ગુનો બન્યા પછી કરવામાં આવતી તબક્કાવાર પોલીસ કાર્યવાહીની સમજ

દેશના કોઈપણ ખૂણે બહુજનો પર અત્યાચાર થાય છે ત્યારે સૌથી વધુ છીંડા પોલીસ ફરિયાદ નોંધાવવામાં રહી જાય છે. જેનો લાભ છેવટે આરોપીઓને મળે છે. આવું ન થાય તે માટે પોલીસ કાર્યવાહીની સમજ હોવી જરૂરી છે, એટલે જ અહીં તેની તબક્કાવાર જાણકારી રજૂ કરી છે.

ગુનો બન્યા પછી કરવામાં આવતી તબક્કાવાર પોલીસ કાર્યવાહીની સમજ
Photo By Google Images

ફરિયાદ- FIR (First Information Report)

એફ.આઈ.આર. એટલે શું? – ગુનો બન્યાની પ્રાથમિક જાણકારી આપતો અહેવાલ એટલે એફઆઈઆર.
ગુનો એટલે કાયદા વિરુદ્ધનું કૃત્ય અથવા કૃત્યલોપ.
ગુનાના બે પ્રકાર છે - કોગ્નિઝેબલ અને નોન કોગ્નિઝેબલ. કોગ્નિઝેબલ ગુનાની ફરિયાદ નોંધવી ફરજીયાત છે. કોગ્નિઝેબલ ગુનો એટલે પોલીસ અધિકારનો ગુનો, જેમાં પોલીસ અધિકારી સ્વતંત્ર તપાસ કરી શકે અને વગર વોરંટે કોઈપણ ગુનેગારની ધરપકડ કરી શકે તેવા ગુનો.
નોન કોગ્નિઝેબલ ગુનો જેને NC ગુના કહેવાય, મેજિસ્ટ્રેટના હુકમ વગર પોલીસ તેમાં તપાસ ન કરી શકે, આવા ગુના માટે પોલીસ સ્ટેશનમાં NC રજીસ્ટર હોય છે તેમાં નોંધવામાં આવે છે.
ગુના બે પ્રકારના હોય છે – જામીનપાત્ર અને બિન જામીનપાત્ર. ઓછા ગંભીર ગુના જામીન પાત્ર હોય છે જેમાં કોર્ટે જામીન આપવા જ પડે. જ્યારે બિન જામીનપાત્ર ગુનાઓમાં કોર્ટ જામીન આપે અને ન પણ આપે, અહીં કેસના ગુણદોષ પર નિર્ણય લે છે.

ગુનો બન્યા પછી તરત શું કરવું?

ગુનો બને એટલે તરતજ નજીકના પોલીસ સ્ટેશને પહોંચીને ફરિયાદ નોંધાવવી જોઈએ.
ભોગ બનનાર વ્યક્તિ પોતે જ ફરિયાદ નોંધાવે તો ફરિયાદ વધારે મજબૂત બને છે.
જો વ્યક્તિ સ્થળ ઉપર મૃત્યુ પામેલ હોય અથવા ગંભીર હાલતમાં હોય તો ગુના વખતે એની સાથે હાજર વ્યક્તિ ફરિયાદ નોંધાવી શકે.
કોઈ પણ વ્યક્તિ ફરિયાદી ના હોય તો પોલીસ ખુદ ફરિયાદી બની શકે. દા.ત. અજાણી વ્યક્તિની લાશ સંદિગ્ધ હાલતમાં મળી હોય અને કોઈ જ ફરીયાદી ન હોય ત્યારે. 

ફરિયાદ ત્રણ રીતે નોંધાવી શકાય

(1)    સીધા નજીકના પોલીસ સ્ટેશનમાં જઈને.
(2)    જો પોલીસ ફરિયાદ ન લે તો (DSP) એટલે કે જીલ્લાના પોલીસ વડાને રજીસ્ટર એ.ડી.થી
(3)    સીધી કોર્ટમાં વકીલ મારફતે જેને ખાનગી ફરિયાદ કહેવાય.

ફરિયાદમાં શું લખાવવું?

