દલિત-આદિવાસીઓના નામે કરોડોની સરકારી જમીનો લઈ સવર્ણોએ ફ્લેટ બનાવ્યા?
શહેરી જમીન ટોચ મર્યાદા કાયદા હેઠળ દલિત, આદિવાસીઓને અગ્રતાના ધોરણે શહેરોમાં જમીન રહેઠાણ-સોસાયટીઓ બનાવી આપવાની જોગવાઈ છે, પણ ખરેખર એવું થાય છે ખરું? વાંચો વાલજીભાઈ પટેલનો આ લેખ.
શહેરી જમીન ટોચ મર્યાદા કાયદો (અર્બન લેન્ડ સીલીંગ એક્ટ-1970) અમલમાં આવ્યો. આ કાયદાનો ઉમદા સામાજિક હેતુ શહેરોમાં ઘરવિહોણા અને ઝૂંપડપટ્ટીઓમાં રહેતા અનુસુચિત જાતિ, જનજાતિ અને પછાત વર્ગના લોકોને અગ્રતાના ધોરણે આ કાયદા હેઠળ મેળવેલી જમીનો રહેઠાણ/સોસાયટીઓ બનાવવા ફાળવવી. ગુજરાતમાં આ કાયદો અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર અને ભાવનગર એમ 6 મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં અમલમાં આવ્યો. સહકારી કાયદામાં જેમની પાસે જમીન હોય તે જ સોસાયટી રજિસ્ટર્ડ કરાવી શકે તેવી જોગવાઈ હતી.
જેમની પાસે જમીન ન હોય તે હાઉસિંગ સોસાયટી રજિસ્ટર્ડ કરાવી શકે નહીં. એટલે માત્ર ને માત્ર અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે જ સરકારે આ સહકારી કાયદામાં ખાસ સુધારો કર્યો કે, આ સમાજના લોકો પાસે જમીન ન હોય તો પણ તેમની હાઉસીંગ સોસાયટીઓ રજીસ્ટર્ડ કરવી. એટલું જ નહીં, આ અનુસુચિત જાતિ/જનજાતિના નામે કોઈ સવર્ણ લાભ ન લઈ જાય એટલા માટે પણ કાયદામાં એ સુધારો કર્યો કે, જે લોકોએ સરકારના સમાજકલ્યાણ ખાતાના અધિકૃત અધિકારી પાસેથી મેળવેલું જાતિ પ્રમાણપત્ર રજૂ કરે પછી જ તેને ગૃહ મંડળીમાં સભ્ય તરીકે દાખલ કરવો. કોઈ પણ સંજોગોમાં અનુસૂચિત જાતિ સિવાયના કોઈ અન્યને સભ્ય બનાવી શકાય નહીં. આમ ગુજરાતમાં શહેરી જમીન ટોચમર્યાદા કાયદા હેઠળ સરકારને આ 6 શહેરોમાં કુલ-13500000 ચોરસ મીટર એટલે કે, 1 કરોડ 35 લાખ ચોરસ મીટર જમીન મળી. અને અગ્રતાના ધોરણે અનુસૂચિત જાતિની મંડળીઓને આ કિંમતી જમીનો મકાન બનાવવા ફાળવી.
RTI કાયદા હેઠળ મેં મેળવેલ માહિતી મુજબ અમદાવાદ શહેરમાં જ 33 અનુસૂચિત જાતિના નામની સોસાયટીઓ છે, જ્યાં બહાર તેના નામના બોર્ડ લાગ્યા છે અને આ કરોડોની કિંમતી જમીનો ઉપર સવર્ણોના વૈભવી ફ્લેટ/બંગલા અસ્તિત્વ ધરાવે છે.
મારા સર્વેમાં આવેલ બોડકદેવ જજીઝ બંગલા પાસે પકવાન હોટેલ સામેની વાલ્મિકી સોસાયટીના લાગેલ બોર્ડની જમીન પર ત્રણ-ચાર કરોડની કિંમતના સવર્ણોના દીપ કોમ્પલેક્ષ નામના ફ્લેટ ઊભા છે. આ બોડકદેવ વિસ્તારની પ્રાઈમ લેન્ડ છે જ્યાં હમણાં અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને એક પ્લોટ હરાજીમાં વેચ્યો. જેની એક ચોરસ મીટરની રૂપિયા 32.24 લાખ કિંમત મળી. ત્યારે તમે કલ્પી શકો છો કે, આ વાલ્મિકી સોસાયટીની કિંમત કેટલી થઈ?
આવી જ રીતે જ્યાં જાગૃત ડિગ્રીધારી વિદ્વાનો, ક્રાંતિકારીઓ અને પૈસાપાત્ર દલિતો રહે છે તેવા રાજકોટ, સુરત, વડોદરા, જામનગર, ભાવનગર શહેરોમાં પણ આ જ સ્થિતી છે. ત્યારે સવાલ થાય છે કે, શું આપણાં ભણેલા, પૈસાપાત્ર અને વિદ્વાન દલિતોની અને અનામતીયા ધારાસભ્યોની કોઈ જવાબદારી છે કે નહીં? કરોડો રૂપિયાની જમીન ગઈ ત્યારે કોંગ્રેસનું શાસન હતું. કોંગ્રેસ અને ભાજપ બંને સવર્ણ હિન્દુઓની A અને B ટીમ છે અને ગુનેગાર હું અને તમે અને આપણે બધા જ છીએ. બાબા સાહેબ આંબેડકરે આગ્રામાં દલિત કાર્યકરોની સભાને સંબોધતા કહેલું કે, માત્ર યોજનાઓ જ નહીં, પણ એ યોજનાનો લાભ દલિતોની ઝોળીમાં પડે એ જોવાની જવાબદારી તમારી છે. શું આપણે આ કરીએ છીએ ખરાં?
લેખક - વાલજીભાઈ પટેલ (સંકલનઃ ડો. પારિતોષ સરકાર)
આ પણ વાંચો : Exclusive: શું શહેરીકરણથી જ્ઞાતિ વ્યવસ્થા નબળી પડી છે?
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.