બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં ગિરધરનગરના 150 દલિતોના ઘર તૂટ્યાં, વળતર નહીં
અમદાવાદના ગિરધરનગરમાં માકુભાઈના છાપરા વિસ્તારમાં દલિત સમાજના લોકોના અંદાજે 150 ઘરોનો ભોગ લેવાયો છે અને વળતર પણ મળ્યું નથી.
ગુજરાતમાં હવે દરેક નવા પ્રોજેક્ટને 'વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ' કહેવાનો એક વણલખ્યો નિયમ થઈ ગયો છે. ગોદી મીડિયા અને વિશાળ કોર્પોરેટ મીડિયા સરકારી જાહેરાત સહિત બીજા અનેક લાભો મેળવતું હોવાથી તેઓ સરકારને વ્હાલા થવા માટે આવી ચાંપલુસી કરે તેની પાછળનો હેતુ સમજી શકાય તેવો છે. મનુ મીડિયા એ સવર્ણ ગોદી મીડિયાનું વધુ ભયંકર અને કટ્ટર જાતિવાદી સ્વરૂપ છે. તેમાં દલિતો પર ગમે તેટલા મોટા અત્યાચારો થાય તો પણ તેને સદંતર અવગણવામાં આવે છે. મીડિયાને ભલે ચોથી જાગીર કહેવામાં આવતી હોય, પણ વર્તમાન મીડિયાની વાસ્તવિકતા એ છે કે, તે કોઈ પણ સમાચારને જાતિના દ્રષ્ટિકોણથી જોવા ટેવાઈ ગઈ છે. દરેક સમાચારમાં તેનું સ્ટેન્ડ પીડિતની જાતિ કઈ છે તેના આધારે નક્કી થઆય છે. એવી સ્થિતિમાં સ્વાભાવિક રીતે જ દલિતો, આદિવાસીઓ અને ઓબીસી તેમની પ્રાથમિકતામાં નથી આવતા. લઘુમતીઓને તેઓ નકારાત્મક છબિ ઉભી કરી સત્તા પક્ષને ફાયદો કરાવવા ઉપયોગ કરે છે અને તેના કારણે સામાજિક ન્યાયનો આખો મુદ્દો હાંશિયામાં ધકેલાઈ જાય છે.
આપણે જે કરૂણ ઘટનાની વાત કરવા જઈ રહ્યાં છે તેમાં પણ જાતિવાદની ગંધ આવ્યા વિના રહેતી નથી. કેમ કે, વિકાસની આડમાં એક સાથે 150 ઘરો તોડી પાડવામાં આવ્યા હોવા છતાં મનુ મીડિયાએ તેને સમ ખાવા પુરતું પણ કવરેજ આપ્યું નથી. એટલે આપણી જવાબદારી બને છે કે બહુજન સમાજના આ લોકોની સમસ્યાને વાચા આપીએ.
અમદાવાદના ગિરધરનગર વિસ્તારની ઘટના
ઘટના અમદાવાદના ગિરધરનગરમાં આવેલા માકુભાઈના છાપરા તરીકે ઓળખાતા વિસ્તારની છે. અહીં દલિત સમાજના 150થી પણ વધુ ઘરો છેલ્લાં 85 વર્ષથી આવેલા હતા. આ ઘરોમાં દલિતોની ત્રણથી ચાર પેઢીઓ ઉછરી છે. જો કે બુલેટ ટ્રેન માટે આ વસ્તીને વર્ષ 2018માં તોડી પાડવામાં આવી છે. હવે અહીં તેનું કામ શરૂ થઈ ગયું છે.
સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે અગાઉ બુલેટ ટ્રેનના અધિકારીઓ તેમની પાસે આવ્યા હતા. અને તેમના ફોટાં પાડી, જરૂરી દસ્તાવેજો વગેરે લઈ ગયા હતા અને તેમને વળતર, સરકારી નોકરી અને અન્ય તમામ સુવિધાઓ આપવામાં આવશે તેમ જણાવ્યું હતું. પરંતુ એ પછી કોઈ જ વળતર આપવામાં આવ્યું નથી અને ઉલટાનું તેમના ઘરો તોડી પાડવામાં આવ્યા છે. હવે શિયાળો શરૂ થવાની તૈયારીઓ છે ત્યારે આ રીતે અચાનક દલિત વસ્તી તોડી પાડવા પાછળનું કારણ શું તે લોકોને સમજાતું નથી.
વસ્તીમાં તમામ લોકો ગરીબ પરિવારના છે. મજૂરી કરીને પેટીયું રળે છે. આખી જિંદગી કામ કરે તો પણ તેઓ નવેસરથી અમદાવાદ જેવા શહેરમાં ઘર બનાવી શકે તેવી સ્થિતિમાં નથી. ત્યારે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની આડમાં સરકારી તંત્રે તેમની મોકાની જમીનો મફતમાં પડાવી લઈ તેમને બેઘર કરી દેવાનું કાવતરું ઘડ્યું હોય તેમ સ્પષ્ટ જણાય છે.