ફરિયાદમાં ગુનો કરનારનું નામ અને સરનામું લખાવવું. જો તે ખબર ન હોય તો તેની ઓળખના નિશાન. ઓળખના નિશાન એટલે કે દેખાવ કેવો હતો, શરીરનો બાંધો, કપડા કેવા પહેર્યા હતા વગેરે. ગુનાનો ભોગ બનનારને થયેલી શારીરિક ઈજાઓ. મિલકત, ઘરવખરી તથા અન્ય વસ્તુના નુકશાનની માહિતી. ગુનામાં વાપરવામાં આવેલ હથિયારો, સાક્ષીઓના નામ, સરનામાં.

યાદ રાખો

૦(ઝીરો) નંબરથી દેશના કોઈપણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી શકાય છે.
તાલુકા મેજીસ્ટ્રેટ(મામલતદાર) ને લેખિત ફરિયાદ આપી શકાય છે, અને તાલુકા મેજીસ્ટ્રેટ આફરિયાદમાં ‘શેરા’ સાથે  સબંધિત પોલીસ સ્ટેશન અધિકારીને ગુનો દાખલ કરવા મોકલશે. (ગુજરાત સરકાર ગૃહ વિભાગના ઠરાવ ક્રમાંક-પસફ-૨૯૯૮-૨૫૧૧-ડ, સચિવાલય, ગાંધીનગર તા.૨૨.૪.૯૮ મુજબ)
FIR જાહેર દસ્તાવેજ છે, જે કોઈ પણ વ્યક્તિ ફી ભરી પોલીસ સ્ટેશન અથવા તો કોર્ટમાંથી તેની નકલ મેળવી શકે. 
એકની એક ફરિયાદ બીજી વખત લખવાની પોલીસ ના પાડી શકે.
ફરિયાદ વાંચી કે સાંભળ્યા પછી તેમાં સહી કરવાની.
ફરિયાદની નકલ પૈસા આપ્યા વિના મેળવવાનો ફરિયાદીને અધિકાર છે.

ઈજા પામનારને સરકારી દવાખાને લઇ જવા માટે 

પોલીસ સ્ટેશન યાદી (લેખિત ચિઠ્ઠી) લઈને સરકારી દવાખાને ઈજા પામનારને લઇ જવો.
સરકારી ડોક્ટર પાસેથી યોગ્ય ફોર્મ ઉપર સહી સાથે ઈજાનું સર્ટિફીકેટ લેવું.
જો કોઈ સ્ત્રી ઉપર બળાત્કાર થયેલ હોય તો બળાત્કાર સમયે પહેરેલા કપડા સાથે તેને દવાખાને લઇ જવી.
બળાત્કારનો  ભોગ બનેલી સ્ત્રીને જ્યાં સુધી ફરિયાદ દાખલ ન થાય અને તેની તબીબી તપાસ ન થાય ત્યાં સુધી તેને સ્નાન કરવા દેવું નથી.
સરકારી ડોક્ટર પાસે શરીરની તપાસ કરાવવી. યાદ રાખવું કે ડોક્ટર કોઈ સ્ત્રી હોય, અથવા જો કોઈ પુરૂષ હોય તો જયારે તપાસ કરે ત્યારે સ્ત્રી નર્સને પણ હાજર રાખવી.
અત્યાચારમાં ગંભીર ઈજા પામેલ વ્યક્તિને, તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડી ત્યાં સારવાર કરનાર ડોકટરને વાત કરતા તે મેડીકોલીગલ કેસ કાગળો બનવાશે અને નજીકના પોલીસ સ્ટેશનમાં બનાવની જાણ કરશે.

બનાવના સ્થળ ઉપર પોલીસ દ્વારા તપાસ 

ફરિયાદની ચકાસણી માટે પોલીસ દ્વારા કરવામાં આવતી કાર્યવાહીને પોલીસ તપાસ કહે છે. કોગ્નિઝેબલ ગુનાની પ્રથમ માહિતી આપવામાં આવે ત્યાંથી પોલીસ તપાસનો આરંભ થાય છે. જેમાં સ્થળ પર જઈ તપાસ કરવી, નિવેદનો લેવા, ઘટના અને સંજોગોની ચકાસણી, આરોપીની ધરપકડ, ઈજાના સારવાર અંગેના મેડીકલ સર્ટિફિકેટ લેવા, લાશને દવાખાને પી.એમ. માટે મોકલવી, કરેલ કાર્યવાહીનો રિપોર્ટ અદાલતને સોંપવો વગેરેનો સમાવેશ થાય છે. ફરિયાદ નોંધાવ્યા પછી પોલીસ બનાવના સ્થળે તપાસ કરવા આવે છે.

