અનુસૂચિત જાતિનું અપમાન કરતા 14 ગામોના નામ બદલવા રજૂઆત કરાઈ
ગુજરાતમાં અનુસૂચિત જાતિનું અપમાન કરતા 14 ગામોના નામ બદલવા માટે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે.

ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં એવા ઘણાં ગામોમાં આવેલા છે જે સ્પષ્ટ રીતે અનુસૂચિત જાતિ સમાજનું ખૂલ્લેઆમ અપમાન કરતા હોય છે. આઝાદીકાળમાં આવા અનેક ગામોને તોછડી રીતે સંબોધીને આડકતરી (કે સીધી રીતે) સમસ્ત અનુ. જાતિ સમાજનું અપમાન કરવામાં આવતું હતું. દેશ આઝાદ થયો એ પછી પણ આવા અનેક ગામોના નામોમાં ફેરફાર કરાયો નથી. જેના કારણે રાજ્યભરમાં હજુ પણ એવા ગામો અસ્તિત્વ ધરાવે છે જે છડેચોક અનુસૂચિત જાતિ સમાજનું અપમાન કરતા હોય. આવા 14 ગામોના નામ બદલવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.
ગાંધીનગર સ્થિત દલિત અધિકાર સંઘ-ગુજરાત દ્વારા અનુસૂચિત જાતિઓનું અપમાન કરતા આવા 14 ગામોની યાદી તૈયાર કરીને તેના નામ બદલવા માટે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે.
દલિત અધિકાર સંઘ-ગુજરાતના પ્રમુખ જીતુભાઈ વાઘેલા અને અલ્પેશભાઈ વાઘેલાના લેટરહેડ પર કરવામાં આવેલી અરજીમાં મુખ્યમંત્રીને સંબોધીને કહેવામાં આવ્યું છે કે, રાજય સરકારે વર્ષ ૧૯૮૦-૮૧ માં જિલ્લા વહીવટી તંત્ર/શાળાઓ/કોલેજો તથા તમામ પ્રકારના રેવન્યુ રેકર્ડમાં કોઈ જગ્યાએ "હરિજન" કે "ગિરીજન" શબ્દ પ્રયોગ કરવો નહીં, તેના બદલે "અનુસૂચિત જાતિ" તથા "અનુસૂચિત જનજાતિ" તેવા શબ્દો વાપરવા જોઈએ.
આજ પ્રકારે રાજયની અનુસૂચિત જાતિઓની કેટલીક પેટા જાતિઓ જેવી કે "ઢેઢ", "ઢેઢ બાવા", "ભંગી", "સેનમા", "ગરો", "ગરોડા", "ચમાર" આ પ્રકારના ઉચ્ચારને પણ અપમાનજનક ગણીને અનુસૂચિત જાતિઓની ગરીમા જળવાઇ રહે તે હેતુથી, ઉપર મુજબના શબ્દોનો કોઇ જગ્યાએ ઉલ્લેખ ન કરતાં તેના પર્યાય શબ્દો જેવાં કે, "વણકર-સાધુ", "વાલ્મિકી", "સેનવા", "ગુરૂ બ્રાહ્મણ" કે "રોહિત" શબ્દોનો ઉપયોગ કરવાની વખતોવખત રાજય સરકારે સૂચનાઓ આપી છે.
આ પણ વાંચો: EXCLUSIVE: અમદાવાદમાં રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગની કચેરી રામભરોસે, 90 ટકા સ્ટાફની ઘટ
તેમ છતાં રાજ્યમાં એવા અનેક ગામો છે જેના સીધી કે આડકતરી રીતે અનુસૂચિત જાતિઓનું અપમાન થાય છે તેથી તે ગામોના નામ બદલવા જોઈએ.
અરજીમાં આગળ લખ્યું છે કે, રાજયના કેટલાંક જિલ્લાઓમાં અનુસૂચિત જાતિઓ માટે અપમાનજનક ગામોના નામ છે. જે સુધારવા માટે અમે તા. ૨૬/૧૧/૨૦૧૮ ના પત્રથી તત્કાલિન માન. મુખ્યમંત્રીશ્રીને રજુઆત પણ કરેલ હતી. તેની અરજી પણ મોકલીએ છીએ અને આ અપમાનજનક નામ ધરાવતા ગામોના નામો બદલવા રજૂઆત કરીએ છીએ.
ક્રમ ગામનું નામ તાલુકો જિલ્લો
1 ઢેઢખૂણાનેસ જામજોધપુર જામનગર
2 ઢેઢીયાનેસ જામજોધપુર જામનગર
3 ઢેઢ ખીજડીયા કાલાવાડ જામનગર
4 ઢેઢુડી જસદણ રાજકોટ
5 ચમારડી ભાવનગર ભાવનગર
6 ઢેઢુકી સાયલા સુરેન્દ્રનગર
7 ઢેઢપરા લખપત કચ્છ
8 ઢેઢડી લખપત કચ્છ
9 વાસણ ઢેઢાળ સાણંદ અમદાવાદ
10 ઢેઢાસણ વિરમગામ અમદાવાદ
11 ઢેઢાળ બાવળા અમદાવાદ
12 ઢેડીયા ઝાલોદ પંચમહાલ
13 ઢેડીયાનો નળો ઝાલોદ પંચમહાલ
14 ઢેઢાલ ડીસા બનાસકાંઠા
અરજીમાં જણાવાયું છે કે, ઉપરોકત ગામોના નામો સમગ્ર અનુસૂચિત જાતિ સમાજ માટે આપમાનજનક છે. કેમ કે, અનુસૂચિત જાતિઓ માટે બીન અનુસૂચિત જાતિના ઇસમો દ્વારા આ શબ્દોનો વારંવાર ઉપયોગ થતો હોવાનું એટ્રોસિટીના કેસમાં આપણે જોએએ છીએ. રાજયની ઘણી સ્વૈચ્છિક સંસ્થાઓએ આ ગામોના નામો બદલીને અનુસૂચિત જાતિના લોકોને ગરીમા બક્ષવા સરકારમાં અગાઉ પણ રજુઆતો કરી છે. પરંતુ કોઇ જ નક્કર પગલાં કેમ લેવાયા નથી. હાલમાં કેટલાંક રાજયના શહેરો અને રેલ્વે સ્ટેશનોના નામો બદલવામાં આવી રહ્યાં છે ત્યારે અનુસૂચિત જાતિ સમાજ માટેના ઉપર જણાવેલ ગામો તથા આ સિવાયના જો કોઈ ગામો હોય તો તે તમામના નામો તાત્કાલિક અસરથી બદલવાના હુકમ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.
આ મામલે વધુ કોઈપણ જાણકારી માટે દલિત અધિકાર સંઘ-ગુજરાતના નીચે મુજબ આપેલા હોદ્દેદારોનો સંપર્ક કરી શકો છો.
પી.બી. શ્રીમાળી - પ્રદેશ ઉપપ્રમુખ (મો. ૯૮૨૫૫૬૩૮૪૮)
વી.એલ.જાદવ - પ્રદેશ મહામંત્રી (મો. ૯૯૦૯૦૮૮૦૭૫)
આ પણ વાંચો: રાષ્ટ્રીય SC આયોગે 40 જેટલા મુદ્દે ગુજરાત સરકાર પાસે જવાબ માંગ્યો