હાઈકોર્ટમાં 1.70 લાખ, નીચલી કોર્ટોમાં 15 લાખથી વધુ કેસો પેન્ડિંગ

ગુજરાતમાં હાઈકોર્ટથી લઈને નીચલી કોર્ટ સુધી પેન્ડિંગ કેસોનો ખડકલો વધતો જઈ રહ્યો છે. આ રિપોર્ટ વાંચશો તો કેવી દયનિય સ્થિતિ પ્રવર્તે છે તેનો ખ્યાલ આવશે.

હાઈકોર્ટમાં 1.70 લાખ, નીચલી કોર્ટોમાં 15 લાખથી વધુ કેસો પેન્ડિંગ
image credit - Google images

ગુજરાતમાં હાઈકોર્ટથી લઈને છેક નીચલી કોર્ટો સુધીમાં લાખો કેસો પેન્ડિંગ હોવાની વિગતો મળી રહી છે. 4 નવેમ્બર, 2024ની દ્રષ્ટીએ ગુજરાત હાઇકોર્ટમાં કુલ 1.70 લાખ જેટલા કેસો પેન્ડિંગ છે. જે પૈકી 1.15 લાખ જેટલા કેસો દીવાની પ્રકારના છે. જ્યારે 54 હજાર કરતાં વધુ કેસો ફોજદારી પ્રકારના છે. ગુજરાત હાઇકોર્ટમાં કુલ 21 હજાર જેટલા કેસો 10 વર્ષ કરતાં વધુ સમયથી જૂના છે. જ્યારે 200થી વધુ કેસો 25 વર્ષ કરતાં પણ જૂના છે.

જિલ્લા-તાલુકાની કોર્ટોમાં 15.62 લાખ કેસો પેન્ડિંગ

ગુજરાતના વિવિધ જિલ્લાઓ અને તાલુકાઓમાં આવેલી કોર્ટોની વાત કરીએ તો આ કોર્ટોમાં પેન્ડિંગ કેસોની કુલ સંખ્યા 15.62 લાખ જેટલી છે. આ 15.62 લાખ કેસો પૈકી 77,000 જેટલા કેસો 10 વર્ષ કરતા જૂના છે. જ્યારે 4,641 જેટલા કેસો 25 વર્ષ કરતાં વધુ જૂના છે. ગુજરાતમાં આવેલી તમામ લેબરકોર્ટમાં કુલ 41,364 જેટલા કેસો પેન્ડિંગ છે. જે પૈકી 3,068 કેસો 10 વર્ષ કરતા વધુ જુના અને 388 જેટલા કેસો 20 વર્ષ કરતાં વધુ જુના છે. ગુજરાતમાં આવેલી તમામ જિલ્લાની ફેમિલી કોર્ટ મળીને આશરે 54 હજાર જેટલા કેસ પેન્ડિંગ છે.

અમદાવાદ જિલ્લા-તાલુકા કોર્ટોમાં 80 હજારથી વધુ કેસોનો ખડકલો

અમદાવાદ જિલ્લા કોર્ટ અને તેની અંતર્ગત આવતી તાલુકા કોર્ટોની વાત કરીએ તો કુલ 80,485 જેટલા કેસો પેન્ડિંગ છે. જે પૈકી 8,241 કેસો 10 વર્ષ કરતાં વધુ જુના અને 1225 કેસો 20 વર્ષ કરતાં વધુ જુના છે. અમદાવાદ શહેરમાં આવેલી સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટમાં કુલ 26,784 જેટલા કેસો પેન્ડિંગ છે. જે પૈકી 2,958 કેસો 10 વર્ષ કરતાં વધુ જુના અને 423 જેટલા કેસો 20 વર્ષ કરતાં વધુ જુના છે.

અમદાવાદના જિલ્લામાં આવેલી તમામ ફેમિલી કોર્ટમાં 11,133 જેટલા કેસો પેન્ડિંગ છે. જે પૈકી 10 વર્ષ કરતા વધુ જુના કેસો 23 છે. અમદાવાદ મેટ્રો કોર્ટમાં સૌથી વધુ 4,21,091 જેટલા કેસો પેન્ડિંગ છે. જે પૈકી 16,317 કેસો 10 વર્ષ કરતાં વધુ જુના, જ્યારે આશરે 4,800 જેટલા કેસો 20 વર્ષ કરતાં વધુ જુના છે.

રાજકોટ, સુરત, વડોદરાની કોર્ટોમાં પણ હજારો કેસો પેન્ડિંગ

ઉપરાંત રાજકોટ, સુરત અને વડોદરા જિલ્લા અને તેમાં તાલુકા કોર્ટની વાત કરીએ તો રાજકોટ જિલ્લામાં આવેલી કોર્ટોમાં કુલ 96,412 જેટલા કેસો પેન્ડિંગ છે. જે પૈકી 3600 કેસો 10 વર્ષ કરતાં વધુ સમય જૂના અને આશરે 760 કરતાં વધુ કેસો 20 વર્ષ કરતાં વધુ જૂના છે. જ્યારે ફેમિલી કોર્ટમા 3925 કેસો પૈકી 02 કેસ 10 વર્ષ કરતા જૂના છે. સુરતમાં જિલ્લામાં આવેલી કોર્ટોમાં 1.32 લાખ જેટલા કેસો પેન્ડિંગ છે. જે પૈકી 6,332 કેસો 10 વર્ષ કરતાં વધુ જુના અને આશરે 1200 કરતા વધુ કેસો 20 વર્ષ કરતાં વધુ જૂના છે. સુરતની ફેમિલી કોર્ટમાં 5801 કેસ પેન્ડિંગ છે. જે પૈકી 01 કેસ 10 વર્ષ જૂનો છે. જ્યારે વડોદરા જિલ્લામાં આવેલી કોર્ટોમાં 87,962 જેટલા કેસો પેન્ડિંગ છે તે પૈકી 4,668 જેટલા કેસો 10 વર્ષ કરતાં વધુ જૂના અને આશરે 1180 જેટલા કેસો 20 વર્ષ કરતાં વધુ જુના છે. વડોદરા ફેમિલી કોર્ટમા 6924 કેસો પૈકી 07 કેસ 10 વર્ષ કરતા વધુ જૂના છે

આ પણ વાંચો: દલિત અત્યાચારના 97 ટકા કેસો માત્ર 13 રાજ્યોમાં નોંધાય છેઃ રિપોર્ટ


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.