ખેડામાં બે શાળાઓને વાલીઓએ વિચિત્ર કારણોસર તાળાં મારી દીધાં

ખેડામાં વિચિત્ર ઘટના બની છે. એક શાળામાં બદલી થયેલા શિક્ષક પરત આવતા તાળાં માર્યા, બીજીમાં શિક્ષકની બદલી થતા તાળાં મારી દીધાં.

ખેડામાં બે શાળાઓને વાલીઓએ વિચિત્ર કારણોસર તાળાં મારી દીધાં
image credit - Google images

ખેડા જિલ્લામાં બે અલગ અલગ ઘટનાઓમાં વાલીઓ દ્વારા શાળાઓની તાળાબંધીની વિચિત્ર ઘટનાઓ સામે આવી છે. એક શાળામાં વાલીઓએ બદલી થયેલા આચાર્ય ફરીથી શાળામાં પરત ફરતા તેમના વિરોધમાં શાળાને તાળાં મારી દીધાં હતા. બીજી ઘટનામાં વાલીઓએ વિદ્યાર્થીઓના ગમતા શિક્ષકની બદલી થતા શાળાને તાળાં મારી દીધાં હતા. આ બંને ઘટનાઓને લઈને હાલ સમગ્ર જિલ્લાના શિક્ષણ બેડામાં ચર્ચા થઈ રહી છે.

ખેડા જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકની બદલી કરાવવા અને અન્ય કિસ્સાઓમાં બદલી કરાવવા માટે વાલીઓ દ્વારા તાળાબંધી ની તલવાર ઉઠાવવામાં આવી રહી છે. બાળકોના હિતને આગળ ધરીને આડકતરી રીતે બાળકોનું અહિત કરી રહેલી તાળાબંધીની તલવાર અધિકારીઓનું નાક દબાવવામાં તો સારી કામ આવે છે પણ બાળકોના અભ્યાસ અને માનસિકતાને માઠી અસર પહોંચાડી શકે છે.

આ અંગે જાણવા મળ્યા મુજબ ગળતેશ્વર તાલુકાના મીઠાના મુવાડા ગામની પ્રાથમિક શાળાના આચાર્યની કેટલાક મહિનાઓ પહેલાં ગ્રામજનોની માંગણીને ધ્યાનમાં રાખીને અન્ય તાલુકામાં બદલી કરી દેવામાં આવી હતી. જોકે જિલ્લા કચેરી દ્વારા આજે બદલી કરાયેલ શિક્ષકને પરત શાળામાં મૂકવામાં આવતાં મીઠાના મુવાડા પ્રાથમિક શાળાના વાલીઓએ બાળકો સાથે શાળાને તાળાબંધી કરીને અનેકવિધ આક્ષેપો કર્યા હતા. જેને પગલે ભારે હોબાળો થયો હતો.

આ પણ વાંચો: આમાં કેવી રીતે 'ભણશે ગુજરાત'?

આનાથી તદ્દન વિપરીત બનાવ ઠાસરા તાલુકાના પિપલવાડા પે સેન્ટરની દીપકપુરા પ્રાથમિક શાળામાં જોવા મળ્યો હતો. અહીં શાળાના આચાર્યની બેદરકારીને કારણે છતના પોપડા પડવાથી બાળકોને ઈજાઓ થવાના મામલામાં અન્ય તાલુકામાં બદલી કરવામાં આવી હતી. જો કે બદલી કરાયેલ શાળાના આચાર્યની બદલી અટકાવવા ગામલોકોએ તાળાબંધી કરીને અધિકારીઓ ઉપર દબાણ બનાવવાની કોશિશ કરી હતી. 

આમ એક જ જિલ્લામાં તાળાબંધી નું શસ્ત્ર અલગ અલગ રીતે વાપરવામાં આવી રહ્યું છે ત્યારે સવાલો એવા ઉઠી રહ્યા છે કે શું તાળાબંધી કાયદેસર છે? શું તાળાબંધીના શસ્ત્ર સામે અધિકારીઓ નતમસ્તક થઈ જાય છે? શું તાળાબંધીનો દુરુપયોગ કેટલાક શિક્ષકો જ વાલીઓ પાસે કરાવી રહ્યાં છે? આવા અનેક સવાલોના જવાબો વણઉકલ્યા છે અને એટલે જ શિક્ષણ વિભાગે આ બાબતે નક્કર જવાબો શોધવા જરૂરી છે. બાકી કોઈપણ શિક્ષકની બદલી અટકાવવા અને કરાવવા વાલીઓ પાસે તાળાબંધી કરાવવી તે સામાન્ય થઈ જશે એમાં કોઈ બેમત નથી. આ બંને ઘટનાઓમાં સ્થાનિક સ્તરે વર્ચસ્વ ધરાવતી જાતિઓનું દબાણ અને જાતિવાદી રાજકારણ કામ કરતું હોવાનું પણ કહેવાય છે. જોવાનું એ રહે છે કે શિક્ષણ તંત્ર આમાં શું પગલાં લે છે.

આ પણ વાંચો: આણંદ જિલ્લાના 351 ગામો વચ્ચે માત્ર 15 સરકારી માધ્યમિક સ્કૂલો!


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.