મોટો અને પ્રમાણિક પ્રતિભાવ છે.

સ્પોન્ડિલીટીસની સર્જરી વખતે MRI થયું ત્યારે બંને બાજુ સજ્જડ બંધ એવી એ વિશાળ ટનલમાં પુરાઈને મેં દોસ્તી, દુશ્મની, પ્રેમ, દ્વેષ, પાપ, પુણ્ય, જીવન અને મૃત્યુની એક ભયાવહ એવી લાચાર અનુભૂતિ કરી છે. લાગે છે આ આયુષ્ય હવે પૂર્ણવિરામ શોધતું આગળ વધી રહ્યું છે. ગરદનના મણકા મારા મસ્તિકનો, એમાંથી સતત વહેતા લેખનનો ભાર સહી સહીને તૂટી ગયા છે, એનો ગમ નથી પણ હવે લખવા માટે લહિયો રાખવો પડે છે એનો વિસ્મયાનંદ છે.

જીવનમાં પુષ્કળ મિત્રો મળ્યા છે. એમનો મિત્રભાવ મારું જમા પાસુ છે. ઘણાં હવે રહ્યાં નથી એનો વિષાદભાવ છે. દુશ્મનો મળ્યા પણ એમનું પલ્લું હમેંશા નીચું રહ્યું છે. સાહિત્ય જીવનમાં મારા દુશ્મનો બુધ્ધિમાં મારા સમકક્ષ રહ્યા છે જો એ ઉચ્ચકક્ષ હોત તો મારા શ્રેષ્ઠ દુશ્મન બની શકત. મારી સાથે દુશ્મની કરવી અઘરી છે કારણ દુશ્મનીને પણ મેં દિલ ફાડીને પ્રેમ કર્યો છે. શત્રુઘ્ન નામનો શબ્દ વાંચ્યો છે. પણ મિત્રઘ્ન નામનો શબ્દ મારી જીવન પોથીમાં નથી.

આ પણ વાંચોઃ તમને તો સંડાસ જવાના ડબલામાં પાણી આપવું જોઈએ, તો જ તમે નખરા ન કરો...

લેખકનો ધર્મ છે લખતા રહેવાનો. લેખક હમેંશા એકલો હોય છે પણ એને બહુમતીની જરૂર પડતી નથી. એકલા માણસને ભાષાની જરૂર પડતી નથી. વગર ભાષાએ એ ભગવાન સાથે વાત કરી શકે છે. લખવું એક ક્રાંતિ છે. લખવા માટે લાઈસન્સ લેવું પડતું નથી. કલ્પનાનું સાહિત્ય સર્જન સરળ છે. વાસ્તવિકતા લખવા માટે ભીષ્મ પિતામહની બાણ શૈયા પર સૂવું પડે છે. એની અસહ્ય યાતનામાંથી પસાર થવું પડે છે. મારા વાચકોએ મારી વ્યથા વાંચી છે. એમનો પ્રતિભાવ, પ્રેમભાવ મારા સર્જનનું હાર્દ છે. લેખિત શબ્દોમાં ખુબ તાકાત હોય છે. એ ભલભલા સિંહાસનો ધ્રુજાવી નાખે છે.

જીવું છું ત્યાં સુધી, સ્પોંડીલીટીસથી તૂટી ગયેલા ગરદનના મણકાના અસહ્ય દર્દમાંથી, લોહીનું પૂરતું પરિભ્રમણ ન પામતા મગજના મારા જ્ઞાન તંતુઓમાંથી અને આ થીજી ગયેલી, તૂટી ગયેલી, સૂઝી ગયેલી શિથિલ આંગળીઓમાંથી હીમશિલાઓ ધ્રુજાવી પીગળાવી નાખે એવું વેધક ગુજરાતી ગદ્ય હજુ ફાટતું રહેશે.

ભલભલા બાદશાહો, આલમગીરો અને સિકંદરો મિટ્ટીને હવાલે થયા છે. પરમવીરો, ચક્રવર્તીઓ, શ્રીશ્રી, સિંહ અને વિક્રમો ચિતાની ભડભડતી આગમાં ખાક થઇ ગયા છે. મિટ્ટી અને ખાક જીવનના અંતિમ સત્યો છે. પૂર્ણવિરામ પછીની ખામોશી કોઈએ સાંભળી નથી. એ ખામોશીનો કોલાહલ કહેવા કોઈ પાછું આવ્યું નથી. અને આવશે પણ નહીં. પણ લોહીની કલમે લખાયેલા મારા શબ્દો, તલવારની ધારથી કોતરાયેલા મારા ધારદાર શબ્દો, મારી કલમવેદના, એની વ્યથાનું મારું સઘળું સાહિત્ય બોલશે, એને ઉજાગર કરશે. પ્રસિદ્ધ થવું સહેલું છે. સિધ્ધ થવા માટે મરવું પડે છે, એ સનાતન સત્ય છે.

