ભાજપને મત આપવા માંગતી દલિત યુવતીની સપા નેતાએ હત્યા કરી?
યુવતી ભાજપને મત આપવાની હોવાથી સપા સમર્થકોએ તેના પર બળાત્કાર કરી, હત્યા કરી લાશ કોથળામાં ભરીને ફેંકી દીધી હોવાનો આરોપ લાગ્યો છે.
લોકશાહીમાં મતદાન શા માટે ગુપ્ત રાખવામાં આવ્યું છે અને તેની પાછળનું કારણ શું છે તે સમજાવતો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. રાજકીય પક્ષોને જો તમે ક્યા પક્ષના સમર્થક છો તેની જાણ થઈ જાય તો તે તમારી સાથે ભેદભાવપૂર્ણ વર્તન કરી શકે છે. આવું ન થાય તે માટે તમે કોને મતદાન કર્યું તે ગુપ્ત રહે તે જરૂરી છે. કેમ કે, જો એ ગુપ્ત ન રહે તો, યુપી જેવા રાજ્યમાં તમારી હત્યા પણ થઈ શકે છે. આ ઘટના તેનો પુરાવો છો.
મળતી માહિતી પ્રમાણે ઉત્તરપ્રદેશમાં પેટાચૂંટણીમાં થઈ રહેલા મતદાન દરમિયાન એક દલિત યુવતની હત્યા કરી દેવાઈ હોવાના સમાચાર મળ્યાં છે. સૂત્રોના મતે યુવતી ભાજપને મત આપવા માંગતી હોવાથી સમાજવાદી પાર્ટીના નેતાઓએ તેની હત્યા કરી હોવાની ચર્ચા ચાલી છે. જો કે, સાચું કારણ તપાસ બાદ જ સામે આવશે.
ઘટના યુપીની કરહાલ વિધાનસભા સીટના કજરા ગામમાં બની છે. મતદાન કરવા આવેલી દલિત યુવતીની હત્યાને લઈને સમાજવાદી પાર્ટીના નેતા પર યુવતીની હત્યાનો આરોપ લાગતા ભાજપના ઉમેદવાર અનુજેશ પ્રતાપે હોબાળો મચાવ્યો હતો. અનુજેશ પ્રતાપે X પર પોસ્ટ કરીને લખ્યું હતું કે, ગુંડાગીરીની તમામ હદ વટાવીને અને માનવતાને શરમમાં મૂકી કરહાલના કજરા ગામ બૂથ નંબર 13માં દલિત સમુદાયની એક દીકરીની હત્યા કરવામાં આવી હતી. આ હત્યા કરવા પાછળનું કારણ યુવતી ભાજપને મત આપવા માંગતી હતી તે હતું. આ બાજુ યુવતીના પરિવારજનોએ પણ આક્ષેપો કર્યા હતા કે, યુવતીએ ભાજપને મત આપવાનું કહ્યું હતું એટલે તેની હત્યા કરવામાં આવી છે.
યુવતીની કોથળામાંથી લાશ મળી આવી
કરહાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગુમ થયેલી દલિત યુવતીની લાશ બોરીમાં પડેલી મળી આવી હતી. આજે સવારે 8 વાગ્યાની આસપાસ કરહાલથી બરનહાલ રોડ પર સેંગર નદીના પુલ પાસે ઝાડીઓમાંથી લાશ મળી આવી હતી. ઘટનાની જાણ થતા પરિવારજનોમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. પરિવારના સભ્યોએ આરોપ લગાવ્યો હતો કે, યુવતીએ ભાજપને મત આપવાનું નક્કી કર્યું હોવાથી સપા સમર્થકોએ તેના પર બળાત્કાર કરી તેની હત્યા કરી અને લાશ ફેંકી દીધી હતી.
યુવતીના પિતાએ શું કહ્યું?
યુવતીના પિતા શિશુપાલ સિંહે પોલીસમાં ફરિયાદ દાખલ કરીને માહિતી આપી હતી કે, "મારી 23 વર્ષની પુત્રી દુર્ગા મંગળવારે બપોરે 12 વાગ્યાથી ગુમ હતી. આ વખતે મારી પુત્રી ભાજપને મત આપવા માંગતી હતી, જેથી સપા સમર્થક પ્રશાંત યાદવ, ભૂપેન્દ્ર યાદવનો પુત્ર, તાપા, નગરીયા કરહાલ, રહેવાસી, રવીન્દ્ર કથેરિયાનો પુત્ર મોહન, મોહલ્લા કાસાવન, મોહલ્લા કાસાવન, તેને બાઇક પર ઉઠાવીને લઈ ગયા હતા અને ડો. ઝહીરની હોસ્પિટલ સામે અને તેની હત્યા કરી દીધી હતી અને મૃતદેહને સેંગર નદીના પુલ પાસે ઝાડીઓમાં ફેકી દેવામાં આવ્યો હતો."
પોલીસે બે આરોપીઓને કસ્ટડીમાં લીધાં
આ માહિતી મળતાં જ પોલીસે ઘટના સ્થળે જઈ વધુ તપાસ હાથ ધરી હતી અને યુવતીનો મૃતદેહ કબજે કરી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. એસપી વિનોદ કુમાર પણ ત્યાં પહોંચ્યા અને ઘટના અંગે વિગતે માહિતી મેળવી હતી. તેમણે જણાવ્યું હતું કે, આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. યુવતીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે. પોલીસે બંને આરોપીઓને કસ્ટડીમાં લીધા છે. યુવતીનું મોત કેવી રીતે થયું અને બળાત્કાર થયો છે કે કેમ તે પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જાણી શકાશે.
આ પણ વાંચો: આંબાના ઝાડ પર બે દલિત યુવતીઓની લાશ લટકતી મળી આવી