આ ઘટનામાં દલિત પેન્થર અમદાવાદના કાર્યકર ચિરાગ મહેરિયા અને તેમના સાથીઓએ સ્થળ પર જઈને તપાસ કરી હતી અને દલિત સમાજના લોકોની સમસ્યાઓ જાણી યોગ્ય કાર્યવાહી કરવા ખાતરી આપી હતી. ચિરાગ મહેરિયાએ દલિત પેન્થરની યુટ્યુબ ચેનલ પર તેનો એક વીડિયો પર અપલોડ કર્યો છે. તેમાં આ વિસ્તારના અસરગ્રસ્તો પોતાની વ્યથા વર્ણવે છે.
આ પણ વાંચો: દલિત ખેડૂતના 11 કરોડના ઈલેક્ટોરલ બોન્ડ ખરીદી ભાજપને આપી દેવાયા?
વીડિયોમાં એક બહેન જણાવે છે કે, "અમે છેલ્લાં 75-80 વર્ષથી અહીં રહીએ છીએ. હવે બુલેટ ટ્રેનના અધિકારીઓએ અમારાં ઘર તોડી પાડ્યા છે. અમારે ક્યાં જવું તે સવાલ છે. અમારા બાળકો નાના છે, સરકારે બુલેટ ટ્રેનના આખા રૂટમાં જમીન સંપાદન કરી ત્યાં વળતર આપ્યું છે. પણ અમને અધિકારીઓ કહે છે કે તમને કશું નહીં મળે. અગાઉ તેઓ આવીને અમારી પાસેથી તમામ આધાર-પુરાવા સાથે અમારા ફોટા પણ પાડી ગયા હતા. પણ હવે તેઓ કશું પણ કહેવા તૈયાર નથી. સરકાર અમારી વાત નહીં સાંભળે તો અમારે આંદોલનનો રસ્તો અપનાવવો પડશે."
આ જ વીડિયોમાં જીતુભાઈ નામના એક સ્થાનિક વિસ્તારથી માહિતી આપતા કહે છે કે, "અમારી પાસે તમામ પ્રકારના રહેણાંકના પુરાવાઓ જેમાં ભાડા પહોંચ, ટેક્સ બિલ, લાઈટ બિલ, આધાર કાર્ડ ઉપરાંત વર્ષ 1975માં ઝૂંપડું ત્યાં મકાનની એએમસીની યોજનાના પુરાવા પણ છે. તેમ છતાં રેલવે તંત્ર કહે છે કે આ અમારી જમીન છે, તમે હટી જાવ. છેલ્લાં 40 વર્ષમાં ઓછામાં ઓછાં 5 વખત આ મકાનો તોડી પાડવામાં આવ્યા છે અને કોઈપણ પ્રકારનું વળતર આપવામાં નથી આવ્યું. અમદાવાદથી મુંબઈ વચ્ચે જ્યાં પણ બુલેટ ટ્રેન માટે જમીન સંપાદન કરવામાં આવી છે ત્યાં વળતર અપાયું છે. અહીંયા જ ભીલવાસના છાપરા તરીકે ઓળખાતા વિસ્તારમાં 100 જેટલા મકાનધારકોને 25થી 35 લાખ સુધીનું વળતર આપવામાં આવ્યું છે. તો અમને કેમ નથી અપાતું? વર્ષ 2018માં પહેલીવાર રેલવેના અધિકારીઓએ અહીં સર્વે કર્યો હતો, ફોટાં પાડી વિવિધ પુરાવા એકઠાં કર્યા હતા. જેમાં આ વિસ્તારના લોકોને ખાતરી આપી હતી કે તેમને વળતર, રોજગારી અને પેન્શન આપીશું, એ વખતે લાલચ આપીને મકાનો તોડી પાડ્યા હતા અને હવે તે લોકો ફરી ગયા છે અને અમને વળતર આપવાની ના પાડે છે. હવે અમારે શું કરવું તે સમજાતું નથી."
સ્થાનિકોનો આરોપ છે કે, જમીન ખાલી કરાવવા માટે લુખ્ખા તત્વો આવીને તેમને ધમકીઓ આપે છે કે, જો તમે જમીન ખાલી નહીં કરો તો તમને પોલીસ કેસમાં ફસાવીને જેલમાં પુરાવી દઈશું. હવે અમારે ક્યાં જવું તે સવાલ છે. આ સ્થિતિમાં બહુજન સમાજ માટે કામ કરતા સામાજિક સંગઠનો આ જગ્યાની જાત મુલાકાત લઈ વાસ્તવિકતા જાણી આ ગરીબ પરિવારોને ન્યાય અપાવે તે અપેક્ષિત છે.
આ પણ વાંચો: દલિત-આદિવાસીઓના નામે કરોડોની સરકારી જમીનો લઈ સવર્ણોએ ફ્લેટ બનાવ્યા?