મૃત્યુને હું કળી રહ્યો છું. એને નીરખી રહ્યો છું. બહુ દૂર નહીં અને એટલું નજીક નહીં પણ એ મારી વાટ જોઇને ઉભું છે. ધોતી પહેરીને કબીરના ભજન ગાતાં ગાતાં,  સિતારવાદન શીખી મનગમતી ધૂન વગાડતા વગાડતા, મન મસ્ત મગન મૌલાના પર ઝૂમતા શરીરને સર્જનહારને સોંપી માટી ભેળા થઈ જવું છે. 

સત્ય હંમેશા કષ્ટ આપે છે. ઈમાનદારી હંમેશા તકલીફ આપે છે. મૃત્યુ જીવનનો જ ભાગ છે એ સત્ય છે પણ એ સત્યને સ્વીકારી એની સાથે જ મરવું એ ઈમાનદારી છે. કદાચ એ સૌથી શ્રેષ્ઠ મૃત્યુ છે!

૨૦૧૦, માર્ચ ૨૮, રવિવારના રોજ સ્વર્ગે સિધાવેલ મારા બાપુની આજે ૧૪મી પુણ્યતિથી છે. રામે ચૌદ વરસ વનવાસ ગાળેલો. બાપુજીના મૃત્યુ બાદ મારી માં ચૌદ વરસ મારા બાપુ વગર વનવાસ વેઠી આજથી બરાબર પંદર દિવસ પહેલાં સ્વર્ગે સિધાવી, ૧૩ માર્ચ, ૨૦૨૪ના રોજ, જે મારા બંને બાળકોની જન્મતિથિ છે. બે જન્મ અને બે મૃત્યુની સુખદુઃખની મિશ્ર લાગણીઓનું મહિમા મંડન કરતો મહાપર્વનો માર્ચ મહિનો મારા માટે પાવનપર્વમાં પુનરુત્થાન પામતા પ્રભુ ઈસુના પ્રેમથી પાવન પુલકિત થઈ ગયો છે.

દીકરી અને દીકરો, મારા બાપુ અને મારી માં, જીવન અને મૃત્યુની પરિભાષા સમજાવતા, એમની ખોટ સરભર કરતા તથ્યોનું એક એવું અમૃતમંથન છે જે જન્મની દેનને અભિભાવિત કરે છે તો મૃત્યુના મોક્ષને શ્રધ્ધાંજલિ અભિવ્યક્ત કરે છે. 

મધુરમ મૅકવાન (લેખક દલિત સાહિત્યના દાદા જૉસેફ મૅકવાના પુત્ર છે.)

આ પણ વાંચો: બહુજન સાહિત્યકાર વિશન કાથડનું આગામી ગીત ‘દાસ્તાન’ ચર્ચાસ્પદ બન્યું, જાણો શું છે તેની ખાસિયત

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


  • Ashok Vaniya
    Ashok Vaniya
    જોશેફ દાદા જેવા ગુજરાતી સાહિત્યકાર મળવા મુશ્કેલ છે. 14 મી વરસી એ દાદાને શ્રધ્ધા સુમન. સ્મરણાંજલિ..????
    8 months ago
  • Natubhai
    Natubhai
    પૂજ્ય દાદાને મારી પણ સ્મરણાંજલિ. મધુરમભાઈ - ચન્દ્રવદનભાઈના માતા પણ આ મહિને વિદાય લઈ ગયા, એ આઘાતજનક સમાચાર મને મારા બહાર હોવાને કારણે બહુ મોડા મળ્યા, તેમને પણ મારા શ્રધ્ધાસુમન. ચન્દ્રવદનભાઈ, મધુરમભાઈ, અન્નપૂર્ણાબહેન સૌ જોસેફદાદાનો પરિવાર, આમ લખતા રહીને એક અર્થમાં દાદાને તર્પણ જ કરે છે.
    8 months ago