યાદ રાખવું: 

બનવાની જગ્યા ઉપર કોઇપણ વસ્તુને અડવા દેવું નહી. ત્યાં કોઈને પણ હલનચલન કરવા દેવું નહી. જગ્યાની સાફ સફાઈ કરવી કી કરાવવી નહી.
જો લાશ પડી હોય તો તેને પણ અડવું કે અડવા દેવું નહી. એ જે સ્થિતિમાં છે તેવી જ રીતે રહેવા દેવી.

બનાવના સ્થળનું પંચનામું 

પોલીસ અધિકારી જે ગામમાં ગુનો બન્યો હોય ત્યાનાં જ વ્યક્તિઓની પસંદગી કરીને તેમની હાજરીમાં બનાવનાં સ્થળનું પંચનામું કરે છે.
પંચો બનાવના સ્થળે જે પરિસ્થિતિ હોય એટલે કે નુકશાની, તોડ-ફોડ વગેરે જોઈને લેખિતમાં દસ્તાવેજ બનાવે છે.

બનાવના સ્થળ પર લાશનું પંચનામું 

લાશનું પંચનામું તાલુકાના મામલતદાર દ્વારા કરવામાં આવે છે. જો કોઈ કારણવશ તે ન આવી શકે તેમ હોય તો પોલીસ અધિકારી ઓછામાં ઓછા બે અથવા વધારે આબરૂદાર માણસોને એકઠા કરી લાશની રૂબરૂ તપાસ કરે છે.

લાશના પંચનામામાં નીચે લખેલ વિગતો હોય છે

પોલીસ સ્ટેશનનું સરનામું 
પંચનામું ભર્યાનું સ્થળ, સમય, તારીખ 
ફરિયાદ-ખબર આપનારનું નામ 
મરનારનું નામ, સરનામું, ઉમર, જાતિ 
શબ મળ્યું હોય તે જગ્યાથી નજીકનું પોલીસ સ્ટેશન કેટલું દૂર છે.
મૃત્યુનું કારણ, તારીખ, સમય 
શબની સ્થિતિ અને તેનું વર્ણન 
શબ ઉપર દાગીના કે કોઈ ચિઠ્ઠી મળી હોય તો તે નોંધવામાં આવે છે.

આરોપી-ગુનેગારની ધરપકડ 

ફરિયાદ નોંધાવ્યા પછી પોલીસ ગુનેગારની ધરપડક કરે છે. ધરપકડ બે રીતે થઇ શકે છે. 
વોરંટ સાથે: જો ગંભીર ગુનો ન હોય ત્યારે પોલીસે ન્યાયાધીશનો લેખિત હુકમ લઈને ધરપકડ કરવી પડે છે. 
વોરંટ વગર: ગંભીર ગુનામાં પોલીસ વોરંટ વગર ધરપકડ કરી શકે છે. 
વોરંટ: વોરંટ એટલે મેજીસ્ટ્રેટ દ્વારા, પોલીસને ધરપકડનો હુકમ હોય.
- સર્ચ વોરંટ (તાલાશીનું વોરંટ): ચોરીનો માલ, નકલી દસ્તાવેજો, અદાલતમાં ના લાવી શકાય તેવી વસ્તુઓ, ગેરકાયદેસરનું છાપકામ અને ગેરકાયદેસર રીતે કબજામાં હોય તેવી વ્યક્તિને છોડાવવા માટે પોલીસ સર્ચ વોરંટ મેળવે છે જેમાં,
- ધરપકડ કરતી વખતે પોલીસે પોતાની ઓળખ આપવી અને શા માટે આવ્યા છે તે જણાવવું. જો કોઈ પોલીસને તલાશી લેતા અટકાવે તો પોલીસ, તે વ્યક્તિ ઉપર બળ વાપરી શકે છે

મૃત્યુ પહેલા નિવેદન 

ગુનાનો ભોગ બનનારને જયારે ગંભીર ઈજા પહોંચી હોય અને તાલુકાના મામલતદારને લાગે કે તે વધારે જીવી નહી શકે ત્યારે મામલતદાર તે વ્યક્તિનું મૃત્યુ પહેલા નિવેદન લે છે. નિવેદન લીધા પછી તે વ્યક્તિની સહી અથવા અંગૂઠાનું નિશાન લેવામાં આવે છે. ખાસ સંજોગોમાં જો મામલતદાર ન હોય તો પોલીસ અધિકારી નિવેદન લઇ શકે છે.
યાદ રાખવું: જો વ્યક્તિ બેભાન કે બોલી શકવાની હાલતમાં ન હોય તો નિવેદન અપાવવું નહી.

સ્ટેટમેન્ટ એટલે નિવેદન 

ફરિયાદ નોંધાવ્યા પછી પોલીસ ફરિયાદી અને સક્ષીઓના જવાબો/નિવેદનો લે છે.
નિવેદનોમાં તેઓએ બનાવ સમયે જે કંઈ પોતાની નજરે જોયું હોય તે લખવામાં આવે છે. કોર્ટમાં જયારે કેસ ચલાવવામાં આવે છે ત્યારે આ નિવેદનના આધારે ન્યાયધીશની સમક્ષ ફરિયાદી અને સાક્ષીઓની જુબાની લેવામાં આવે છે.
યાદ રાખવુઃ પોલીસને આપેલ નિવેદન પ્રમાણે જ કોર્ટમાં જુબાની અપાય તે ખૂબ જ જરૂરી છે.

સમરી એટલે અભિપ્રાય

ગુનાની તપાસ દરમિયાન જો તપાસ કરનાર પોલીસ અધિકારીઓના મનમાં જો શંકા ઉભી થાય તો તે બનાવ વિશે પોતાનો અભિપ્રાય તે ત્રણ રીતે મૂકી શકે છે. જેને સમરી કહેવાય છે. સમરી ત્રણ રીતે અપાય.
૧. A – સમરી- બનાવ સાચો છે પણ આરોપી મળતા નથી.
૨. B - સમરી - ગુનાની ફરિયાદ ખોટી છે.
૩. C – સમરી - ફરિયાદ સાચી પણ નથી અને ખોટી પણ નથી (પુરાવા મળતા નથી)
યાદ રાખવું: સમરી ભરવા માટે પોલીસે ફરિયાદીની સંમતિ લેવી જરૂરી છે અને આ સમરીને કોર્ટમાં પડકારી શકાય છે.

ચાર્જશીટ ભરવી 

ગુનાને લગતી બધી તપાસ કરીને પોલીસ ન્યાયધીશ સમક્ષ પોતાનો રિપોર્ટ રજૂ કરે છે. જેને ચાર્જશીટ કહેવામાં આવે છે. ચાર્જશીટ એટલે તહોમતનામું, ફરિયાદ નોંધાવ્યા પછી ૯૦ દિવસની અંદર પોલીસે ચાર્જશીટ ફરિયાદ કોર્ટમાં દાખલ થાય છે. કોર્ટમાં ફરિયાદ દાખલ થયા પછી ફરિયાદને કેસ કહેવાય છે અને તેને કેસ નંબર આપવામાં આવે છે.

યાદ રાખવું:

પોલીસ સમક્ષ આપેલ નિવેદન કે કબૂલાત કોર્ટમાં માન્ય રહેતી નથી, કદાચ આવી કબૂલાત કે નિવેદન માર મારવાથી, બીક બતાવી, દબાણ કરી, ડરના માર્યા પણ હોય શકે તેમજ કોઈ વ્યક્તિને તેની પોતાની સામે પુરાવા આપવા કે નિવેદન આપવા કાયદાની વિરુદ્ધ છે.

આ પણ વાંચો : દલિત-આદિવાસીઓના નામે કરોડોની સરકારી જમીનો લઈ સવર્ણોએ ફ્લેટ બનાવ્યા?

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.